
નિતુલ મોડાસિયા
Pizza આજના સમયનું સૌથી લોકપ્રિય ફાસ્ટ ફૂડ. નાના બાળકોથી માંડી મોટા લોકો સુધી સૌ પિઝા ખાવાનું પસંદ કરે છે. પિઝા મૂળ ઇટાલિયન ડિશ છે જેને દુનિયાના દરેક દેશમાં સ્વાદ મુજબ ફેરફાર કરી ખાવામાં આવે છે. ભારતમાં પણ પિઝા ખૂબ લોકપ્રિય ડિશ છે. ભારતમાં પિઝા 1980ની આસપાસ મળતા થયા પણ ભારતમાં પિઝા લોકપ્રિય અમેરિકન ફૂડ ચેન ડોમીનોઝના આવ્યા બાદ થયા. આજે ભારતના લગભગ દરેક વિસ્તારમાં મળતા અને ખવતા પિઝા કોને શોધ્યા અને ક્યાંથી આવ્યા તેના વિશેનો ઇતિહાસ પણ ખૂબ રસપ્રદ છે.
પિઝાનો ઇતિહાસ શું છે ?
આ પિઝા શબ્દ મૂળ ગ્રીક શબ્દ “Pitta” માંથી બન્યો છે જેનો મતલબ સપાટ બ્રેડ અથવા પાઈ થાય છે. પિઝાનો ઈતિહાસ ખૂબ જૂનો છે. પિઝા ખરેખર ગરીબ લોકોનો ખોરાક છે જેને બાદમાં સમગ્ર વિશ્વ દ્વારા અપનાવામાં આવ્યું છે. યુરોપના ઘણા પ્રાંતમાં 17મી સદીથી સપાટ બ્રેડ પર ટોપિંગ નાખી ખાવાનું ચલણ છે. તે સમયે ગરીબ લોકો પાસે ખાવા માટે પૂરતી સામગ્રી હતી નહિ માટે તેવો બ્રેડ પર ટામેટા અને ભેંસના દૂધમાં ખટાશ મેળવી બનાવામાં આવતી ચીઝ નાખી ખાતા હતા.

18મી સદી સુધી આ ખોરાક ગ્રીક, રોમન અને ઇટાલિયન લોકોએ રોજિંદા જીવનમાં અપનાવ્યો. આ ખોરાક સમગ્ર યુરોપમાં એટલો પ્રસિદ્ધ બની ગયો કે સમય જતાં પિઝા માટે ગ્રીસ, રોમ અને ઇટાલીમાં ખાસ પિઝેરિયા પણ બનાવામાં આવ્યા જ્યાં રાહદારીઓ અને દૂર દેશની સફર ખેડતા લોકોને આ અનોખી વાનગી પીરસવામાં આવતી.
એક શોધ પ્રમાણે આ પિઝેરીયામાં પિઝા ઉપર નાખવામાં આવતા ટોપિંગ દરેક પિઝેરિયા પ્રમાણે અલગ અલગ હતી. આજના સમયમાં જોવા મળતા પિઝાની શોધ 19મી સદીમાં ઇટાલીના નેપલ્સ શહેરમાં કરવામાં આવી હતી. આ પિઝાની શોધ પાછળ એક રસપ્રદ કથા છે.

સાતમી સદીમાં સ્થપાયેલું ઇટલીનું નેપલ્સ શહેર ૧૮મી સદી સુધીમાં ઇટલીનું દરિયા કિનારાનું સૌથી પ્રમુખ અને પ્રસિદ્ધ શહેર બની ચૂક્યું હતું. આ શહેરમાં વસતા લોકો ખાવાના ખૂબ શોખીન હતા માટે યુરોપમાં તે સમયે પ્રસિદ્ધ સપાટ બ્રેડ પર ટોપિંગ નાખી ખવાતી વાનગીને પણ આ શહેરે અપનાવી લીધી. નેપલ્સમાં ૧૭૬૦માં પિઝેરિયા બ્રાન્ડી સ્થાપન કરવામાં આવી હતી જે ખૂબ પ્રસિદ્ધ હતું.

