કલકતામાં દુનિયાનો સૌથી જુનો અને ચાલુ હોય એવો ફોટો સ્ટુડિયો હતો. થોડા વર્ષો પહેલા કમનસિબે બંધ થયો. પણ 19મી સદીમાં સ્થયાપેલા સ્ટુડિયોને જોવાની અમને 21મી સદીમાં તક મળી હતી.
કલકતામાં પગ મૂક્યો ત્યારથી અમને ચટપટી ‘બોર્ન એન્ડ શેફર્ડ’ ફોટો સ્ટુડિયો જોવાની હતી. સ્ટુડિયોમાં બહુ બહુ તો ફોટો પડાવવાના હોય, પણ જોવાનું શું હોય! સ્ટુડિયો જોવાની વાત કરી એટલે સાથે રહેલા મિત્રોને અચરજ થયું. પરંતુ સ્ટુડિયો વિશેની વાત સાંભળ્યા પછી સૌ કોઈને રસ પડ્યો. એ સ્ટુડિયોની એક લીટીની ઓળખ એમ આપી શકાય કે એ જગતનો સૌથી જૂનો ચાલુ હાલતમાં હોય એવો સ્ટુડિયો હતો. અલબત્ત 2014માં અમે જોયો ત્યારે તો ચાલુ જ હતો, પરંતુ પછી 2016માં તેને બંધ કરી દેવાયો છે. 19મી સદીમાં સ્થયાપેલા સ્ટુડિયોને જોવાની અમને 21મી સદીમાં તક મળી હતી.
ફોટોગ્રાફીની 1830ના દાયકામાં ફ્રાન્સમાં શરૃઆત થઈ તેના થોડા વર્ષો પછી જ ભારતમાં કેમેરા આવી પહોંચ્યા હતા. દસ્તાવેજીકરણમાં પાક્કા અંગ્રેજોને પણ સ્ટુડિયો શરૃ થાય એમા રસ હતો. સેમ્યુઅલ બોર્ન અને ચાર્લ્સ શેફર્ડ નામના અંગ્રેજોએ ભેગા મળીને 1863માં ભારતમાં આ બોર્ન એન્ડ સેમ્યુઅલ ફોટો સ્ટુડિયોની સ્થાપના કરી. અંગ્રેજોના બધા જ કાર્યક્રમોમાં આ બેલડીને ફોટોગ્રાફીનું આમંત્રણ મળતું હતું. 1911માં પંચમ જ્યોર્જ ભારત આવ્યા એ પ્રસંગની ફોટોગ્રાફી આ સ્ટુડિયોએ કરી હતી તો વળી બહાદુરશાહ ઝફરનો છેલ્લો ફોટો પણ તેમના નામે નોંધાયેલો છે. 19મી સદીમાં તો ફેલાયેલા બિઝનેસને પહોંચી વળવા શિમલામાં પણ શાખા ખોલવી પડી હતી, કેમ કે અંગ્રેજ પ્રવૃત્તિનું એ મહત્વનું કેન્દ્ર હતું. એટલે જ એક પત્રકાર-લેખક અને ખાસ તો ફોટોગ્રાફીના ચાહક તરીકે મારે મન એ ઐતિહાસિક સ્ટુડિયોનું ઊંચુ મૂલ્ય હતું.
