રાજસ્થાનમાં જેસલમેર પાસે આવેલુ કુલધરા ગામ છેલ્લા બસ્સો વર્ષથી ખાલી પડયુ છે. માન્યતા પ્રમાણે પાલેવાળ બ્રાહ્મણોના શાપને કારણે એક જ રાતમાં ગામ ખાલી થયુ હતું. એવુ શું બન્યું હતું કે રહેવાસીઓએ પહેરેલે કપડે ઘર-બાર છોડીને જવું પડયું?
ગામના રસ્તા ખાસ્સા પહોળા છે અને બન્ને બાજુ જેસલમેરિયા પથ્થરથી બંધાયેલા મકાનોની હારમાળા છે.
૧૮૧૫માં બંધાયેલુ એક મુરલી મનોહરનું મંદિર પણ ગામના ચોકમાં છે.
દરેક ઘરમાં સુવાનો ખંડ, પુજા-રૃમ, પશુઓ બાંધવા માટે વાડો, રસોડુ, ભંડાર વગેરે જરૃરી વિભાગો પણ છે.
મકાનો બબ્બે ફીટ જાડી દિવાલોથી બંધાયેલા છે. દિવાલોમાં ગોખલાના ખાંચા છે અને રસોડાની દિવાલો પર અભેરાઈ પણ છે.
ગામના છેડે કૂવો છે અને તેમાંથી નહેરો વાટે પાણીની વહેંચણી થાય છે.
કૂવામાં પાણી ઘટે તો કાક નદી પણ અહીંથી વહે જ છે. નદી પાછળના ટીંબા પર છૂટાછવાયા પાળિયાઓ વિખરાયેલા છે. દરેક પાળિયા પર છત્ર પણ બાંધેલુ છે.
બધુ જ છે. કમી છે, માત્ર શ્વાસોશ્વાસની!
રાજસ્થાનના પશ્ચિમ છેડે આવેલા શહેર જેસલમેર પાસે આવેલુ કુલધરા ગામ છેલ્લી બે સદીથી ખંડેર હાલતમાં જ છે. કુલધરામાં અહીં વર્ણવ્યું એ બધું જ છે, પરંતુ આખુ ગામ માત્ર અવશેષ સ્વરૃપે ઉભું છે! ગામના નામે માત્ર અવશેષો ઉભા છે. ગામ સુધી જઈ શકાય એવો રસ્તો છે અને બીજી સુવિધાઓ પણ ઉભી કરવી ખાસ મુશ્કેલ નથી. તો પછી ગામમાં કોઈ રહેતું કેમ નથી?
***
કુલધરાનો ઈતિહાસ તો છેક ૧૨મી સદીથી શરૃ થાય છે.
ત્યારે એ ગામ પાલેવાળ બ્રાહ્મણોનું મહત્ત્વનું કેન્દ્ર હતું. ગામની સ્થાપના ૧૩મી સદીના અંત ભાગમાં થઈ હતી. જેસલમેર પંથકમાંથી નીકળતા સોનેરી પથ્થરથી બનેલું ગામ સુવર્ણનગરી જેવું દેખાતુ હતું. કલાત્મક ઝરૃખાઓ અને બાંધકામમાં થયેલી કળા-કારીગરી ગામને વૈભવ બક્ષતા હતાં. બ્રાહ્મણોની જ બહુમતી હોવાથી ખાવા-પીવાની ગામને કોઈ કમી ન હતી. ધન-ભંડારો ભરપુર હતાં અને વિદ્વાનોનો પણ પાર ન હતો. વળી અહીં પાણી હોવાથી રણમાં પણ ખેતી દ્વારા બ્રાહ્મણો અનાજ પેદા કરતાં હતાં અને દેશ પરદેશ સાથે વેપાર પણ કરતાં હતાં. ગામની સમૃદ્ધિનું કારણ પણ એ જ હતું. પાલેવાળ બ્રાહ્મણો જેસલમેરની આસપાસની ૩૦ કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાયેલા ૮૪ ગામોમાં વસતા હતાં. એ બધામાં કુલધરા આગેવાન ગામ હતું. સાતેક સદી સુધી એ જાહોજલાલી જળવાઈ રહ્યાં પછી સમયે કરવટ બદલવાની શરૃઆત કરી જેની નીચે ગામે દબાવાનું હતું.