૧૮૬૧માં ઈટાલીના એકીકરણ બાદ ૧૮૮૯માં રાજા ઉમબર્ટો પ્રથમ અને રાણી માર્ગરિટા ઈટાલીના નેપલ્સ શહેરની મુલાકાતે આવેલા. આ જોડી પોતાની સફર દરમ્યાન એક નું એક ભોજન લઈ કંટાળી ગઈ હતી. નેપલ્સમાં આવેલા પિઝેરિયા બ્રાન્ડી તે સમયે પોતના અનોખા પિઝા ટોપિંગ માટે સમગ્ર યુરોપમાં પ્રસિદ્ધ હતું. મેહમાન બની આવેલા રાજા રાણી પિઝેરિયા બ્રાન્ડીના વખાણ સાંભળી ત્યાં જમવા ગયા. ત્યાં તેમણે વિવધ પ્રકારના પિઝાનો સ્વાદ ચાખ્યો જેમાંથી સફેદ ચીજ, લાલ ટામેટાં અને લીલા તુલસીના પાન વાળો પિઝા આ જોડીને ખૂબ પસંદ આવ્યો હતો. આ પિઝાને ખાસ ઈટાલીના રાષ્ટ્રધ્વજના રંગ જેવો બનાવમાં આવ્યો હતો અને આ પિઝા આજે સૌનો મનપસંદ માર્ગરિટા અથવા મારગેરિટા પિઝાને નામે ઓળખાય છે. આ ઘટના પછી સમગ્ર ઈટાલીમાં આ પિઝા લોકપ્રસિદ્ધ થઈ ગયો હતો.
પિઝાનું વિદેશીકરણ: ક્યારે ? કેવી રીતે ?
ઈટાલીમાં ખવતા શરૂ થયેલા પિઝા આજે ઈટાલી કરતાં વધુ દુનિયાના બીજા દેશમાં ખવાય છે. આ લિસ્ટમાં પ્રથમ નંબર અમેરિકાનો આવે છે. અમેરિકામાં પિઝા રાષ્ટ્રીય ખાણું હોય તેમ ખાવામાં આવે છે. ઇટાલિયન લોકો અમેરિકા સ્થાયી થયા ત્યારે તેમની સાથે પિઝા પણ અમેરિકા ગયા. અમેરિકામાં પ્રથમ પિઝેરિયા મેનહટન ખાતે ૧૯૦૫માં સ્થાપવામાં આવ્યું હતું જેનું નામ લોમ્બાર્ડી પિઝેરિયા છે. આ પિઝેરિયા આજે પણ કાર્યરત છે અને આ પિઝેરિયા ખાતે આજે પણ ૧૯૦૫ વાળું ઓવન વાપરાય છે.

યુરોપમાં પ્રસિદ્ધ હોવા છતાં પિઝા ને અંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ ૧૯૪૦ પછી મળી. ૧૯૪૦માં જ્યારે અમેરિકન સૈનિકો ઈટાલીના મોરચે લડવા ગયા ત્યારે તેમણે પિઝા દાઢે વડગયા. ત્યાર બાદ અમેરિકામાં તો જાણે પિઝા વેચતી રેસ્ટોરન્ટનો રાફડો ફાટ્યો. ૧૯૪૦ પેહલા પણ અમેરિકામાં પિઝા બનાવતી રેસ્ટોરન્ટ હતી પણ તેને ઇટાલિયન લોકો સિવાય બીજું કોઈ વધુ પૂછતું હતું નહીં.

