અથાણુ બનાવવા માટે વાંસના છોડ અમદાવાદમાંથી જ મળી રહે છે, એ માટે કોઈ ગાઢ જંગલ ખૂંદવાની જરૃર નથી!
ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગનો પરમાણુ પ્રેમ જાણીતો છે. એક સમયે તો વારે વારે અમેરિકા અને અન્ય દેશોને પરમાણુ પ્રહારની ધમકી કિમ ભાઈ આપ્યા કરતા હતા. હવે જરા શાંત પડ્યા છે. પરંતુ એવી એક ધમકી વખતે રશિયાના પ્રમુખ પુતિન કિમની વહારે આવ્યા હતા. સપ્ટેમ્બર 2017માં પ્રમુખ પુતિને કહ્યું હતુ કે ઉત્તર કોરિયાના લોકોને ઘાસ ખાવુ પડશે તો ખાશે, પણ પરમાણુ બોમ્બના ઊંબાડિયા બંધ નહીં કરે.
એ તો ઘાસ ખાય ત્યારે ઠીક, પણ અમે (અને બીજા ઘણા લોકો) પહેલેથી ઘાસ ખાય છે. પણ ઘાસનું નામ વાંસ છે. વાંસ એ વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ ઘાસ છે, એવુ વિજ્ઞાનમાં બહુ પહેલા ભણવામાં આવતુ હતું.
દક્ષિણ ગુજરાતના જંગલોમાં વાંસ ખૂબ માત્રામાં થાય છે. આખા જંગલો જ વાંસના છે. એ પ્રદેશમાં વાંસનું શાક બને છે. બીજી તરફ અમારા ઘરમાં વર્ષોથી વાંસનું અથાણુ બને છે.
વાંસ આમ તો બધે ઉગી નીકળે છે. અમારે જૂનાગઢમાં વાંસનો મોટો સ્રોત એટલે ગિરનારની તળેટી અને બીજી તરફ અમારા ગામ પાસે આવેલું ગીરનું જંગલ. પણ વાંસ શોધવા માટે જંગલમાં જવાની જરૃર નથી. અમદાવાદ જેવા મહાનગરમાં પણ બહુ સરળતાથી મળી રહે છે.
બીજા
અથાણા કરતા વાંસનું અથાણુ ઘણુ સહેલું છે. તેની ટૂંકમાં પદ્ધતિ કંઈક આવી છે..
– કુમળા વાંસના છોડ પસંદ
કરવાના
– એ છોડ એટલે કે વાંસના
દંડુકામાંથી ચોક્કસ ભાગ પસંદ કરવાનો
– આમ તો વાંસની લાકડી અમારા
પંથકમાં ભાઠા તરીકે ઉપયોગમાં આવે. પણ અથાણુ બને એ વાંસ ઘાસ જેટલુ જ કૂણો હોય છે.
તેને બહુ સરળતાથી ચપ્પુ વડે કાપી શકાય.
– વાસદંડને ગોળાકાર (બીજો કોઈ
આકાર કાપી શકો તો એ પ્રમાણે) કાપી લેવાના.
– એ ટૂકડાને અથાણા માટેના
પાણીમાં પલાળી રાખવાના.
– ઠીક લાગે (એ મહિલાઓને ખબર
પડતી જ હોય, એટલે
આપણે ડહાપણ શું કરવુ?) ત્યારે કાઢીને બરણીમાં ભરી લેવાના.
– એ પછી નિયમિત રીતે એ અથાણુ
ખાઈ શકાય છે. અમે તો ખાઈએ જ છીએ, એટલે કે શબ્દશઃ ઘાસ ખાઈએ છીએ.
એમ તો ગામમાં વાંસના તૈયાર અથાણા મળે છે. ઓનલાઈન પણ ઘણા વિકલ્પો છે. પરંતુ એ અથાણા કેવા હોય એની જાણકારી નથી. નેટ ઉપર એના ફોટા જોતાં એવુ લાગે છે કે તેમાં મસાલાનું પ્રમાણ વધારે છે. સાદગીપૂર્ણ અને વાંસનો પૂરેપૂરો ટેસ્ટ આપી શકે એવુ અથાણુ કદાચ ક્યાંક મળતું હોય, ન પણ મળતું હોય.
વાંસના ગોળ ચકતા આખુ વર્ષ નરમ રહે છે, માટે દાંત વડે કટકો કાપીને ખાવાની અનોખી મજા છે. એનું શબ્દોમાં વર્ણન કરવુ મુશ્કેલ છે, ખાવાનો અનુભવ હોય એ જ મજા સમજી શકે. ભારતમાં કેટલાક વિશિષ્ટ અથાણા બને છે, તેમાં બેશક વાંસના અથાણાનો સમાવેશ થાય છે.