
સાર્થક જલસોનો બારમો અંક શનિવારે મળ્યો. આખો તો હજુ વાંચ્યો નથી, પરંતુ જે લેખો પહેલી નજરે આકર્ષક લાગ્યા એ વાંચી નાખ્યા. એમાંથી કેટલાક વાક્યો-પેરેગ્રાફ સીધા જ અહીં રજૂ કર્યા છે, જે જોઈને વાચકો નક્કી કરી શકે કે વાતમાં દમ છે કે નહીં, છે તો કેવોક છે. બાકીના લેખોમાં શું છે, તેની વાત કરી છે.

1
ડો. અશ્વિનકુમારના લગ્નમાં વપરાતા ડ્રોન કેમેરા અંગેના લેખમાંથી..
- આથી, લગ્નઋતુને શિયાળો, ઊનાળોની માફક ડ્રોનાળો કહેવી જોઈએ.
- વિચિત્ર દેખાવ ધરાવતા ડ્રોનને દૃશ્યાસુર અને કુશળ ચાલકને ડ્રોનાચાર્ય 2.0 કહેવા જોઈએ.
- હસ્તમેળાપ વખતે જુસ્સાભેર ઊડાઊડ કરતું ડ્રોન અગ્નિવેદી ઠારી દે, તો એને અપશુકન ગણાવા કે પરંપરા ઉપર આધુનિકતાનો વિજય, તેને લઈને ડ્રોનાચાર્યો અને બીજાઓ વચ્ચે વિવાદ થઈ શકે છે.
- તેમાંથી આવતા પવનને કારણે, થાળીમાં માંડ ગોઠવેલો પાપડ બંધનો ફગાવીને ઊડવા માંડે છે-જાણે એક પાપડ ડ્રોન થવાને શમણે!
- આમાંથી પૂછ્યા વગર પ્રેરણા લઈને જે ગુજરાતી ચલચિત્ર બને એનું નામ હોય, ‘મારે પણ એક ડ્રોન હોય’ અથવા ‘દિલ, દોલત અને ડ્રોન’
2
ટ્રેન ડ્રાઈવરના અનુભવ વિશેનો ગણેશ મનોહર કુલકર્ણીનો લેખ…
- એન્જિનમાં સુરક્ષિત હોવા છતાં ઘણી વાર પુલ પાર કરતી વખતે હું ખૂબ સાવધ થઈ જતો હતો. કારણ કે, મને એવું લાગતું હતું કે હું અજાણપણે નદીમાં ઝંપલાવી દઈશ. મને તેનાં ઊંડા પાણી બોલાવી રહ્યાં હોય એવું લાગતું હતું.
- અમે ડ્રાઈવરો સૌથી વધુ ગધેડાથી ગભરાતા હોઈએ છીએ, કારણ કે તેનું લોહી ખૂબ જ ચીકણું હોય છે. તેના પરથી ટ્રેન સરકી જવાનો (સ્લીપ થવાનો) ભય પેદા થતો હોય છે એવો અમારા પૂર્વસૂરિઓનો અનુભવ છે.
- એકલતાનો અભિશાપ ડ્રાઈવરની દુઃખતી નસ હોય છે.
- કોલસાનાં એન્જિન ચલાવવાનું કામ ભારે કઠણ હતું. ધગધગતી આગ સાથે કામ કરતા ડ્રાઈવરોનો પેશાપ પણ બંધ થઈ જતો.
3
- ગુજરાતી ભાષા પાસે જેને સાક્ષર કહી શકાય એવા બહુ ઓછા લોકો બચ્યા છે. એમાં એક સાક્ષર જયંત મેઘાણી છે. તેમણે જગવિખ્યાત નવલથા લે મિઝરાબ્લ કેવા સંજોગોમાં પ્રકાશિત થઈ તેના વિશે લખ્યું છે. લેખકનું હોય એમ આ નવલકથાનું દળદાર જિવનચરિત્ર પુસ્તકસ્વરૃપે પ્રગટ થયું છે અને તેમાંથી રસાળ વાતો જયંતદાદાએ કરી છે. 1862માં એ પુસ્તકના પ્રકાશન અધિકાર ખરીદવા માટે જુવાન આલ્બર્ત લેકાએ જ્યાં-ત્યાંથી ભેગા કરીને લેખક હ્યુગોને આજના હિસાબે 38 લાખ ડોલરની રકમ એડવાન્સ આપી હતી… આખો લેખક જ પ્રકાશકની હિંમત અને તેના લેખક પરના અતૂટ વિશ્વાસ અંગે છે.
4
- સ્પેનિશ ફિલ્મ વોલ્વેરની વાર્તા ભારે રસપ્રદ છે. મેં બે વાર જોઈ તેના વિશે મારી કોલમમાં લખ્યું પણ છે. દીપક સોલિયાએ એ ફિલ્મનું રસ-વર્ણન કરી વાર્તા પાછળ છૂપાયેલો સંદેશો સમજાવ્યો છે. સંદેશો પણ બેશક ફિલ્મ જેટલો જ રસાળ છે.

5
- સૌરવ આનંદ નામના યુવાને પંજાબ-હરિયાણાના કેટલાક શહિદ પરિવારોને મળીને તેમની ઘરની સ્થિતિ જાણી હતી. એ એક પ્રકારનું રિપોર્ટિંગ છે. એ કામ કરવા માટે સૌરવે પોતાની નોકરી મુકી દીધી હતી. એ પછી તેણે શહિદો વિશેની યુટ્યુબ ચેનલ તૈયાર કરી છે, તેના અનુભવો પોતાના લેખમાં રજૂ કર્યા છે.
6.