કલકતા જતાં પહેલાં એ સ્ટુડિયોના ગુજરાતી માલિક જયંત ગાંધી સાથે એકથી વધુ વખત વાત થઈ હતી. પરંતુ વાત થઈ ત્યારે એવી લગીરે કલ્પના ન હતી કે કોઈક દિવસ ત્યાં જઈને એ સ્ટુડિયો જોવાનો થશે. 2014ના નવેમ્બરમાં અમે કલકતાના પ્રવાસે હતા. રોજ કામ પતાવીને હોટેલ પહોંચીએ ત્યાં ઘણુ મોડું થઈ જતું હતુ. પરંતુ છેલ્લા દિવસે થોડી કલાકો ફાજલ હતી. એ ફાજલ કલાકોનો ઉપયોગ આમ તો આરામ કરવામાં જ અમારું મન હતું, કેમ કે સવારે વહેલા નીકળવાનું હતું. નવું જાણવા મળે એ દરેક જગ્યાએ જવું ગમે જ, પરંતુ એ દિવસે રોજની માફક બરાબર થાક્યા હતા. દૂર સ્ટુડિયો સુધી તો ઠીક શરીર હોટેલની લોબી સુધી જવાની પણ તૈયારી દર્શાવતું ન હતું. બીજી બાજુ મન છેક સ્ટુડિયોના નામે અંગ્રેજ યુગ સુધી જવા લલચાતું હતું. મનોમંથનના અંતે નક્કી કર્યું કે ભલે થાક લાગ્યો હોય અને ભલે વધુ લાગવાનો હોય, પણ સ્ટુડિયોની મુલાકાત તો અત્યારે લઈ જ લેવી.
જયંતભાઈને ફોન કર્યો. તેમણે કહ્યું જરૃર જોવા આવો, પણ કાલે. જયંતભાઈની ઉંમર મોટી એટલે એમને વધુ તકલીફ ન આપી શકાય. પણ મેં અમારી મજબૂરી સમજાવી કે કાલે તો નીકળી જવાના છીએ. અત્યારે જોઈ શકાય? એમણે કહ્યું પણ હું નહીં હોઉં. સ્ટુડિયો ખુલ્લો છે, તમારે મન હોય તો પહોંચી જાઓ. તેમણે એમ પણ કહ્યું કે હવે સ્ટુડિયો ચલાવવો બહુ મુશ્કેલ પડે છે, એટલે બિલ્ડિંગથી વિશેષ કશું રહ્યું નથી. અંદર તો કેટલાક કેમેરા માત્ર છે. બાકીનું બધું સમય સાથે લુપ્ત થયું છે. કોઈ વાંધો નહીં, બિલ્ડિંગ તો બિલ્ડિંગ..
માત્ર બિલ્ડિંગ છે, એવુ જયંતભાઈ કહેતા હતા, ત્યારે તેના અવાજ પાછળનું દર્દ સ્પષ્ટ વર્તાઈ આવતું હતુ. છેક 1954થી એ સ્ટુડિયો ચલાવતા હતા, પરંતુ હવેની ફોટોગ્રાફીક ક્રાંતિના યુગમાં પરંપરાગત સ્ટુડિયો ચલાવવો મુશ્કેલ હતો. તો પણ લોકો પાસપોર્ટ અને અન્ય ફેમિલી ફોટા માટે આવતા હતા. જયંતભાઈએ એ વાત પણ યાદ કરાવી કે બંગાળી સ્ત્રીઓ સરસ તૈયાર થઈને ફોટા પડાવવા આવતી હતી અને હજુ પણ લગ્ન-પ્રસંગે આવે છે, પણ હવે સ્ટુડિયો ચાલી શકે એટલું કામ નથી મળતું. વળી અમારી રીત-ભાત જૂની છે, એ રીતે ફોટા પાડવામાં બહુ ધિરજ જોઈએ. ફોટોગ્રાફીના સાધનો પણ ધિરજપૂર્વક જાળવવા પડે. આજના યુગમાં એવી કોને નવરાશ હોય. મોબાઈલમાં જ ફોટા પડી જવા લાગ્યા છે, એટલે સ્ટુડિયોની જરૃરિયાત ઓછી થતી જાય છે. વ્યથા વ્યક્ત કરી એમણે ફોન મુક્યો.
મન હતું એટલે માળવે કહેતાં એસ.એન.બેનર્જી રોડ પર જવા હું અને સાથીદાર હર્ષ મેસવાણિયા નીકળી પડ્યા. હોટેલના રિસેપ્શન પર તપાસ કરી તો ખબર પડી કે એ રોડ સાતેક કિલોમીટર દૂર છે, ટેક્સી કરી લો. બહાર નીકળી એક કલકતાની ઓળખ બનેલી પીળી ટેક્સી શોધી. ડ્રાઈવર બાબુમોશાયને સરનામું સમજાવ્યું, તો કહે કે મેં એવો કોઈ સ્ટુડિયો જોયો નથી. જ્યાં અંગ્રેજ ઈતિહાસના અનેક મહત્ત્વપૂર્ણ ફોટોગ્રાફ્સ કાળા-ધોળા થયાં હતા એ જગ્યાનું સરનામું શોધવામાં મુશ્કેલી પડતી હતી.
