મધ્ય પ્રદેશનું કાન્હા નેશનલ પાર્ક દેશનું પ્રતિષ્ઠિત વાઘ અભયારણ્ય અને વાઘના દર્શન માટેનું મહત્વપૂર્ણ સ્થાનક છે. વાઘ ન જોવા મળે તો પણ જંગલની રખડપટ્ટી ભારે રસપ્રદ થઈ પડે એમ છે.
૧૭ ડિસેમ્બર, ૨૦૧૦
હું અને મીના ક્યારના રાહ જોતાં હતાં. ટ્રેનની બારીમાંથી નજર દોડાવતાં હતાં.. જબલપુર લખેલું પીળું બોર્ડ ક્યાંય દેખાય છે. ગઈ કાલે સાંજથી શરૃ થયેલી સફર હવે પૂર્ણાહુતીના તબક્કામાં હતી. હજારેક કિલોમીટરની રેલ સફર પછી હવે પગ મોકળા કરવા અમેય વ્યાકૂળ હતાં..
સાંજના ચારેક વાગ્યે આખરે જબલપુર સ્ટેશન ઉતર્યા. અહીંથી અમારે તો છેક પોણા બસ્સો કિલોમીટર દૂર જવાનું હતું, કાન્હા નેશનલ પાર્ક! સ્ટેશન બહાર જ ટેક્સી ઉપલબ્ધ હતી અને એ સિવાય કોઈ વિકલ્પ પણ ન હતો. લશ્કરી છાવણીથી છવાયેલા જબલપુરના રસ્તાઓ જોતાં જોતાં અમે શહેરની બહાર નીકળ્યા. ગાડી સડસડાટ ચાલે એવા રસ્તાઓ હતાં નહી. પણ અમે તો નવપરણિત હતાં, એટલે કેવાય રસ્તાઓ હોય એની વ્યથા અમને શરૃઆતમાં અનુભવાઈ નહીં.
બેએક કલાક ગાડી ચાલી ત્યારે મોટું ગામ કહી શકાય એવુ સ્થળ આવ્યુ, માંડલા. અહીં અમને ડ્રાઈવરે ચેતવણી આપી, ચા-પાણી પીવા હોય તો પી લો, હવે છેક કાન્હા સુધી કશુંય મળશે નહીં. ત્યારે અમને પહેલી વખત અહેસાસ પણ થયો કે અમે ખરેખર ખતરનાક કહી શકાય એવી જગ્યાએ જઈ રહ્યાં છીએ…!
મધ્યપ્રદેશથી છત્તિશગઢ તરફ અમારી ગાડી દોડતી હતી અને પાછળ સુરજ નારાયણ અજવાશનો પડદો પાડી ચૂક્યા હતા. અંધકારમાં હવે અમને કશુંય દેખાતુ ન હતું. દેશના ટોપ-ટેન ટુરિસ્ટ પ્લેસમાં સ્થાન પામતું કાન્હા જેમ જેમ નજીક આવતુ જતું હતું એમ એમ અમારો ઉત્સાહ ઓસરતો જતો હતો. કેમ કે સતત પ્રવાસથી અમે થાક્યા હતાં. પણ આખરે આઠ-સાડા આઠે ‘કાન્હા અર્થ લોજ’ લખેલા રિસોર્ટમાં અમારી ગાડી પ્રવેશી. આજે તો ભલે થાક્યા પણ કાલે તો ભવ્ય જંગલ જોવાનું જ છે ને! એવા આશાવાદ સાથે અમારો દિવસ પૂરો થયો.
18 ડિસેમ્બર
સવારે વહેલા ઉઠીને જંગલમાં ફરી શકાય એવી અમારી હાલત નહોતી. વળી ઠંડી પણ અતિશય આકરી હતી, એટલે વહેલા ઉઠવાનું તો સાહસ કેમ કરવું? મોડેકથી તૈયાર થઈને અમે આસપાસના ગામો ફર્યા. એકદમ પછાત ગામ, ત્યાં નાનકડા ખેતરોમાં થતી ખેતી, જંગલ આધારિત જીવન અને ગામમાં વાઘના હુમલાઓથી ઘાયલ થયેલા લોકોની કેફિયત એ અમારી વોકિંગ સફરની ફળશ્રૃતિ હતી.
