થોર હાયરડાલ નામના સંશોધકની એવી માન્યતા હતી કે પ્રશાંત (પેસેફિક) મહાસાગરની મધ્યમાં આવેલા ટાપુઓમાં રહેતા લોકો દોઢેક હજાર વર્ષ પહેલા કોઈ કાંઠા વિસ્તારથી ત્યાં ગયા હશે. પોતાની વાત સાબિત કરવા હાયરાડાલે જગતે ક્યારેય ન જોઈ હોય એવી સફર આદરી..
હાયરડાલ પોલિનેશિયન ટાપુની વાત કરતાં હતા, જે દક્ષિણ અમેરિકા ખંડના દેશ પેરુથી સાત હજાર કિલોમીટર દૂર હતા. સાત હજાર કિલોમીટરની સફર પંદરસો વર્ષ પહેલા કઈ રીતે થઈ શકે? બીજી તરફ એ વાત નક્કી હતી કે ટાપુ પર રહેતી પ્રજાતી એ ટાપુની ન હતી, ક્યાંકથી આવી હતી.
હાયરડાલે કહ્યું કે એ લોકો તો તરાપા પર સવાર થઈને ગયા હશે. એટલે લોકોએ હાયરડાલ પર હસવાની શરૃઆત કરી. કેમ કે તરાપા પર બેસીને સાગર પાર થઈ શકે એવી વાત કરનારનું મગજ ચસ્કેલું જ હોય એમ માનવામાં વાર શી?
પણ હાયરડાલ પોતાની વાતમાં મક્કમ હતા. અગાઉ એ પોલિનેશિયાની ટાપુમાં ગયા હતા. માટે તેમની દૃઢ માન્યતા હતી કે ટાપુવાસીઓ તરાપા પર સવાર થઈને જ આવ્યા હતા.
કોઈએ પડકાર ફેંક્યો કે સાબિત કરવું હોય તો તમે પોતે તરાપો લઈને સફર કરી દેખાડો..
વાત સાચી હતી… આમ હતું અને તેમ હતું.. એવી થિયરી રજૂ કરવા કરતાં કેમ હતું એ કરી દેખાડવું એમાં જ મર્દાનગી રહેલી છે. હાયરડાયલે એ પડકાર ઉપાડી લીધો. પાંચ સાથીદારો પસંદ કર્યા, તરાપો બનાવ્યો અને પછી સફર કરી દેખાડી.
જગતના ઇતિહાસના મહાન જ્ઞાન-સાહસ (એક્સપિડિશન)માં સ્થાન પામતી એ સફર અંગે હાયરડાયલે પુસ્તક લખ્યું, જેનો મહેન્દ્ર મેઘાણીએ કોન-ટિકિ નામે નમૂનેદાર અનુવાદ કર્યો.
પ્રકાશન – સંસ્કાર સાહિત્ય મંદિર
પાનાં – 162
કિંમત- 70
- આપણું સ્થાન હજુ ચોક્કસપણે વર્ણવવું હોય તો, ટીખળી ટોર્સટીન બોલ્યો, ‘સમુદ્રના તળિયાથી આપણે 16,000 ફૂટ ઊંચે છીએ, અને ચંદ્રથી થોડાંક માથોડાં નીચે છીએ.’
- એ ટાપુનું નામ હતું ફાતુ-હિવા. અમારા તરાપાની ને એની વચ્ચે ક્યાંય જમીન નહોતી. અને છતાં હજારો માઈલ વીંધીને જાણે કે મારી નજર ત્યાં પહોંચી હતી.
- તે વખતે હું દાઢીવાળા ચાંચિયાના નહિ, પણ સુકુમાર જીવનસંગીનીના સાથમાં હતો.
- એક બાજુની વનસૃષ્ટિ તથા બીજી તરફની જળસૃષ્ટિ અમને જે આપતી તે આરોગતાં હતાં.
- ટિકિ-વૃદ્ધની શાંત વાણી સંભળાઈ. એ દેવ હતા, ને રાજા પણ હતા.