એવું નક્કી કર્યું કે પહેલાં એસ.એન.બેનર્જી રોડ પર તો પહોંચી જઈએ. રોડ આવી ગયો એટલે કાકાએ કહ્યું કે બોલો હવે ક્યાં જવુ છે? મનોમન કહ્યું કે અમારે તો ઈતિહાસમાં જવું છે. કેટલીક દુકાનો બંધ થઈ ગઈ હતી, બાકીની થવાની તૈયારીમાં હતી. એવા રોડ પર અત્યારે આ બન્ને ભાઈઓ સ્ટુડિયોમાં શું જોવા આવ્યા હશે, એવો સવાલ ડ્રાઈવરના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાતો હતો.
ત્યાં કોઈક ને સરનામુ પૂછ્યુ. બોર્ન એન્ડ શેફર્ડ એ નામ જ ઘણાને અજાણ્યુ લાગતુ હતુ. જૂનવાણી દુકાનોમાં નંબર લખેલા હોય એવા નંબર આ રોડ પરની બધી દુકાનો પર લખેલા હતા. એટલે ટેક્સીમાંથી ઉતરીને આસપાસમાં જોઈને નંબર શોધવાનો પ્રયાસ કર્યો. એકાદ દુકાન પર નંબર કોતરેલો જોવા મળ્યો. એ નંબર જોઈને પૂછ્યું કે ફલાણા નંબરની દુકાન (મકાન કે પછી કોમ્પલેક્સ) આગળ છે કે પાછળ? દુકાનદારે કહ્યું કે રોડ પૂરો થાય ત્યાં આ મકાન આવશ. ભીડભાળવાળા રસ્તે ધીમી ગતીએ ટેક્સી આગળ ચાલી. રોડનો છેડો આવ્યો એટલે અમને ગાડીમાંથી ઉતરી ગયા.
આમ-તેમ નજર નાખી ત્યાં જ વૃક્ષની પાછળ 6 માળ ઊંચુ એ બિલ્ડિંગ દેખાયું. એ જોઈને શરીરમાં થોડી ઝણઝણાટી થઈ. ઝણઝણાટીને બ્રેક મારીને પહેલાં તો મકાનના દરવાજે પહોંચ્યા. ત્યાં બોર્ડ માર્યું હતુ, ‘બોર્ન એન્ડ શેફર્ડ – આર્ટિસ્ટ એન્ડ ફોટોગ્રાફર્સ’. અમે એ જ મકાનની શોધમાં હતા. બિલ્ડિંગ એપાર્ટમેન્ટ જેવુ હતું, નીચે જૂનવાણી દરવાજો ખુલ્લો હતો. અમે અંદર ગયા પણ ત્યાં કોઈ દેખાયું નહીં. લાકડાની જૂનવાણી સીડી અને જૂનવાણી પગથિયા, દિવાલ પર ઠેર ઠેર લટકતાં વાયર એસ.એન.બેનર્જી રોડ કરતાં પણ મકાન જૂનું હોવાનો પૂરાવો આપતા હતા. પગથિયાં ચડીને ઉપરના માળે પહોંચ્યા. એક પછી એક માળ પર સ્ટુડિયોના વિવિધ વિભાગ હતા પણ બંધ હતા. એમાં પડેલા જૂનવાણી કેમેરા, મોટા કદના સ્ટેન્ડ વગેરે કાચમાંથી જોઈ શકાતું હતું. એ બધું જ વળી ફોટોગ્રાફીના જૂના જમાનામાં લઈ જતું હતુ. એ સિવાય ત્યાં કંઈ જોવા જેવુ નથી એવુ તો અમને પહેલેથી કહી દેવાયુ હતું. દર વખતે જોવું એ પ્રવાસ નથી હોતો.
