
રામ વાળાનું શહાદત સ્થળ જોઈ લીધા (જૂઓ ચોથો ભાગ) પછી એક દિવસ જન્મ સ્થળ વાવડી જવાની તક મળી. વાવડીમાં આજે રામના નામે શું છે?

બોરિયા ગાળામાં જઈ આવ્યા પછી રામ વાળા વિશે લખવા માટે પૂરતી માહિતી મળી ગઈ હતી. એવામાં ધારી જવાનું થયુ. નજીકમાં ચલાલા અને નજીકમાં જ વાવડી પણ છે. વાવડી રામ વાળાનું ગામ. વાવડીમાં રહેતા રામ અને તેમના પિતા કાળુ વાળા સાથે ગામના રણી-ધણી કુંભાર ડોસા પટેલે ત્રાસ વર્તાવ્યો હતો. એ ત્રાસને કારણે જ રામે બહારવટાનો મારગ લેવો પડ્યો હતો. 25 વરસે જૂવાન લગ્ન કરીને ઠરી ઠામ થાય ત્યારે રામે ધારી-અમરેલી-ખાંભા પંથકને ધ્રુજવવા શરૃ કરી દીધા હતા.

એ રામના ગામમાં તેમના કોઈ સંસ્મરણો હશે કે કેમ? તપાસ કરી તો ખબર પડી કે રામ વાળાના પરિવારના જ સભ્યો રહે છે. ચલાલામાં રહેતા બાલાભાઈ દેવમુરારીનો સંપર્ક કર્યો. એમણે કહ્યું કે મારા ઘરે આવી જાઓ, આપણે અહીંથી સાથે વાવડી જઈશું.
ચલાલાથી વાવડી ચાર કિલોમીટર દૂર છે. બાલાભાઈ સાથે એક સ્થાનીક વાળા કાઠી પણ જોડાયા. અમે ત્રણ વાવડી પહોંચ્યા. એક જુવાન ખંભે મફલર વીટીને ચાલ્યો આવતો હતો. બાલાભાઈએ તેમને પૂછ્યું કે રામ વાળાની જગ્યા અને તેના સંચાલક કોણ છે? પેલા ભાઈએ કહ્યું કે હું જ એ જગ્યાનો સંચાલક છું.. ચાલો મારી સાથે..

એ પછી તો તેમણે ગામમાં રહેલી રામ વાળાની દેરી, રામવાળાની એ જમાનામાં બનાવેલું તૈલી ચિત્ર, રામ વાળાનું મકાન, સામે જ રહેલું ડોસા કુંભારનું મકાન વગેરે દર્શાવ્યા. રામ વાળા વિશેના અને વર્તમાન સ્થતિ વિશેના મારા સવાલના જવાબ આપ્યા. એ બધી વાત સમયાંતરમાં લખી છે.
રામ વાળાને એક સદી કરતા વધુ સમય થઈ ગયો. પરંતુ આજે પણ અહીં તેના નામના સિક્કા પડે છે. હતો તો રામ બહારવટિયો પણ એનું કામ પ્રજાનું રખોપું કરવાનું હતું. એટલે રામનું નામ લેતાં આજે પણ રૃવાડાં ઉભા થાય એમાં નવાઈ નથી.

દરેક વખતે આ રીતે ફરીને લખી શકાતું નથી. દરેકમાં ફરવાની જરૃર પણ નથી હોતી. પરંતુ જ્યારે આવી રખડપટ્ટી કરીને લખીએ ત્યારે તેની મજા કંઈક ઓર હોય છે.