ઝવેરચંદ મેઘાણીએ લખેલું પ્રવાસ સાહિત્ય ઓછું ચર્ચાયું છે. મેઘાણીએ પ્રવાસના એકથી વધુ ગ્રંથો લખ્યા છે.. એમના પ્રવાસ અનુભવો અને પ્રવાસીઓ માટે માર્ગદર્શન જોઈએ..
‘અમારે સૌરાષ્ટ્ર જોવો છે, શી રીતે જોઈએ?’
મેઘાણીએ પોતાના પ્રવાસ વર્ણન ‘સોરઠને તીરે તીરે’ની પ્રસ્તાવનામાં પહેલું જ આ વાક્ય લખ્યું છે. લોકો એમને પત્રો લખીને એ સવાલ વારંવાર પૂછે છે કે અમારે સોરઠ ભ્રમણ કરવું છે. તમે જેમ જ્યાં-ત્યાં ફરીને નવી નવી વાતો ખોળીને, ધરતીને ખોદીને, મડદાંને બેઠાં કરીને, સ્મશાન ઢંઢોળીને.. પ્રેમની-શોર્યની-કુરબાનીની-ખાનદાનીની કથાઓ લાઓ છો એવા સૌરાષ્ટ્ર પ્રદેશમાં અમે કઈ રીતે ફરી શકીએ?
આજે તો કઈ રીતે ફરવું એ સવાલ થવાનું કોઈ કારણ નથી, પરંતુ આ વાત પોણી સદી પહેલાની છે. જ્યારે મેઘાણી ખુદ ઘોડે બેસીને રખડપટ્ટી પર નીકળી પડતાં હતા. તો વળી ક્યારેક તેમનું ‘સલુન’ નામનું ઊંટ પણ તેમની મદદે આવતું. પોતાના પત્રકારત્વ-લેખન-સંશોધન માટે મેઘાણી સતત ભ્રમણ કરતાં રહેતા હતા. પગ વાળીને બેસી રહેવાનું તેમના સ્વભાવમાં ન હતું. માટે વિવિધ સ્થળો વિશેની માહિતી રસપ્રદ માહિતી તેમની પાસે જ હોય એ પણ સ્વાભાવિક છે.
કેટલાંક લોકોને સમજાવે અને કેટલાં પત્રોના જવાબ આપે?
મેઘાણીએ એટલે ઉપાય તરીકે ‘સૌરાષ્ટ્રના ખંડેરોમાં : ગિરનું પરિભ્રમણ’ અને ‘સોરઠનાં તીરે તીરે’ એમ બે પુસ્તકો જ લખી નાખ્યા. પ્રવાસ પર એમ તો તેમણે અનેક લેખો લખ્યા, બીજા ગ્રંથોમાં પણ લખ્યું, પરંતુ આ બન્ને પુસ્તકો ઓછા જાણીતા છે.
***
ઝવેરચંદ મેઘાણી સંશોધન માટે ફરતાં રહેતા હતા, મજા કરવા માટે નહીં. માટે આ બન્ને પુસ્તકોના લેખનમાં પણ માત્ર જે-તે સ્થળની વાત કરી દેવાને બદલે તેનો ઈતિહાસ, માન્યતા, હકીકત, લોકસંપર્ક.. વગેરેની વાતો મેઘાણીએ પોતાની સાહિત્યિક છાંટ ધરાવતી છતાં સમજવામાં સરળ ભાષામાં કરી છે.
***
તુલસીશ્યામ બહુ જાણીતું ગીર જંગલ વચ્ચે આવેલું પ્રવાસન સ્થળ. મેઘાણી લખ્યુ છે કે અહીં ચારણને સપનામાં ભગવાન આવ્યા હતા. સપનામાં કહ્યા પ્રમાણે બીજા દિવસે પ્રભાતે ચારણે પાંદડાં ઉખેળ્યાં ત્યાં શ્યામ પ્રતિમા નજરે પડી. એ પ્રતિમાનું સ્થાપન થયું અને એજ આજના તુલસીશ્યામ. પ્રતિમાના શીર પર તિલક ન હતું. ચારણ સદા પોતાની સાથે સીંદૂરની ડાબલી રાખતો હતો. તેણે પ્રતિમાને સીંદૂરનું તિલક કરી દીધું. ત્યારથી આજ સુધી તુલસીશ્યામે પ્રતિમાને સીંદૂરનું તિલક થાય છે..
