જંગલો માટે જાણીતા દેશ દક્ષિણ આફ્રિકામાં જંગલોનું અનોખું વ્યવસ્થાપન છે. અહીં સરકારી ઉપરાંત ખાનગી રાહે કોર્પોરેટ કંપનીઓની જેમ પણ જંગલો ચલાવાય છે! એટલે એ જંગલો ભારતના વન-વિસ્તારો કરતાં અલગ પડે છે.
‘જુઓ આ દેખાય એ જળાશયના કાંઠે જ અમે સુવિધા વિકસાવી છે.’
‘શેની સુવિધા?’
‘પાર્ટી, ભોજન, ફંક્શન, સમારોહ, ગેટ-ટુ ગેધર.. તમે જે કહો તેની. મહત્તમ લાકડાનો ઉપયોગ કરીને થયેલું બાંધકામ છે. માથે આફ્રિકાની ઓળખ સમા બુશ ઘાસની બનેલી છત છે. આમ તો અહીં એરન્ડિશનર સહિતની સુવિધાઓ છે જ. પણ બુશ ઘાસને કારણે ગરમી વખતે અંદરનું તાપમાન ઠંડું અને ઠંડી વખતે થોડો ગરમાટો જળવાઈ રહે.’
દક્ષિણ આફ્રિકાના ઉત્તર ભાગે જોહાનિસબર્ગથી બસ્સોએક કિલોમીટર દૂર આવેલા ‘માબુલા ગેમ રિઝર્વ’ના મૂળ ભારતિય મેનેજર અનિતા બબ્બર અમ પ્રવાસીઓને માહિતી આપી રહ્યાં છે.
‘આ પાણીનું તળાવ ભર્યું એમાં હિપ્પો પડયાં પડયાં ન્હાતા હોય, ઝિરાફ, ઝેબ્રા કે હરણ જેવા પ્રાણીઓ પાણી પીવા આવે અને મગર વિટામિન-ડી લેવા કાંઠે લાંબો વાંસો કરીને ધાક જમાવી રહ્યા હોય.. એ બધા વચ્ચે તમે કાંઠે આવેલા આ ડાઈનિંગ એરિયામાં ભોજન સહિતના મેળાવડા કરી શકો છો!’
અમને સવાલ થયો, ‘ઓહ! યુ, મીન જંગલ વચ્ચે જ પાર્ટી, કોન્ફરન્સ, મિલન-મુલાકાતના કાર્યક્રમો થઈ શકે.’
‘હા.’
પહેલી નજરે માનવા જેવું ન લાગે. પણ આફ્રિકા ખંડના ઘણા દેશોમાં જંગલોનું ખાનગીકરણ થઈ ગયું છે. ‘માબુલા’ પણ દક્ષિણ આફ્રિકાના ઉત્તર છેડે આવેલું એવું જ એક ગેમ રિઝર્વ છે. ગેમ રિઝર્વ એટલે કે જ્યાં પ્રવાસીઓને રમત-ગમત જેવી મજા કરાવામાં આવે એવો જંગલ વિસ્તાર. બાકી તો આરિક્ષત જંગલ વિસ્તાર પણ કહી જ શકાય. આરક્ષિત ખરો, પણ ખાનગી. માબુલા કે પછી પડોશમાં આવેલુ જંગલ ઝાબુલા ગમે તે જંગલ હોય નામ પાછળ ગેમ રિઝર્વ લાગેલું જોવા મળે એ આખા દક્ષિણ આફ્રિકામાં નવાઈની વાત નથી.
આફ્રિકાના પેટાળમાં સોનુ અને હિરા છે, જ્યારે જમીન પર જંગલો છે. દક્ષિણ આફ્રિકામાં જમીનના મુખ્ય બે ઉપયોગો થાય છે, ખેતી અથવા જંગલો. ખેડૂતોને એમ લાગે કે હજારો એકરમાં ફેલાયેલા તેમના ખેતરો હવે ઉપજાઉ રહ્યાં નથી તો એ જંગલમાં ફેરવી શકે છે. કોઈ જંગલ માલિકને એમ થાય કે હવે અહીં ધાન્ય ઉગાડવું છે, તો એ પોતાની જમીન ખેતરમાં રૃપાંતરીત કરી શકે છે!
