ભારતમાં સૌથી વધારે પ્રવાસી મેળવતા રાજ્યોમાં કેરળનો સમાવેશ થાય છે. તો બીજી તરફ કેરળમાં સૌથી વધારે પ્રવાસીઓ જ્યાંથી આવે છે તેમાં ગુજરાતનો સમાવેશ થાય છે. માટે ગુજરાતી પ્રવાસીઓનો અને ગુજરાતની જનતાનો કેરળ ટુરિઝમે ખાસ આભાર માન્યો હતો. ૧૦મી માર્ચે અમદાવાદમાં યોજાયેલા કેરળ ટુરિઝમના કાર્યક્રમમાં ટુરિઝમના ડિરેક્ટર વી.આર.ક્રિષ્ના તેજાએ જણાવ્યુ હતું કે પેન્ડેમિક જેવી સ્થિતિ પછીય ગુજરાતી પ્રવાસીઓએ કેરળને ખુબ પ્રેમ આપ્યો છે. એ માટે અમે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. સાથે સાથે તેમણે કહ્યું હતું કે અત્યારે પ્રવાસીઓ સરેરાશ ૩-૪ દિવસ રોકાય છે પરંતુ હવે ૬-૮ દિવસ રોકાઈ શકે એવી તમામ સગવડો અને આકર્ષણો અમે ઉભા કર્યા છે.
ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ મહામારી પૂર્વના સ્તરે શરૂ થવા સાથે કેરળ કેરેવાન, લાંબા સ્ટે અને કસ્ટમાઇઝ્ડ વેકેશન સહિતની પ્રોડક્ટ્સ અને નવા અનુભવ ઓફર કરતાં દેશ-વિદેશના પ્રવાસીઓનું સ્વાગત કરવા માટે સજ્જ છે. કેરળ ટુરિઝમના ડાયરેક્ટર વી આર ક્રિષ્નાએ પાર્ટનરશીપ મીટ દરમિયાન આયોજિત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજ્યના દરિયાકાંઠા, હીલ સ્ટેશન, બેકવોટર્સ અને હાઉસબોટ જેવાં લોકપ્રિય સ્થળો સમગ્ર વર્ષ માટે મહેમાનોનું સ્વાગત કરવા માટે જોશમાં છે તથા કેરળ વિવિધ પસંદગીઓની ખાતરી આપે છે.
વર્ષ – પ્રવાસી
2016 – 192175
2017 – 239228
2018 – 240009
2019 – 248178
2020 – 39686
શ્રી તેજાએ ઉમેર્યું હતું કે, “હાલમાં અમારું ધ્યાન ઘરેલુ પ્રવાસન ઉપર કેન્દ્રિત છે, જેમાં ગુજરાત મહત્વપૂર્ણ માર્કેટ છે કારણકે આ રાજ્ય કેરળ ટુરિઝમ માટે મોટું યોગદાન આપતું રહ્યું છે.”
તેમણે જણાવ્યું હતું કે, “ડેસ્ટિનેશન-કેન્દ્રિત અભિગમમાં મોટા બદલાવ સાથે સમગ્ર કેરળ બહુવિધ અનુભવ જેમકે હોમસ્ટે, ડ્રાઇવ હોલીડે, ચેન્જ ઓફ એર આધારિત વેલનેસ વેકેશન તથા એડવેન્ચર ટુરિઝમ પ્રવૃત્તિઓ સાથે એક્સટેન્ડેડ હોલીડેઝ માટે આદર્શ સ્થળ તરીકે પોતાની જાતને પુનઃનિર્મિત કરી રહ્યું છે.”
ટ્રાવેલ અને ટુરિઝમ ઉદ્યોગે કેરળ ટુરિઝમની નવી પ્રોડક્ટ્સમાં જબરદસ્ત રૂચિ દર્શાવી છે તથા નોંધપાત્ર પ્રવાસીઓના આગમન સાથે રાજ્ય માટે આગામી વર્ષ ખૂબજ વ્યસ્ત રહેશે.