- એક સાઠીકડું લઈને એણે અંગારા ઉપરથી રાખ ખંખેરી અને વળી ડોસો વિચારોના વમળમાં ડૂબ્યો. પુરાણા કાળનો એ કોઈ અવશેષ વીસમી સદીમાં ભૂલો પડ્યો હોય તેવું લાગતું હતું.
- પેસિફિકની મૂળ ટાપુવાસી પ્રજાઓ વિશેનું સાહિત્ય મેં વાંચવા માંડ્યુ. એને વિશે પુસ્તકોનો તો પાર નહોતો. પણ એ પ્રજાના ઊગમ વિશે વિદ્વાનો એકમત થઈ શક્યા નહોતા.
- કેટલાય ટાપુ પર તો પિરામિડ ઊભા હતા, પાકી સડકો બાંધેલી હતી ને ચાર-ચાર માળ જેવડી ભેખડોમાંથી આખી ને આખી કંડારી કાઢેલી રાક્ષસી પ્રતિમાઓ ખડી હતી.
- એટલે એક વાત તો નક્કી થાય છે કે જગતથી દૂર દૂરના આ દ્વીપસમૂહ ઉપર પ્રથમ પગ મૂકનાર માનવીઓ કોઈ કાળે, કોઈક દિશામાંથી ત્યાં દરિયાઈ રસ્તે જ આવેલા હશે.
- એમાંના કેટલાક ગ્રંથો તો લખનારા સિવાય માંડ દસેક માનવીઓએ વાંચ્યા હશે.
- ‘વિજ્ઞાનનું કામ સીધું સાદું સંશોધન કરવાનું છે’, એ શાંતિથી બોલ્યા. ‘આ કે તે વાત સાબિત કરવા મથવાનું નહીં.’
- એના શિર્ષક ઉપર મેં નજર કરી, પેસેફિકનો દ્વીપસમૂહ અને અમેરિકા- પ્રાચીન સંબંધોનો અભ્યાસ.
- ‘પણ તરાપાનું એક દુખ છે’, એણે ઉમેર્યું. ‘એને કોઈ ધારી દિશામાં લઈ જઈ શકાતો નથી. એ તો પવન એને જેમ ધકેલે તેમ આડોઅવળો, આગળપાછળ ને ચક્કર ચક્કર ઘૂમ્યા કરે’.
- પેસેફિક મહાસાગરનો વહાણવટીઓ માટેનો નકશો મેં ત્યાંથી ખરીદ્યો ત્યારે તો દુકાનદાર મને કપ્તાન કહીને વાતો કરવા લાગ્યો.
- એક તો તમે પોતે કદી બાલ્સાના તરાપા પર પગ મૂકેલો નથી. ને એકાએક તમારે એની ઉપર ચઢીને પેસિફિક પાર કરવા નીકળી પડવું છે!
રવાના થતાં પહેલાની તૈયારી..
- મેં ધાર્યું છે કે બધા મળીને છ જણે ઊપડવું. તેનાથી તરાપાની દુનિયામાં કાંઈક વિવિધતા જળવાશે.
- લડાઈ દરમિયાન હું લશ્કરના રેડિયો વિભાગમાં કામ કરી ચૂક્યો હતો.
- અમારે જે કાંઈ જોઈએ એ આપવાના હુકમો છૂટ્યા.
- હજાર કામ કરવાના હતાં, ને અલ્લાદીનનું જાદુઈ ફાનસ તો અમારી પાસે હતું નહિ.
- પહેલો દિવસ તો અમે એ દેશના ચલણ સાથે પિછાન કરવામાં ને રસ્તે ભૂલા પડીએ તો અમારી વીશી ક્યાં આવી તે પૂછવા જેવી સ્પેનિશ ભાષા શીખવામાં વિતાવ્યો.
- પ્રાચીન પેરુવાસીઓના તરાપાની પૂરી નકલ અમે ન કરીએ તો તો જીવતા પાછા ફરવાનો કોઈ સંભવ જ નહોતો.