દક્ષિણ આફ્રિકામાં જંગલ કહી શકાય એવો વિસ્તાર દેશના કુલ વિસ્તારના પ્રમાણમાં ૭.૫ ટકા જેટલો એટલે કે ૯૦,૦૦૦ ચોરસ કિલોમીટર જેવો છે. બીજી તરફ બંજર પડી હોય એવી જમીન મોટી માત્રામાં છે. આ બંજર પડેલી જમીનોને જંગલમાં ફેરવવાનો કસબ ત્યાં બહુ ઝડપથી આગળ વધી રહ્યો છે.
કઈ રીતે બને છે ખાનગી જંગલ?
તમારે જંગલ બનાવવું છે?
તમારુ પોતાનું જંગલ?
તો, પહેલા જમીન જોઈશે. જમીન ન હોય તો ખરીદી શકાય. ખેતી થતી હોય એવી જમીન જંગલ માટે નકામી છે. પણ કેટલાક વર્ષોથી બંજર પડી હોય, ઘાસફૂસ ઉગી નીકળ્યું હોય, વૃક્ષોની પણ ભરમાર હોય એવી જમીન ઉત્તમ. જંગલ માટે બે માળનું ડુપ્લેક્સ કે સાત બેડરૃમનો બંગલો બની શકે એટલી જમીન ન જોઈએ. એ માટે હજારો એકર વિસ્તાર જોઈએ. એટલે ઘણાય જંગલો હજારો હેક્ટર-એકરમાં ફેલાયેલા હોય છે.
હજારો એકર જમીન મળી ગયા પછી તેમાં જંગલ પ્રમાણેના વૃક્ષો, છોડ, વેલાં, ઘાસ, વગેરેનું વૈવિધ્ય પણ જોઈએ. જો ન હોય તો થોડા વર્ષો સુધી એ બધું ઉગે એટલો સમય પડતર પડી રહેવા દેવી પડે. એ બધી વિધિમાં કેટલાક વર્ષો નીકળી જાય. જંગલ માટેની સૌથી પહેલી અને સૌથી મોટી શરત છે ઈલેક્ટ્રીક ફેન્સિંગ. જો જંગલ વિસ્તાર ફરતે ઈલેક્ટ્રિક ફેન્સિંગ ન હોય તો સરકાર ખાનગી ગેમ રિઝર્વને લાઈસન્સ આપે જ નહીં. દરમિયાન હરણ, ઝેબ્રા, વિલ્ડબિસ્ટ, ભેંસો જેવા ઘાસખાનારા પ્રાણીઓ જંગલમાં ગોઠવી દેવામાં આવે તો વાંધો નથી.
જંગલ બન્યું, જીવન ક્યાં?
જંગલ પ્રાઈવેટ બની શકે પણ પ્રાણીઓ થોડા ઉત્પાદિત કરી શકાય છે? હા, એ પણ કરી શકાય! આપણે ત્યાં પોલ્ટ્રી ફાર્મમાં ઈંડા કે પછી પિગ ફાર્મમાં ડુક્કર પેદા કરી એટલે કે ઉત્પાદિત કરી શકાતા હોય તો પછી બીજા પ્રાણીઓ કેમ નહીં? આફ્રિકાના ખાનગી ગેમ રિઝર્વમાં કેટલાક પ્રકાર છે. જેમ કે ‘ટુરિસ્ટ ગેમ રિઝર્વ’. જેમાં પ્રવાસીઓ આવે, રોકાય, જંગલી પ્રાણીઓ જૂએ, પાર્ટી-ફંકશન જેવા કાર્યક્રમો આયોજિત કરે. વગેરે વગેરે.. બીજા પ્રકારના જંગલો ‘બ્રિડિંગ ફાર્મ’ છે. કોઈ ચોક્કસ જાતના પ્રાણીઓ (દા.ત. હરણ)નો તેમાં મોટા પાયે ઉછેર કરવામાં આવે. એ હરણને પછી બીજા ટુરિસ્ટ કે અન્ય ગેમ રિઝર્વને વેચી દેવામાં આવે. ટુરિસ્ટ ગેમમાં રહેલા હિંસક પ્રાણીઓ માટે ખોરાક ખૂટી પડે તો? તેમને શિકાર થઈ શકે એવા પ્રાણીઓ પુરાં પાડવાનું કામ બ્રિડિંગ પાર્ક કરે છે. ત્રીજા પ્રકારના ગેમ રિઝર્વ ‘હન્ટિંગ’ એટલે કે શિકાર માટેના છે. શિકારના શોખીનો હજુય જીવે છે અને આફ્રિકા ખંડના ઘણા દેશો શિકારના રઝવાડી શોખને પોષે પણ છે. હન્ટિંગ ગેમ રિઝર્વમાં સરકારે જેના પર પ્રતિબંધ નથી મૂક્યો એવા પ્રાણીઓનો તોતિંગ ફી ભરીને શિકાર કરી શકાય છે. ત્રણેય પ્રકારના રિઝર્વની આફ્રિકાને જરૃર છે અને ત્રણેય અંદરો-અંદર પ્રાણીઓની આપ-લે કરી પોતાનો બિઝનેસ ચલાવે છે.
