
ભારતમાં દરેક મંદિર સાથે કથા જોડાયેલી હોય છે. જાપાનમાં એવુ જ છે. મંદિરમાં પ્રવેશતા પહેલા શુદ્ધિકરણની પ્રક્રિયા છે. એટલે તમારે હાથ ધોવાના અને મોઢું સાફ કરવાનું. એ કરી મંદિરમા પહોંચ્યા. લાકડાનું વિશાળ મંદિર, બધે લગભગ એક સરખા લાગે. તો પણ જોવા ગમે. અંદર ભગવાન હોય કે ન હોય, લોકો મંદિરની રચના, તેના ગાર્ડન, મંદિર પરિસરમાં ઉગેલા મેપલ ટ્રી વગેરે જોવા આવે.

અમે આગળ વધ્યા ત્યાં સિદ્ધ ચોરાસીના ધૂણામાં ચિપિયો ખોડેલો હોય એમ એક ત્રિશુલ જેવો આકાર અને એક બીજુ દંડા જેવું શસ્ત્ર ખોડેલું હતુ. ત્રિશુલ સાતેક ફીટ ઊંચુ હતુ. તેની પાછળની કથા એવી હતી કે એક લુહારની ઈચ્છા પૂરી થઈ એટલે તેણે મંદિરમાં આ ત્રિશુલ અને દંડ અર્પણ કર્યા. હવે જે કોઈ એક હાથે, તેને ઊંચકી શકે એની ઈચ્છા પૂરી થાય. અમારામાંથી કોઈ ઊંચકી શકે એમ ન હતા.

મંદિર ટોચ પર છે અને અહીંથી લગભગ આખુ ક્યોટો દેખાય છે. મંદિરની પાછળ નાના-મોટા પેટા મંદિર, જાત-જાતની માનતા પૂરી કરવાના સ્થાનકો, પાળીયા જેવી ઢગલાબંધ ગોઠવાયેલી બોદ્ધ મૂર્તિ વગેરે પરિસરને શોભાવતા હતા. એ જોઈને પરત ચાલતાં ચાલતાં નીચે આવ્યા.

ક્યોટો શહેર નવું અને જૂનું એમ બે ભાગમાં વહેંચાયેલુ છે. આ જૂનો વિસ્તાર હતો. અમારે સાંજ પડી એ સાથે સાંકડી ગલી-ખૂંચીમાં ફરવાનું હતું. એ ક્યોટોના જૂના બાંધકામો હતા. ક્યોટો જેના માટે પ્રખ્યાત છે એ ગેઈશા સ્ટ્રીટ પણ ત્યાં હતી. આપણે ત્યાં જેમ મંદિરમાં દેવદાસીની પ્રથા હતી, તેમ જાપાનમાં ગેઈશા પ્રથા છે. બન્ને વચ્ચે જોકે તફાવત છે. જાપાનીઓએ એ વાતનો બહુ પ્રચાર કરવો પડે છે કે ગેઈશા એ બજારુ સ્ત્રી નથી. એ પરંપરા છે. લોકો તેને પ્રોસ્ટીટ્યૂટ માનવાની ભૂલ કરી બેસે છે. કેમ કે મોટા ભાગના લોકો ગેઈશા એટલે વેશ્યા એવુ જ સમજે છે.

અમે કોઈ માન્યતામાં બંધાયા ન હતા, જે માહિતી આપે એ સાંભળતા જતા હતા. ગેઈશા પ્રથા વિશે ગુજરાતીમાં ઘણુ લખાયું છે જ. પણ ટૂંકમાં એટલું કે એવી સ્ત્રીઓ જે નૃત્યમાં પારંગત બને, પછી કોઈના કહેવાથી તેમના ઘરે નૃત્ય માટે જાય અને એક દિવસ તેમની પત્ની હોય એ રીતે તેની સાથે રહે. એ માટે નક્કી થયેલી રકમ મેળવે. એ રકમ બહુ ઊંચી હોય એટલે કોઈ સામાન્ય માણસ ગેઈશા નૃત્યનો લાભ લઈ શકે નહીં. બીજી તરફ વાર-તહેવારે ગેઈશા જાહેરમાં આવી નૃત્ય કરે, સંસ્કૃતિ રજૂ કરે. અમારે જોકે ગેઈશા સ્ટ્રીટ કહેવાતા વિસ્તારમાંથી પસાર થવાનું જ હતું, ગેઈશાને મળવાનું કે નૃત્ય જોવાનું અમારા કાર્યક્રમમાં શામેલ ન હતું.