***
ગીરના અડાબીડ જંગલ વચ્ચે આવેલા વેજલ કોઠાએ મેઘાણી પહોંચ્યા. સાથે એકાદ મિત્ર, એક ભોમિયો.. પાંચસો વર્ષ કરતા વધુ સમય પહેલાં ત્યાં ‘જેસાજી-વેજાજી’ નામના બે બહારવટીયાઓનું થાનક હતું. જેસાજી-વેજાજીએ ત્યાં કોઠો એટલે કે આશ્રયસ્થાન બનાવ્યું હતું. બહારવટિયા માટે લખવા સંશોધન કરતાં કરતાં મેઘાણી અહીં પહોંચ્યા હતા. તેમના ભોમિયાએ નીચેથી જ ટેકરી બતાવીને કહી દીધું કે એ ઉપર રહ્યો વેજલ કોઠો..
નદીની ભેખડ પર ઉભેલુ એ વિકરાળ જંગલ પાર કરીને માંડ માંડ કરતાં મેઘાણી તેમના મિત્ર સાથે ઉપર પહોંચ્યા. ત્યાં ગયા પછી ખબર પડી કે અહીં કોઈ કોઠો હવે રહ્યો નથી. છે તો માત્ર ભેંકાર જંગલ, વહેતી રાવલ નદી, નદીના વળાંકોથી સર્જાતી ખીણો અને ગમે ત્યારે લપસી પડાય એવી ભેખડો. અહીંથી માંડ માંડ સાવધાની પૂર્વક ઉતરીને મેઘાણી પરત ફર્યાં. કેમ કે ચડવા કરતાં નીચે રેતાળ જમીન ધરાવતી ટેકરી ઉતરવી વધારે મુશ્કેલ છે. જરા ચૂક થાય તો સીધા રાલવના પાણીમાં.. એ પાણીમાં જ્યાં મગરોનો વસવાટ છે.
મેઘાણીના પ્રવાસ પછી આજે આઠ દાયકા પસાર થઈ ચૂક્યા છે. રાવલ નદીનું પાણી અવિરત વહી રહ્યું છે અને ટેકરીઓ ત્યાં ઉભી છે. સમગ્ર વિસ્તાર હવે જંગલખાતાની હદમાં આવે છે. ત્યાંનું જંગલ આજે પણ એટલું જ કથોરું છે, જેટલું મેઘાણીયુગમાં હતું.
***
‘સિંહના ટોળાં ન હોય’ એવી કહેવત છે અને એ મોટે ભાગે કોઈ એવી વ્યક્તિએ પાડી હશે, જેણે ક્યારેય સિંહ જોયા નહીં હોય. બાકી સિંહ તો સમુહચરી જ પ્રાણી છે. મેઘાણીને પણ પ્રવાસમાં સિંહોનો ભેટો થતો હોય ને! માટે તેમણે લખ્યું છે :’સાવઝના તો કાંઈ ટોળા હોય? એ કહેવતની હાંસી કરતાં બાર બાર પંદર પંદર સિંહો ટોળે વળીને આજે ગિરમાં આથડે છે, અને એકાદ નાના વાછરડાના શિકાર ઉપર એ આખું ટોળું કૂતરાંની માફ ટંટા કરે છે. શો કળજગ!’
***
ઊના પાસે આવેલો શાણો ડુંગર તેની બૌદ્ધ ગુફાઓ માટે જાણીતો છે. એ વાત અલગ છે કે ગુજરાતના અન્ય બૌદ્ધ સ્થળઓની જેમ તેના વિકાસમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યુ નથી. ઊંટ સવારી કરતાં કરતાં મેઘાણી ત્યાં પહોંચ્યા. શાણાનું વર્ણન કરતાં તેમણે લખ્યું કે આ ગુફાઓ રાજમહેલની અટારી જેવી છે. કેમ કે ત્યાં ચો-તરફ ગુફા જ ગુફા છે. અહીં જમીનમાં પાણીના અલગ પ્રકારના ટાંકા પણ છે. એક ગુફાથી બીજી સુધી જવાના પગથિયા, સ્તંભો, સૂર્યપ્રકાશ આવી શકે તેવા બાકોરાં.. વગેરેને કારણે આ ગુફા વિશિષ્ટ લાગે છે.
અહીં મહાબલી ભીમની પત્ની હિડમ્બાનો મહેલ હતો એવી પણ માન્યતા છે. અહીં પ્રવાસીઓ તરીકે માલધારીઓ સિવાય તો કોણ આવે? મૂળ કારણ એટલું કે એ વખતના સત્તાધિશોએ શાણાની ગુફાઓ સુધી લોકો પહોંચી શકે અને લોકો સુધી ગુફાની માહિતી પહોંચી શકે એ માટે કોઈ વ્યવસ્થા કરી ન હતી. તો વળી માત્ર પુસ્તકોમાંથી જ ઈતિહાસ સર્જનારા ઈતિહાસકારોએ ગુફાના ઈતિહાસમાં ધ્યાન આપ્યુ ન હતું. પુરાતત્ત્વખાતાએ પણ અવગણના કરી હતી. એટલે મેઘાણીએ એક જ વાક્યમાં ટકોર કરતાં લખ્યું છે :’શહેરી સંગ્રહસ્થાનોના શીળા ઓરડામાં બેસીને આરામથી ઈતિહાસ લખનારાઓને શાણો ડુંગર હજુ યે જાણે સો ગાઉ દૂર થઈ પડે છે.’
