જાપાન પ્રવાસ – ભાગ 1
4 સપ્ટેમ્બર, 2018
‘નારિતા એરપોર્ટ’, સમય સવારના સાડા સાત. ભારતમાં ત્યારે હજુ રાતના ચારેક વાગ્યા હતા. ‘જાપાન એરલાઈન્સ’ના ‘બોઈંગ 787-9બી’માંથી બહાર નીકળનારા મુસાફરોમાં સૌથી છેલ્લો હું હતો. દિલ્હીથી રવાના થયા પછી સવા આઠ કલાકે ટોકિયો પહોંચ્યા હતા. એ દરમિયાન મદદ કરનારા ક્રૂ મેમ્બર્સ સાથે જ હું બહાર નીકળ્યો. હકીકતે તો હું મારા સાથી પત્રકાર સાન્યાની રાહ જોતો હતો. પરંતુ એ બીજા દરવાજેથી નીકળી રવાના થઈ ગયા હતા. હવે સીધા બહાર નીકળવાના દરવાજે મળીશું એમ માનીને હું રવાના થયો.
ક્રૂ મેમ્બરને જ પૂછ્યું કે મારે આમ-તેમ જવાનું છે, ક્યાંથી જઈ શકાશે. એમણે માર્ગદર્શન આપ્યું. જોકે ઠેર ઠેર બોર્ડ માર્યા હતા અને તેમાં ઈમિગ્રેશન, ડિપાર્ચર, રેલવે સ્ટેશન વગેરેના એરા માર્યા હતા. ફર્શ પરની નરમ કાર્પેટ પર સુટકેસના પૈડાં ફેરવતો હું આગળ વધ્યો.
* * *
ઉગતા સુરજના દેશ વિશે જાપાન વિશે સૌ કોઈને એટલી ખબર તો હોય જ કે ત્યાં ટેકનોલોજીની બોલબાલા છે અને ‘મેડ ઈન જાપાન’ લખેલું હોય એવી ચીજ-વસ્તુ ખરીદવામાં કોઈ વાંધો નથી. હવે ‘મેડ ઈન ચાઈના’નો યુગ ચાલે છે, એટલે ઘરમાંથી જાપાની ચીજો ઓછી થતી જાય છે. તો પણ જેમના ઘરમાં જાપાની બનાવટની ચીજો હશે એ જાણતા હશે કે તેની ગુણવત્તા વિશે કશું કહેવાનું રહેતું નથી. સોનીનું ટીવી હોય તો 20-30 વર્ષ સુધી ચાલ્યા જ કરે.
જાપાન જવાનું ઘણી રીતે સરળ છે, કેમ કે બે દિવસમાં વિઝા મળી જાય. વળી વિઝા માટે તમારે પોતે ધક્કો ખાવો પડતો નથી. અમેરિકાનું વિઝા ફોર્મ 40 પાનાનું છે, જાપાનનું બે પાનાનું. અમેરિકાની વિઝા ફી અંદાજે 11 હજાર રૃપિયા જેવી છે અને રિજેક્ટ થાય તો બીજી વખત 11 હજારનો થપ્પો લાગે. જેટલી વખત રિજેક્ટ થાય એટલી વખત 11 હજારનો આંક વધતો જાય. જાપાનની વિઝા ફી 490 રૃપિયા માત્ર છે. એટલો ભાવ તો અમદાવાદમાં પિઝાનો છે. એટલે પિઝાના ભાવમાં જાપાન વિઝા આપે છે. જાપાનથી ઓછી વિઝા ફી ક્યા દેશની હશે એ શોધનો વિષય છે કેમ કે ટાન્ઝાનિયા જેવા દેશની વિઝા ફી પણ 3 હજારથી 18 હજાર (કેટગરી પ્રમાણે) સુધીની છે.
અમેરિકાના વિઝા માટે ઢગલાબંધ દસ્તાવેજ, કાગળિયા, એફિડેવિટ રજૂ કરવી પડે છે. જાપાનના વિઝા માટે ગણીને 3-4 કાગળની જરૃર પડે છે.
અમેરિકાની વિઝા પ્રક્રિયા લાંબી છે અને ક્યારેક લાયક હોય એવા વ્યક્તિને પણ ના પાડે તો અપમાનજનક પણ લાગે. એટલે એમ થાય કે અમેરિકા ઉપકાર કરતું હોય એમ વિઝા આપે છે. પરંતુ એ દેશની સુરક્ષા માટે એમને એ અનિવાર્ય લાગે છે. બીજી તરફ જાપાન સરળતાપૂર્વક અને સન્માનપૂર્વક વિઝા આપે છે. જાપાન વિશે આ બધી જાણકારી ન હોય એટલે લોકો એ દેશના પ્રવાસે ખાસ જતાં નથી. પાસપોર્ટ પર જાપાનમાં કેટલા દિવસ રહી શકાશે એ માહિતી આપતો વિઝાનો સિક્કો લાગીને આવી ગયો હતો એટલે જ અમે જાપાન પહોંચી શક્યા.
