
ગાંધીજી રાજકોટમાં ભણ્યા હતા. એ સ્કૂલમાં હવે સંગ્રહાલય બનાવી દેવાયું છે. રાજકોટમાં અડધો દિવસનો સમય કાઢીને જોવા જેવી જગ્યા છે.
નિતુલ જે. મોડાસિયા

પોરબંદરમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી મોહનદાસ વધુ અભ્યાસ માટે રાજકોટ આવ્યા હતા. જ્યાં ભણ્યાં એ આલ્ફ્રેડ હાઈસ્કૂલ, પછી મહાત્મા ગાંધી વિદ્યાલય અને હવે એ સ્થળે ગાંધીજીના જીવન-કાર્યને રજૂ કરતું સૌરાષ્ટ્રમાં સર્વોત્તમ કહી શકાય એવુ સંગ્રહાલય બન્યું છે.

આલ્ફ્રેડ સ્કૂલ નો ઇતિહાસ જાણવા લાયક છે. તેનું નિર્માણ બ્રિટિશ રાજ ના હેઠળ ૧૭ઓક્ટોબર ૧૭૫૩માં કરવામાં આવ્યું હતું. જૂનાગઢના નવાબ દ્વારા સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શરૂઆતના દિવસોમાં તેને રાજકોટ હાઇસ્કુલના નામથી ઓળખવામાં આવતી. ત્યારબાદ ૧૯૦૭માં તેને આલ્ફ્રેડ હાઇસ્કુલ નામ અપાયું.

ગાંધીજી ૧૮૮૭માં અઢાર વર્ષની વયે આ સ્કૂલમાંથી બહાર પડ્યા હતા. આઝાદી બાદ આ સ્કૂલ ને ગાંધીજીનું નામ અપાયું અને ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ તેને એક મ્યુઝિયમમાં બદલવામાં આવી.

રાજકોટ આવનારા દરેક પ્રવાસીઓએ એકવાર અચૂકપણે મુલાકાત કરવા લાયક આ સ્થળ છે. મહાત્મા ગાંધી સ્કૂલ અથવા આલ્ફ્રેડ હાઇસ્કુલની બનાવટ ખુબ સરસ અને જોવાલાયક છે. અંગ્રેજી બનાવટ (બ્રિટિશ સ્થાપત્ય પ્રમાણે)ની બનેલી આ સ્કૂલ ઉત્તમ કારીગરી નું એક સરસ નમૂનો છે.

આ મ્યુઝિયમમાં 50થી પણ વધારે ઓરડાઓમાં ગાંધીજીના જીવન નું વર્ણન કરતા અસંખ્ય લેખ, સર્ટિફિકેટ્સ, સ્લાઇડ્-શૉ અને પુતળા ઓ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. મ્યુઝિયમમાં પ્રવેશ કરતા જ શરૂઆતમાં અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમનું ચિત્ર દર્શાવવામાં આવ્યો છે.

ગાંધીજીના જીવન અને આઝાદીની લડત વિશેનાં વિવિધ આર્ટીકલ્સ પણ આ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે. ગાંધીજીના જન્મથી માંડી ને તેમના બેરિસ્ટર થવા, આઝાદીના માટે લડત શરૃ કરવી, વિવિધ ચળવળ, આગાખાન પેલેસમાં બંદી સહિતના તેમના મૃત્યુ સુધીના ધટનાક્રમો દર્શાવતી તમામ વિગતો આ મ્યુઝિયમમાં ખુબ સરસ રીતે દર્શાવવામાં આવી છે.

બે માળની આ સ્કૂલમાં નીચેના માળે ગાંધીજીના જીવનની તમામ વિગત દર્શાવવામાં આવી છે અને ઉપરના માળે તેમના જીવનના મહત્વના સુત્રોને વિવિધ પ્રકારે દર્શાવવામાં આવ્યા છે. બાળકોને ભણાવતા ગાંધીજીનું પૂતળું અને તેમના ત્રણ વાંદરાઓ ના બાવલા બાળકોને આનંદ અપાવે તેવા છે. આ બધા સિવાય આખા મ્યુઝિયમમાં અમુક ઓરડાઓમાં ગાંધીજી વિશે સવાલો પૂછતી સ્ક્રીન ગોઠવવામાં આવી છે જેનો પણ આનંદ બાળકો ખૂબ રસથી ઉઠાવી શકે છે.

ગાંધીજીના જીવન વિશે અને જીવન મૂલ્યાંકન વિશે કોઈને જાણવું હોય તો આ જગ્યા ઉત્તમ વિકલ્પ છે. માત્ર 25 રૂપિયાના નજીવા ખર્ચે આપણે ગાંધીજીના જીવનને ખૂબ ઊંડાણથી જોઈ અને જાણી શકીએ છીએ. આ મ્યુઝીયમમાં બાળકોથી લઇ અને વૃદ્ધ માણસો સુધી સૌને મજા આવે તેવી રીતે દરેક વસ્તુ દર્શાવવામાં આવી છે.

સાંજે ૬ વાગ્યે સ્કૂલના પરિસરમાં યોજાતો લાઇટ શો પણ જોવાલાયક છે. આ લાઈટ શોમાં ગાંધીજીના જીવનનું આખું ચિત્રણ દર્શાવવામાં આવે છે. વિવિધ પ્રકારની લાઈટો અને એનિમેશનની મદદથી આ કાર્યક્રમને ખૂબ મનોરંજક બનાવાયો છે. અડધા દિવસનો પ્રવાસ માટે આ જગ્યા ઉત્તમ વિકલ્પ છે.

મ્યુઝિયમની સફરના અંતમાં ગાંધીજીનો ક્લાસરૂમ આવેલો છે જ્યાં તેઓ ભણતા હતા. આજે પણ તે ક્લાસરૂમ ને તેવી સ્થિતિમાં પ્રસ્તુત કર્યો છે જવૉ તે જમાનામાં હતો. ગાંધીજીના જીવન પર લખાયેલા પુસ્તકો લેવાની ઈચ્છા હોય તો તે પણ ત્યાં મળી રહે છે. ગાંધીજી વિશે જાણવા ઈચ્છતા લોકોને ખૂબ સરળતાથી અને સમજાય તેવી ભાષામાં જાણકારી આ મ્યુઝિયમ થી મળી રહે છે અને તે માટે જ મહાત્મા ગાંધી મ્યુઝિયમ અનોખું છે.

જતાં પહેલા જાણી લો
- મ્યુઝિયમ સવારના ૧૦થી ૬ સુધી ખુલ્લું રહે છે, પણ પ્રવેશ ૫ વાગ્યા પછી મળતો નથી.
- પ્રવેશ માટે બાળકોની ૧૦ રૃપિયા અને ૧૨ વર્ષથી ઉપરના માટે ૨૫ રૃપિયા ટિકિટ છે.
- સાંજે સાડા સાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાય છે અને આ ટિકિટમાં જ તેનો સમાવેશ થઈ જાય છે. અલગ ટિકિટની જરૃરી નથી.
- કોઈએ માત્ર લાઈટ એન્ડ સાઉન્ડ શો જોવો હોય તો પણ ટિકિટ પાંચ વાગ્યા પહેલા લેવી પડશે, પછી નહીં મળે.
- મ્યુઝિયમની વેબસાઈટ https://www.mgmrajkot.com/ પર પણ ટિકિટ મળી શકશે.
Nice and very informative content.