સવારે ઉઠીને એરપોર્ટ જવા રવાના થયા. ટોકિયો શહેરનો ટ્રાફિક હેન્ડલ કરવા માટે ‘હાનેડા’ અને ‘નારિતા’ એમ બે ઈન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યા છે. હાનેડા જરા નજીક છે, નારિતા શહેરથી 70 કિલોમીટર દૂર છે. આ વખતે અમારે ટ્રેનના બદલે એરપોર્ટની શટલ બસમાં જવાનું હતું. ટોકિયોના ચોક્કસ સ્થળોએથી લિમોઝિન બસ ઉપડે, એરપોર્ટ પહોંચાડે. એ બસનું નામ જ ‘એરપોર્ટ લિમોઝિન’ છે. તેનું આગવું સ્ટેશન છે, ત્યાં પહોંચો, ટિકિટ ખરીદો અને વેઈટિંગમાં બેસો. બસ આવે એટલે જાણ થાય કે તમારી આ બસ છે. ત્યાં હાજર માણસ મોટા પટારા હોય તો ડિક્કીમાં ગોઠવાવી દે.
અમે અમારી લિમોઝિન બસમાં ગોઠવાયા. હું તો ઉત્સાહમાં પહેલી સીટમાં બેસી ગયો, પછી મને અકિકોએ સમજાવ્યું કે એ સિટ રિઝર્વ છે. અમે સિટ બદલી નાખી, બસ ઉપડી. જાપાનમાં રસ્તા પર પ્રવાસ કરવાનો એ જરા અલગ પ્રકારનો અનુભવ હતો. ટોકિયો શહેર ક્યારે પુરું થાય, ક્યાં રહેણાંક વિસ્તાર છે, ક્યાં કારખાના છે એ બધુ સમજાતું ન હતું અને આપણને સમજવાની ક્યાં જરૃર પણ હતી?
ઊંચા-નીચા અનેક પુલ, આડા-અવળા ક્રોસ કરતાં રસ્તા. એમાંથી બસ ધમધમ કરતી ચાલી જતી હતી. અમે બધા નિયમ મુજબ પટ્ટા બાંધીને બેઠા હતા. બસની સ્ક્રીનમાં ફ્લાઈટ-ટર્મિનલ વગેરેની સૂચના આવતી હતી. બીજી એક સૂચના પણ લગાવેલી હતી કે ફોટા પાડો, પણ ફ્લેશ બંધ રાખીને. તમારા ફ્લેશથી ડ્રાઈવર ચમકી ઉઠે કે પછી સામેથી આવનારા વાહનના ડ્રાઈવરને અસર થાય તો અકસ્માત થઈ શકે. માટે નો ફ્લેશ ફોટોગ્રાફી.
સવા કલાક ચાલી હશે ત્યાં એરપોર્ટના બોર્ડ દેખાયા. નિર્ધારિત ટર્મિનલે અમે ઉતર્યાં. ત્યાં અમને બીજું સરપ્રાઈજ જોવા મળ્યું. દરવાજે કોઈ પૂછે નહીં, કોઈ રોકે નહીં. આપણે ત્યાં મુકવા આવનારા લોકોને એરપોર્ટમાં અંદર જવા દેવામાં આવતા નથી. જાપાનમાં એવુ નથી. તમે અંદર સુધી જઈ શકો, આંટા-ફેરા કરી શકો. માત્ર ગેટ તરફ જવાનું થાય ત્યારે જ મુસાફરો સિવાયના હોય એમને રોકે.
આ નવી રીત જોઈને જાપાનની સુરક્ષા સિસ્ટમ પ્રત્યે માન ઉપજે એ સ્વાભાવિક છે. આપણે ત્યાં સુરક્ષાની સગવડ કરવાને બદલે લોકો પર ‘આમ ન કરો, તેમ ન કરો, આ ન લઈ જશો, અહીંથી આગળ નહીં જઈ શકો’ વગેરે સૂચના ઠોકી બેસાવડામાં આવે છે. મૂળભૂત રીતે સુરક્ષા સિસ્ટમ નબળી હોવાથી આવા બધા ગતકડાં કરવા પડે. એ પછીય આતંકીઓ કે દાણચોરી કરનારા આવન-જાવન કરે છે. સુરક્ષાની જે સિસ્ટમ છે, તેનો ભોગ મોટે ભાગે સામાન્ય લોકો બને છે. એ વાત આપણે સૌ જાણીએ જ છીએ.
ઘણો સમય હતો. અંદર ગયા પછી મને બૂકસ્ટોર જોવા મળ્યો. ત્યાં ચા-કોફી પણ મળતાં હતા. ચા લઈને થોડી ચોપડીઓ જોવા બેઠો. પાછળ જાપાન એરલાઈન્સના વિમાનો ગોઠવાતા હતા. એ આખો વિભાગ જાપાન એરલાઈન્સ માટે જ ફાળવી દેવાયો હતો.
નિર્ધારિત સમયે ગેટ પર પહોંચ્યો. ત્યાં વળી વધુ એક મજેદાર વાત જોવા મળી. વિમાનમાં મુસાફરો અઢીસો જેટલા સમાય. પણ એ બધાને ચેક-ઈન કરતા માત્ર દસ જ મિનિટ લાગે. કેમ કે ગેટ પર જાપાન એરલાઈન્સની હાજર પરિચારીકાએ મુસાફરોને સૂચના આપી રાખી હતી. તમારા પાસપોર્ટનું આ પાનું ખુલ્લું રાખો, ટિકિટ આમ પકડી રાખો. એટલે લાઈનમાં ચાલતાં ચાલતાં તમે ગેટ પાસે પહોંચો ત્યારે પાસપોર્ટ શોધવો, તેનું પાનું ખોલવું, પછી પાછલા ખિસ્સામાં છે કે થેલાના ઉપલા ખિસ્સમાં છે કે બીજે ક્યાંય છે એ ટિકિટ શોધવી, બતાવવી.. વગેરે કામગીરીમાં એક-બે મિનિટનો સમય જાય એ બચી જાય.
જાપાની ભાષા સ્વાભાવિક રીતે બધાને ન આવડતી હોય. એટલે પરિચારિકા દેવી હાથમાં ટિકિટ અને પાસપોર્ટનું ક્યું પાનું ઓપન રાખવાનું છે, તેનું ચિત્ર લઈને ઉભી હતી. અમે ગેટ પર પહોંચ્યા ત્યારે દસ જ સેકન્ડમાં અંદર પહોંચી ગયા. કારણવગર તમારો અને એમનો સમય બગડે એવી કોઈ વ્યવસ્થા એ પ્રજાએ રાખી જ નથી.
વિમાનમાં ગોઠવાયા, થોડી વારે રવાના થયુ અને સાંજ સુધીમાં દિલ્હી પહોંચ્યા. દિલ્હીથી ફ્લાઈટ-બદલી કરીને ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં મારો 24 કલાકનો દિવસ 28 કલાકનો થઈ ગયો હતો. કેમ કે જાપાન પૂર્વમાં છે, આપણા કરતાં ચારેક કલાક વહેલો દિવસ ઉગે. દિવસ ત્યાં ઉગ્યો હતો અને આથમ્યો ભારતમાં એટલે ચાર કલાક ઉમેરાઈ ગઈ. આવા લાંબા દિવસનો અનુભવ પણ પરદેશ પ્રવાસ કરીએ તો જ થઈ શકે.
અહીં ભારતમાં મારો દિવસ આથમ્યો ત્યાં ઉગતા સૂરજના દેશનો પ્રવાસ પૂરો થયો.