અશ્વીની ભટ્ટે લજ્જા સન્યાલ છેક ૧૯૭૯માં લખી હતી. તેમાં વળી ૧૯૭૧ના બાંગ્લાદેશ યુદ્ધનો આછો-પાતળો ઉલ્લેખ પણ આવે છે. એટલે કે લગભગ અડધી સદી જૂની કથા છે, પણ સસ્પેન્સ-થ્રીલ-થન્ડર બધુ અકબંધ છે.
પ્રકાશક – સાર્થક પ્રકાશન
કિંમત – ૨૨૫
પાનાં – ૨૨૬
મને અવિરત પ્રવાસી થવાની આકાંક્ષા દિવસ-રાત કોરી ખાય છે, એટલે જ્યારે પણમોકો મળે છે ત્યારે ચાર દીવાલોથી ભાગી છૂટું છું. મહારાષ્ટ્રમાં મને ફરવાની અજબ તક મળેલી. લગભગ એક વર્ષ સુધી રોજરોજ પચાસથી સો કિલોમીટર ફરવાનું થતું. એ અરસામાં લજ્જા સન્યાલએ આકાર લીધો.
પ્રસ્તાવનામાં આટલી સ્પષ્ટતા અશ્વિની ભટ્ટે કરી દીધી છે. એટલે કથા ક્યાંની છે એ સમજ પડે છે. આમ તો કથા ક્યાંની કરતાં શું છે એ મહત્ત્વનું હોય છે. પણ અશ્વિની ભટ્ટ તેની કથામાં ભૌગૌલિક વર્ણનો પણ ભારે તલ્લીનતાથી કરતાં. એટલે આ કથા વાંચતાં વાંચતા ખંડાલા, ભીમાશંકર, ખપોલી, પુના.. આસપાસનો ખીણ-જંગલ વિસ્તાર ફરવા મળે છે. એ પુસ્તકમાં ઊંડા ઉતરીએ અને કેટલાક વન-ટુ-થ્રી લાઈનર્સ જોઈએ..
- આજે ચૂકાદાનો દિવસ હતો. છેલ્લા અઢી મહિનાથી ચાલતા એ નાટકનો આજે પડદો પડવાનો હતો.
- મારા પ્રત્યેની દિલચસ્પી, પ્યાર, હવસ, આકાંક્ષા કે સ્તબ્ધતા જે હરહંમેશ મને એ નજરોમાં દેખાતી હતી તે આજે જડતી ન હતી.
- મારા અંગોને જ ચલચિત્રમાં પ્રાધાન્ય મળે નહીં તેનું હું ખાસ ધ્યાન રાખતી.
- મને ઘણી વાર આશ્ચર્ય થાય છે કે શું ફિલ્મની અભિનેત્રી કોઈ મર્દની બહેન થઈ જ ન શકે?
- પૂર્વ બંગાળ જ્યારે પાકિસ્તાનનો ભાગ બન્યું ત્યારે લાખો નિરાશ્રિતોની સાથે હું પણ કલકતા આવી હતી.
- નહીં લજ્જા.. તને જન્મકેદની સજા કરવામાં આવી છે.
- એ વિનાયક મૃત્યુ પામ્યો હતો. તેનું… તેનું ખૂન થયું હતું. એ ખૂન માટે જ… એ વિનાયકની હત્યા માટે જ આજે મને જનમટીપની સજા મળી હતી.
- પણ સુંદરતા કોને કહેવાય એ તો આદમી જ્યારે તમને જુએ ત્યારે જ સમજી શકે.
- મને એ વખતે ખબર ન હતી કે સત્ય એ જ, આ વિચિત્ર દુનિયાનો મોટો ભ્રમ છે, છેતરપિંડીની એક સુજ્ઞ પરિભાષા છે.
- તે પછી તેમણે ટેલિફોન એક્સચેન્જમાં વિનાયકનો નંબર જોડી આપવા વિનંતી કરી હતી.
- યોર ઓનર, લજ્જા અને વિનાયક ગાઢ પરિતિચ વ્યક્તિઓ હતાં, તો પછી આ ખૂન કરવાનો હેતુ શો?
- એ ફોટોગ્રાફને પ્રથમ પારિતોષિક મળ્યું હતું અને વિશ્વભરમાં તે ફોટો પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે, છતાં આજ દિવસ સુધી કોઈને ખબર નથી કે ફોટોગ્રાફમાં હું છું.
- મને લાજુડી કહેતો. પહેલાં તો મને એમ જ હતું કે જેમ હિન્દીમાં નામની પાછળ ‘જી’ લગાડીને માનાર્થ સ્વરૃપ અપાય છે, તેમ ગુજરાતીમાં ‘ડી’ લગાડીને માનવાચક નામ બનતું હશે.