કેરળ માટે વર્ષ 2022માં શ્રેણીબદ્ધ રસપ્રદ ઇવેન્ટ્સ અને ફેસ્ટિવિટી યોજાઇ રહી છે, જેમકે મે મહિનામાં કેરળ ટ્રાવેલ માર્ટ, ઓગસ્ટ-નવેમ્બરમાં ચેમ્પિયન્સ બોટ લીગ (સીબીએલ), ડિસેમ્બર-માર્ચમાં કોચી મુઝિરિસ બિએનેલ તેમજ કલ્ચર એન્ડ લિટરરી ફેસ્ટ અને એડવેન્ચર ટુરિઝમ એક્ટિવિટી તેમાં સામેલ છે, તેમ તેજાએ કહ્યું હતું.
કેરળ પાસે મુલાકાતીઓ માટે હાઉસબોટ, કેરેવાન સ્ટે, જંગલ લોજ, પ્લાન્ટેશન વિઝિટ, હોમસ્ટે અને સિટી લાઇફ, આયુર્વેદા આધારિત વેલનેસ સોલ્યુશન્સ, કન્ટ્રીસાઇડ વોક તેમજ વેર્દાન્ત હીલ્સ ઉપર ટ્રેકિંગ સહિતની એડવેન્ચર પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે.
રાજ્યની કેરેવાન ટુરિઝમ પહેલ કેરેવાન કેરળને ખૂબજ ટૂંકા સમયમાં ઉદ્યોગ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને તે મહત્વપૂર્ણ પ્રોડક્ટ તરીકે ઉભરી આવી છે. અગાઉ કેરળ ટુરિઝમે ત્રણ દાયકા પહેલાં હાઉસબોટ ક્રૂઝ દ્વારા જબરદસ્ત વૃદ્ધિ જોઇ હતી.
પ્રવાસન કેન્દ્રોની ઇકોલોજી અને સંસ્કૃતિ સાથે કોઇપણ પ્રકારની છેડછાડ કર્યાં વિના ટકાઉ પ્રકારે પ્રવાસીઓ માટે સમગ્ર રાજ્ય ખુલ્લું મૂકવા એક ખાસ પહેલ પણ કરાઇ છે. આ પ્રોજેક્ટ હેઠળ કેરળની વિશ્વપ્રસિદ્ધ કમ્યુનિટી-સેન્ટ્રિક અને હેરિટેજ-પ્રિઝર્વિંગ રિસ્પોન્સિબલ ટુરિઝમ મૂવમેન્ટ સાથે ઓછી જાણીતા કેન્દ્રોને એક્સપ્લોર કરવામાં આવે છે. રાજ્યને સુરક્ષિત અને ગ્લેમરસ હનીમુન ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવા કેરળ ટુરિઝમે ભારત અને વિદેશના હમીમૂનર્સને આકર્ષવા માટે માઇક્રો વિડિયો સોંગ લોંચ કર્યાં છે.
શ્રેણીબદ્ધ ટ્રાવેલ ટ્રેડ નેટવર્કિંગ એક્ટિવિટી સહિત ટ્રેડ ફેર્સમાં ભાગ લેવો, બી2બી પાર્ટનરશીપ મીટનું આયોજન કરવું તેમજ રોડશોનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ગ્રાહકોના વિશાળ આધાર સુધી પહોંચી શકાય. પ્રથમ પાર્ટનરશીપ મીટ આ સપ્તાહમાં દેશની રાજધાનીમાં યોજાઇ હતી, જેમાં ઉદ્યોગ તરફથી ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો હતો.
કેરળ ટુરિઝમ આગામી ત્રણ મહિનામાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ટુરિઝમ ઇવેન્ટ્સમાં પણ પોતાની ક્ષમતા પ્રદર્શિત કરવાની યોજના ધરાવે છે, જેમાં તેલ અવીવ (ઇઝરાયલ) ખાતે 28માં ઇન્ટરનેશનલ મેડિટેરિયન ટુરિઝમ માર્કેટ (આઇએમટીએમ) અને બીઆઇટી મિલાન (ઇટલી) સામેલ છે. વધુમાં મેડ્રિડ અને મિલાનમાં બી2બી મીટ પણ યોજાશે.
રાજ્ય ઓટીએમ મુંબઇ, ટીટીએફ ચેન્નઇ અને સાઉથ એશિયન ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સચેન્જ (એસએટીટીઇ), નવી દિલ્હી જેવી પ્રાદેશિક મીટમાં પણ તેની મજબૂત ઉપસ્થિતિ સ્થાપિત કરશે તેમજ હૈદરાબાદ અને બેંગ્લોરમાં પણ પાર્ટનરશીપ મીટ યોજશે.