
દેશમાં ધન્વંતરિ/Dhanvantariના બહુ ઓછા મંદિર છે અને એમાનું એક મંદિર ગીર કાંઠે આવેલું છે. એ મંદિર મનોરમ્ય છે અને રહસ્યમય પણ છે. જમીન પર વૃક્ષ છે, તો જમીન નીચે પણ દેવસ્થાન છે
તસવીરો – પ્રફૂલ મેસવાણિયા, વિમલ સોંડાગર

અમારા વાહનો અટક્યા ત્યાં સામે દેખાઈ ભરપૂર પાણી સાથે વહેતી નદી અને નદી કાંઠે ઉભેલી વનરાઈ. ગુજરાતમાં એવા સ્થળોની નવાઈ નથી. પરંતુ ચોમાસું પુરું થયું હોવા છતાં નદીમાં પાણી વહેતું હતું. વાહ! ચોમાસા પછીય પાણીથી નદી ભરપૂર હોય એવી જગ્યાઓ ગુજરાતમાં ભરપૂર માત્રામાં નથી. થોડી ઊંડેથી પસાર થતી નદીની બન્ને તરફ ભેખડ અને ભેખડ ઉપર વૃક્ષ-વેલા-છોડની હારમાળા.. નદી હોય ત્યાં આવુ બધું હોય જ.
નવાઈની વાત બીજી હતી.

બધાં વૃક્ષો વચ્ચે એક કદાવર વડલો દેખાતો હતો. વડલાની ટોચે ખીલી નીકળેલા પાંદડા નવાઈપ્રેરક હતાં, કેમ કે એ આછા પીળા, થોડા સફેદ કહી શકાય એવો તેનો કલર હતો. સામાન્ય રીતે હરિતદ્રવ્ય સંગ્રહીને બેઠેલા કોઈ પણ વૃક્ષના પાંદડા લીલાં જ હોય. ખરવાનો સમય આવે ત્યારે અથવા ખરી ગયા પછી એ કલર બદલે. અહીં તો વૃક્ષની શીખા પર ફરફરતાં પાંદડાનો કલર જ નોખી ભાત પાડતો હતો. વટલાની ટોચે જાણે અબિલના છાંટણા..

એટલા પૂરતો એ વડલો રહસ્યમય. ગીરમાં માળિયા તાલુકાના ગામ મોટી ધણેજ પાસે આવેલો એ વડલો લોકમાન્યતા પ્રમાણે એ વડલો ધન્વંતરિના વખતનો છે. ત્યાં નજીકમાં જ ધન્વંતરિ આશ્રમ છે, મંદિર છે, ધૂપ-ધજા-ધૂણો છે. જ્યાં ધન્વંતરિ હોય ત્યાં આયુર્વેદની દૃષ્ટિએ મહત્ત્વનાં વૃક્ષો પણ હોય જ ને! આ વડ પણ કદાચ તેનો જ નમૂનો છે.

ધન્વંતરિ કોઈ એક વ્યક્તિ ન હતા. ધન્વંતરિ એ નામ નહીં સર્વનામ હતુ. ધન્વંતરિ એ નામ નહી પરંતુ પદવી છે. હજારો વર્ષ પહેલાના ભારતમાં આયુર્વેદ, ચિકિત્સાશાસ્ત્ર, વાઢ-કાપના નિષ્ણાત વૈદ્યોને ધનવન્તરિની પદવી એનાયત થતી હતી. આજે જે રીતે એમ.ડી. કે પછી એમ.એસ.ની ડીગ્રી મળે છે એમ જ. એટલે ધન્વંતરિ એ કોઈ એક નામ નથી, પેઢી દર પેઢી ચાલી આવતી પરંપરા છે, ઓળખ છે અને આયુર્વેદના સર્વોચ્ચ જ્ઞાનનું શિખર છે (એ રીતે ચરક પણ નામ નહીં પદવી હતી!). એટલે કે સમયખંડના અલગ અલગ ટૂકડાઓમાં અલગ અલગ સ્થળોએ અલગ અલગ વ્યક્તિ ધન્વંતરિ હતા. ભગવાન ધન્વંતરિની સિદ્ધિઓ તો ગણી ગણાય નહી એટલી છે.

એ યાદ કરતાં અમે પહોંચ્યા ભગવાન ધન્વંતરિની સમાધિએ. ધણજ ગામ પાસે નદી કાંઠે સમાધિ છે અને એનાથી પણ વિશેષ આકર્ષક અહીંનો સફેદ પાંદડા ધરાવતો વડ છે.