- ઇંગ્માર બર્ગમેન જેવા નિર્માતાઓએ મને દુનિયાની દસ પ્રથમ પંક્તિની અભિનેત્રીઓમાં મૂકી હતી.
- અહીં લોકોને એમ જ છે કે ટોર્કી મૂસો જરૃર દાણચોરી કરતો હશે. મેડમ, તમને ખબર નથી, સોનામાં કેટલી કમાણી છે?
- જોસેફ જે રીતે મને જોતો હતો, તેનાથી મને સંકોચ પણ થતો હતો.
- હું એટલી બધી સ્તબ્ધ થઈ ગઈ હતી કે પાણીમાં પડી ત્યારે જ ખબર પડી કે વિનાયકે મને ધક્કો માર્યો હતો.
- સ્ત્રી પોતે સુંદરતાનું એક પ્રતીક છે અને સૌંદર્યનું દર્શન જો તર્કશુદ્ધ હોય તો તેમાં કશી અશ્લીલતા નથી તેમ હું માનતી હતી.
- છતાં હું એક એવી દુનિયામાં જરૃર હતી જ્યાં શરાબ પીવામાં જૂઠી શરાફત લેખાય છે.
- તુ પુરુષ છે અને આધિપત્ય સિવાય સ્ત્રીને જોવાની તારામાં કોઈ શક્તિ નથી. દૃષ્ટિ નથી.
- કોઈ પણ સ્ત્રીને પરણવુ ગમતું જ હોય છે અને અભિનેત્રી તેમાંથી બાકાત નથી.
- અત્યાર સુધીમાં મને પચીસ ઉપરાંત ઉમેદવારોએ પરણવાના પ્રસ્તાવ કર્યા હતા.
- માબાપો ભલે માનતા કે તેમનાં કિશોર-કિશોરીઓ તદ્દન નિર્મળ છે, પણ નિર્મળ હોય તો એ કિશોરાવસ્થા નથી.
- આખરે એક વખત એવો મારા જીવનમાં આવ્યો કે જ્યારે હું કહી શકું તેમ હતી કે આવતી કાલે.. પરમ દિવસે.. તે પછીના દિવસે હું ક્યાં હોઈશ.
- હું ખૂની હોઉં કે ન હોઉં પણ એક લાજવાબ યુવતી હતી અને ઈન્સપેક્ટર ઘરડો કે રસહીન આદમી ન હતો.
- થોડી વાર પહેલાં હું મોત ઈચ્છતી હતી અને અત્યારે જીવવા માટે તલસી રહી હતી.
- માણસના મન પર સંવેગ સવાર થયા પછી બુદ્ધિ ચાલતી નથી.
- પોલીસ પણ વગર મહેનતે મને શોધી કાઢે તેવુ પણ મને ગમતું ન હતું.
- પણ દર્દ કરતાં મને આઘાત એ લાગતો હતો કે ભારતભરમાં મને ન ઓળખે તેવો માણસ હોઈ શકે!
- ફિલ્મી દુનિયામાં તમે નામ કમાઓ ત્યારે તમારો અહમ એટલો પોષાતો હોય છે કે તમારા પ્રત્યે સહેજ પણ આડોડાઈથી કોઈ વર્તે તો તે સહન નથી થતું.
- મારું નામ અચલ છે.. અચલ રીખી. ધંધો તને નહીં સમજાય.
- સ્ત્રી-દાક્ષિણ્ય જેવી ચીજ તમને ખબર છે ખરી?
- અને એક ખુરશીમાં મેં જોયું અને હું પડવા જેવી થઈ ગઈ. એ ખુરશીમાં ચિત્તો બેઠો હતો, તેના પગ પર લાકડાના દંડા બાંધેલા હતા.
- પણ મેં ખૂન નથી કર્યું તેવું માનવા તે તૈયાર ન હતો. અદાલતનો ફેંસલો કોઈ મૂર્ખાઓ નથી આપતા.
- ટોઈલેટ અને અભિનેત્રી! કેવું વિચિત્ર, કેટલું ઇમેજ તોડનારું જોડાણ હતું!
- ક્યાંય સુધી સામેની ફોલ્ડિંગ ખુરશીમાં બેઠેલા ચિત્તા સામે મેં જોયાં કર્યું. એ જાનવર અને હું.. અમે બંને એક જ મુસીબતમાં હતા.
- જ્યારે તમે જીવ પર આવી જાઓ છો ત્યારે હારવાની બીક ચાલી જાય છે.
- આખરે એક વ્યક્તિ મને નિર્દોષ માનવા તૈયાર થઈ હતી.
