રેલવે બૂકિંગ જાતે કરતા હોય એ સૌ કોઈ IRCTCની વેબસાઈટથી વાકેફ હશે. એમાં એકાઉન્ટ હોય તો આપણે એજન્ટની મદદ વગર જ ટિકિટ બૂકિંગ કરી શકીએ છીએ. IRCTCનું કામ જોકે માત્ર ટિકિટ બૂક કરવા પુરતું જ નથી. IRCTC દ્વારા નિયમિત રીતે પ્રવાસીઓ માટે ખાસ ટ્રેનો ચલાવવામાં આવે છે. આવી ટ્રેનો દેશના વિવિધ ભાગમાંથી રવાના થઈ, બીજા વિસ્તારોમાં પ્રવાસીઓને ફેરવે છે. જેમ કે ગુજરાતથી ઉપડે તો દક્ષિણ કે પછી ઉત્તર કે પછી પૂર્વ ભારતના મહત્વના સ્થળો ફેરવે. પ્રસંગો અનુરૃપ ટ્રેનો પણ ચલાવાય છે. જેમ કે ૭ નવેમ્બરે દિલ્હીથી રામાયણ સર્કિટ ટ્રેન ઉપડી. એ ટ્રેન રામાયણ સાથે સંકળાયેલા ભારતના ઘણા સ્થળો ફેરવી પ્રવાસીઓને ફરી દિલ્હી ઉતારશે.
- આ ટ્રીપ ૧૬ દિવસ, ૧૭ રાતની છે. એ દરમિયાન ૭૫૦૦ કિલોમીટરની સફર થશે.
- ટ્રીપમાં અયોધ્યા, સિતામઢી, જનકપુર, વારાણસી, પ્રયાગ, ચિત્રકૂટ, નાસિક, હમ્પી, રામેશ્વરમ જેવા સ્થળો આવરી લેવાશે.
- રામાયણના સ્થળોને આવરી લેતી આ પ્રથમ ટ્રેન છે.
- ટ્રેનને રામાયણને અનુરૃપ રંગ-રુપ અપાયા છે.
- આવી ટ્રેનમાં મોટે ભાગે આખી રાત ટ્રેન ચાલતી હોય છે. એટલે રાતવાસા માટે ક્યાંય જગ્યા શોધવાની કે પછી ઉતારા-ઓરડાની ચિંતા જ નહીં. ટ્રેનમાં જ સર્વોત્તમ સગવડ ઉભી કરી દેવાઈ છે.
- IRCTCની દરેક ટુરિસ્ટ ટ્રેનમાં કોચ દીઠ એક મેનેજર, ગાઈડ, સુરક્ષા અધિકારી વગેરે શામેલ હોય છે.
- આ ટ્રેનને મળેલો રિસ્પોન્સ જોતાં ૧૨મી ડિસેમ્બરે વધુ એક રામાયણ યાત્રા શરૃ થશે.
- ટ્રેન મુખ્ય સ્થળે ઉભે પછી નક્કી થયેલા સ્થળોએ પ્રવાસીઓને બસ દ્વારા લઈ જવાતા હોય છે. જેમ કે જનકપુર નેપાળમાં છે, માટે ત્યાં ટ્રેન નહીં જાય, બસ જશે.
- ટ્રેનમાં માત્ર વેજીટેબલ ભોજન ઉપલબ્ધ કરાવાય છે.
- પ્રવાસીઓને પ્રવેશ વખતે માળા, રામાયણ સબંધિત અન્ય વાંચન સામગ્રી, પુષ્પ, ફળ-ફૂલ વગેરે આપવામાં આવ્યા હતા.
- આ ટ્રેન સ્પેશિયલ અને આખી એર કન્ડિશનર છે, માટે સેકન્ડ એસીની વ્યક્તિદીઠ ટિકિટ ૮૨૯૫૦, જ્યારે ફર્સ્ટ એસીની ૧,૦૨,૦૯૫ રૃપિયા છે.
- ટિકિટ મોંઘી છે, પરંતુ તેમાં ખાવા-પીવા-રહેવા-સાઈટ સિઇંગ-ટ્રાન્સફર તમામ ચીજો શામેલ છે.
- કોરોનાકાળ હોવાથી ટ્રેનમાં આરોગ્ય સબંધિત વિશેષ સવલતો પણ ઉભી કરાઈ છે. આખી ટ્રેનને સેનિટાઈઝ કરાઈ છે. એ રીતે જેમણે રસીના બન્ને ડોઝ લીધા હોય એવા પ્રવાસીઓને જ એન્ટ્રી મળે છે.
- ભારત સરકારે દેશના જ પ્રવાસન સ્થળો વિકસે એટલા માટે દેખો અપના દેશ ઝૂંબેશ આદરી છે. એ હેઠળ આવી વધુ ટ્રેનો પણ દોડાવશે.
- બૂકિંગ સબંધિત તમામ વિગતો આ લિન્ક પર છે.