હોટેલિયર વિઠ્ઠલ વ્યંકટેશ કામતનું આ પુસ્તક ખાસ્સી સરાહના પામ્યું છે. પોતે કઈ રીતે સામાન્ય ઇડલી વેચનારામાંથી વિશ્વની પ્રથમ ઈકો-ટેલ હોટેલના માલિક બની શક્યા તેનો સંઘર્ષ પુસ્તકમાં રજૂ કર્યો છે. અનુવાદ સમર્થ લેખીકા અરૃણા જાડેજાએ કર્યો છે, જ્યારે દરેક પ્રકરણ સાથે વાતને ટેકો આપતું રેખાચિત્ર પણ છે.
અનુવાદ – અરૃણા જાડેજા
પ્રકાશક – ઈમેજ પબ્લિકેશન (079-22002691)
આવૃત્તિ- ફેબ્રુઆરી 2005
કિંમત – 150
પાનાં – 185
- ત્યાં સુધી હોટેલ અને રેસ્ટોરન્ટ વચ્ચેનો તફાવત હું જાણતો નહોતો. અને મોટા લોકો રેસ્ટોરન્ટને રેસ્તરાં કહે છે એનીય ખબર નહોતી.
- ઓર્કિડ પૂરેપૂરી બંધાઈ ચૂક્યા પછી મેં સૌથી પહેલો પત્ર રાયબહાદુર ઓબેરોયને લખ્યો હતો. પોતે તો આવી શક્યા નહીં પણ મારા આમંત્રણને માન આપીને એમના દીકરા વિકી ઓબેરોય ઓર્કિડમાં આવ્યા. મારી પ્રસંશા કરતાં એમણે કહ્યું, યુ આર એ થ્રેટ ટુ અસ.
- યશસ્વી થવા માટે આપણી પાસે ત્રણ બાબતો હોવી જરૃરી છે. ડિટરમિશનેશન, ડેડિકેશન અને ડિસિપ્લીન.
- દફ્તરમાં વેબસ્ટર ડિક્શનરી ન હોય અને બૂટ પર પોલિશ ન હોય તેવાં છોકરાંએ નિશાળે આવવું જ નહીં.
- દીકરા, જગતના બધા સાથે ધંધો કરજે એક દિલ્હીના લોકો સિવાય. દિલ્હીવાળાનો ભરોસો ક્યારેય કરતો નહીં.
- અમે કહીએ છીએ બાર મિનિટની અંદર ઓર્ડર તમારા ટેબલ પર ન પહોંચે તો તમે મંગાવેલુ ખાણું-પીણું અમારે ખાતે!
- એક દિવસ એક રૃપાળી ને ભરાવદાર ગુજરાતી છોકરીઅમારા રેસ્ટોરન્ટમાં આવી. જોતાં જ હું તો એના પ્રેમમાં પડી ગયો. પછી તો એ છોકરી ‘સુરુચિ’માં રોજ આવવા લાગી.
- ત્યાંની હોટેલમાં મં સૂપ બનાવ્યો. પછી વેઈટરને કહ્યું કે હવે આ સૂપ ઘરાકો વચ્ચેથી પસાર થતો છેલ્લા ટેબલ સુધી લઈ જા. જતી વખતે સૂપની ટ્રે એવી રીતે પકડ કે બધાં જ એને બરાબર જોઈ શકે.
- શ્રીમતી તન્ના તો મારા પર ખુશ ખુશ. એમણે મને ઓફર મુકી કે મારી દીકરી સાથે લગ્ન કરી કાયમ માટે અહીં રહી પડ.
- યુવાનીના આ અનુભવોને લીધે હું એક વાત શીખ્યો કે તમારા પેટમાં ભૂખ હોય, તમારા મનમાં કોઈ જાતનાં શરમ-સંકોચ ન હોય અને તમારા કાંડામાં જોર હોય તો તમે કોઈ પણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી શકો છો. હા, કોઈ પણ પરિસ્થિતિમાંથી.