- જંગલની શાંતિમાં નાનકડા અવાજો પણ જાણે સ્ટિરિયોફોનિક સ્પીકરોમાંથી આવતા અવાજો જેવા લાગતા હોય છે.
- એ જ કહું છું ને કે આવી ભાગેડુ ઓરતને આશરો ન આપો એવા અરોમાંચક તમે લાગતા નથી.
- મિ.બેનરજી, જે બાઈ પોલીસવાનમાંથી ભાગતી વખતે પેકેટ ન ભૂલે એ તમને આપી જાય તે ગળે ઊતરે એવી વાત નથી.
- અલ્યા, આ પગ તૂટેલા ચિત્તાને હું વેચું તો પણ પાંચ હજાર પેદા કરી શકું અને પચીસ હજારની કિંમતની લડકીના તું મને બે હજાર આપવા માંગે છે?
- ફિલ્મની બહાર પણ આવું દૃશ્ય સંભવી શકે તે મેં આજે જ જોયું હતું.
- પણ ટોર્કી મૂસાએ તેનું કાસળ કાઢી નાખ્યું છે તેમાં મને હવે શંકા નથી.
- સ્ત્રીઓનું આ જ દુઃખ છે. પ્રશ્નોનો અંત નહીં.
- તે વખતે મારી એક જ આકાંક્ષા હતી, એક જ ધ્યેય હતું : મારે આપઘાત જ કરવો હતો.
- બેટરીઓના પ્રકાશથી આખો રસ્તો નાના નાના તેજઃપૂંજથી છવાઈ ગયો હતો.
- આવી ખૂબસૂરત ઓરત આપઘાત કરવાનું વિચારે નહીં.
- જાણે કોઈ ધોવાના સાબુની જાહેરાત કરવા માટે ફરતો હોય તેટલાં સફેદ તેનાં કપડાં હતા.
- દોઢસો-બસો વર્ષ પહેલાંના ભારતમાં કે અમેરિકાની સોનાગેરુ ધરતી પર લોહી ઢાળતાં અજાયબ પાત્રો જેવા આ લોકો હતા.
- ગ્રેગરી પેક, જોન વેઈન, માર્લોન બ્રાન્ડો જેવા કેટલાય વિશ્વવિખ્યાત પુરુષ નમૂનાઓને હું મળી હતી.
- અમેરિકન આદમીની માફક તેણે ખભા હલાવ્યા.
- હજારીએ જ હાથરૃમાલ ઉઠાવતો હોય તેમ ખચ્ચર પરથી ઊંચકીને મને મોટરસાઇકલ પર બેસાડી.
- બે દિવસ પહેલાં મેં જોયો પણ ન હતો તે આદમી અત્યારે મારો એકમાત્ર સહારો હતો.
- બંગાળના ખમતીધર કુટુંબોનાં નસીબ એક રીતે ખૂબ જ અદભૂત હોય છે. મેં ક્યાંય એવું એક પણ કુટુંબ જોયું ન હતું કે જ્યાં પેઢી જૂના ચાકર ન હોય.
- આખુંય પૂર્વ પાકિસ્તાન ભડકે બળતું હતું. ભારતે હજુ કોઈ વલણ સ્પષ્ટ લીધું ન હતું.
- ચક્કર મારો અવાજ ભૂલી ગયો હતો? કે પછી.. ભૂલી જવા માંગતો હતો!!
- છોકરીઓ ખરેખર અકળ હોય છે. લાગણીવશ બનીને કંઈ પણ કરતાં કોઈ છોકરીને વાર ન લાગે.
- પોલીસવાનમાંથી આપઘાત કરવા કુદી પડેલી હું.. હું લજ્જા સન્યાલ.. ખૂનીઓની વાનમાં મોત તરફ સરી રહી હતી.
- તેની બેહોશીથી પોતાની બધી સમસ્યાનો અંત આવી ગયો હોય તેમ તેના ચહેરા પર નિરાંત આવી હતી.
- સફરજન કાપતાં પણ તેના બાહુઓના મસલ્સમાંથી ઝીણી થરરાટી થતી હતી.
- જે અમને લઈ જતો હતો તેને રસ્તામાં વારંવાર શંકા આવતી હતી કે કોઈ પીછો કરી રહ્યું છે.
- નિકોટીનથી ગંદા થયેલા તેના હોઠ પર લોલુપ સ્મિત આવ્યું.
- રૃપાળી હોવાનો આજ મને પ્રથમવાર રંજ થતો હતો.
- સમગ્ર મુંબઈ માટે એ સવાર ભયાનક હતી.
- જગતના સૌથી ખતરનાક પ્રાણી – માનવીને પણ સાપની અજબ બીક હોય છે તે કેવું આશ્ચર્યજનક છે.