
મજેવડી દરવાજાની અંદર આવેલું Junagadh શહેર ખૂબ સુંદર કલાકૃતિ અને બાંધકામ ના નમુના પ્રસ્તુત કરે છે. જેમ કે…
નિતુલ જે. મોડાસિયા
Junagadh/જુનાગઢ નામ સાંભળતા જ સર્વપ્રથમ ગિરનાર યાદ આવે. દેશભરમાંથી અને વિદેશમાંથી પણ પ્રવાસીઓ જુનાગઢ આવતા રહે છે. ગિરનારના અનેક શિખરો ૧૮૦ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા છે. આ ૧૮૦ કિલોમીટરમાં ગાઢ જંગલ, નદી-નાળા અને અસંખ્ય પ્રાકૃતિક સૌંદર્ય ભરેલું છે. તેના સિવાય જૂનાગઢ શહેરમાં પણ જોવાલાયક ખૂબ સરસ જગ્યાઓ આવેલી છે.

જુનાગઢ પર વર્ષો સુધી નવાબનો રાજ રહ્યું. આ દરમિયાન જુનાગઢ માં ઘણા બધા નાના-મોટા બાંધકામ થયા. મજેવડી દરવાજાની અંદર આવેલું જૂનાગઢ શહેર ખૂબ સુંદર કલાકૃતિ અને બાંધકામ ના નમુના પ્રસ્તુત કરે છે. જેમ કે…
જૂનાગઢ શહેર
પ્રકૃતિ અને યાત્રાધામો વચ્ચે વસેલું જુનાગઢ ત્રણ ચાર દિવસના પ્રવાસ માટે ઉત્તમ વિકલ્પ છે. પ્રકૃતિની નજીક રહેવા પસંદ કરતા લોકો માટે ભવનાથ તળેટીમાં બજેટ હોટેલ્સ અને રિસોર્ટ આવેલી છે. સસ્તા વિકલ્પ માટે ધર્મશાળાઓ પણ આવેલી છે. આ બધા સિવાય ભીડવાળી જગ્યા પસંદ હોય તો ઉપરકોટ અને સક્કરબાગ ઝૂ પણ જોવાલાયક છે.

રા’ નવઘણે બનાવડાવે લો ઉપરકોટ કિલ્લો ઇતિહાસમાં રસ ધરાવનાર વ્યક્તિ માટે ઉત્તમ વિકલ્પ છે. જંગલની વચ્ચે આવેલું હોવાથી જૂનાગઢ શહેરની ઘણી બધી ફરવા લાયક જગ્યાઓ સાંજે પાંચ પછી બંધ થઈ જાય છે. જંગલની અસલી મજા લેવી હોય તો વહેલી સવારે ફરવા નીકળવું સારો વિકલ્પ છે.
વિલિંગ્ડન ડેમ
ગિરનારની તળેટીમાં આવેલું ઇન્દ્રેશ્વર મંદિર પણ જોવાલાયક છે. વનની વચ્ચોવચ આવેલું અને ડુંગર સાવ અડીને આવેલું મંદિર નું વાતાવરણ ખુબ જ પ્રકૃતિમય છે. પાસે જ વિલિંગ્ડન ડેમ આવેલો છે .


ડેમને કારણે પાછળ સરસ જળાશય રચાય છે અને ચોમાસામાં ચારે-તરફના ડુંગરમાંથી નાના-મોટા ઝરણા વહેતા જોવા મળે છે. દાતાર ઉપર ચડવાની સીડી ઓ આ ડેમ પાસે થઈને પસાર થાય છે. આ ડેમ પરથી જૂનાગઢ શહેરનું એક અનોખું રૂપ જોવા મળે છે.
મહાબતખાનનો મકબરો
તેમાંનું એક છે મહોબત ખાનનો મકબરો 1851માં સત્તા પર આવેલા મહાબત ખાને આ મકબરો બનાવડાવ્યો છે. તે જમાનામાં આ મકબરાની શાનો-શોકત ભવ્ય હતી. તે જમાનામાં છેક મક્કાથી લાવેલું સોનેરી અક્ષર કોતરેલું કુરાને શરીફ અહીંયા પ્રદર્શન માટે રખાયું હતું.

આજે આ ઈમારત જર્જરિત હાલતમાં જૂનાગઢના ચિતાખાના ચોક વિસ્તારમાં આવેલી છે. આ ઈમારતનું ધ્યાન રાખનાર કોઈ ન હોવાથી આ ઈમારત અંદરથી ખૂબ ખરાબ હાલતમાં છે. બહારથી જોતા તાજમહેલ જેવી લાગતી આ ઈમારતની બાજુમાં આવેલી છે જૂનાગઢના વજીર બહાઉદ્દીનની કબર . આ ઇમારત પણ જર્જરિત હાલતમાં જ છે.
બોરદેવી મંદિર
ગિરનારની તળેટીમાં બોરદેવી મંદિર આવેલું છે. ફોરેસ્ટ ચેકપોસ્ટ ભવનાથથી લગભગ પાંચ-સાત કિલોમીટર જંગલમાં આવેલું આ મંદિર ખુબ જ રળિયામણું છે. આ મંદિર સુધી પહોંચતાં સુધીમાં જંગલનો અનુભવ લેવા જેવો છે.


હરણ ,સાબર ,પક્ષીઓ, દીપડા અને ક્યારેક ક્યારેક સિંહ જોવાનો પણ લાભ આ રસ્તા પરથી પસાર થતા મળી શકે. બોરદેવી મંદિર પાસેથી એક રસ્તો જંગલમાં જાય છે. એક નાનકડી નદીના કિનારે ચાલીને પાસે આવેલા એક નાનકડા ઝરણા સુધી લઈ જતો આ ટ્રેકનો આનંદ લેવા જેવો છે.
ભરતવન-સિતાવન
ગિરનાર જતા 80% પ્રવાસીઓ અંબાજી સુધી જતા હોય છે અને ક્યારેક દત્તાત્રેય સુધી પણ જતા હોય છે. પણ આ બધા સિવાય ગિરનાર ગિરનારમાં શેષાવન (સિતાવન) અને ભરતવન આવેલા છે. ગુફામાંથી બનાવેલા નાનકડા મંદિર અને અવર્ણનીય પ્રાકૃતિક નજારાની મજા લેવી હોય તો આ જગ્યા ઉત્તમ વિકલ્પ છે.

અંબાજી ચડતાં ચડવાં પડતાં પગથિયાં કરતાં ઓછાં પગથીયા ચડીને આ જગ્યા પર પહોંચી શકાય છે. ગિરનારના પગથિયા ચાલુ થતા પહેલા તળેટીમાંથી એક રસ્તો ભરત વન શેષાવન તરફ જવા માટે ફંટાય છે.