કેટલાક ઘરોની બહાર ગેઈશાની તાલીમશાળા હોવાના બોર્ડ માર્યા હતા. એમાં ગેઈશા બનવાની આકરી વિધી અને ખાસ તો ગેઈશાને તૈયાર કરનારી મહિલા માટે વધુ આકરી જીંદગી કેવી હોય તેનું વર્ણન હતું. એ જાણતા જાણતા અમે આગળ વધ્યા. વર્ષો પહેલા જાપાન ગયેલા તારક મહેતાએ પોતાના વર્ણન (પગમાં પદમ)માં લખ્યું છે કે ગેઈશા વગેરે નૃત્યોથી પશ્ચિમી પ્રજા આકર્ષાય આપણને કંઈ નવું ન લાગે. એ વાત આજે પણ સાચી છે. આપણે ત્યાં અઢળક પ્રકારના નૃત્યો છે, એમાં ગેઈશામાં શું નવું લાગે કે શું રસ પડે?

શહેરની રચના આકર્ષક છે. એક તરફ શહેરમાં લાકડાના બાંધાકામો છે, તો બીજી તરફ આધુનિક બિલ્ડિંગો, ઓવરબ્રીજ, રોડ-રસ્તા સહિતની આધુનિકતા છે. ક્યોટોને ત્રણ નદીઓ લાગુ પડે છે અને પહાડી વિસ્તાર હોવાથી વરસાદનું પાણી પણ દળદળતું આવે છે, પરંતુ ચોમાસામાં પાણી ભરાવાના પ્રસંગો બનતા નથી. શહેરનું પુરાતન બાંધકામ એટલુ બધુ આકર્ષક અને નયનરમ્ય છે કે આખા શહેરી વિસ્તારના વિવિધ ૧૭ સ્મારકોને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ શહેર જાહેર કરી દીધા છે. ચારે દિશાએથી સરખા લાગતા મંદિરો, લાકડા પરની કોતરણી, લાકડાના હોવાને કારણે એક સરખો બ્રાઉન કલર, ખાંચાદાર છતો, માથે અણિયાળી કલગી જેવા ઘુમ્મટો.. એ બધુ શહેરના સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. ૧૭ વર્લ્ડ હેરિટેજ સાઈટ ઉપરાંત બે ડઝન કરતા વધારે જાતભાતના સંગ્રહાલયો છે.

અમે ક્યોટોની પુરાતન શેરીઓમાં ફરતા હતા ત્યારે અમદાવાદની પોળ કે પછી બગસરાની સોની બજારમાંથી પસાર થતાં હોઈએ એવુ લાગે. સાંકડી પરંતુ સાફ અને શાંત શેરી. અંદર લોકો રહેતા હોય, બહાર તેનો અવાજ શુદ્ધાં ન આવે. પ્રવાસીઓ એ પતલી ગલીમાંથી પસાર થાય ત્યારે જ ખરા અર્થમાં ક્યોટોને સમજી શકે. અમે પણ એ પ્રયાસ કરતાં કરતાં અને ચાલતાં ચાલતાં આખરે જૂના વિસ્તારમાંથી નવા શહેરમાં આવ્યા.

એક રેસ્ટોરામાં અમારા માટે ભોજન તૈયાર થઈ ચૂક્યુ હતું. એ પતાવ્યા પછી ફરી ચાલતાં ચાલતાં રેલવે સ્ટેશને પહોંચ્યા. બપોરે ક્યોટો સ્ટેશને ઉતર્યાં ત્યારે તો ખબર ન પડી પરંતુ રાતે ફરી આવ્યા ત્યારે સ્ટેશનનો બીજો ભાગ દેખાયો. 1995માં બન્યું હોવા છતાં સ્ટેશન તેના આકર્ષક બાંધકામ માટે જાણીતું છે. દસ-બાર માળ ઊંચી કલાત્મક ઈમારત, કોઈ સ્પેસશીપ ગોઠવ્યું હોય એમ-આડી અવળી રચના અને ઉપર વળી લાંબી પરસાળ. છેક અગાસી પર જઈને ક્યોટો શહેરની લાઈટ લાઈફ જોઈ શકાય.

એ પતાવીને અમે હોટેલ તરફ આગળ વધ્યા. શહેરનો બાકીનો કેટલોક ભાગ સવારે જોવાનો હતો. જેમાં એક જગવિખ્યાત બાંધકામનો પણ સમાવેશ થતો હતો..