આમ તો પરણિત પુરુષોએ એવો ટાપુ શોધવા જવાની જરૃર હોતી નથી. કેમ કે ઘરમાં મહિલાઓનું જ રાજ ચાલતું હોય છે. પરંતુ સામે છેડે જગતમાં ખરેખર એવો ટાપુ છે જ્યાં કહેવા પુરતું નહીં પણ ખરેખર જ મહિલાઓનું રાજ છે. આ ટાપુ યુરોપમાં છે. ઈસ્ટોનિયા નામના નાનકડા દેશના કાંઠાથી દૂર બાલ્ટિક સમુદ્રમાં કિહ્નુ- Kihnu નામે સાડા સોળ ચોરસ કિલોમીટરનો ટાપુ આવેલો છે. અહીં કોઈ આવે તો પહેલી નજરે નવાઈ લાગે કેમ કે ચો-તરફ તેને રંગબેરંગી વસ્ત્રો પહેરેલી મહિલાઓ જ જોવા મળે..
એમ તો ભારતમાં સુંદરવનના જંગલોમાં કેટલાક ગામ એવા છે જ્યાં પુરુષો નહિંવત છે, મહિલાઓ જ રહે છે. કેમ કે મોટા ભાગના પુરષો માનવભક્ષી વાઘનો શિકાર બન્યાં હોય છે. પણ આ ટાપુની સ્થિતિ અલગ છે. અહીં આવનારને એવુ લાગે કે જાણે કોઈ પરીની વાર્તામાં બધા પુરુષો અદૃશ્ય થઈ ગયા હોય એવી ટાપુની હાલત છે.
મહિલાઓનું ખરેખર શાસન હોય એવો યુરોપનો એ છેલ્લો પ્રદેશ છે. પુરુષો નથી એવું તો હરગીઝ નથી, પરંતુ વર્ષનો ઘણો ખરો સમય પુરુષો સમુદ્રમાં હોય છે. કેમ કે તેઓ મૂળભૂત રીતે દરિયાખેડું છે. આ ટાપુનું નામ પણ પ્રખ્યાત દરિયાખેડુ કિહ્નુ જોનના નામ પરથી જ પડ્યું છે.
પુરુષોની ગેરહાજરીમાં ટાપુ પર ટ્રેકટર ચલાવવાનું થાય કે કબર ખોદવાની થાય, દીવાદાંડીની રખવાળી કરવાની થાય કે વૃક્ષો કાપવાના થાય કે રસ્તો બનાવાનો થાય.. બધા કામો મહિલાઓ કરતી આવી છે. આજે જોકે આવી કામગીરીની કોઈ નવાઈ નથી, કેમ કે આપણા દરિયા કાંઠે પણ પુરુષો દરિયો ખેડવા નીકળી પડયા હોય ત્યારે મહિલાઓ બધુ સાચવી જ લે છે. પરંતુ આ કામગીરી માટે યુરોપના આ નાનકડા ટાપુને વિશેષ પ્રસિદ્ધિ મળી છે. આખો ટાપુ ચાર ગામમાં વહેંચાયેલો છે. અહીં પાક્કી સડક, પોસ્ટ ઓફિસ, એટીએમ, રેસ્ટોરાં.. વગેરે જેવી આધુનિક સગવડો નથી, મહિલાઓને તેની જરૃર પણ નથી.
અહીં લગભગ ૩૦૦ જેટલી મહિલાઓ રહે છે.. દુનિયાદારીની પરવા વગર પોતાની મસ્તીમાં મસ્ત થઈને. મસ્ત થઈને એટલા માટે કે ગીતો ગાવા, નૃત્યો કરવા અને મનમસ્તાના થઈને રહેવું એ જ અહીંનું રોજિંદુ જીવન છે. મહિલાઓ નવરી પડે ત્યારે સતત ભરતકામ કરતી રહે છે.
જતાં પહેલા જાણી લો
- યુનેસ્કોએ આ ટાપુની સંસ્કૃતિને કલ્ચરલ હેરિટેજ જાહેર કરી છે.
- અહીં આવતા પ્રવાસીઓ માટે નાનકડું સંગ્રહાલય છે, જ્યાં પ્રવાસીઓને ટાપુનો ઈતિહાસ જાણવા મળે છે.
- હોમ-સ્ટેની સગવડ છે અને ફરવાં માગતા પ્રવાસીઓ માટે મહિલા ટૂર ગાઈડની સગવડ પણ છે.
- પ્રવાસીઓ અહીંની ભરતકામ વગેરે હેન્ડીક્રાફ્ટની કળામાં પણ ભાગ લઈ શકે છે.
- Metsamaa Traditional Farm પર પ્રવાસીઓ ટાપુની દૈનિક જિંદગી કેવી છે એ જાણી શકે છે અને તેનો ભાગ બની શકે છે.
- માછીમારીમાં રસ હોય એમના માટે ફિશિંગ ટ્રીપ યોજાય છે.
- એક દીવાદાંડી છે જ્યાંથી સમુદ્ર દર્શન કરી શકાય છે.
- ટાપુ પર કાફે-રેસ્ટોરાં મર્યાદિત છે. માટે પ્રવાસીઓ એડવાન્સમાં બૂકિંગ કરાવે તો જરૃરી સામગ્રી મળી શકે છે.
- આખા ટાપુની સમગ્ર સફર ૨૩ કિલોમીટરની થાય છે. આખો ટાપુ ફરવા માટે સાયકલ અને ઈલેક્ટ્રિક સ્કૂટર સર્વોત્તમ વિકલ્પ છે.
- ટાપુ પર એટીએમ નથી, કેટલીક શોપ્સમાં કાર્ડ પેમેન્ટ ચાલે છે. બાકી રોકડ રકમ જ કામ લાગે.
- https://visitkihnu.ee/en તમામ માહિતી આ વેબસાઈટ પર આપેલી છે.
- ટાપુ હોવાથી ઈસ્ટોનિયાની મુખ્ય ભૂમિ પર પહોંચ્યા પછી જ અહીં જઈ શકાય છે. Munalaiu port પરથી ફેરી બોટ દ્વારા જઈ શકાય છે. સામાન્ય રીતે હોડી ૧૫ મીનિટથી અડધી કલાકમાં ટાપુ પર પહોંચાડે છે.