- વરસાદ ઉપરાંત જંગલી લૂંટારાઓનો નવો ભય ક્વીટોમાં અમને દેખાડવામાં આવ્યો.
- જે પ્રદેશમાં અમારે જવું હતું ત્યાં ડાકુઓનો ત્રાસ એટલો બધો વધી પડ્યો હતો કે સરકારે હમણાં જ ત્યાં લશ્કર મોકલ્યું હતું!
- ભાતભાતનાં પકવાન ચૂલે ચડી ગયાં, અને દરમિયાન તાજાં વનફળ ખાતાં ખાતાં અમે ડોન ફેડરિકોને અમારી યોજના સમજાવવા માંડી.
- પ્રાચીન પેરુવાસીઓના શિરસ્તા મુજબ ઝાડને અડતાં પહેલા અમે એનું નામ પાડ્યું.
- એટલે પછી ઓળખાણો, ચિઠ્ઠીઓ ને લાગવગના કેડા અમે શોધવા માંડ્યા.
- એ માણસ જંગલમાંથી ચાલ્યો આવતો હતો, પરંતુ એનું સ્થાન વિદ્યાપીઠના વ્યાખ્યાનખંડોમાં હતું તે તેના તેજભર્યા વદન ઉપરથી દેખાઈ આવતું હતું.
- અમારા સાથીઓમાંથી કોઈ એકબીજાને અગાઉ મળ્યા નહોતા. સહુ જુદા જુદા પ્રકારના માનવી હતા. એમાં એક વાતનું સુખ એ હતુ કે, એકબીજાની વાતો સાંભળવામાં તરાપા ઉપર અમારા ઠીક ઠીક દિવસો વીતી જવાના હતા.
- બંદરના વડા અધિકારીએ પણ મારી પાસે લખાવી લીધું કે, તરાપા ઉપર માણસો ને સરસામાન લઈને હું દરિયે ચડું તો તેનું બધુ જોખમ મારે શિરે જ હતું.
- પ્રથમ તો તરાપાનું કદ જ સાવ ખોટું હતું. એક રીતે એ એટલો બધો નાનો હતો કે ખુલ્લ દરિયામાં એના ટુકડે ટુકડા થઈ જશે. બીજી દૃષ્ટિએ એ એવડો મોટો હતો કે, મોજાંની બે હારમાળા એકસામટી એને ઉપાડી પછાડશે.
- બધા નિષ્ણાતોના અભિપ્રાયોનો સરવાળો કરીએ તો આખા તરાપામાં દોરડાનો એક પણ ટુકડો, એક પણ ગાંઠ, લાકડાનો એક પણ કટકો એવાં નહોતાં કે જે અમને દગો દઇને દરિયામાં ડુબાડે નહિ.
- એક વિદેશી એલચીખાતાના અધિકારીએ તો બાજી લગાવી કે, જો તમે જીવતા પહોંચો તો તમારી બાકીની આખી જિંદગી સુધી ચાલે તેટલો વ્હિસ્કી-દારૃ મારે તમને પૂરો પાડવો.
- નિષ્ણાતો બધા પોક મૂકવા માંડ્યા હતા ત્યારે પણ મારા સાથીઓ તો લિમામાં લીલા લહેર કરતા હતા.
- 1500 વર્ષ પૂર્વે પેરુની પશ્ચિમે મહાસાગરમાં ગાયબ બનીને પેસિફિકના ટાપુઓમાં પહોંચનારા સૂર્ય-રાજાના માનમાં તરાપાનું નામ ‘કોન-ટિકિ’ રાખ્યું હતું.
- મારે પગ બને તેટલા મોકળા કરી લેવાના હતા, પછી વળી કોણ જાણે ક્યારે જમીન પર ચાલવાનો મોકો મળવાનો હશે!
- તે પછી આગળ જતાં તો એક પણ વહાણ અમને ભેટવાનું નહોતું, કારણ કે પેસિફિક મહાસાગરના એ ભાગમાંથી કોઈ જહાજ-કેડા પસાર થતા નહોતા.
