‘મેડ ઈન જાપાન’ એ ત્રણ શબ્દોથી આપણે પ્રભાવિત છીએ અને એટલી પણ ખબર છે કે દુનિયાના મોટેરાં દેશોની પંગતમાં જાપાન બેસે છે. સપ્ટેમ્બર-2018માં જાપાનનો પ્રવાસ કર્યા પછી એ દેશ વિશેની કેટલીક માન્યતા દૃઢ થઈ, કેટલીક માન્યતા ભાંગી તો કેટલીક નવી માહિતી પણ ઉમેરાઈ. તેનો સરવાળો એટલે પ્રવાસ વર્ણન…
ઉગતા સૂરજના દેશ વિશે જાપાન વિશે સૌ કોઈને એટલી ખબર તો હોય જ કે ત્યાં ટેકનોલોજીની બોલબાલા છે અને ‘મેડ ઈન જાપાન’ લખેલું હોય એવી ચીજ-વસ્તુ ખરીદવામાં કોઈ વાંધો નથી. હવે ‘મેડ ઈન ચાઈના’નો યુગ ચાલે છે, એટલે ઘરમાંથી જાપાની ચીજો ઓછી થતી જાય છે. તો પણ જેમના ઘરમાં જાપાની બનાવટની ચીજો હશે એ જાણતા હશે કે તેની ગુણવત્તા વિશે કશું કહેવાનું રહેતું નથી. સોનીનું ટીવી હોય તો 20-30 વર્ષ સુધી ચાલ્યા જ કરે
અમેરિકા જવું સૌ કોઈને ગમે છે અને એ માટે વિઝા રિજેક્ટ થયા પછી પણ વારંવાર ફી ભરીને લોકો પ્રયાસ કરતાં રહે છે. એમ મેળ ન પડે તો વળી પચ્ચી-પચ્ચા લાખ ખર્ચીને ગેરકાયદેસર પ્રવેશવાનો માર્ગ પણ અપનાવાય છે. યુરોપના દેશો પ્રત્યે પણ આપણને એટલું જ આકર્ષણ છે. પરંતુ જાપાન બધી રીતે ચડિયાતો હોવા છતાં પ્રવાસીઓ ઉગતા સૂરજના એ દેશ તરફ ઓછા જાય છે. તેનું એક કારણ માહિતીનો અભાવ હોઈ શકે.
જાપાન સરકારના પ્રવાસન વિભાગના આમંત્રણથી પાંચ દિવસ જાપાન ફર્યા પછી એટલું કહી શકાય કે એ દેશ એક વખત જવા જેવો તો છે જ. જાતઅનુભવ લીધા પછી અહીં જાપાન વિશેની કેટલીક માહિતી રજૂ કરી છે.
જાપાનમાં પ્રવેશ
જાપાન જવાનું ઘણી રીતે સરળ છે, કેમ કે બે દિવસમાં વિઝા મળી જાય. વળી વિઝા માટે તમારે પોતે ધક્કો ખાવો પડતો નથી. અમેરિકાનું વિઝા ફોર્મ 40 પાનાનું છે, જાપાનનું બે પાનાનું. અમેરિકાની વિઝા ફી અંદાજે 11 હજાર રૃપિયા જેવી છે અને રિજેક્ટ થાય તો બીજી વખત 11 હજારનો થપ્પો લાગે. જેટલી વખત રિજેક્ટ થાય એટલી વખત 11 હજારનો આંક વધતો જાય. જાપાનની વિઝા ફી 490 રૃપિયા માત્ર છે. એટલો ભાવ તો અમદાવાદમાં પિઝાનો છે. એટલે પિઝાના ભાવમાં જાપાન વિઝા આપે છે. અમેરિકાના વિઝા માટે ઢગલાબંધ દસ્તાવેજ, કાગળિયા, એફિડેવિટ રજૂ કરવી પડે છે. જાપાનના વિઝા માટે ગણીને 3-4 કાગળની જરૃર પડે છે.
અમેરિકા-લંડનની કેટલીક ફ્લાઈટ અમદાવાદથી સીધી છે, પણ જાપાનની સ્વાભાવિક રીતે જ નથી. કેમ કે ઓછા લોકો જાય છે. પરંતુ દિલ્હીથી રોજ રાતે જાપાન એરલાઈન્સની ફ્લાઈટ સાડા સાતે ઉપડે અને સવારે સાડા સાત વાગે એ પહેલા નારિતા એરપોર્ટ પર ઉતારી દે છે. બીજી કેટલીક એરલાઈન્સ પણ ઉપલબ્ધ છે. જેટલી વાર પશ્ચિમે લંડન કે પેરિસ જતાં થાય એટલી જ દિલ્હીથી ટોકિયો જતાં થાય છે.
