અત્યારે તો 1896થી ટોકિયો પાટનગર છે, પણ એ પહેલા સદીઓ સુધી ક્યોટો પાટનગર રહ્યું હતુ. ઈસવીસન ૭૯૪ (સવા બારસો વર્ષ પહેલાં)માં ક્યોટો શહેરની સ્થાપના થઈ હતી. એ વખતે જ શહેરનું નામ જોકે ક્યો મિયાકો હતું. પાછળથી એ શહેરનું નામ બદલીને ક્યોટો કરાયુ હતું. એટલે જાપાનનો ઈતિહાસ, સંસ્કૃતિ, પરંપરા વગેરે ક્યોટોમાં સચવાયેલા પડ્યા છે. નાગોયા કેસલ વગેરે જોઈને અમે રેલવે સ્ટેશને પહોંચ્યા.
જાપાનમાં ઠેર ઠેર સામાન મુકવા માટે લોકરની સગવડ છે. તમારી પાસે નાનકડાં થેલા-થેલી હોય તો એમાં મુકી શકાય, સિક્કા નાખીને ચાર્જ ચૂકવી શકાય. એ ઉપરાંત સ્ટેશન પર આપણા જેવા ક્લોક રૃમની સગવડ ખરી. અમે અમારો સામાન ક્લોકરૃમમાં મુક્યો હતો. એ મેળવી લઈ બુલેટ પકડી ક્યોટો જવા રવાના થયા.
ક્યોટો આવીને અમારે હોટેલ સુધી પહોંચવા ટેક્સી કે લોકલ ટ્રેન પકડવાની ન હતી. અહીં એવી સિસ્ટમ હતી કે હોટેલની બસ નક્કી થયેલા સમયે સ્ટેશન પર આવે. તેમાં બેસી જવાનું. એ બસ આવવાનો સમય બુલેટના સમય સાથે મેળ ખાતો જ હોય. એટલે થોડી વારમાં બસ આવી ગઈ, અમે સવાર થઈને હોટેલ ‘ટોકયુ પ્લાઝા’ પહોંચ્યા. હોટેલની બાજુમાં જ એક મંદિર હતું, બારીમાંથી મંદિરનું ભવ્ય બાંધકામ દેખાતું હતુ. સવારમાં ત્યાં આરતી-ભજન થાય ત્યારે કોઈને રસ હોય તો જઈ શકાય એવી સૂચના અમને અપાઈ. હાલ તો અમારે થોડી વારમાં તૈયાર થઈ ક્યોટો દર્શને નીકળવાનું હતું.
દસેક હજાર મંદિરો ધરાવતુ ક્યોટો બીજા વિશ્વયુદ્ધ વખતે અણુ હુમલાથી બચી ગયુ હતુ. જગતના સર્વશ્રેષ્ઠ શહેર તરીકેનો ખિતાબ જીતનારુ ક્યોટો અનેક રીતે પ્રેરણા લેવા જેવુ છે. આપણા વારાણસી સાથે તેને સિસ્ટર સિટીના કરાર થયા છે. પણ ક્યોટો રખડ્યા પછી ખબર પડે કે કાશી ક્યારેય ક્યોટો જેવુ સાફ-સ્વચ્છ ન થઈ શકે.
૧૯૯૭માં સંયુક્ત રાષ્ટ્રસંઘના પર્યાવરણિય વિભાગની જાપાની શહેર ક્યોટોમાં મળી હતી. એ બેઠકમાં ૨૦૦૫થી લઈને ૨૦૧૨ સુધીમાં કઈ રીતે વિકસિત દેશો પૃથ્વી પરનું પ્રદૂષણ ઓછુ કરવા સંયમિત જીવન જીવશે તેની રૃપરેખા ઘડી કાઢવામાં આવી હતી. એ રૃપરેખા ‘ક્યોટો પ્રોટોકોલ’ તરીકે જાણીતી છે. તેને કારણે પણ ક્યોટો જાણીતું છે.