- તરાપો તો અમે પુરાતન પેરુવાસીઓના નમૂના મુજબ જ બાંધ્યો હતો, પણ એનું સુકાન કઈ રીતે સંભાળવું તેના પદાર્થપાઠ અમને આપી શકે તેવા કોઈ માનવીનું અસ્તિત્વ રહ્યું નહોતું.
- ચાહે તેટલા ફૂંફાડા મારે ને છલાંગો ભરે તે છતાં દરિયો જ્યાં સુધી અમને તરાપા ઉપર શાંતિથી રહેવા દે ત્યાં લગી શી ફિકર હતી?
- પ્રત્યેક દોરડું એની જાડાઇ ને મજબૂતાઈને અનુરૃપ તીણાઘોઘરા સૂર કાઢતું, ને રાતભર એમના પ્રલાપ ચાલુ રહેતા.
- ક્યારેક સુકાન સંભાળતા એકાદ સાથીના મોમાંથી ઓચિંતાનો સરસ્વતીપ્રવાહ સંભળાવવા લાગતો ત્યારે અમે માની લેતા કે ઊડણ-માછલી ફટાક દઈને એના ગાલ ઉપર પછડાઈ હશે.
- પાછળથી અમને ખબર પડી કે તે રાતે અમે છએ સર્પ-મચ્છ જોયો તે પહેલા કોઈ માનવીએ ક્યારેય એને જીવતો જોયેલો નહોતો.
- ઘણુંખરું આપણે ગર્જના કરતાં યંત્રો અને પાણી ડોળતા પંખાવાળી સ્ટીમરોમાં બેસીને જ દરિયો ખેડીએ છીએ, અને પછી કહીએ છીએ કે ‘દરિયામાં કાંઈ જોવા જેવું નથી!’
- એક વાદળઘેરી રાતના બેને સુમારે, સુકાન સંભાળનાર જણ કાળાં પાણી ને એથીય કાળા આકાશ વચ્ચેનો ભેદ પણ જોઈ શકાતો નહોતો ત્યારે, પાણીની અંદર એણે કંઈક ઝાંખું ઝાંખુ ચળકતું જોયું. ધીમે ધીમે કોઈ મહાકાય પશુનો આકાર એ ચીજે ધારણ કર્યો.
- એ તરાપા ઉપર બેઠા બેઠા સુધરેલી દુનિયાની મોટી મોટી સમસ્યાઓ અમને મિથ્યા લાગી.
- તરાપા પર ઝાઝા કાયદાકાનૂન હતા નહિ-સિવાય કે (1) રાતના સુકાન સંભાળનારે પોતાની કમ્મરે દોરડું બાંધી રાખવું, (2) ભોજન લેવાનું ઝૂંપડીની બહાર રાખવું અને (3) કુદરતી હાજતો માટે તરાપાને છેક પાછલે છેવાડે જ જવું.
- દરિયામાં ભૂખમરો તો અશક્ય જ હતો.
- એ વેળા એમ સમજવું કે, શરીરને સાચી જરૃર પાણીની નહિ પણ મીઠાની હોય છે.
- એમના આદિ પૂર્વજો મહાસાગર ઓળંગીને આવ્યા ત્યારે ઉગમણી ધરતીમાંથી એક છોડવાનાં પાન લેતા આવેલા ને એ ચગળવાથી એમની તરસ મટી જતી. આ પાન ચૂસવાનું બીજું એક શુભ પરિણામ એ આવતું કે દરિયાનું પાણી પીવા છતાં એમને કોઈ જાતની બીમારી નડતી નહિ.
- આધુનિક વનસ્પતિશાસ્ત્રીઓની શોધખોળ પરથી જણાયું છે કે આ જાતની અસર નિપજાવનાર એકમાત્ર છોડ તે ‘કોકો’નો છે.
- હજી અમે દસેક અઠવાડિયાં માંડ દરિયે ગાળ્યાં હશે ત્યાં તો તરાપા ઉપર એક એક હાથ ઊંચી નાળિયેરીઓના રોપા ઊગી નીકળ્યાં હતા.