જેવું પ્રાણી, એવો નિયમ!
ગેંડા જેવા આરક્ષિત સજીવને તેના રહેઠાણમાંથી બહાર ડોકું કાઢવુ હોય તો પણ સરકારી કાગળિયા કરવા પડે. એ રીતે સિંહ, હાથી, દીપડા.. જેવા સુપર સ્ટાર દરજ્જો ભોગવતા, વધુ શિકાર થઈ રહ્યો છે અને પ્રજાતિ ખતરામાં છે એવા સજીવોની હેરાફેરી સરળતાથી થઈ શકતી નથી. જેમ કે ગેંડાનો મોટા પાયે શિકાર થાય છે. દક્ષિણ આફ્રિકામાં જોવા મળતાં ‘સાઉધર્ન વ્હાઈટ રાઈનો’ની હત્યા શિંગડા માટે થાય છે. દૂરથી વિશાળ શીલા જેવા દેખાતા સફેદ-ભુખરાં ગેંડાનો શિકાર બહુ સરળ છે. માટે શિકારીઓ તેને કાયમ નિશાન બનાવતા રહે છે. સિંહોને નહોર માટે, હાથીઓને દાંત માટે ગોળીએ દેવાય છે. ગેંડાની સુરક્ષા માટે તો પાર્કના કેટલાક અધિકારીઓ સિવાય કોઈને તેની સાચી વસતી કહેવામાં જ નથી આવતી! અમે પૂછ્યુ તો જાણવા મળ્યું કે આ પાર્કમાં કેટલા ગેંડા છે એ બે-ચાર અધિકારીઓ સિવાય કોઈને ખબર નથી.
આ પ્રાણીઓની હેરાફેરી, તેને ત્યાં બચ્ચાંનો જન્મ, એક જંગલના પ્રાણીનું બીજા જંગલના પ્રાણી સાથે સંવનન, બિમારી.. વગેરેની નોંધ થાય. સરકાર તેના પર નજર રાખે. જેથી ખતરામાં રહેલા એ પ્રાણીઓ પર કોઈ નવો ખતરો અચાનક ન આવી પડે. બીજી તરફ હરણ કે ઝેબ્રા કે વિલ્ડબિસ્ટ પચ્ચીસ-પચાસ આમ-તેમ થાય તો સરકારને તેમાં ખાસ લેવા-દેવા નથી. કેમ કે એ પ્રાણીઓની વસતી ઘણી મોટી છે.
આવા બે-પાંચ ધારા-ધોરણોને બાદ કરતાં જંગલ સર્જનના નિયમો બહુ સરળ છે. આપણે ત્યાં કદાચ રાશન-કાર્ડ કઢાવાનું કામ પણ આફ્રિકામાં જંગલના લાઈસન્સ કરતાં અઘરું પડે એમ કહી શકાય. તમે એક જંગલમાં દસ સિંહ રાખવા ઈચ્છો કે પચાસ, સરકારને તેની સામે કોઈ વાંધો નથી. એ રીતે તમે કેપટાઉનના પાદરમાં જમીન ખાલી કરીને કે જોહાનિસબર્ગ પાસે ખેતરો ખરીદીને બનાવો તો પણ સરકારને વાંધો નથી. ઘણા જંગલો શહેરી વિસ્તારને અડીને આવેલા છે. માબુલા વચ્ચેથી જ રસ્તો પસાર થાય છે. તેની બન્ને બાજુ ફેન્સિંગ કરેલી છે. અમે રાતે એ રસ્તા પરથી જ પસાર થતાં હતા. ત્યારે ખબર ન હતી કે આ રસ્તો જંગલને ચીરતો પસાર થાય છે.
પ્રાણીઓ પર કન્ટ્રોલ કોનો?