વર્ષો પછી આજે ય શાણા ડુંગરની સ્થિતિમાં ખાસ ફરક પડયો નથી. ઈતિહાસકારોને કે પુરાતત્ત્વશાસ્ત્રીઓને હજુ સુધી શાણાનો ઈતિહાસ ઉખેડવાનો સમય મળ્યો નથી. એ રીતે મેઘાણીએ કોયલા ડુંગર પર આવેલા હર્ષદી મંદિર અંગે પણ પુરાતત્ત્વશાસ્ત્રીઓને અપીલ કરી છે કે ક્યારેક ત્યાંના પથ્થરો પણ ફંફોસીને ઈતિહાસ તપાસવા પ્રયાસ કરજો..
***
રાજુલા પાસે વિક્ટર નામે બંદર છે. તેનું નામ કેવી રીતે પડયું? સોરઠને તીરે તીરેમાં મેઘાણીએ આવા સોરઠકાંઠાના નાના-મોટાં, જાણ્યા-અજાણ્યા સ્થળોની વાત રજૂ કરી છે.
વાત જાણે એમ બની હતી કે સિમ્સ નામના ઈજનેરે અહીં ભવ્ય બંદરની કલ્પના કરી હતી. સોરઠના કાંઠેથી યુરોપ સુધી જહાજોની આવ-જા થઈ શકે એવી બ્લુ-પ્રિન્ટ પણ તૈયાર કરી હતી. બંદરનું ખાતમૂહુર્ત કરવાનો વખત આવ્યો ત્યારે બે નામની શીલા તૈયાર રાખવામાં આવી હતી. એક શીલા પર ભાવનગર મહારાજ તખતસંગનું નામ કોતરેલું હતું. બીજી શીલા પર આલ્બર્ટ વિક્ટરનું નામ ચિતરેલું હતું. પંચમ જ્યોર્જના કાકા અને બ્રિટિશ રાજવી પરિવારના સભ્ય પ્રિન્સ આલ્બર્ટ વિક્ટર એ વખતે હિન્દની મુલાકાતે હતા. એ આ બંદરનું ઉદ્ઘાટન કરવા આવે.. ન આવે.. નક્કી ન હતું.
વિક્ટર ન પહોંચે તો બંદરના ખાતમૂહુર્તમાં તખતસંગના નામનો પથ્થર મુકાત અને એ નગર ‘તખ્તનગર’ નામે ઓળખાતું હોત. પરંતુ સદ્ભાગ્યે સમયસર બ્રિટિશ સ્ટીમર કાંઠે પહોંચી અને તેમાંથી વિક્ટરનો રસાલો ઉતર્યો. ઉદ્ઘાટન સહિતની વિધિ પૂર્ણ કરી પછી એટલે બંદર આજે પોર્ટ વિક્ટર તરીકે ઓળખાય છે. જોકે સિમ્સનું આકસ્મિક અવસાન થઈ જવાથી તેમણે જે આયોજન કર્યું હતું એ પ્રકારનું બંદર બની શક્યું ન હતું.
***
માછીમારોના વહાણને કરેલો કલર પાક્કો હોય છે. દરિયામાં ખારું પાણી અડે કે તેજ પવન ફૂંકાય.. આસાનીથી એ કલર જતો નથી. મેઘાણીએ એ કલરની રેસીપી રજૂ કરી છે.
મલાર નામની માછલી થાય. એ માછલીના શરીરમાં તેલનું પ્રમાણ અતિશય વધારે હોય છે. માટે મલારને માછીમારો એક ડબ્બામાં પૂરી દે. થોડા દિવસ પછી આખી માછલી મૃત્યુ પામી તેલમાં જ ફેરવાઈ જાય. તેની સાથે મનપસંદ કલર ભેળવીને પછી તેને વહાણના પડખામાં લગાવી દેવાનો. એ કલર વરસોવરસ સુધી જાય નહીં.
હોડીના કલરની બીજી રીતો પણ હશે અને હવે તો અઢળક પ્રકારના કલર મળે પણ છે. પરંતુ આ પણ એક રીત છે, શક્ય છે આજે પણ હોય.
***
મહેમાનને સાચવવા માટે કેવું બલિદાન આપી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ કુંવર ચેલૈયાની કથા છે. રાણી ચંગાવતી અને શેઠ શગાળશાએ મહેમાનને ખવડાવવા માટે પોતાના એકના એક દીકરા ચેલૈયાનું માથું ખાંડીને થાળીમાં મુકી દીધું હતું.
પણ એ ઘટના ક્યાં બની હતી?