એ બધુ વાંચ્યા સાંભળ્યા પછી હવે પ્રેક્ટિકલ જાણકારી મેળવવા જઈ રહ્યા હતા. સૌથી પહેલા પહોંચ્યા કિયુમિઝુ ડેરા નામના મંદિરે. ક્યોટો કેટલેક અંશે અમારા જૂનાગઢ જેવુ છે. ત્રણેક બાજુ ટેકરી, એક બાજુ નગર. ટેકરી ઉપર નાના-મોટાં મંદિર. એમાં આ બહુ પ્રખ્યાત મંદિર છે.
ઢાળ ચડીને ચાલતાં ચાલતાં લાલમલાલ કલર ધરાવતા મંદિરના દરવાજા તરફ આગળ વધતા હતાં. ત્યાં કૌતુક જોવા મળ્યું. જાપાની સ્કૂલના વિદ્યાર્થીઓ નાનાં-નાનાં ગ્રૂપ બનાવીને પરદેશી પ્રવાસી સાથે વાતો કરતાં હતા, કંઈક સવાલ પૂછતા હતા અને કાગળમાં નોંધતા હતા. અકિકોએ અમને સમજાવ્યું કે જાપાની બાળકોને અંગ્રેજી બોલવાની તક ભાગ્યે જ મળે. તેમના અભ્યાસમાં અંગ્રેજી આવતું નથી. એટલે અંગ્રેજી થોડુ-ઘણુ સમજી શકાય એટલા પુરતું તેમને પરદેશી પ્રવાસી સાથે વાત-ચીત કરી નોંધ કરવાનું લેસન સોંપવામાં આવે છે. આગળ જઈને કોઈ સ્પેશિયલ વિષય તરીકે પસંદ કરે તો અંગ્રેજી ભણી શકે. બાકી મોટા ભાગની જાપાની પ્રજાનું જીવન અંગ્રેજી જાણ્યા વગર જ પસાર થઈ જાય છે. અમને અંગ્રેજીની કોઈ પરવા નથી.
એટલું જાણીને આગળ વધ્યા ત્યાં વળી નવું દૃશ્ય નજરે પડ્યું. અનેક યુવતીઓ રંગબેરંગી અને આકર્ષક ડ્રેસ પહેરીને ચાલતી જતી હતી. કોઈકે તો વળી પગમાં લાકડાના ચપ્પલ પણ ચડાવ્યા હતા. એ ડ્રેસનું નામ કિમોનો, જાપાનનો પરંપરાગત ડ્રેસ. આપણે ત્યાં જેમ સાડી એમ જાપાનમાં કિમોનો. કિમોનો પહેરવાનું કામ અઘરું છે અને પહેર્યા પછી હરવા-ફરવાનું વધારે અઘરું છે. માટે યંગ ગર્લ્સ કિમોનો પહેરવાનું પસંદ કરતી નથી. તો પછી અહીં કેમ કિમોનો પહેરેલી યુવતીઓ મોટી સંખ્યામાં દેખાય છે?
કેમ કે અહીં કિમોનો કલાકના હિસાબે ભાડે મળે. અહીં આવતા પ્રવાસીઓ એ પહેરી, અનુભવ લેવા પ્રયાસ કરે. ફોટા પાડે, મજા કરે અને પછી પરત સોંપી દે. બાકી જાપાની લોકો કિમોનો પહેરે એ દેખાવે આટલા બધા ભડકાદાર હોતા નથી એવી સ્પષ્ટતા ઈકુકોએ કરી. આ અનેકરંગી કિમોનો પહેરેલા પ્રવાસી ચાઈનિઝ અને દક્ષિણ કોરિયાના છે, એવુ પણ તેણે ઓળખી બતાવ્યું. અમને તો જાપાની-ચાઈનિઝ-કોરિયન બધા સરખા લાગતાં હતા. એમ તો કેટલાક પુરુષોએ પણ જાપાની ડ્રેસ પહેર્યો હતો. પણ તેની સંખ્યા બહુ મર્યાદિત હતી.
ચાલતાં ચાલતાં કિયુમિઝુ ડેરા દિરે પહોંચ્યા…