રાજધાની હોવા છતાં જેસલમેર પાસે ન હોય એવી સમૃદ્ધિ કુલધરા પાસે હતી. ૮૪ ગામો અને બ્રાહ્મણો તાબામાં આવી જાય એ માટે જેસલમેરના સુબા સાલમસિંહે સૌથી પહેલા કરવેરો વધારી દીધો. બ્રાહ્મણોએ તેનો વિરોધ કર્યો એટલે નાના-મોટા આક્રમણો શરૃ કર્યા. અહીંના બ્રાહ્મણો એ પરંપરા પ્રમાણે જનોઈ ધારણ કરી હતી પરંતુ કોઈ આક્રમણ કરે ત્યારે જનોઈવઢ ઘા કરવામાં તેઓ પાછુ વાળીને જુએ એમ ન હતાં.
જોકે સત્તા આગળ શાણપણ અને લડત લાંબી ટકી શકે એમ ન હતી. ગમે તેમ તોય જેસલમેરનું દળ-કટક મોટું હતું. એક દિવસે તો એનાથી પણ આગળ વધીને સાલમસિંહે કુલધરાની એક કન્યા પર મીટ માંડી. રાજાને ગમે એ રાણી એવા ન્યાયે દિવાન સાલમસિંહે કુલધરાની કન્યાનો હાથ માંગ્યો. જો સમજાવટથી કન્યા સોંપવામાં ન આવે તો કુલધરા પર આક્રમણ કરી ગામને કબજે લેવું એવી વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી. બ્રાહ્મણો અન્ય જ્ઞાાતિના મુરતિયા સાથે કન્યા પરણાવવા તૈયાર ન હતાં. માટે સાલમ અને પાલેવાળ વચ્ચેના સંઘર્ષના તણખા ભડકાનું રૃપ ધારણ કરે એ વાત નક્કી હતી.
કુલધરાના બ્રાહ્મણો જેસલમેરની સેનાનો મુકાબલો લાંબો સમય કરી શકે એમ ન હતાં. સાલમે બ્રાહ્મણોને મૃત્યુ અથવા તો કન્યાદાન બેમાંથી એક વિકલ્પ પસંદ કરવા માટે એક દિવસનો સમય આપ્યો હતો. તો પછી શું કરવું? કન્યા સોંપી દેેવી? એમ કરે તો પ્રતિષ્ઠા જાય. એટલે બ્રાહ્મણોએ વટભેર જીવતા રહેવા માટે રાતોરાત ગામ ખાલી કરી દૂર જતાં રહેવાનું નક્કી કર્યું. વહેલી સવાર થાય એ પહેલા રણમાં વિલિન થઈ જવું જરૃરી હતું. માટે કુલધરાવાસીઓએ પોતાની બધી ઘર-વખરી સાથે લેવાને બદલે હાથ લાગે એ સામાન સાથે ગામને જાજા જુહાર કરવાનું પસંદ કર્યું. પરંતુ જતાં જતાં બ્રાહ્મણો શાપ આપતાં ગયાં કે હવે આ ગામ ફરી ક્યારેય વસી નહીં શકે. અહીં કોઈ એક રાત પણ રહી નહીં શકે..
ત્યારની ઘડી અને આજનો દિવસ, એ ગામમાં હવે કોઈ રહેતું નથી, રહી શકતું પણ નથી!
જોકે બધા ઈતિહાસકારો આ વાર્તા સાથે સહમત નથી. જેસલમેર રાજના ઈતિહાસ અંગે ૪૦થી વધારે પુસ્તકો લખી ચુકેલા નંદકિશોર શર્મા ગામ ખાલી થવા પાછળ બીજુ કારણ આપે છે. સમૃદ્ધિને કારણે સાલમેસિંહે આ ગામો પર જરા વધારે કરવેરા નાખ્યાં. પરિણામે અહીં ફરતાં ચોર-લૂંટારાઓ સમજી ગયા કે આ ગામો ધનવાન છે. એટલે ગામવાસીઓનો ટેક્સ રાજને મળે એ પહેલાં જ લૂંટ-ફાટ વધી પડી. પરિણામે બ્રાહ્મણોએ કાયમી ઉપાય તરીકે ગામ જ છોડી દેવાનું નક્કી કર્યું.
આ થિયરી વધુ તર્કબદ્ધ લાગે છે. કેમ કે તેમાં ૮૪ ગામોએ રાતોરાત ખાલી થવાની વાત આવતી નથી. એક પછી એક ગામો તક જોઈને ખાલી થતાં ગયા હોય એવુ બની શકે. અલબત્ત, લૂંટારાઓ પીછો ન કરી શકે એટલે ગામવાસીઓએ બને એટલી ત્વરાથી અને રાત્રીના અંધકારમાં જ ગામો ખાલી કરવાનું નક્કી કર્યું હોવુ જોઈએ. ગામ કાક નદીના કાંઠે વસેલુ છે. એક સમયે નદીનો પ્રવાહ વેગીલો હતો, પરંતુ છેલ્લા ૩૦૦ વર્ષથી નદી ધીમે ધીમે સંકોચાતી ગઈ છે. ગામ છોડાવનું એક કારણ નદીનું સંકોચન પણ હોઈ શકે.
