
યુનેસ્કો દર વર્ષે વર્લ્ડ હેરિટેજ યાદી જાહેર કરે છે. આવતી કાલની પેઢીને ખબર પડે કે ગઈ કાલની પેઢી શું કરી ગઈ છે, એ માટે ધરોહર સમાન વારસો સાચવવો અનિવાર્ય છે.

યુનેસ્કોની બેઠકમાં દર વર્ષે કેટલાક સ્થળો વર્લ્ડ હેરિટેજ જાહેર થતાં હોય છે. ગુજરાતના ત્રણ સ્થળો હેરિટેજ જાહેર થયા છે, ચાંપાનેર, રાણકી વાવ અને અમદાવાદનો પુરાતન ભાગ. જગતના પ્રવાસનમાં હેરિટેજ સાઈટો બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. માટે વર્લ્ડ હેરિટેજ શું છે અને કોઈ પણ સ્થળને વર્લ્ડ હેરિટેજ (વૈશ્વિક વારસો અથવા વૈશ્વિક ધરોહર) શા માટે ગણવું જોઈએ એ સમજવું પડશે. પૃથ્વી પર કેટલાક એવા બાંધાકામો છે, જેના માટે ખરેખર અભુતપૂર્વ શબ્દ વાપરી શકાય એમ છે. મુંબઈનું વિક્ટોરિયા ટર્મિનસ ધ્યાનથી જોઈએ તો એમ લાગે કે ઓહોહોહો.. આવુ ભવ્ય બાંધકામ કઈ રીતે થયુ હશે? હવે તો આવુ બાંધકામ શક્ય જ નથી. એ જમાનામાં સ્થપતિઓ-રાજકર્તાઓ કેટલું દૂરનું વિચારી શકતાં હતાં. આજના બાંધકામો તો બાર-પંદર વર્ષ પણ ટકતાં નથી. એવી જ લાગણી કર્ણાટકમાં આવેલી હમ્પીની સાઈટ, તમિલનાડુનો ચોલા મંદિર, ઓરિસ્સાનું સુર્ય મંદિર, સાંચીનો સ્તુપ, તાજમહેલ, અજંતા-ઈલોરાની ગુફાઓ જોતી વખતે થતી હોય છે. એ લાગણી જ સૌથી પહેલું તો તેનું મહત્ત્વ દર્શાવે છે. હેરિટેજ જાહેર કરવામાં આવેલા બાંધકામો એવા છે, જે આજે બાંધવા શક્ય નથી. ગમે તેવી આધુનિક ટેકનોલોજી છતાં પુરાતનકાળમાં બંધાયેલા બાંધકામો જેવુ એક પણ બાંધકામ આધુનિક યુગમાં થઈ શકતુ નથી. તો પછી આવા બાંધકામો સદીઓ સુધી સચવાઈ રહે એ માટે શું કરવું?

૧૯૪૬માં યુનેસ્કોની સ્થાપના થયા પછી ૧૯૭૨માં મળેલી તેની બેઠકમાં આવી સાઈટો સચવાઈ રહે એ માટે નક્કર પગલાં લેવાનું નક્કી થયુ. વર્લ્ડ હેરિટેજ સમિતિની રચના થઈ અને તેના માટે ફંડ પણ ફાળવી દેવાયુ. વિવિધ દેશોને તેની જાણ કરવામાં આવી અને એક પછી એક ઐતિહાસિક બાંધકામોને હેરિટેજનો દરજ્જો આપવાની શરૃઆત કરી દેવાઈ. કોઈ સ્થળને હેરિટેજનો દરજ્જો મળે એટલે નિયમ પ્રમાણે તેનો એક પણ પથ્થર સરકારી રજામંદિ વગર ખસેડી શકાય નહીં. એ રીતે બાંધકામના આસપાસના ૧૦૦ મિટરના વિસ્તારમાં બીજુ કોઈ બાંધકામ પણ ન થઈ શકે. તેનાથી મૂળ સાઈટ સાચવી રાખવાનો ઉદ્દેશ જળવાઈ રહેતો હતો. કેમ કે હજારો વર્ષોથી જળવાઈ રહેલા અનેક બાંધકામોને માનવિય પ્રવૃતિ ગણતરીના દિવસોમાં ધ્વસ્ત કરી શકે છે. માટે હેરિટેજ સાઈટ આસપાસ કડક નિયમોનું પાલન થાય એ જરૃરી પણ છે.