ભારતથી અમેરિકા-બ્રિટન જતાં પ્રવાસીઓ કરતાં દસમા ભાગના પણ જાપાન જતાં નથી. બાકી આમ પશ્ચિમે યુરોપ જતાં થાય એટલો સમય જ પૂર્વમાં જાપાન જવામાં લાગે છે. અલબત્ત, જાપાન ઓછા લોકો જાય તો પણ જાપાન વિશે ઘણી જાણકારી અને ખાસ તો અહોભાવ ધરાવતા હોય છે. એવા દેશમાં જવાનું થાય તો કોને મજા ન આવે! એટલે જ જાપાન સરકારના પ્રવાસન વિભાગનું આમંત્રણ મળ્યું ત્યારથી મને એ દેશ જોવાનો ઉત્સાહ હતો. કુલ મળીને 3 પત્રકાર-લેખકોને આમંત્રિત કરાયા હતા. સાન્યા ચાવડા અંગ્રેજી અખબાર ‘ડીએનએ’ના મુંબઈ સ્થિત પત્રકાર હતા, જ્યારે કેરળના એક પત્રકારને પણ આમંત્રણ અપાયુ હતુ. પરંતુ પુરની સ્થિતિને કારણે એ આવી શક્યા ન હતા. એટલે અમે બે પત્રકારો જ ભારતથી જાપાન પહોંચ્યા હતા.
ઈમિગ્રેશન અને કસ્ટમ એ બન્ને વટાવવા એરપોર્ટ પર ઘણી વખત માથાનો દુઃખાવો પણ બની શકે. ઈમિગ્રેશનમાંથી તો સટ કરતાં નીકળી ગયા, પછી વારો આવ્યો કસ્ટમનો. ઓફિસરે પૂછ્યું આ બેગમાં શું છે. મેં જે હતું એ કહ્યું. બેગ સ્કેન કરી અને બે પાંચ સેકન્ડમાં જ કહ્યું ‘વેલકમ ટુ જાપાન’.
બહાર નીકળ્યા ત્યાં ‘જેએનટીઓ (જાપાન નેશનલ ટુરિઝમન ઓર્ગેનાઈઝેશ)’નું બોર્ડ લઈને એક બહેન ઉભા હતા. અમે એમને મળ્યા. ઈકુકો ઈવાસાકી એમનું નામ. અમારે પાંચ દિવસ જાપાન ફરવાનું હતું. એ બધા દિવસ ઈકુકો બેન અમારી સાથે રહેવાના હતા, ફેરવવાના હતા. એ મૂળભૂત રીતે ટુરિસ્ટ ગાઈડ હતા અને જેએનટીઓએ અમારા માટે એપોઈન્ટ કર્યા હતા. ઈકુકો સાથે અત્સુયા ફુકુશિમા નામના બીજા એક ભાઈ હતા. જાપાનની ‘ડેન્તસુટેક’ નામની જાયન્ટ (અને દુનિયાની પણ સૌથી મોટી પૈકીની એક) એડવર્ટાઈઝમેન્ટ કંપનીમાં એ કામ કરતા હતા. એ પણ બધા દિવસ અમારી સાથે રહેવાના હતા.
ઈકુકોએ માહિતી આપી કે અહીંથી એક ટ્રેન પકડીને પહેલા આપણે ટોકિયો ટર્મિનલ પહોંચવાનું છે. ટોકિયો પાસે બે ઈન્ટરનેશનલ એરપોર્ટ છે, હાનેડા અને નારિતા. હાનેડા થોડું નજીક છે, નારિતા ટોકિયોથી 70 કિલોમીટર દૂર છે. એટલે ‘નારિતા એક્સપ્રેસ’ નામની ટ્રેનમાં સવાર થઈ અમારે ટોકિયો ટર્મિનલ પહોંચવાનું હતું. ટ્રેન આવી એટલે અમે તેમાં સવાર થયા. એકાદ કલાકે ટોકિયો સ્ટેશન પર પહોંચ્યા.
જાપાન ટાપુ દેશ છે, વધારે લાંબો અને પગના તળિયા જેવો સાંકડો આકાર ધરાવે છે. એટલે જાપાનમાં ઉતર છેડેથી દક્ષિણ છેડા વચ્ચેનું અંતર 2 હજાર કિલોમીટર થાય પરંતુ પૂર્વ કાંઠેથી પશ્ચિમ તરફ જવામાં 300-400 કિલોમીટરનું અંતર માંડ કાપવું પડે. ટોકિયો સ્ટેશનેથી અમારે બીજી ટ્રેનમાં સવાર થઈને અંદાજે અઢીસો કિલોમિટર પશ્ચિમે આવેલા નગાનો પહોંચવાનું હતુ.
બીજી ટ્રેનનું નામ વાંચીને મારી આંખો ચમકી, કેમ કે ગાડીનું નામ હતું શિન્કાનસેન એટલે કે આપણે જેને બુલેટ ટ્રેન કહીએ એ…!
સરસ-1👍
Japani pravas yatra ni rasik watono bijo hapto kyare awe che?
પીઝા ના ભાવ મા વિઝા વાહ, ધંધો કરવા જેવું… સરસ પ્રવાસ , એરપોર્ટ બેઝમેન્ટ ના સ્ટેશન પર ચોખાઇ વાહ…
જાપનીઝ લોકો દેશ પ્રત્યે અપાર પ્રેમ ધરાવે છે…
અરે વાત અધૂરી છે ક્યાં ગયા તમે ??
Great journey….
mast lekh , update apta rahejo, pan ha , SONY tv have sara nathi avta, 3 varas pela lidhelu EXPENSIVE SONY LED SMART TV kharab thai gayu, have sony pan made in china nu ave chhe , not reliable at all.
ખૂબ જ રસપ્રદ માહિતી , વાંચતા સમયે મન જાણે જાપાનના પ્રવાસે ઉપડી ગયું હોય તેવી અનુભૂતિ થઈ…
રસપ્રદ વર્ણન. .. ફર્શ પર ની નરમ કાર્પેટ પર…
વાહ આનંદ થઇ પડશે .. તમારી આગામી પોસ્ટ માટે આ લિંક જ રહેશે કે ?
લિન્ક બદલતી રહેશે. બ્લોગની મુલાકાત લેતા રહેશો તો મળી જશે. ધન્યવાદ.