જમીને તુરંત કાન્હામાં પ્રવેશ મેળવવાનો હતો. અર્થ લોજના સહાયકો સાથે અમે જિપ્સીમાં ગોઠવાયા. થોડે દૂર ‘કાન્હા નેશનલ પાર્ક’નો ગેટ હતો અને ત્યાં અમારા જેવી અનેક જિપ્સીઓ ગોઠવાયેલી હતી. અમારા સહાયકોએ જઈને અમારી ટિકિટ કઢાવી. ‘વાઘની ઘરતીમાં તમારું સ્વાગત છે’ એવુ લખાણ ધરાવતા ગેટમાંથી પસાર થતી વખતે અમારો રોમાંચ ક્યાંય સમાતો ન હતો.
અમે જંગલમાં પ્રવેશ્યા. મેદાન ખુલ્લુ હતું. બન્ને તરફ ઘાસીયા મેદાનો હતાં. એ વચ્ચેથી પસાર થતાં ધૂળિયા રસ્તા પર અમારી ૨૭ નંબરની જિપ્સી આગળ વધી રહી હતી.. અમારી વાતો અને જિપ્સીના એન્જી સિવાય કોઈ અવાજ સંભળાતો ન હતો. મેદાનો વચ્ચે ક્યાંક છૂટાછવાયા વૃક્ષોય ઉભા હતાં. લશ્કરી સેના હુમલા માટે ઉભી હોય એમ દૂર વૃક્ષોની હારમાળા દેખાતી હતી. એ હારમાળા તરફ જ અમારી ગાડી આગળ વધતી હતી.
થોડી મિનિટો પછી જંગલના કલેવર બદલાયા. બન્ને તરફના મેદાનો ખતમ થયા હતાં અને તેના સ્થાને ઊંચા-તોતિંગ વૃક્ષોની હારમાળા શરૃ થઈ હતી. વચ્ચે ખાલી જગ્યામાં હાથી સંતાઈ શકે એવું વિશાળ એલિફન્ટ ગ્રાસ ઉભુ હતું. જંગલમાં હતાં એટલે આવુ પરિવર્તન તો સાહજીક હતું. પણ અકલ્પનિય સ્થિતિ બદલાયેલા તાપમાનની હતી. હજુ તો બાપોરનો સમય હતો. કુણો તડકો છવાયેલો હતો અને એ સ્થિતિમાં અમે ધૂ્રજી ઉઠીએ એવી ઠંડી છવાઈ રહી હતી. ઠંડી લાગશે એવો અમને અંદાજ હતો, પરંતુ ઠંડી અમારા વસ્ત્રો વીંધીને હાડકા સુધી પહોંચે એટલી આકરી હશે એની અમને કલ્પના ન હતી. એ સ્થિતિ વચ્ચેય અમારે હજારેક ચોરસ કિલોમીટરમાં પથરાયેલા જંગલમાંથી પસાર થવાનું હતું.
શશશ… અમારા ગાઈડે અમને ચૂપ કર્યા અને રસ્તાના કાંઠે ઈશારો કર્યો. એમની આંગળી તરફ સૌએ નજર દોડાવી. ઘાસમાં કાળુ કૂંડાળુ દેખાતુ હતું. થોડી વારે સમજાયું કે એ તો અજગર છે. ‘ઈન્ડિયન રોક પાયથન’ તરીકે ઓળખાતો અજગર મસ્તીથી પડયો હતો. કદાચ એ ભોજન પતાવીને બેઠો હતો. અજગરની રજા લઈ આગળ વધ્યા ત્યાં ખુલ્લા ઘાસના મેદાનમાંથી દોડી આવતા હરણો દેખાયા. હરણ આમ તો આખા ભારતમાં સામાન્ય છે. પણ અહીંના હરણ વિશિષ્ટ હતાં. કેમ કે એક સમયે બારાસિંગાની સંખ્યા ઘટીને આંગળીના વેઢે ગણાય એટલી થઈ ગઈ હતી. એ વખતે કાન્હાએ બારાશિંગાને પોતાની આગોશમાં લીધા અને તેની વસતી વૃદ્ધિ થાય એવી સગવડ કરી આપી. પરિણામે હવે કાન્હામાં સેંકડોની સંખ્યામાં બારાસિંગા છે. ભારતમાં સજીવ સંરક્ષણનો ઉત્તમ નમૂનો કાન્હમાં બારાસિંગાના સંવર્ધને પુરો પાડયો છે.