જોકે હેરિટેજના મૂળિયા તો જાણે-અજાણે ૧૯૫૪માં ઈજિપ્તની સરકારે નાખી દીધા હતાં. એ વર્ષે ઈજિપ્ત સરકારે નાઈલ નદી પર આસ્વાન બંધ બાંધવાનું નક્કી કર્યુ. એ બંધથી ઈજિપ્તની પાણીની સમસ્યા તો ઉકલે એમ હતી પણ સાથે સાથે ફેરોહ કાળના બાંધકામો ધરાવતો એક સપાટ મેદાની પ્રદેશ ડૂબમાં જાય એમ હતો. એ ડૂબાણ સાથે કેટલાક ઐતિહાસિક બાંધકામો પર પાણી ફરી વળે એમ હતું. એ વાત યુનેસ્કોના ધ્યાનમાં આવી ત્યારથી યુનેસ્કોએ ભવિષ્યમાં આવા બાંધકામોને નુકસાન ન થાય એ માટે હેરિટેજની દિશામાં વિચારણા શરૃ કરી હતી.
દરમિયાન ઈજિપ્તએ તો ડેમ બાંધવાનું નક્કી જ કરી લીધુ હતું એટલે ડેમથી ડૂબમાં જતા ઐતિહાસિક બાંધકામોને એક પછી એક કાળજીપૂર્વક અલગ કરીને ઊંચા સ્થળે ગોઠવી દેવાયા હતાં.

વર્લ્ડ હેરિટેજ જાહેર થવાની સાથે જે-તે સાઈટની વૈશ્વિક ખ્યાતિ પણ વધતી હતી. એટલે પ્રવાસીઓ વધતા હતાં અને સ્થાનિક સ્તરે પ્રવાસન ઉદ્યોગ પણ વિકસતો હતો. માટે વિવિધ દેશોને વર્લ્ડ હેરિટેજમાં ખાસ કોઈ નુકસાન જણાયુ નહીં. એ રીતે વૈશ્વિક સ્તરે તેનો ફેલાવો થતો ગયો. માત્ર માનવસર્જિત બાંધકામો નહીં કેટલાક કુદરતી સ્થળો પણ હેરિટેજ જાહેર થાય છે. કુદરતી દરેક રચના આમ તો બેનમૂન જ હોવાની. પણ માનવિય પ્રવૃત્તિ વધતી જાય એમ એમ કુદરતી રચનાઓને પણ નુકસાન થતું રહે છે. એવુ ન થાય એ માટે અત્યાર સુધી જળવાઈ રહેલા કુદરતી આવાસોને પણ વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવે છે. 2014માં ભારતની બે સાઈટો હેરિટેજ જાહેર થઈ. એમાં એક તો રાણકી વાવ. પરંતુ બીજું સ્થળ એટલે હિમાચલ પ્રદેશમાં આવેલો ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક. આ જંગલ વિસ્તારમાં દુર્લભ વૃક્ષો, સજીવોનો વસવાટ છે. હજારો વર્ષ પહેલાનું પર્યાવરણ અહીં જેમનું તેમ છે. માટે તેની સાચવણી જરૃરી છે. કુદરતી ધરોહરમાં અગાઉ ભારતમાંથી નંદાદેવી નેશલન પાર્ક, કાઝિરંગા નેશનલ પાર્ક, સુદંરવનના જંગલો, પશ્ચિમઘાટના જંગલો, રાજસ્થાનનું કેઓલાદેવ પક્ષી અભયારણ્ય વગેરે સ્થાન પામી જ ચુક્યા છે.

અમુક હેરિટેજ સ્થળો એવા છે, જેમાં માનવસર્જન અને કુદરત બન્નેનો સમન્વય છે. જેમ કે મેક્સિકોના જંગલો અને જંગલો વચ્ચે ફેલાયેલા પુરાતન મય સંસ્કૃતિના શહેરો.
યુરોપિયન દેશ ઈટાલી એવું રાષ્ટ્ર છે કે જેને આખેઆખુ વર્લ્ડ હેરિટેજ જાહેર કરી શકાય એમ છે. આ દેશના ૫૦ સ્થળો વૈશ્વિક ધરોહર જાહેર થયા છે. એ પછીના ક્રમે ચીન આવે છે, જ્યાં ૪૭ સાઈટો છે. સ્પેનમાં ૪૪, જર્મનીમાં ૩૯ અને ફ્રાન્સમાં પણ ૩૯ એવા સ્થળો છે, જે વિશ્વ વિરાસતમાં સ્થાન પામે છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૩૨ સ્થળો વર્લ્ડ હેરિટેજ જાહેર થયા છે.