- એન્ટરપ્રીનર થવા માટે સાત બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. કાંઈ જુદું જ કરી બતાવવાની જબરદસ્ત ઈચ્છા, ચમકતી કલ્પનાઓ, નવીનતા પ્રત્યેનો ગમો, કોઈનું પીઠબળ ક્યાં તો ગુરુ, ધ્યેય, આત્મવિશ્વાસ અને આવતીકાલને પારખવાની નજર.
- (વાપીમાં ખોલેલી હોટેલનો પ્રસંગ) હાઈ-વેથી જોતાં ગાડીઓની ગિરદી દેખાઈ આવી એવી રીતે આ બધી ગાડીઓ મેં પાર્ક કરાવી. હું ધારતો હતો તેવું જ થયું. હોટેલના બારણામાં ઊભી રહેલી ગાડીઓને જોઈને બીજી બે-ચાર ગાડીઓવાળા પણ હોટેલમાં આવ્યા.
- આજ સુધી દુનિયાભરમાં મેં આશરે સાડા ત્રણસો જેટલા રેસ્ટોરન્ટ ખોલાવી આપ્યા હશે. કેટલાંક અમારા માટે, કેટલાંક બીજા માટે.
- વિદેશમાં ઠેકઠેકાણે રેસ્ટોરન્ટ ખોલાવી આપવા એક અદભૂત અનુભવ હતો. દરેક વખતે કાંઈ ને કાંઈ ભૂલો થતી જ. તો ક્યારેક નવી નવી વસ્તુઓ શીખવા મળતી. સિંગાપુરમાં ખાદ્ય પદાર્થોમાં ખસખસ વાપરવાની મનાઈ છે. સાઉદી અરેબિયામાં ડુક્કરનું માંસ એ શબ્દો પણ ઉચ્ચારાય નહીં. ફ્રાંસમાં જે આપો તે બ્રેડની જ વેરાઈટી હોવી જોઈએ! ત્યાં ભાત કે ભાતની વાનગી ન ચાલે.
- ભારતના રાષ્ટ્રપતી શ્રી જ્ઞાનિ ઝૈલસિંગ એક વાર અમારી સેલવાસ હોટેલના શાહી મહેમાન હતા.
- અમારી હોટેલ ઈન્ડસ્ટ્રીનો બધો યશ પૂર્વતૈયારીઓ પર જ આધારિત હોય છે. ઘરાક ઓર્ડર આપે એની દસ મિનિટમાં તો એની સામે ગરમાગરમ વાનગી રજૂ થાય છે. વાટેલી, સમારેલી, બાફેલી બધી જ ચીજ તૈયાર હોવી જોઈએ.
- ફ્રાન્સમાં એક કાયદો છે કે રેસ્ટોરેન્ટની ચીમની બાજુની ઈમારત કરતાં ઊંચી હોવી જોઈએ. એક જણે એક ઊંચી ઈમારતની બાજુમાં રેસ્ટોરેન્ટ બાંધ્યુ. હવે એને અઠ્ઠાવીસ ફૂટ ઊંચી ચીમની બાંધવી પડી, એના બધા જ પૈસા ચીમનીમાં જ ગયા.
- આશા-નિરાશાનો હિંડોળો ખૂબ ઊંચે જતો હતો અને પાછો એટલો જ નીચે આવતો હતો. અને એક દિવસ એવો આવ્યો કે મને થયું, બસ હવે ઘણું થયું, આ જીવતર ટૂંકાવી નાખવું છે.
- જે શહેરમાં એક વખત ખભે કટકો નાખીને હોટેલમાં સાફ-સફાઈ કરનારા પોરિયા તરીકે મારા બાપુજી કામ કરતા હતા એ જ શહેરમાં એક ફાઈવ-સ્ટાર હોટેલના ચેરમેન તરીકે એનું ઉદઘાટન એમના હાથે જ થાય એ તો અહોભઆગ્ય જ!
- ક્યારેક તો એવી મજા થાય કે એ જ્યારે અમારી એકાદી હોટેલમાં જાય તો ત્યાંનો સ્ટાફ એને ઓળખે જ નહીં. મારી પત્ની પણ પોતાની ઓળખાણ ન આપતા ખાણાંનો ઓર્ડર આપે છે, બિલના પૈસા ચૂકવે છે અને પાર્સલ લઈને ઘરે આવે છે.