પ્રથમ વાર વિમાનમાં મુસાફરી કરવાની થાય તો આનંદ સાથે મૂંઝવણ પણ થતી હોય છે. કેમ કે એરપોર્ટની કેટલીક કામગીરી વિશે આપણને માહિતી નથી હોતી. અહીં દરેક વિગત સ્ટેપ-બાય-સ્ટેપ આપી છે.
1. એરપોર્ટમાં પ્રવેશ
એરપોર્ટ બહાર ટેક્સી-રીક્ષામાંથી ઉતરીને અંદર પ્રવેશવાનું હોય છે. એ વખતે હાથમાં ટિકિટ અને આઈકાર્ડ રાખવા. એ ચકાસીને સુરક્ષા અધિકારી એરપોર્ટમાં જવાની છૂટ આપશે.
2. બેજેગ સ્કેનિંગ
જેમની પાસે ચેક-ઈન બેગેજ હશે એમનો સામાન ચેક થશે. એ ચેકિંગ સ્કેનર દ્વારા થશે. એ ચેકિંગ એરલાઈન્સ કંપની દ્વારા થશે. બધા એરપોર્ટ પર આવુ ચેકિંગ નથી થતું હોતું. જો એક જ થેલો હશે પાછળ લટકે એવો તો આ સામાન ત્યાં ચેક નહીં થાય.
3. બોર્ડિંગ પાસ
એ પછીનો તબક્કો છે બોર્ડિંગ પાસ મેળવવાનો. બોર્ડિંગ પાસ વગર વિમાનમાં પ્રવેશ મળી શકતો નથી. બોર્ડિંગ પાસ માટે એરલાઈન્સ કાઉન્ટર પર જવાનું હોય છે. સામાન્ય રીતે એરપોર્ટમાં પ્રવેશતાં સામે જ વિવિધ એરલાઈન્સના કાઉન્ટર હરોળબંધ રીતે જોવા મળશે. એરલાઈન્સ કંપનીનો સ્ટાફ પણ ત્યાં મદદ કરવા માટે હાજર હશે. કાઉન્ટર પર ટિકિટ જોઈને, આઈકાર્ડ તપાસીને બોર્ડિંગ પાસ આપવામાં આવશે.
4. ચેક ઈન બેગેજ
જો ચેક-ઈન સામાન એટલે કે લગેજમાં મોકલવા જેવો સામાન હશે તો એ અહીં સોંપી દેવાનો રહેશે. એ સામાન સોંપ્યા બદલ નાનકડું સ્ટીકર કાઉન્ટર પરથી આપવામાં આવશે. વિમાન ઉતરે ત્યાં સામાન મેળવવા માટે આ સ્ટિકર કામ લાગશે. સામાન્ય રીતે આ સ્ટિકર ટિકિટમાં ચોંટાડી દેવાતું હોય છે.
5. સિક્યુરિટી ચેકિંગ
એરપોર્ટ પરનું આ કામ કદાચ સૌથી મુશ્કેલ લાગશે. બોર્ડિંગ પાસ મળ્યા પછી સિક્યુરીટી ચેકિંગ માટે જવાનું થશે. ત્યાં તમામ સામાન સ્કેન કરાશે. મુસાફરની ટિકિટ, આઈકાર્ડની તપાસ થશે. બેગમાં શંકાસ્પદ સામાન હશે તો એ કાઢીને દેખાડવો પડશે. ત્યાં ટિકિટ અને આઈકાર્ડ સિવાય કોઈ ચીજ હાથમાં ન રાખવી એવી સૂચના આપશે. મોબાઈલ, પાકિટ, રૃમાલ, ઘડિયાળ, પટ્ટો વગેરે થેલામાં નાખવું અથવા ત્યાં ટ્રે હશે એમાં મુકાવશે.
એરલાઈન્સમાં મનાઈ હશે એવી કોઈ સામગ્રી અંદર હશે તો ત્યાં જ કાઢી નાખવી પડશે. લાઈટર, ચાકુ, હથિયારો, જ્વલનશિલ પદાર્થ વગેરે વિમાનમાં લઈ જઈ શકાશે નહીં.
ચેક ઈનની લાઈન એરપોર્ટની ક્ષમતા મુજબ લાંબી-ટૂંકી હોઈ શકે. અહીં ઘણો સમય પણ જશે. માટે ટાઈમ મેનેજમેન્ટ એ રીતે કરવું. ચેકિંગ થશે એટલે ટિકિટ પર સિક્કો મારશે. કદાચ સિક્કો ન પણ મારે. પરંતુ એ પુરું એટલે મોટા ભાગની કામગીરી પુરી.
6. એરલાઈન્સ ગેટ
એરપોર્ટ વિવિધ ગેટમાં વહેંચાયેલું હોય છે. ગેટ એટલે એરપોર્ટમાંથી વિમાનમાં જવાનો દરવાજો. સિક્યુરિટી ચેકિંગ પતે એટલે તુરંત બોર્ડિંગ પાસમાં લખેલા ગેટ નંબર સુધી પહોંચી જવું. ક્યા નંબરના ગેટ કઈ બાજુ છે, તેના બોર્ડ એરપોર્ટ પર ઠેર ઠેર હશે.
નિર્ધારિત ગેટ પર આગામી વિમાન ક્યુ છે, તેનો નંબર, સ્થળ વગેરે લખેલું જોવા મળશે. જો ઘણી વાર હશે તો ગેટ કદાચ ખાલી હશે. ઘણી વખત છેલ્લી ઘડીએ ગેટ બદલાઈ જતો હોય છે. માટે એનાઉન્સમેન્ટ સાંભળતી રહેવી અથવા તો સામે ટીવી-સ્ક્રીન પર ક્યા વિમાનની શું સ્થિતિ છે ને ક્યા ગેટ પરથી જશે એ દર્શાવાતુ હશે. એ જોતા રહેવું.
7. વિમાન પ્રવેશ
વિમાન ઉપાડવાને અડધીથી પોણી કલાકની વાર હશે ત્યારે ગેટ ખુલશે. અહીં એરલાઈન્સનો સ્ટાફ બોર્ડિંગ પાસ તપાસીને અંદર પ્રવેશ આપશે. કેટલાક કિસ્સામાં અહીં પણ આઈકાર્ડની તપાસ કરવામાં આવતી હોય છે.
વાહ સરસ માહિતી, અમારી જેવા નવા વિમાન મુસાફરો માટે ઉપયોગી માહિતી,
વિમાનમાંથી ઉતરીને શું કરવાનું હોય એની પણ માહિતી આપવા વિનંતી