ભારત વૃક્ષોને પૂજનારો દેશ છે. વનસ્પતિમાં જીવ હતો એવું વિજ્ઞાને સાબિત કર્યું એ પહેલાથી આપણી સંસ્કૃતિ તો વૃક્ષોને જીવંત માનીને પરકમ્મા કરે જ છે. એટલે મોટી ધણેજની ભાગોળે આવેલો એ સફેદ પર્ણ ધરાવતો વડલો પૂજાય એમાં શાની નવાઈ? અહીં વળી મુની કશ્યપનો આશ્રમ હોવાની બીજી માન્યતા પણ અખંડ ધૂણો ધખાવીને બેઠી છે. વડલાના સફેદ પાંદ વિશે માન્યતા એવી છે કે તક્ષક નાગના દંશથી વડ મૃતપ્રાય થયો. એમાંથી બચાવવા વડ પર મુનીએ અંજલિમાંથી પાણી છાંટયુ જેના કારણે વડ સજીવન થઈ ગયો, પરંતુ ઝેરના કારણે થોડા પાંદડા સફેદ રહી ગયા, જે અમે જોયા અને અચંબિત પણ થયા.

આ વિશાળકાય વડલાનું થડ શોધવાનું કામ જોકે ઘણુ મુશ્કેલ છે. જંગલમાં નદી કાંઠે, ખેતરના છેડે, પંખીના કલશોરથી ગૂંજતુ આ સ્થળ ભારે રમણિય છે. એટલું બધું રમણિય કે અહીં હરિદ્વારની માફક અહીં નદી ઉપર જૂલતો પુલ બનાવી શકાય એમ છે. પાણીનો પ્રવાહ સતત વહેતો રહે છે, એટલે તેનો કુદરતી અવાજ પણ સતત કાને અથડાતો રહે.

માન્યતા પ્રમાણે ધન્વંતરિ મંદિર એ ભગવાન ધન્વંતરિની સમાધી છે. મંદિરમાં મૂર્તિ પણ વિશિષ્ટ છે. અંતિમ શ્વાસ લઈ રહેલા ભગવાન ધન્વંતરિ પથારી પર સુતાં છે અને ફરતાં તેમને શિષ્યો તેમની સારવાર કરી રહ્યાં છે. આવી પ્રતિમા અન્ય કોઈ મંદિરમાં જોવા મળતી નથી. માટે મૂર્તિશાસ્ત્રની દૃષ્ટિએ પણ એ અભ્યાસનો વિષય છે.
મંદિર વિસ્તાર ફરી લીધો, સફેદ પાંદ ધરાવતો વડ જોઈ લીધો. પછી વધુ એક ગુપ્ત સ્થળ અમારી રાહ જોઈ રહ્યું હતું.
*****
ચાલો બેટરી લઈ લો, તક્ષક મંદિરે જવું છે.
અમારી સાથે રહેલા સ્થાનિક માર્ગદર્શક વડીલે તેના સહાયકને આવી સૂચના આપી એટલે અમારી ત્રણેયની છ આંખો ચમકી ઉઠી. ધોળા દિવસે બેટરી (ટોર્ચ) લઈને તમારે ક્યાં જવું છે?

કંઈક મજા આવવાની છે, એમ ધારીને અમે રોમાંચિત થયા. સૂચના મળી એ મૂજબ ચાલતા પણ થયા. નદી કાંઠે વનરાજી ઘાટી થઈ ચૂકી હતી. એ વચ્ચે એક સાંકડી કેડીએ અમને લઈ જવાયા. આગળ જતાં એક દરવાજો આવ્યો. પણ દરવાજા પાછળ કોઈ મકાન ન હતું. એ દરવાજો પગથિયાંનો હતો અને પગથિયાં જમીનમાં નીચે ઉતરતાં હતા. દરવાજો ખૂલ્યો, બહારનો પ્રકાશ અંદર પ્રવેશ્યો પણ એ પૂરતો ન હતો. એટલે જ તો ટોર્ચ લેવાઈ હતી.
હકીકતે ત્યાં પેટાળમાં નાગદેવતા તક્ષકનું મંદિર હતું. નાગદેવ તો પેટાળમાં જ રહે ને! એકાદ માળ જેટલાં પગથિયાં ઉતરીને ત્યાં સુધી પહોંચી શકાય પણ ત્યાં પ્રકાશ ક્યાંયથી આવતો ન હતો. એટલા માટે ટોર્ચ જરૃરી હતી. મંદિરો તો ઘણા જોયા હોય પણ આ અનોખું મંદિર હતું.

અમે નાગાધિરાજના દર્શન કરી ફરી ઉપર આવ્યા. અંદર જગ્યા સાંકડી હોવાથી લાંબો સમય રહેવું મુશ્કેલ થાય.
ફરતાં ફરતાં માહિતી મળી કે જંગલ વિસ્તાર હોવાથી અને નદી વહેતી હોવાથી અહીં રાત-વરાતના સિંહ-દીપડા આવતા રહે છે.
અમે સાંજ પડ્યે ખેતરમાં લટાર મારી ત્યાંથી રવાના થયા.