પાન સરળતાપૂર્વક અને સન્માનપૂર્વક વિઝા આપે છે. જાપાન વિશે આ બધી જાણકારી ન હોય એટલે લોકો એ દેશના પ્રવાસે ખાસ જતાં નથી. પાસપોર્ટ પર જાપાનમાં કેટલા દિવસ રહી શકાશે એ માહિતી આપતો વિઝાનો સિક્કો લાગીને આવી ગયો હતો એટલે જ અમે જાપાન પહોંચી શક્યા.
ટ્રાન્સપોર્ટેશન
જાપાનમાં જાહેર પરિવહનની સુવિધાઓ ભારે સમૃદ્ધ છે. એટલે આખા દેશમાં ઠેર ઠેર એરપોર્ટ હોવા છતાં લોકો આંતરીક પ્રવાસન માટે અમેરિકાની માફક વારંવાર ઊડા-ઊડ નથી કરતાં. કારણ કે કલાકના 350 કિલોમીટરની ઝડપે દોડતી ‘શિન્કાનસેન’ ટ્રેન એટલે કે બુલેટ આખા દેશને જોડે છે માટે ટોકિયો જેવા મેટ્રો સિટીથી 500 કિલોમીટર દૂર રહેતા લોકો પણ અપ-ડાઉન કરી શકે છે.
બુલેટ તો ઠીક પરંતુ શહેરી વિસ્તારમાં મેટ્રો, એક્સપ્રેસ એમ વિવિધ પ્રકારની ટ્રેનો દોડે છે. કેટલાક જૂનવાણી શહેરોમાં ટ્રામ પણ છે. બસ સર્વિસ છે અને પછી યેન ખર્ચવાની તૈયારી હોય તો ટેક્સી પણ ઉપલબ્ધ છે. આખો દેશ શિસ્તબદ્ધ છે, માટે કોઈ વાહન સેવા મોડી પડે એવું બનતું નથી.
જાપાની ટ્રેન વિશે અગાઉ પણ લખ્યું છે. એટલે એટલી તો ખબર હતી કે 1964માં શિન્કાનસેન શરૃ થઈ ત્યારથી આજ સુધીમાં 10 અબજથી વધારે મુસાફરોની હેરાફેરી કરી ચૂકી છે અને અકસ્માતને કારણે એક પણ મોત થયું નથી. એ ટ્રેનમાં અમારી સવારી બિલકુલ સલામત હતી.
જાપાની લોકો
રવિન્દ્રનાથ કુલ મળીને 3 વખત જાપાન ગયા હતા અને એ પછી લખ્યું કે આખા દેશમાં ક્યાંય લોકો બિનજરૃરી એક પણ શબ્દ બોલતા નથી. બોલે તો પણ બહુ ધીમેથી. ટાગોરની જાપાન યાત્રાની એક સદી પછી પણ એ વાત એટલી જ સાચી છે. પ્રજા મિતભાષી છે, બિનજરૃરી વાત કરવાનો તો કોઈ સવાલ નથી અને કંઈક પૂછો તો વળી બહુ પ્રેમથી જવાબ આપે છે. જાપાન દુનિયાનું ત્રીજા નંબરનું અર્થતંત્ર છે, પરંતુ એ આર્થિક સમૃદ્ધિનું ગુમાન અહીંની પ્રજાના મગજ સુધી પહોંચ્યુ નથી. એટલે જાપાની લોકોનું આતિથ્ય માણવું ગમે.
લોકો રસ્તો ઓળંગતી વખતે પણ સિગ્નલનો ભંગ કરવાનું પસંદ કરતા નથી. રસ્તા પર ચાલતા વાહનો જેટલી સિફતથી નિયમો પાળે એટલી જ પ્રતિબદ્ધતાથી ચાલીને જતા લોકો પણ નિયમપાલન કરે છે. જોકે આપણે ત્યાં સિંગલ પટ્ટી હોય એટલા પહોળા તો ત્યાં ફૂટપાથ છે. ફૂટપાથનો ઉપયોગ ચાલવા ઉપરાંત સાઈકલ ચલાવવા માટે પણ થાય છે. ઘણા લોકો સાઈકલનો ઉપયોગ કરે છે.
