ધરતીના બન્ને છેડા સુધી પહોંચવુ એક સમયે અતિ કઠીન હતું. ઉત્તર છેડો આર્કટિક અથવા ઉત્તર ધ્રુવ (નોર્થ પોલ) જ્યારે દક્ષિણ છેડો એન્ટાર્કટિક અથવા દક્ષિણ ધ્રુવ (સાઉથ પોલ) તરીકે ઓળખાય છે. આ બન્ને સ્થળો અતિ દુર્ગમ છે. ઉત્તર ધ્રુવ ફરતે એક સર્કલ છે, જે આર્કટિક સર્કલ તરીકે ઓળખાય છે. એ વિસ્તારમાં હજુય થોડી-ઘણી વસતી છે. પણ દક્ષિણ ધ્રુવમાં કોઈ વસતી નથી. અલબત્ત સંશોધકો ત્યાં પ્રયોગશાળા સ્થાપીને થોડા સમય પુરતાં રહે છે એ વાત અલગ છે.
હવે જોકે સાધન-સુવિધાનો જમાનો છે. માટે વિવિધ કંપનીઓ દક્ષિણ ધ્રુવ કે ઉત્તર ધ્રુવનો પ્રવાસ યોજે છે. સવા સદી પહેલા એન્ટાર્કટિકા કે આર્કટિક સુધી પહોંચવા માટે રેસ લાગતી હતી. એન્ટાર્કટિકા પર કે ઉત્તર છેડે આવેલા આર્કટિક પર પહેલો પગ કોણ મુકે એ સ્પર્ધામાં ઘણા સાહસિકોએ જીવ ગુમાવ્યો. હવે સ્થિતિ એવી નથી. ટેકનોલોજી, સંસાધનો, સુવિધા વધી ગયા છે. એટલે એક સમયે પરગ્રહ જેટલા દૂર લાગતા હતા એ એન્ટાર્કટિકા પર કે આર્કટિક પર પ્રવાસીઓ સરળતાથી જઈ શકે છે, બસ જરૃર પડે છે, થોડી હિંમતની અને ઘણા બધા પૈસાની. પરિણામે ગુજરાતી પ્રવાસીઓ પણ નિયમિત રીતે એન્ટાર્કટિકા-આર્કટિક જવા લાગ્યા છે.
એન્ટાર્કટિકા પ્રવાસે જવુ હોય તો કેટલીક પ્રાથમિક માહિતી જાણી લેવી જોઈએ.
- આવા પ્રવાસનું આયોજન હંમેશા છ-બાર મહિના પહેલેથી કરવું પડે. જેમ કે નેશનલ જ્યોગ્રાફિક અત્યારથી ફેબ્રુઆરી 2022થી લઈને 2023 સુધીના બૂકિંગ કરે છે.
- સામાન્ય રીતે એન્ટાર્કટિકમાં ઉનાળો હોય ત્યારે એટલે કે નવેમ્બરથી માર્ચ વચ્ચે પ્રવાસ યોજાય છે.
- શારિરીક સજ્જતા જરૃરી છે, પરંતુ માનસિક સજ્જતા વધારે જરૃરી છે. મન હોય તો માળવે જવાય એમ મન હોય તો એન્ટાર્કટિકા જવાય.
- International Association of Antarctica Tour Operators (IAATO) અહીંના બધા પ્રવાસોનું નિયમન કરે છે. તેની વેબસાઈટ પર https://iaato.org/ કેટલુંક માર્ગદર્શન પણ અપાયું છે. પરંતુ બૂકિંગ ગમે તે ટુર યોજતી કંપની-એજન્સી પાસે કરાવી શકાય.
- એન્ટાર્કટિકામાં વિમાનો બહુ જાય છે, પ્રવાસીઓએ જહાજ-ક્રૂઝનો જ વિકલ્પ પસંદ કરવો પડે. એન્ટાર્કટિકા પર વિમાનો ઉતરી શકે એવુ કોઈ એરપોર્ટ નથી, પરંતુ બરફની સપાટી પર નાના વિમાનો ઉતરાણ કરી શકે. અલબત્ત, વિમાન પ્રવાસ અત્યંત જોખમી છે.
- સામાન્ય રીતે એન્ટાર્કટિકાના પ્રવાસો દક્ષિણ અમેરિકા ખંડના દેશો આર્જેન્ટિના, ઉરુગ્વે અને ચીલીથી શરૃ થાય છે. આર્જેન્ટિનાનો દક્ષિણ છેડો એન્ટાર્કટિકાથી સૌથી નજીકનું જમીની સ્થળ છે. ત્યાંથી ઉપડતું જહાજ સામાન્ય રીતે બે દિવસમાં એન્ટાર્કટિકા પહોંચાડે છે.
- ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડથી પણ એન્ટાર્કટિકાના જહાજો ઉપડે છે. ઓસ્ટ્રેલિયા-ન્યુઝિલેન્ડ ખાસ્સા દૂર છે, ત્યાંથી ઉપડતી સફર 15 દિવસ કરતાં ઓછા સમયમાં પુરી ન થાય.
- ત્યાંથી દસ દિવસથી લઈને 20 દિવસની સફર યોજાય છે અને તેની વ્યક્તિદીઠ ટિકિટ 3 લાખથી લઈને 10 લાખ સુધીની હોઈ શકે. જહાજ સુધી પહોંચવાનો ખર્ચ અલગ ગણવાનો.
- એન્ટાર્કટિકા અતિ કદાવર ખંડ છે. પ્રવાસીઓ એન્ટાર્કટિકા જાય એટલે તેના એક છેડા સુધી જ પહોંચે છે.
- પ્રવાસીઓને બરફીલી ભૂમિ, પેગ્વિન, સમુદ્રી પક્ષી, વ્હેલ.. સહિતના સજીવો જોવા મળી શકે છે.
- દક્ષિણ ધ્રુવનું વાતાવરણ કેવુ કઠોર હોય, મહાસાગરમાં આવતું ઋતુ પરિવર્તન કેવું આકરું હોય, સમુદ્રમાં બરફ જામે તો શું થાય, ચો તરફ બરફ જ ફેલાયેલો હોય એવા અતી ઠંડા વાતાવરણની શરીર પર અસર વગેરે અનુભવો મળે છે.
- જહાજ એક સ્થળે સ્થિર રાખ્યા પછી નાની હોડી દ્વારા સમુદ્રી સફર કરાવાય છે. બરફીલી ભૂમિ પર પણ રાતવાસો વગેરેની વ્યવસ્થા હોય છે.
દક્ષિણ અમેરિકા ખંડના દક્ષિણ છેડે આર્જેન્ટિનાના કાંઠેથી વિવિધ જહાજો દક્ષિણ ધુ્રવની સફરે લઈ જાય છે. પ્રવાસી દીઠ ટિકિટ બેશક લાખો રૃપિયાની હોય છે. પણ પ્રવાસીઓને મુશ્કેલી ન પડે એવી ભવ્ય સ્ટિમર, તેમાં ભવ્ય ઓરડા, રેસ્ટોરાં સહિતની વિવિધ સુવિધા ગોઠવાયેલી હોય છે. આકસ્મિક સંજોગોમાં મદદ માટે જહાજ સાથે હેલિકોપ્ટર પણ રાખવામાં આવે છે. આ સફર એન્ટાર્કટિકા ખંડ પર ઊંડે સુધી નથી લઈ જતી. પણ કાંઠા વિસ્તારનો પ્રવાસ કરાવે છે અને સલામત હોય એવી જગ્યાએ કાંઠે ઉતારી થોડે સુધી એન્ટાર્રટિકાની ધવલ આલોક ભૂમિના દીદાર પણ કરાવે છે. સાથે સાથે પ્રવાસીઓ નાની નાની હોડી લઈ પેગ્વિન, સિલ જેવા સમુદ્રી સજીવો તથા હિમ ટેકરીઓની પાસે જવાનો રોમાંચ અનુભવી શકે છે.
દુનિયાની આખી ભૂમિ ખુંદી વળતી સંસ્થા નેશનલ જ્યોગ્રાફિક સોસાયટી પોતે પણ પ્રવાસ યોજે છે. એ પ્રવાસ સ્વાભાવિક રીતે થોડા ચડિયાતા હોય છે. કેમ કે એમાં પ્રવાસ સાથે સંશોધન ભળે છે. 1950ના દાયકાથી પ્રવાસનની શરૃઆત થઈ હતી. હવે વર્ષે 50 હજારથી 1 લાખ જેટલા પ્રવાસીઓ એન્ટાર્કટિકામાં જાય છે. સૌથી વધુ મુલાકાતીઓ અમેરિકાથી આવે છે, બીજા ક્રમે ચીની પ્રવાસીઓ છે. ચીન અહીં પણ અમેરિકાને સ્પર્ધા આપી રહ્યું છે.