થોડી વાર ત્યાં રહ્યા, એ દરમિયાન માનસપટ પર ફોટોગ્રાફીનો ઈતિહાસ તરવરતો હતો. બોર્ન એન્ડ શેફર્ડે પાડેલા મારા વતન જૂનાગઢના અને અન્ય શહેરોના ફોટા જોયા હતા એ પણ યાદ આવ્યાં. સમય સાથે એ બધુ વહી ગયું હતુ. અમારો સમય પણ વહી રહ્યો હતો. થોડો વખત પસાર કરી અમે હોટેલ પર ફર્યાં. એ પહેલા જોકે રાતના અંધારામાં પડી શક્યા એવા ફોટા પાડવાનું કામ કરી લીધું. ખાસ તો જૂનવાણી બોર્ડ, જેના પર મરોડદાર અંગ્રેજીમાં સ્ટુડિયોનું નામ લખ્યું હતુ તેની સાથે ઉભા રહીને મોબાઈલની ફ્લેશ લાઈટમાં ફોટોગ્રાફી કરી.
મૂળ ભાવનગરના અને પેઢીઓથી કલકતા જઈને વસેલા જયંતભાઈ ગાંધીએ 1954માં આ સ્ટુડિયો ખરીદી લીધો હતો. ઘણા વર્ષોથી ફોટોગ્રાફી તો ઓછી થતી જતી હતી, તો પણ ધરોહર તરીકે તેમણે જાળવી રાખ્યો હતો. પણ છેવટે એવો સમય આવ્યો કે કદાવર સ્ટુડિયો ચલાવવો સાવ અશક્ય બન્યો એટલે 2016માં વેચી નાખવો પડ્યો. વેચી નાખવાના સમાચાર મળ્યા ત્યારે જરા ગ્લાની થઈ, સાથે એ સ્થળની મુલાકાત લઈ લીધાનો આનંદ પણ થયો.
હવે એ હેરિટેજ મકાન ‘એલઆઈસી’ના હવાલે છે. અહીં દોઢસો વર્ષ કરતાં વધુ સમય સુધી ભારતના ઈતિહાસની અનેક શકવર્તી ઘટનાઓની નેગેટિવમાંથી ફોટા તૈયાર થતાં રહ્યા છે. કોઈ જૂનવાણી (અંગ્રેજ યુગના) ફોટો જોવામાં આવે તો શક્ય છે કે ખૂણામાં બોર્ન-શેફર્ડનું નામ કોતરાયેલું જોવા મળે. અમદાવાદ હોય કે ઈલાહાબાદ ઈતિહાસના ભારતના તમામ મોટા શહેરોના જૂના ફોટા આ સ્ટુડિયોમાં એટલે કે તેના ફોટોગ્રાફરે પાડ્યા છે. આજે તો વાત બહુ સરળ છે, પણ 1840માં જ્યારે બોર્ને ભારતમાં ફોટોગ્રાફીની શરૃઆત કરી ત્યારે તેમને ફોટોગ્રાફીનો સામાન ફેરવવા માટે 42 કુલી સાથે રાખવા પડતાં હતા.
અમેરિકાના વોશિંગ્ટનમાં આવેલા જગવિખ્યાત ‘સ્મિથસોનિયમન સંગ્રહાલય’ કે પછી લંડનની ‘નેશનલ પોટ્રેટ લાયબ્રેરી’ કે પછી ‘નેશનલ જ્યોગ્રાફિક સોસાયટી’નું સંગ્રહાલય.. એ બધામાં આ સ્ટુડિયોના ઐતિહાસિક ફોટા સચવાયેલા છે. વૈશ્વિક પહોંચ ધરાવતો સ્ટુડિયો બંધ થયો એ પહેલા જોયો એટલે તેનું મારે મન વિશેષ મહત્ત્વ છે. કેમ કે ઈતિહાસ વારંવાર આપણને સાક્ષી બનવાની તક નથી આપતો.