જાપાની ખાન-પાન
જાપાની પ્રજાનો ખોરાક આપણાથી સાવ સામા છેડાનો છે. મસાલાનો સાવ નહિંવત ઉપયોગ કરે છે. મીઠું-મરચું પણ જાળવી જાળવીને નાખતાં હોય એવું લાગે. આખા દેશમાં મોટી વસતી શાકાહારી છે, પરંતુ ભારતીય (ખાસ તો ગુજરાતી) પ્રજા જે રીતે સ્વાદના ચટાકાની શોખીન છે, તેમને જાપાનમાં થોડી તકલીફ થઈ શકે. બાકી આપણી માફક અઢળક શાકભાજી અને કંદમૂળનો ઉપયોગ ખોરાકમાં કરે છે. પરંપરાગત પ્રજા તો રોજના ત્રણેય ટાઈમ મળીને 30 જેટલી વાનગી ખાઈ જતાં. એટલે શરીર માટે જરૃરી પોષકતત્વોની કમી વર્તાય એવા કિસ્સા નોંધાતા નથી. વળી આપણી માફક પહેલા અમુક વસ્તુ અને પછી બીજી, છેલ્લે દાળભાત ખાવા એવો ક્રમ પણ જાપાની ભોજનમાં નથી. જે વાટકો-વાટકી પસંદ પડે એ ઉપાડી લેવાનો.
સાદો ખોરાક છે એટલે જ 80 કરતા વધુ વર્ષ જીવી શકે છે અને ખડતલ રીતે જીવી શકે છે. એ રીતે મેદસ્વિતાનો પ્રશ્ન પણ એમને બહુ સતાવતો હોય એમ લાગતું નથી. કેમ કે બે-ચાર કિલોમીટર ચાલી નાખવું એમને રમતવાત છે. જાપાની પ્રજા ત્રણેય ટાઈમ ચા પીવે, પરંતુ દૂધ અને ખાંડ વગરની. ભોજનનની થાળી સાથે પણ ચાની કિટલી અચૂક આવી જાય. મોટાં શહેરોમાં બેશક ભારતીય સહિતની વિવિધ રેસ્ટોરાં છે, એટલે જાપાની ભોજન ન ભાવે તો વિકલ્પ મળી રહે.
શોપિંગ
જાપાની ચલણ ભારત કરતાં સસ્તુ છે, એટલે દસ હજાર રૃપિયા વટાવો તો 16 હજાર યેન આવી જાય. પરંતુ દેશ આપણાથી 3થી 5 ગણો મોંઘો છે. જાપાની પ્રજાની સરેરાશ માથાદીઠ વાર્ષિક આવક 30 લાખ જેટલી છે. એટલે કે આપણાથી એ પ્રજા સમૃદ્ધ છે, ઘણુ કમાય છે, માટે ઘણું ખર્ચી શકે છે. એટલે જ જાપાનમાં આપણને બધી ચીજો મોંઘી લાગે. અલબત્ત, સામે ફાયદો એ છે કે જાપાની પ્રોડક્ટની ગુણવત્તા અને લાંબા આયુષ્ય અંગે કશું કહેવાનું રહેતું નથી.
ભાષા-સંસ્કૃતિ
જાપાની લોકોને પોતાની જાપાનીજ સિવાયની કોઈ ભાષામાં ખાસ રસ પડતો નથી. સરેરાશ જાપાની અંગ્રેજી સમજતાં નથી. એટલે જતાં પહેલા અંગ્રેજી ભાષી ગાઈડ અથવા તો જાપાની ભાષાના કેટલાક શબ્દો સમજી લેવા જરૃરી છે. મોટા શહેરોમાં તો અંગ્રેજીના જાણકારો, અંગ્રેજી બોર્ડ મળી રહે. અંતરિયાળ વિસ્તારમાં જવાનું થાય તો જરા ભીંસ પડી શકે. જોકે હવે જાપાની સરકારે અંગ્રેજીનો ઉપયોગ વધાર્યો છે. બધા જાહેર સ્થળોએ જાપાની ઉપરાંત અંગ્રજીમાં સૂચના લખેલી હોય છે. વધુમાં ચિત્રો-સંકેત પણ દોરેલા હોય એટલે ભાષા ન સમજાય તો પણ સમજવામાં સરળતા રહે છે. જાપાની ભાષાને જાપાની પ્રજા વળગી રહી છે, માટે તેમની સંસ્કૃતિને બાહ્ય સંસ્કૃતિના આક્રમણનો ડર લાગતો નથી.