- ચારેય દિશામાં જમીન હજારો માઈલ દૂર હોય તેવા મધદરિયે પણ અમે પંખીડાં જોયાં છે.
- પેરુ અને મધ્ય પેસિફિકના ટાપુઓ વચ્ચેના 4300 દરિયાઈ માઈલના વિરાટ પટમાં કોઈ જ પ્રકારની જમીન નથી, એવી માન્યતા પ્રચલિત છે. તેથી નકશા ઉપર અમારી સન્મુખે જ ખડકની ધાર ચીતરેલી જોઈને અમે ભારે અજાયબીમાં પડી ગયા.
- દરિયો બહુ તોફાની ન હોય ત્યારે ઘણી વાર, સાથે લીધેલી રબરની નાની હોડીમાં બેસીને અમે જરા સહેલ કરવા નીકળતા, અને ‘કોન-ટિકી’ની છબીઓ પાડતા.
- વિશ્વ આખું અંધકાર અને તારાઓનું જ બનેલું હતું – બીજી કોઈ ગહનતા એમાં નહોતી. એ ઘડી ઈસવીસન 1947ની હતી કે ઈસવીસન પૂર્વે 1947ની હતી, તેનું લેશમાત્ર મહત્ત્વ જણાતું નહિ.
- સમુદ્ર કે એના ઊછળતા તરંગો માટે પણ હવે અમને પહેલાંના જેવી માન-અદબની લાગણી રહી નહોતી. શાર્ક માછલી સાથેનો પરિચય પણ એવો જ ગાઢ બન્યો હતો.
- રાત પડતી ત્યારે પોપટ ઝૂંપડીની અંદર છાપરા નીચે લટકતા પોતાના પીંજરામાં પેસી જતો. દિવસે એ બહાર તૂતક પર આમથી તેમ લટાર મારતો, અથવા સઢના દોરડા પર ટિંગાઈને અવનવી કસરતબાજી બતાવતો.
- દૂર દૂર લાખોની વસ્તીવાળા કોઈ અમેરિકન શહેરમાં બેઠેલા હેલ નામના એક સદંતર અજાણ્યા માનવી સિવાય આખી દુનિયામાં બીજું કોઈ અમે ક્યાં છીએ તે જાણતું નહોતું, તે વિચાર એ રાતે ક્યાંય સુધી અમને આવ્યા કર્યો.
- એણે તો એના સામાન-પથારામાંથઈ ક્યાંકથી કાર્બોલિક એસિડની શીશી શોધી કાઢી, અને ગરમ ધાબળામાં વીંટળાઈને એ ચાની કીટલીમાં કાંઈક જાદુ કરવા માંડ્યો.
- એક પછી એક રાત પડતી, અને જુદાં જુદાં નક્ષત્રો બરાબર અમે ધારી રાખેલા સ્થળે જ આકાશમાં પ્રગટ થતાં.
- ગમે તેવડાં પ્રચંડ મોજાં આવતાં તો પણ બૂચના કટકાની માફક તરાપો તો એની ટોચે ને ટોચે જ રહેતો.
- મુશળધાર વરસાદ વરસતો ત્યારે ઝૂંપડીના છાપરા ઉપરથી અમે પીવાનું પાણી ભેગું કરતા.
- પણ એક નવો કોયડો ઊભો થયો, અમારી સફરનો અંત કઈ રીતે આવશે?
- લગલગાટ ત્રણ ત્રણ મહિનાથી સમુદ્રની ગર્જના ઉપરાંત અમે સાંભળેલો એકમાત્ર અવાજ તરાપાનાં ચેતનહીન દોરડાંના કર્કશ કિચૂડાટનો હતો.
- ખાડીની પેલી બાજુ કાંઠા ઉપર કેટલાંક સ્થિર કાળા ટપકાંનું જૂથ અમને દેખાયું. અચાનક એમાંથી એક ટપકું ઊભું થઈને ધીમે ધીમે પાણીની દિશામાં આવ્યું.