ફરી જિપ્સી આગળ ચાલી. અત્યંત ઊંચા વૃક્ષો વચ્ચે એક તળાવ ભરાયેલું હતું. જંગલના સજીવોને પાણી પુરું પાડતા એ જળાશયા કાંઠે રહેલું બોર્ડ રસપ્રદ હતું. બોર્ડમાં લખ્યુ હતું કે તળાવનું નામ ‘શ્રવણ તાલ’ છે, કેમ કે રામાયણકાળમાં શ્રવણ તેના માતા-પિતા માટે અહીં પાણી ભરવા આવ્યો હતો. અને ત્યારે જ રાજા દશરથે શ્રવણના પાણી ભરવાના બૂડબૂડ અવાજને પારખી શબ્દવેધી બાણ ચલાવ્યુ હતું. એ પછીની કથા તો જાણીતી છે.
તાલના કાંઠે કેટલાક પક્ષીઓ હતાં, તો વળી અન્ય સજીવો પણ પાણી પી રહ્યાં હતાં, પણ જિપ્સીના અવાજથી ફરી જંગલમાં જતાં રહ્યાં. અમને રાહ જોકે રાષ્ટ્રીય પ્રાણી વાઘની હતી. પણ વાઘ સિવાયનું જંગલ જોવાની ભારે મજા આવી રહી હતી. ખાસ તો ગાઠ જંગલ, ઊંચુ ઘાસ, જમીન પર છવાયેલી વનરાજી જોઈને અમને સમજાતું હતું કે શા માટે અહીં આવ્યા પછી રૃડિયાર્ડ કિપલિંગને આ જંગલ જોઈને ‘જંગલ બૂક’ લખવાનો વિચાર આવ્યો હશે (૧૮૯૪માં રૃડિયાર્ડ કિપલિંગે લખેલી વાર્તામાળા જંગલબૂકની પ્રેરણા તેમને કેટલેક અંશે કાન્હાના જંગલોમાંથી મળી હોવાનું કહેવાય છે. બીજો પ્રેરણાસ્રોત દોઢસો કિલોમીટર દક્ષિણે આવેલો પેંચ નેશનલ પાર્ક ગણાય છે).
અરે રૃકો.. રૃકો.. ડ્રાઈવરને અમારી સાથે રહેલા સહાયકે સૂચના આપી. પીછે લો.. પીછે.. ગાડી થોડી પાછળ આવી. રસ્તા તરફ આંગળી ચીંધી. અમે જોયુ એ પછી કશુંય પૂછવાનું રહેતુ ન હતું. જમીન પર વાઘના તાજાં પગલાં હતાં. અમને જાણકારી મળી કે પગલાંની સાઈઝ પરથી વાઘ યુવાન હોય એવુ લાગે છે. શું આપણે નીચે ઉતરીને જોઈ શકીએ? એવો સવાલ અમે પૂછીએ એ પહેલાં જ અમને બીજી સૂચના મળી, પણ વાઘ આટલામાં જ હોવો જોઈએ માટે ગાડીની નીચે ઉતરવાનો સવાલ નથી. શરીર પર ક્યારની છવાયેલી ઠંડી એ એક જ જાણકારીથી એક ઝટકામાં ઉડી ગઈ. ચો-તરફ નજર નાખી પણ વાઘને અમારામાં રસ હોય એમ લાગ્યુ નહીં.