ફરવા જેવુ શું?
જાપાન ચાર ટાપુનો બનેલો દેશ છે. ફરતો દરિયાકાંઠો છે, ઉત્તર ભાગમાં બર્ફિલો વિસ્તાર છે, જ્યારે દક્ષિણમાં હિરોશીમા-નાગાસાકી જેવા જગવિખ્યાત શહેરો આવેલા છે. જેમને માત્ર પેકેજ ટૂર અને બધી સુવિધાઓ સિવાય ફરવાની આદત ન હોય એમને જાપાનમાં રસ ન પણ પડે. બાકી તો સવા 3 કરોડની વસતી ધરાવતું ટોકિયો જ એવડું મોટું છે કે અઠવાડિયું ક્યાં જતું રહે તેની ખબર ન પડે.
ટોકિયો, ઓસાકા, નાગોયા, કોબે, હિરોશિમા, નાગાસાકી અને ક્યોટો એ મોટા શહેરોમાં ફરવા માટે લગભગ બધા જ વિકલ્પો છે. ક્યોટો ઐતિહાસિક શહેર છે અને આપણા વારાણસી સાથે તેને સિસ્ટર સિટીના કરાર છે. જોકે વારાણસી કરતાં ક્યાંય વધારે ચોખ્ખું અને સિસ્ટમેટિક છે. હજારેક વર્ષ જૂનું ક્યોટો સદીઓ સુધી જાપાનનું પાટનગર હતું. જાપાની શહેનશાહનો મૂળ મહેલ પણ ત્યાં જ છે. ટોકિયોની નાઈટ લાઈફ, પરાઠેવાલી ગલી જેવી ખાઉ ગલી, હેંગઆઉટ પ્લેસિસ વગેરે પ્રવાસીઓને આકર્ષે છે. ટોકિયોના ઘણા સ્થળોએ અમને ભારતીય અને ગુજરાતી લોકો મળી ગયા હતા.
જાપાનમાં અઢળક બોદ્ધ મંદિરો છે, આખો દેશ બોદ્ધ ધર્મ પાળે છે અને ભારતીય સંસ્કૃતિ સાથે તેને અઢળક સામ્યતા છે. જેમ કે નીચે બેસીને જમવું, બુટ બહાર કાઢવા, સતત ચા પીવી, શાકભાજીનો વ્યાપક ઉપયોગ કરવો, મંદિરમાં જતાં પહેલા પવિત્ર થવું, ઈચ્છા પૂરી થાય તો મંદિરમાં કંઈક ચડાવવું.. વગેરે.
જાપાનમાં જેમને ગાર્ડનિંગ કળા આવડતી હોય એ લોકોની વિશેષ કદર થાય છે. જરા પણ ખાલી જગ્યા મળે ત્યાં એ લોકો ગાર્ડન બનાવી નાખે છે. ખાલી જગ્યા ગમતી નથી અને ગંદકી તો જરા પણ ગમતી નથી. ગાર્ડનિંગની વિવિધ કળા તેમની પાસે છે. ક્યોટોનું એક મંદિર તો પથ્થર અને રેતીની મદદથી બનેલા ડ્રાય ગાર્ડન માટે પ્રચલિત છે. જાપાનમાં ઠેર ઠેર મેપલ અને ચેરીના વૃક્ષો થાય છે. ઓક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બરમાં મેપલના લીલા પાંદડા પહેલા રાતાં અને પછી લાલ થઈ જાય. એ રતુમડી રંગત જોવા પ્રવાસીઓ આવે છે. એ રીતે ચેરીના ફળ પાકે ત્યારે પણ વૃક્ષ આસપાસ લોકો વિંટળાઈ વળે.
યુરોપની વિવિધ ટૂર આપણે ત્યાંથી ઉપડે છે. એવી એકાદ મિડિયમ સાઈઝની ટૂરના બજેટમાં જ જાપાન પણ ફરી શકાય છે. દૃષ્ટિ હોય તો જાપાનમાં જોવા જેવુ ઘણું છે! ખાસ તો સાઈલેન્ટ, સિસ્ટમેટિક અને શિસ્તબદ્ધ દેશ કેવો હોય તેનું ઉદાહરણ જાપાન પૂરું પાડે છે.