એક જાણીતું નામ જૂનાગઢ પાસે આવેલું બિલખા છે. ત્યાં ચેલૈયાની જગ્યા પણ છે. જોકે રાજુલાના કાંઠે આવેલા શિયાળબેટમાં પણ આ ઘટના બની હોવાની માન્યતા છે. મેઘાણીએ લખ્યું છે કે અહીં ગંગાતળાવના કાંઠે કુંડી છે. ત્યાં જ પથ્થરનો ખાંડણિયો લઈને ચેલૈયાનું માથુ ખાંડયુ હોવાનું કહેવાય છે. ઘટના ક્યાં બની એ તો ઠીક.. પણ મેઘાણીએ આ ઘટનાનું સરસ અર્થઘટન કરતાં તેને આપણી અંઘશ્રદ્ધા સાથે જોડી છે.
મેઘાણીએ લખ્યું છે કે ચેલૈયાનું માથું માંગવા ભગવાન નહીં અઘોરી બાવો આવ્યો હતો. લોકોને સાધુ-બાવાઓ પર અપાર અંધશ્રદ્ધા હોય છે. માટે એવા જ કોઈ પાખંડી અઘોરીને ચેલૈયાના ભોળા મા-બાપની અવદશા કરી હશે. પરંતુ આપણે એવી પ્રજા છીએ જે કોઈ કથાનો કરૃણ અંત જોઈ શકતી નથી. માટે પાછળથી અઘોરીને ઈશ્વરનો વેશ પહેરાવી દીધો હશે. મેઘાણીનું આ અર્થઘટન વિચારવા જેવું છે. એટલું જ નહીં મેઘાણીએ એવુ પણ લખ્યું છે આજેય સમાજમાં બાળકોના કુમળા માનસ પર અત્યાચાર કરનારા તેમના માતા-પિતાઓ બાળકની શારીરિક નહીં તો માનસિક હત્યા કરે જ છે!
***
ઈશ્વરના વિવિધ અવતારો પૈકી એક વરાહ અવતાર હતો. એ અવતારનું મંદિર ક્યાં?
આખા ભારતમાં વરાહદેવનું એકમાત્ર મંદીર ગુજરાતમાં છે, એ પણ જૂનાગઢ પાસેના વંથલીમાં. એક સમયે વંથલી એટલે જ વામનસ્થલી તરીકે ઓળખાતું હતું. વામન એટલે કે વરાહ અવતારનું એ મંદિર આજે પણ મોજૂદ છે.
તો વળી આજનું પીપાવાવ ભગત પીપાના નામે સ્થપાયું છે. એ રીતે જેસલ-તોરલ, સંત રોહિદાસ, ખલાસીઓનું જીવન અને તેમની માન્યતા એવા અનેક પાસાંઓ મેઘાણીએ આ લેખનમાં વર્ણવ્યા છે. એટલે પ્રવાસ વર્ણન માત્ર માહિતી ન રહેતાં સોરઠનો સાંસ્કૃતિક દસ્તાવેજ કહી શકાય એમ છે.
***
આજે પણ સૌરાષ્ટ્રમાં આવા ઈતિહાસનો પાર નથી. માટે જાણીતા બ્રિટિશ ઈતિહાસકાર અને ગુજરાતના ઈતિહાસ અંગે અનેક મહત્ત્વપૂર્ણ સંશોધન કરનારા વોટસન સાહેબે લખ્યું હતું : સૌરાષ્ટ્રનો ઈતિહાસ એ આખા ભારતના ઈતિહાસનું નાનું સ્વરૃપ છે!
તો પછી સોરઠ કોને ગમશે?
જેમને સંસ્કાર અને સંસ્કૃતિમાં રસ હશે એમને. કારણ કે આ લોકકથાનો પ્રદેશ છે, બહારવટીયાના પરાક્રમોનો પ્રદેશ છે, અહીં સંસ્કારના પોપડા બાઝેલા છે તેમને ઉખેડવા પડશે. એટલે શક્ય છે કે દરેક વ્યક્તિને સૌરાષ્ટ્રના સ્થળોનો કશો મહિમા ન લાગે પરંતુ મેઘાણીના તો પ્રાણ થનગની ઉઠતા હતા. મેઘાણીએ સ્વીકાર્યું પણ છે કે તમે જેને પ્રવાસવર્ણન કહો છો, એવું મારું આ લખાણ નથી.
મેઘાણીએ ચેતવણી આપતા પ્રસ્તાવનામાં જ લખ્યું છે કે જેમને એક જ અઠવાડીયામાં, નાનાં-મોટાં બાળકો સાથે, આરામદાયક રીતે, કન્ડેન્સ મિલ્કના ડબ્બા લઈને ફરવા જવું હોય એમને આ વર્ણનમાં કે આ સ્થળોમાં મજા નહીં પડે.