આર.જે. આરતી બોરિયાએ રાજકોટથી અમદાવાદ ભણવા આવવા અને અહીં ભાષાને ભેદને કઈ રીતે ભેદી નાખ્યો એ લખ્યું છે. એમાંથી કેટલાક રસપ્રદ વાક્યો..
- એવો તો શું લાડવો ડાયટો છે અમદાવાદમાં કે આ છોકરીને યાં જ જવું છે!
- પહેલાં ઘણુ બધું ભણી ચૂકી હોવા છતાં, એ જ બધું અંગ્રેજીમાં આવવા લાગ્યું ત્યારે થયું કે વહેલી તકે ‘ઈગલ ટ્રાવેલ્સ’માં વિન્ડો સીટ બુક કરીને ઘરભેગા થવું જોઈએ.
- એટલે આ બધી વાત હોસ્ટેલમાં આવેલા એક રૃપિયાના સિક્કાવાળા સાર્વજનિક ડબલામાંથી થતી. તે બિલકુલ હોસ્ટેલના મેઈન ગેટની સામે હોય. એટલે સમાજની નજરો ચૂકવ્યા વિના દિલ ખોલીને ડૂંસકું પણ ન ભરી શકાય.
- છતાં હિંમત ખૂલી અને ઘરેથી આવતા ડબલાવાળા ફોનમાં મારો અવાજ પણ.
- પણ મને સખત બીક લાગતી કે અહીંઆપણું ગાડું ન ગબડ્યું અને પાછા જવું પડ્યું તો પેલું મંત્રણામંડળ શું કહેશે.(ગુજરાતી હાસ્યનવલકથા ‘અમેં બધા’’માં આવુ મંત્રણામંડળ ભારે હાસ્યની છોળો ઊછાળે છે).
આ લેખ મને વધુ ગમ્યો કેમ કે હું પણ લાલ સિક્કાવાળા ફોનનો યુગ હતો ત્યારે જૂનાગઢથી વિદ્યાનગર ભણવા આવ્યો હતો. આવા જ કેટલાક અનુભવો થયા હતા. વળી ‘લાડવો ડાયટો’ શબ્દ વર્ષો પછી લખેલો વાંચવા મળ્યો, એનો મને વિશેષ આનંદ થયો. ડો.અશ્વિન ચૌહાણનો લેખ અવલોકનમાંથી પેદા થયો છે, તો આ હાસ્યલેખ અનુભવમાંથી પેદા થયો છે. દુનિયાભરમાં હાસ્ય લખવાના આ બે સર્વોત્તમ રસ્તા છે.
7
દરેક વ્યક્તિની ઈચ્છા એવી જ હોય કે બીજો વ્યક્તિ તેની વિચારધારાના પ્રભાવમાં આવે. ફેસબૂકમાં એ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલે છે. પોતે કઈ રીતે એક વિચારધારામાં, તેમાંથી બીજી, તેમાંથી વળી બહાર નીકળી શક્યા તેની અનુભવકથા તપન શાહે લખી છે. જેમ કે
‘આવા પચાસની આસપાસના પ્રોઢોથી યુવાનોએ ખાસ ચેતવા જેવું હોય છે. એવા લોકો તમારામાં થોડો ચમકારો જોશે, એટલે તેને પોતાના માટે કેવી રીતે વાપરવો તેની વેતરણમાં લાગી જશે. શરૃઆતમાં તે તમારી દરેક પોસ્ટના ટેકામાં ફકરો ભરીને જ્ઞાન પીરસશે અને તમારી વિચારસરણી છે, તેવી જ રહે એ માટે ભરપૂર પ્રયાસ કરશે….’
8
ડો.શ્વેતા ઉપાધ્યાયના લેખમાં મુન્નાભાઈ એમ.બી.બી.એસ. પ્રકારના મેડિકલના વિદ્યાર્થીઓના અનુભવો વર્ણવ્યા છે.
- અમારી બેચના અમુક છોકરાઓ ડેડબોડી સાથે શેકહેન્ડ કરીને જ (ચીર-ફાડનું) કામ ચાલુ કરતા.
- ક્યારેક મૃતદેહ દાઝેલી અવસ્થામાં મળે ત્યારે તેની શ્વાસનળી તપાસવી પડે. તેમાંથી કાર્બનના કાળા કણ મળી આવે તો સમજવાનું કે સળગ્યા પછી મૃત્યું થયું છે, પણ જોશ્વાસનળીમાં કાર્બન ન હોય તો સમજવાનું કે મૃત્યુ પછી દેહને સળગાવાયો છે.
9
- બ્રિટનમાં અનેક ભારતીયો-ગુજરાતી રહે છે. એ એકથી વધુ પ્રકારના ભેદભાવનો સામનો કરે છે. એક ભેદભાવ બ્રિટિશરો તરફથી, બીજો અગાઉ વસી ગયેલા આપણા જ ભાઈબંધુઓ તરફથી, ત્રીજો અન્ય દેશોમાંથી આવીને વસેલા ભારતીયો તરફથી, ચોથો જ્ઞાતિઓના વાડા ગોઠવાઈ ગયા છે તેમના તરફથી.. પાંચમો… એવા ઘણા ભેદભાવ પ્રકાર કેપ્ટન નરેન્દ્રના લાંબા લેખમાં રજૂ થયા છે.
બાકીના લેખો હજુ વાંચવાના બાકી છે પણ આ વખતના જલસોમાં લેખ-વિષય વૈવિધ્ય ઘણુ છે. કોઈને જલસો ખરીદવો હોય એમના માટે લિન્ક..
વાહ..
અહીં નોંધ લેવા બદલ આભાર..
જે ગમે તે અહીં લખતો રહું છું. તમારા લેખમાં વિશેષ મજા પડી, કેમ કે વિજ્ઞાન રસનો વિષય છે.
Very good
Print it as monthly magazine