બીજા વિશ્વયુદ્ધ પછી તો અમેરિકામાં પિઝા ને હેમ્બર્ગર કરતાં પણ વધુ લોકચાહના મળી. અમેરિકના વિવિધ શહેરોમાં પિઝા રેસ્ટોરન્ટ શરૂ કરવાનો એક અનોખો ટ્રેન્ડ શરૂ થઈ ગયો. આ ટ્રેન્ડના ચાલતા ૩૧ મે ૧૯૫૮ના ડેન અને ફ્રેન્ક નામના બે યુવકોએ પિઝા હટની સ્થાપના વિચિતા કેન્સાસ ખાતે કરી હતી અને ૯ ડીસેમ્બર ૧૯૬૦ના ટોમ અને જેમ્સ નામના બે યુવાનોએ મિશિગન શહેરમાં ડોમનિક પિઝા રેસ્ટોરન્ટની સ્થાપન કરી હતી જે બાદમાં સમય જતાં ડોમિનોઝ બન્યું. આશિયાઈ દેશમાં પણ પિઝાનું મુખ્ય ચલણ આ બંને કંપની ના આવ્યા બાદ શરૂ થયું. પિઝા હટ અને ડોમિનોઝ આજે દુનિયાભરમાં સૌથી મોટી પિઝા વેચતી ફૂડ ચેન છે જે દુનિયાભરમાં હજારો પિઝા રેસ્ટોરન્ટ ધરાવે છે.

આજે અમેરિકામાં દરેક મધ્યમ વર્ગીય માણસ માટે પિઝા સૌથી પોસાય તેવું ફાસ્ટ ફૂડ બની ગયું છે. ઇટાલીથી આવેલા લોકો સાથે આવેલી આ વાનગી આજે અમેરિકામાં બેઝબોલ અને એપલ પાઈ જેટલીજ પસંદ કરવામાં આવે છે. વીસમી સદીના મધ્ય સુધીમાં પિઝાનું આગમન એશીયાઇ દેશોમાં થયું. શરૂઆતમાં પિઝાને એશિયામાં પણ અમેરિકા જેવોજ પ્રતિસાદ આપવામાં આવ્યો હતો પણ જેમ જેમ સમય વીત્યો તેમ દરેક એશિયાઈ દેશે પોતાના સ્વાદ અનુસાર ફેરફાર કરી પિઝાને ખોરાક સ્વરૂપે અપનાવી લીધા હતા.
ભારતમાં પિઝાનું ક્યારે આવ્યા?
ભારતમાં પિઝા ખાવાની શરૂઆત 1980 પછી થઈ હતી. શરૂઆતમાં ભારતમાં અમુક બેકરી અને દક્ષિણ ભારતની અમુક રેસ્ટોરન્ટમાં મેંદાની બ્રેડ પર ટામેટાનો પ્યુરી, થોડી શાકભાજી, ચીજ અને અમુક મસાલા નાખી પિઝા પીરસવામાં આવતા હતા. ત્યાર બાદ કોલકાતામાં Don Giovanni અને દિલ્હીમાં Nerula એ પિઝાના વિવિધ પ્રકાર બહાર પાડ્યા સાથેજ આ બંને કંપનીએ પ્રથમ વખત ભારતમાં પિઝા હોમ ડિલિવરી પણ શરૂ કરી હતી.

ભારતમાં દેખીતી રીતે પિઝા ખાવાનો ક્રેઝ 2000માં ડોમિનોઝના આવ્યા પછી શરૂ થયો. શરૂઆતમાં ડોમિનોઝ ખાતે અમેરિકન અને ઇટાલિયન સ્ટાઇલમાં પિઝા પીરસવામાં આવતા હતા. 21મી સદીના વિકાસશીલ ભારતમાં જ્યારે ફાસ્ટ ફૂડ ખાવાનું ચલણ વધ્યું ત્યારે આ કંપનીએ ભારતીય નાગરિકના સ્વાદ અનુસાર પિઝા બનવાના શરૂ કર્યા. આજે જોવા મળતા પનીર અને તંદૂરી પિઝા માત્ર ભારત નહિ પણ વિદેશમાં પણ પિઝાપ્રેમીઓ દ્વારા પસંદ કરવામાં આવે છે. આજે ભારતમાં પિઝા ખાવાનું ચલણ તેની ચરમસીમાએ પોહચ્યું છે. ભારતમાં દરેક મોટા શહેરમાં આજે પિઝા ખાવા માટેના ઢગલાબંધ વિકલ્પો સેહલાઈપૂર્વક મળી રહે છે.