ગામ વર્ષો સુધી ખંડેર પડયુ રહે એટલે તેની સાથે પ્રેતાત્માની વાતો ન જોડાય તો જ નવાઈ! રાત્રે ગામની ભગ્નાવસ્થામાં ઉભેલી દિવાલોમાંથી ચીસો સંભળાય છે, ત્યાં પ્રેતાત્માનો વાસ છે.. વગેરે માન્યતાઓને કારણે હવે અહીં રાત રોકાવાની મનાઈ થઈ ગઈ છે. દિવસે પ્રવાસીઓ જેસલમેરથી વીસેક કિલોમીટર દૂર આવેલા આ ગામ (એટલે કે ગામના ખંડેર)માં જઈ શકે છે. પણ સાંજ પડયે બહાર નીકળવું ફરજિયાત છે. હકીકત એ છે કે અહીં રાતે શું થાય છે તેની કોઈને ખબર નથી. કેમ કે કોઈ રાત રોકાતું જ નથી. કુલધરાની આસપાસ કેટલાક ઝુંપડા-રહેવાસો આવેલા છે. પરંતુ કુલધરાની ખાલી પડેલી દિવાલો પર છત નાખીને રહેવા કોઈ તૈયાર નથી.
***
ગામ ખાલી થવાની ઘટના બહુદ્યા ૨૦૦ વર્ષ પહેલાં બની હોવાનું કહેવાય છે. પરંતુ એ જાણીતું થયું એ વાતને તો હજુ બે દાયકા પણ નથી થયાં. ૧૯૯૮ પહેલા અહીં કોઈ ફરકતુ ન હતું. બાકીના રણની માફક અહીં રેતીના ઢૂવા અને બંજર ટીંબાઓ હતાં. સતત ફૂંકાતા પવનને કારણે રેતી નીચે દબાયેલા બાંધકામો પૈકી થોડોક ભાગ ખુલ્લો પડયો હતો. સુમેર રામ નામનો યુવાન આ વિસ્તારમાં ફરી રહ્યો હતો. તેનું ધ્યાન પડયું કે અહીં તો અનેક બાંધકામો ખાલી પડયા છે. માટે એક ખંડેરમાં સુમેર પોતાના પિતા સાથે રહેવા આવી ગયો કેમ કે તેની પાસે રહેવા જગ્યા હતી નહીં અને અહીં તો નવખંડ ધરતીની જેમ જગ્યા ખાલી પડી હતી. એને પ્રેતાત્માનો કોઈ ડર લાગ્યો નહીં કેમ કે કોઈએ તેનાં માનસમાં એવી વાત ઠસાવી ન હતી.
સુમેર મૂળ તો પરદેશી પ્રવાસીઓને ફેરવવાનું કામ કરતો હતો. એક દિવસ તેણે પરદેશથી આવેલા પ્રવાસીઓને થોડા વધારે પૈસા મેળવવાની લાલચમાં કુલધરાના ખંડેરો દર્શાવ્યા. એ દિવસે બસ્સો વર્ષથી દબાયેલા કુલધરાના ઈતિહાસે ફરી કરવટ બદલવી શરૃ કરી. એ પ્રવાસીઓ સતત સતત ૩ રાત સુધી અહીં આવીને ખંડેરમાંથી કેટલીક ચીજો પોતાની સાથે લઈ જવા લાગ્યા. સુમેરે પુછપરછ કરી તો પરદેશીઓ એ તેને ધમકી આપી કે આ ઘટના વિશે કોઈને કશું કહ્યું છે તો જોયા જેવી થશે!