- તરાપા ઉપર આવેલા ટાપુવાસીઓનું સ્વાગત અમે સિગારેટથી કરેલું એની તે મોજ માણતા હતા.
- તરાપાને છેવાડે લઈ જઈને બાલ્સાંના બીમ નીચેનો ભાગ બતાવીને અમે એમને સમજાવ્યું કે, અમારી ‘સ્ટીરમ’ને પાણી કાપવાનો પંખો-બંખો છે નહિ.
- જવાબમાં એમણે જેમતેમ કરીને અમને સમજાવ્યું કે કિનારે માણસો તો ઘણાય છે, પણ દરીયે ચડી શકે એવી હોડીઓ એ આખા ટાપુ પર ચાર જ હતી.
- કાગળની એ કટકી લઈને ટાપુવાસીઓ પોતાની હોડીઓમાં કૂદી પડ્યા, ને રાત્રીના અંધકાર-પટમાં લુપ્ત બન્યાં.
- પરિણામે, આંતરરાષ્ટ્રીય ઈશારા-બોલીમાં કનુટે આપેલ વચનો ને ધમકીઓ આખરે ફળ્યાં.
- અનિવાર્ય અંતને ભેટવા અમે સજ્જ થવા લાગ્યા. કાળની ઘડી આવે ત્યારે કોણે શું કરવું તેની અમારામાં પ્રત્યેકે મનમાં ગાંઠ વાળી લીધી હતી.
- ત્યારે અમને સમજાયું કે મનુષ્યની કાયામાં હાડમાંસ ઉપરાંત બીજી પણ એક શક્તિ પડેલી છે.
- દોરડાને વળગી રહીને હું જીવતો રહ્યો હતો ખરો, પણ તેનો શો અર્થ હતો?
- અમારા સરંજામમાંથી દરિયાએ બહુ ઓછાનો ભોગ લીધો હતો.
- સફર પૂરી થઈ હતી. અમે છયે છ જણ જીવતા હતા, સામે કાંઠે મધ્ય પેસિફિકના ટાપુ ઉપર પહોંચ્યા હતા.
- ડોલતા તરાપા ઉપર 101 દિવસો ગાળ્યા પછી સ્થિર ધરતી પર પગ માંડીને ચાલતાં હજી અમને ફાવતું નહોતું.
- ત્યાર પછી મોતીના દાણા જેવા પોતાના દાંતનો ચળકાટ એમણે અમારી ઉપર વેર્યો.
- એ સમસ્યાનો ગામનાં ઘરડેરાંઓએ એવો ઉકેલ કર્યો હતો કે એ ભડકા માનવીના હાથના નહિ પણ ભૂતપ્રેતના હોવા જોઈએ.
- મુખીની સાથે અમારી ઓળખાણ કરાવીને કહ્યું કે મુખીનું પૂરું નામ ટેપિયુરાઈયારી ટેરિફટાઉ છે, પણ અમે એમને ટૂંકમાં ‘ટેકો’ કહેશું તો ચાલશે.
- છેલ્લા દસ વર્ષ દરમિયાન વિદેશી જહાજો તો ત્રણ જ એમના ટાપુ સુધી આવેલાં હતાં.
- અને એક દિવસ બપોરની વેળાએ ટામારા જહાજ આવી પહોંચ્યુ, ને અમારા યજમાન-ટાપુવાસીઓની અમે વિદાય લીધી. ટમારાની પાછળ કોન-ટિકિ કોઈ તોફાની વછેરા સામે ઊછળતો ચાલ્યો.
અદભૂત. આ પુસ્તકનો પરિચય આપી તમે બહુ જ પ્રશંસનીય કામ કર્યું છે. હાર્દિક અભિનંદન
મહેન્દ્ર મેઘાણીએ કોન ટિકી નો ગુજરાતી અનુવાદ કરીને એક અદભુત ભેટ ધરી છે. આમેય આવા સાહસ યાત્રાના પુસ્તક ગુજરાતીમાં જવલ્લેજ મળે છે. ધન્યવાદ મહેન્દ્ર મેઘાણી સાહેબ.