પરંતુ કોઈ સ્થળને વિરાસત જાહેર કરવું કે નહીં એ નક્કી કેમ થાય? એ માટે સમિતિએ કેટલાક માપદંડો તૈયાર કર્યા છે. કોઈ એવુ બાંધકામ હોય કે જેમાં માનવિય આવડતની શ્રેષ્ઠતાના દર્શન થતાં હોય. જેમ કે તાજમહેલ કે પછી ખજુરાહોનું મંદિર કે રાણકી વાવ. કોઈ એવુ બાંધકામ કે તેમાં જે-તે સમયના માનવિય મુલ્યો અને ટેકનોલોજીનું દર્શન થતું હોય જેમ કે ઈજિપ્તના પિરામિડો. કોઈ એવુ સ્થળ કે જેનું બાંધકામ આખા જગતમાં અનોખુ હોય અને તેની સાથે સંકળાયેલો માનવ સમુદાય ઓછો થઈ રહ્યો હોય. જેમ કે ટિમ્બકટુમાં આવેલા ખાસ પ્રકારની બાંધણી ધરાવતા મકાનો. એવી રીતે કુદરતી સ્થળો પસંદ કરતી વખતે પણ સ્થળની એકમેવતા, ત્યાં જોવા મળતી કુદરતી સંપત્તિ, પર્યાવરણની દૃષ્ટિએ સ્થળનું મહત્ત્વ વગેરે મુદ્દાઓ ધ્યાનમાં લેવાતા હોય છે.
કેટલાક દેશો અને ત્યાંની પ્રજા એટલી બધી અપલખણ ધરાવતી હોય છે કે હેરિટેજ જાહેર થયા પછી પણ જે-તે સાઈટની જાળવણી કરતી નથી. એ પછી યુનેસ્કો આવી સાઈટનો હેરિટેજ દરજ્જો પાછો ખેંચી લે છે. સાઉદી અરેબિયા અને ઓમાનના રણમાં જોવા મળતાં દુર્લભ હરણ જેવા ઓરીક્ષ નામના પ્રાણીઓના અભયારણ્યને ૧૯૮૪માં હેરિટેજ દરજ્જો મળ્યો હતો. પરંતુ તેનું કોઈએ ધ્યાન રાખ્યુ નહીં અને સજીવોનો સતત શિકાર થતો રહ્યો. એટલે સમિતિએ એ સ્થળને જ યાદીમાંથી પડતું મુકી દીધુ હતું. જર્મની જેવા સંસ્કૃતિના રક્ષક દેશે પણ આવી સ્થિતિમાંથી પસાર થવુ પડયું છે. જર્મનીના ડ્રેસ્ડન શહેર પાસે આવેલા એબ્લ નદીના પટને ૨૦૦૪માં હેરિટેજ જાહેર કરાયો હતો. પરંતુ જર્મનીએ એ પટમાંથી પુલ બાંધવાનું નક્કી કરતાં હેરિટેજ સમિતિએ એ સ્થળને પણ યાદીમાંથી બાકાત કર્યુ હતું.

ભારતની કોઈ સાઈટનો હેરિટેજ દરજ્જો હજુ સુધી પાછો ખેંચાયો નથી. પરંતુ આપણી પ્રજા પણ જુવનાણી બાંધકામો પર પોતાના નામ લખવાથી માંડીને પથ્થરોમાં ટોચા કરવા સુધીની નુકસાનકારક પ્રવૃત્તિ કરતી રહે છે. પાન-માવા ખાઈને પિચકારી મારવી એ તો સામાન્ય છે. એ પ્રવૃત્તિ અટકે નહીં તો ભારતની કોઈ સાઈટનો વારસાઈ દરજ્જો રદ કરીને ભારતની આબરૃ કાઢતા યુનેસ્કોને વાર નહીં લાગે.
હેરિટેજ સાઈટોને ઘણી વખત કુદરતી કે કૃત્રિમ આફતથી મોટુ નુકસાન થતું હોય છે. જેમ કે ૨૦૦૩માં આતંકવાદીઓએ અફઘાનિસ્તાનના બામિયાન શહેરની ભાગોળે પર્વતમાં આવેલી વિશાળકાય બુદ્ધ મૂર્તિઓને નુકસાનગ્રસ્ત કરી હતી. અત્યારે જ ઈરાકમાં હાહાકાર મચાવી રહેલા આતંકવાદીઓ હાતરા નામના શહેરમાં પહોંચશે તો ત્યાંના પાંચેક હજાર વર્ષ પુરાણા બાંધકામોને નુકસાન કરે એવી સંભાવના છે. ૨૦૧૦માં ચીલીમાં આવેલા ભુકંપથી ત્યાંના કેટલાક પુરાત્ત્વિય શહેરોને ભારે નુકસાન થયુ હતું. અલબત્ત, કુદરતી નુકસાન તો રોકી શકાતુ નથી. પરંતુ આપણી આસપાસ ફેલાયેલા આવા ઐતિહાસિક બાંધકામોને આપણે નુકસાન ન કરીએ તોય ઘણું કામ થયેલુ ગણાશે. આ એવા સ્થળો છે, જે આવતી કાલની પેઢીને કહેશે કે ગઈ કાલની પેઢી શું કરી ગઈ છે!