ખાનગી ગેમ રિઝર્વના સંચાલકો પાસે વાઈલ્ડ-લાઈફના નિષ્ણાત કર્મચારીઓ હોય છે. જેથી નક્કી થઈ શકે કે અમુક ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ખોરાકની અછત ન સર્જાય માટે કેટલી સંખ્યામાં ક્યા પ્રાણીઓ રાખવા. ધારો કે ૧૦૦ ચોરસ કિલોમીટરનું જંગલ હોય એમાં કોઈ દસ સિંહો લાવીને મુકે તો સરકારને વાંધો નથી. પણ દસ સિંહોનો ખોરાક ક્યાંથી આવશે? માટે દરેક જંગલાં સિંહ, હાથી, ગેંડા, ઝેબ્રા, જિરાફ, હરણ, હિપ્પો વગેરેની સંખ્યા પર ગેમ રિઝર્વના વાઈલ્ડ લાઈફ એક્સપર્ટો જ નજર રાખતા હોય છે.
તો શું સરકારી જંગલો નથી?
છે. આફ્રિકાનું સૌથી મોટું અને દુનિયાના અગ્રગણ્ય નેશનલ પાર્કમાં સ્થાન પામતું ‘ક્રૂગર નેશનલ પાર્ક’ સરકારી જ છે. ખાનગી વિકલ્પો પણ છે, સરકારી પણ છે. સરકારી જંગલોને વધુ પ્રવાસીઓ મળે એટલે ખાનગી પર કોઈ વધારાના નિયમો કે પાબંદી નથી. હા, પર્યાવરણ-જંગલ ખાતા દ્વારા તૈયાર કરેલા નિયમો છે, એ સૌ કોઈએ પાળવાના છે. પછી બનાવો તમતમારે તમારુ જંગલ અને મોજ કરો!
ખાનગી જંગલોમાં સરકારી કરતા વધુ સુવિધા છે. પછી તો પૈસા ખર્ચો એવી અસાધારણ સુવિધા મળતી રહે.
પણ સૌથી મહત્ત્વનો સવાલ એ થાય કે જંગલોનું ખાનગીકરણ કરવાથી વન્યસૃષ્ટી, જંગલ જીવન અને પ્રકૃતિનું પ્રાકૃત્વ જળવાઈ રહે ખરાં? વન્ય જીવોને નુકસાન ન થાય? જંગલોને નુકસાન ન થાય? તેના બે જવાબો છે- હા અને ના. દક્ષિણ આફ્રિકા સરકાર અને પર્યાવરણશાસ્ત્રીઓનો એક વર્ગ એવું માને છે કે ખાનગીકરણને કારણે જ જંગલો સચવાય છે. કેમ કે જે વ્યક્તિનું જંગલ છે એ પોતાનો બિઝનેસ ચાલ્યા કરે એ માટે વૃક્ષો ઉગાડશે, પ્રાણીઓનું જતન કરશે-સાચવશે અને પોતાનું જંગલ કુદરતી રીતે જ જળવાઈ રહે એ માટે બધા પ્રયાસો કરશે. દલીલ તાર્કીક છે.
બીજી તરફ જંગલો કુદરતી સંપદા છે, પ્રાણીઓ પર પણ કાળા માથાના માનવીનો હક્ક ન હોઈ શકે એ હકીકત સ્વિકારવી રહી. તો પછી જંગલ ખાનગી હાથોમાં સોંપવુ કેટલું યોગ્ય? ખાસ કરીને હન્ટિંગ કે બ્રિડિંગ માટેના ફાર્મમાં તૈયાર થતાં પ્રાણીઓ કુદરતી વાતાવરણ કરતાં થોડા અલગ પડે છે. જેમ કે બ્રિડિંગ ફાર્મમાં પેદા થયેલો સિંહ બાળપણથી એવુ જ શિખ્યો હોય કે દરેક માણસ મારો ખોરાક છે. જંગલમાં પેદા થયલો સિંહ એવું શિખ્યો હોય કે માણસ મારા માટે ખતરારૃપ છે માટે મારે અનિવાર્ય ન હોય ત્યાં સુધી તેના પર હુમલો કરવાનો નથી. આવો તફાવત પછી તો બધા પ્રાણીઓમાં લાગુ પડે ને!
દરમિયાન સાઉથ આફ્રિકામાં મોટા કહી શકાય એટલે કે જેમાં બીગ-ફાઈવ તરીકે ઓળખાતા સિંહ, દીપડા, કેપ બફેલો, ગેંડા અને હાથી એ પાંચેય મહત્ત્વના પ્રાણીઓ હોય એવા ડઝનબંધ જંગલો ધમધમી રહ્યાં છે.
Mast, Maja aavi