અલબત્ત, ધમકીથી ડર્યા વગર સુમેરે પોલીસ સ્ટેશન સુધી આ વાત પહોંચાડી. પોલીસ આવી, તપાસ શરૃ થઈ અને થોડા દિવસમાં એક જર્મન તથા એક ડચ નાગરિકની ધરપકડ પણ થઈ. તેમની પાસેથી સોના-ચાંદીના સિક્કાઓ મળ્યાં, જે તેમણે કુલધરામાંથી ઉઠાવ્યા હતાં! કેસ ચાલ્યો અને બન્ને પરદેશી નાગરિકોને જેલની સજા પણ થઈ. દરમિયાન ત્યાં સુધીમાં કુલધરા શું છે એ જાણવાની લોકોની ઉત્સુકતા વધતી જતી હતી. સરકારે પણ અહીં બાકીના દટાયેલા અવશેષોનું ખોદકામ કરાવ્યું એટલે રણમાંથી જાણે આખુ ગામ પ્રગટ થયું. અવશેષોમાં રહેલી બધી કિંમતી ચીજો પોતાના કબજામાં લઈ સરકારે ગામ ફરતે એક દિવાલ પણ બાંધી દીધી. સુમેરને જ અહીંના પહેલા વોચમેન તરીકે નિમણુંક આપી ગામને પ્રવાસનના નકશામાં ચમકતુ કરવાનો પ્રયાસ શરૃ કર્યો. પરિણામે જેસલમેર જતાં પ્રવાસીઓ આ ગામ જવાનું ચૂકતા નથી. ચોમાસા વખતે એક તરફ ભરાયેલું આસમાની રંગનું પાણી, ઉગી નીકળેલા છોડ-વેલાનો લીલો કલર અને પથ્થરનો સોનેરી ચમકાટ અહીંના દૃશ્યને વિશાળ પેઈન્ટિંગમાં ફેરવી નાખે છે.
કુલધરા જેવુ જ ખાલી ગામ ત્યાંથી દસ કિલોમીટર દૂર આવેલું ખાબા છે. એ બન્ને સિવાય ૮૪ પૈકીના ૮૨ ગામોનો કોઈ અતો-પતો નથી મળતો. ૮૪ ગામો ખરેખર ખાલી થયા હશે કે નહીં એ અંગે અનેક તર્ક-વિતર્ક ચાલતા રહે છે. એવુ મનાય છે કે બાકીના ગામના અવશેષો કાં તો રણમાં દટાયા હશે અને કાં તો લોકો પથ્થરો ઉઠાવી ગયા હશે. જેસલમેરના પથ્થરોની તો દેશભરમાં માગ છે જ. મકાનની છતો લાકડાની બનેલી હતી જે હવા સાથે ફેંકાઈ ગઈ હોઈ શકે.
કુલધરામાં એકાદ-બે મકાનની દિવાલ, છત, ભોંયતળિયા ગાર-માટીથી લીપીં રખાયા છે. જેથી અહીં આવનારા મુલાકાતીઓ અંદાજ લગાવી શકે કે ૧૮મી સદીમાં જ્યારે અહીં વસવાટ હતો ત્યારે ગામના મકાનો કેવા લાગતાં હશે. અહીં એક મંદિર, બળદગાડુ, તેની છત પર ગોઠવાયેલા લાકડા, યથાવત હાલતમાં પડયા છે. પુરાત્ત્વખાતાએ પણ મંદિર સહિત એકાદ-બે બાંધકામો વ્યવસ્થિત કર્યા છે. કેટલીક દિવાલો પર સંસ્કૃત અને મારવાડીના મિશ્રણ જેવી ભાષામાં લખાણો પણ મળી આવ્યા છે, જે ૧૮-૧૯મી સદીના છે.
***
ગામ ખાલી કર્યા પછી બ્રાહ્મણોના સંઘને રણ ગળી ગયું કે રણમાં ફૂંકાતો પવન પોતાની સાથે લઈ ગયો? એ ક્યાં ગયા તેની કોઈને ખબર પડી નહોતી. પરંતુ એવુ માનવામાં આવે છે કે બ્રાહ્મણો જોધપુર પાસે ક્યાંક સ્થાયી થયા હતાં. આજે જોકે એ બ્રાહ્મણો રાજસ્થાન અને ગુજરાત સહિત સર્વત્ર ફેલાયેલા છે.
કુલધરા શું હતું અને શું છે એ અંગેની અનેક થિયરીઓ વહેતી રહેશે કેમ કે આ ગામનો કોઈ લેખિત કે નોંધાયેલો સત્તાવાર ઈતિહાસ મળતો નથી. માટે અનુમાનો અને કલ્પનાના પથ્થરો પર જ ગામના ઈતિહાસની ઈમારત ચણવી રહી. ગામની દિવાલો પણ એ રીતે જ નાના-મોટા પથ્થરો પર ઈતિહાસ કહેવા માટે સતત વહેતા વાયરા વચ્ચે અડિખમ ઉભી છે.
(તા. ક. – છેલ્લે 2017માં થયેલા એક સંશોધન મૂજબ ભૂકંપને કારણે કુલધરા અને આસપાસનો વિસ્તાર ખાલી થયો હશે. આ વળી એક નવી થિયરી)