આગળ રસ્તો સાંડકો થયો. બન્ને તરફ મોટું ઘાસ હતું. એમાં એક કાળુ ધાબું દૂરથી દેખાયુ. એ ધાબુ વળી હલ-ચલ પણ કરતું હતું. નજીક પહોંચ્યા ત્યારે ખબર પડી કે એ ભારતીય ગૌર (બાયસન-જંગલી ભેંસ) હતી. તેનું કદ અને કલર ભારે પ્રભાવશાળી હતાં. જંગલનું એ સૌથી મોટું પ્રાણી હતું. એક પછી એક.. કાન્હાની જીવસૃષ્ટી અમારી સામે આવીને પસાર થતી જતી હતી. એટલામાં વાયરસલેસ પર અમારી જિપ્સીને સૂચના મળી.. સ્વાભાવિક રીતે જ સૂચના વાઘની હાજરી અંગેની હતી. જિપ્સીના પૈડાં ઢઢઢસ્સ્સસ્ કરતાં વળ્યાં અને ગાડી એ દિશામાં દોડવા લાગી. અલબત્ત, વાઘ દર્શન એટલા સહેલા ન હતાં. કેમ કે અમે ત્યાં પહોંચીએ ત્યાં સુધીમાં વાઘ ત્યાં ટકી રહે તેની કોઈ ખાતરી ન હતી. પણ અમે આશાવાદી હતાં..
થોડી વારે દૂર મેદાનમાં જિપ્સીઓની હારમાળા દેખાઈ. અમે સમજી ગયા કે બધા વાઘને સલામી આપવા ઉભી ગયા છે. અમને કહેવામાં આવ્યુ કે દૂર ઘાસમાં વાઘણ છે. પણ બેઠી છે, માટે સ્પષ્ટ નથી દેખાતી. અમે દૂરબીન હાથમાં લીધા, આંખો સ્થિર કરી અને ઘાસની આરપાર જોવાનો પ્રયાસ કર્યો.. હા ખરેખર ત્યાં વાઘણ હતી. લીલાછમ્મ ઘાસ વચ્ચે પીળા-કાળાં પટ્ટા દેખાતા હતાં, બસ એ જ હતી વાઘણની પીઠ. થોડી વાર અમે રાહ જોઈ પણ વાઘણ ત્યાંથી ખસી નહીં. વાઘ એ કાન્હાનું મુખ્ય આકર્ષણ છે. હજારેક ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા કાન્હામાં સવાસોથી દોઢસો વાઘ રહે છે. પરંતુ વાઘ શરમાળ પ્રાણી છે, આસાનીથી સામે આવે નહીં. પાર્કનો સમય પુરો થવા જઈ રહ્યો હતો એટલે આખી વાઘણ હાલતી-ચાલતી દેખાય એવા દર્શનની લાલચ મૂકીને અમે ગેટની બહાર નીકળ્યાં..
19 ડિસેમ્બર ૧૯
લાકડામાંથી બનેલા છૂટાછવાયા કોટેજ, કોટેજ વચ્ચે ફાનસથી અજવાળાતો રસ્તો, દરેક કોટેજની બાલ્કની.. અને ખાસ તો જંગલ વચ્ચે લોકેશનને કારણે અમારો ઉતારો હતો એ અર્થ લોજ પણ અમને બહુ રસપ્રદ લાગી. સવારે નીરાંતે ઉઠી, લોજમાં આમ-તેમ આંટા મારી અમે ગાડીની રાહ જોતા હતાં. થોડી વારે ટેક્સી આવી પહોંચી, જેમાં સવાર થઈ અમારે જબલપુર પહોંચવાનું હતું. ત્યાં ટ્રેન અમારી રાહ જોઈ રહી હતી..
કાન્હા પ્રવાસની ટિપ્સ
- કાન્હાથી નજીકનું એરપોર્ટ અને રેલવે જબલપુર જ છે. ત્યાંથી ટેક્સી કરીને કાન્હા જઈ શકાય છે. બસો જાય છે, પણ તેના ભરોસે રહેવા જેવું નથી.
- રહેવા માટે કાન્હામાં એકથી એક ચડિયાતા રિસોર્ટ-લોજ ઉપલબ્ધ છે.
- કાન્હા ઘણું વિશાળ જંગલ છે, માટે બે દિવસ ફરવાની તૈયારી રાખી હોય તો સરળતા રહેશે.
- કાન્હામાં જિપ્સી ઉપરાંત એલિફન્ટ સફારીનો લહાવો પણ લઈ શકાય છે.
- ૧લી જુલાઈથી ૧૫ નવેમ્બર સુધી પાર્ક બંધ રહે છે.
- વધુ વિગત માટે ઉપયોગી વેબસાઈટ્સ http://www.pugdundeesafaris.com, http://www.mptourism.com/tourist-places/kanha-national-park.html