
જામનગર પાસે નરારા ટાપુ આસપાસ ફેલાયેલા દેશના પ્રથમ મરિન નેશનલ પાર્કમાં શું જોવા જેવું છે?
લેખક – નિતુલ જે. મોડાસિયા

નાનપણમાં અમને ભણવામાં આવતું હતું કે આપણા દેશનું પ્રથમ મરીન નેશનલ પાર્ક જામનગરમાં આવેલો છે. મરીન નેશનલ પાર્કમાં આપણે સમુદ્ર સૃષ્ટિનો અનેરો લ્હાવો લઈ શકીએ છીએ.. વગેરે વગેરે. પણ એ પાર્કની ત્યારે મુલાકાત લઈ શકાઈ નહીં. એ તક હવે છેક આવી.

જાન્યુઆરી 2020માં જામનગરની મુલાકાત દરમિયાન મને ત્યાં જવાનો મોકો મળ્યો. પાર્ક જામનગરથી દ્વારકા રોડ પર 55 કિલોમીટર દૂર આવેલો છે. પાર્ક વાડિનાર ગામ તરફ જતા રસ્તાથી થોડો અંદર હોવાથી અને તેના વિશે રસ્તા પર કોઈ બોર્ડ ન હોવાથી આ પાર્ક પર સહેલાઇથી નજર નથી પડતો.

પાર્કનું મુખ્ય આકર્ષણ પરવાળાના 42 જેટલા ટાપુ છે અને એ અડધોક કિલોમીટર અંદર પહોંચ્યા પછી શરૃ થાય છે. એ બધામાં સૌથી પ્રસિદ્ધ પિરોટન ટાપુ છે. સાથે અહીં મ્યુઝિયમ પણ બનાવેલું છે, જે સમુદ્રના ઉંડાણમાં આવેલી આસાનીથી ન જોવા મળતી દરિયાઈ સૃષ્ટિનો પરિચય આપે છે.

મ્યુઝિયમનું ઇન્ટિરિયર ડેકોરેશન પણ સમુદ્રની આંતરિક જીવ સૃષ્ટિને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું છે. મ્યુઝિયમમાં સમુદ્રી જીવોના અસલ લાગે એવા પૂતળાં અને પ્રતિકૃતિ મુકવામાં આવી છે. તેના આધારે જ સમુદ્રી સૃષ્ટિમાં કેવા અનોખા સજીવો રહે છે, તેનો આછો-પાતળો ખ્યાલ મળે.

બાળકોને કદાચ જીવસૃષ્ટિમાં રસ ન પડે તો મ્યુઝિયમની નજીક મીરર મેઝ પણ આવેલું છે. જ્યાં બાળકોને એકબીજાનું પ્રતિબિંબ જોવાની મજા પડે છે. એટલુ જોયા પછી સફર આગળ વધી પરવાળાના ટાપુ તરફ. ભરતી સમયે અહીં ટાપુને બદલે જળ અને ઓટના સમયે જળ છે ત્યાં સ્થળ એટલે કે ટાપુ જોવા મળે. ઓટના સમયે આ પરવાળાના ટાપુમાં રેહતી જીવ સૃષ્ટિને જોવાનો આનંદ લેવા જેવો છે. આ પાર્કનું મુખ્ય આકર્ષણ આ પરવાળા માં આવેલી જીવ સૃષ્ટિ જ છે.

પરવાળાના ટાપુ સુધી જવા માટેના રસ્તા પર મેન્ગ્રૂવ્સનું નાનકડું એવું વન આવેલું છે. આ મેન્ગ્રૂવ્સમાથી ચાલીને પરવાળાના ટાપુ સુધી જવાનો અનુભવ આપણને પશ્ચિમ બંગાળના જગવિખ્યાત સુંદરવનમાં હોવાની અનુભૂતિ કરાવે છે.

ઓટના સમયે આ પરવાળાના ટાપુ પર પફર માછલી, કરચલા, સી હોર્સ અને એવાં તો બીજા લગભગ ૨૦૦ પ્રજાતિના સમુદ્રી જીવો જોવા મળે છે. આ સમુદ્રી જીવોને તેમના પ્રાકૃતિક નિવાસમાં જોવાનો તક અહીં આવ્યા સિવાય મળવી મુશ્કેલ છે. પાર્કમાં કુલ તો 37 પ્રકારના પરવાળા, 30 પ્રજાતિના કરચલા, ભાગ્યે જ જોવા મળતો ગ્રીન સી ટર્ટલ, 100થી વધુ પ્રકારની શેવાળ વગેરે રહે છે.

જ્યારે ઓટ ન હોય અને આ પરવાળાના ટાપુ દેખાતા નથી, ત્યાં પાણી ફરી વળે છે. એ વખતે સમુદ્રની અંદરના સજીવો તો જોવા નથી મળતા, પણ નિરાશ થવાની જરૃર નથી, ત્યારે સમુદ્રી પક્ષીના ઝૂંડ અહીં હાજર હોય છે. પક્ષીઓની પ્રજાતિ પણ 200થી ઓછી નથી.
પાર્કમાં જતાં પહેલા પ્રાથમિક માહિતી
- જામનગરથી દોઢેક કલાકની સફરે પાર્ક સુધી પહોંચી શકાય છે. રીક્ષા કે ટેક્સી જેવા વાહનો મળી રહે છે. કાર ભાડે કરવી હોય તો એ ઉત્તમ સર્વિસ શૈલેષ કાર રેન્ટલ નામની છે, જેનો અમે લાભ લીધો હતો. અનુભવ ઘણો સારો રહ્યો.
- પાર્કની આજુબાજુના વિસ્તારમાં કશું ન હોવાથી ત્યાં ખાવાપીવાની સામગ્રી શહેરથી લઈને જવું અનિવાર્ય છે.
- સમુદ્ર સૃષ્ટિની સરખી રીતે જાણકારી મેળવવા માટે ત્યાં ગાઈડ મળી રહે છે જેઓ ત્રણસોથી ચારસો રૂપિયા લે છે.
- પાર્ક સવારના 8થી સાંજના 6 સુધી ખૂલ્લો રહે છે. ઓક્ટોબરથી માર્ચ મુલાકાતનો ઉત્તમ સમય છે.
- જામનગરથી એક દિવસના પ્રવાસ માટે એ ઉત્તમ જગ્યા છે. પાર્કમાં ફરી લીધા બાદ સમય બચે તો વાડીનાર પોર્ટ અને રસ્તામાં આવતા સ્વામિનારાયણ મંદિર પણ જોવા જેવા છે.
- વધુ માહિતી માટે સંપર્ક કરી શકાય 0288-2679355