આજે તો હિમાલયના ઘણા તીર્થસ્થાનોની યાત્રા સરળ બની ગઈ છે. પરંતુ એકાદ સદી પહેલા સ્વામી આનંદ, કાકા કાલેલકર અને બુવા મરઢેકર ત્રણેયે કરેલી પગપાળા યાત્રા કેવી હતી… તેનું વર્ણન આ પુસ્તકમાં આપ્યું છે.
હિમાલયના તીર્થસ્થાનો
પ્રકાશક – એમ.એન.ત્રિપાઠી, મુંબઈ
કિંમત – ૨૫ (૧૯૮૪ની પ્રથમ આવૃત્તિની)
પાનાં- ૧૫૨
સ્વામી આનંદના નિબંધો ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ભોગવે છે. સ્વામી આનંદના આ પુસ્તકમાં તેમણે કરેલા હિમાલયના પ્રવાસનું વર્ણન છે. ૧૯૧૨માં સ્વામી, કાકા કાલેલકર અને તેમના એક મિત્ર બુવા મરઢેકર અલ્મોડાથી નીકળી હરિદ્વાર, ઋષિકેશ, દેવપ્રયાગ, યમનોત્રી, ઉત્તરકાશી, ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથ ફર્યાં હતાં. એ યાત્રા દરમિયાન પડેલી મુશ્કેલી, જાતજાતના અનુભવો, હિમાલયનું સોંદર્ય.. વગેરે આ નાનકડાં પુસ્તકમાં રજૂ થયું છે.
આજે ચાર ધામ જાતરા માટે સુવિધાનો પાર નથી. પરંતુ એકાદ સદી પહેલા કેવી અગવડ પડતી હતી તેનો ખ્યાલ પણ આ પુસ્તકમાંથી મળી રહે છે. જેમ કે ત્યારે સામાન ઉપાડવા અને ચાલી ન શકે એવા જાતરાળુઓને ઊંચકવા મજૂરો સાથે રાખવાની પરંપરા હતી, તેની વિગતવાર વાત ૩જા પ્રકરણમાં કરાઈ છે.
સ્વામી આનંદનું ૧૯૭૬માં અવસાન થયું એ પછી છેક ૧૯૮૪માં આ પુસ્તક પ્રગટ થયું હતું. આ મૂળ લેખો મરાઠીમાં લખાયા હતા, જ્યારે એ જ પ્રવાસનો અનુભવ મરાઠી લેખક કાકા કાલેલકરે ગુજરાતીમાં લખ્યો છે. મૂળશંકર મો. ભટ્ટે આ અપ્રગટ લેખોનું સંકલન કરીને પુસ્તકનું સ્વરૃપ આપ્યું છે. એ પુસ્તકના કેટલાક અંશો જોઈએ…
- આ પ્રદેશના લોકો ઘણા ગરીબ છે. અહીંનો મુખ્ય વ્યવસાય ખેતીનો. અહીં આપણે ત્યાં હોય છે એવાં લાંબા-પહોળાં ખેતરો નથી હોતાં. પહાડમાં દસ-વીસ ફૂટ પહોળી જગ્યાઓ સમતળ કરી, ખેડી, એમાં વાવણી કરે છે. આ ખેતર દૂરથી દાદરનાં પગથિયાં જેવાં લાગે. અને પહેલીવાર જોનારને બહુ મજા આવે.
- આવી સાધુવૃત્તિની વિરાગી વ્યક્તિઓ એક પાઈનો પણ ખરચ કર્યા સિવાય પગપાળા ભારતની યાત્રાઓ કરે, એ જીવતા વિશ્વકોષ જેવી બની રહે છે. આ લોકોને રાષ્ટ્રમાં થતાં આંદોલનો, દુનિયાના સમાચાર, ધર્મની ગતિ, લોકોના વિચાર, અને એકંદરે રાષ્ટ્રના ઇતિહાસની સાદ્યંત હકીકતનું જ્ઞાન ખાલી છાપાંઓ વાંચી શુષ્ક ચર્ચાઓ કરનારા કરતાં ઘણું સારું હોય છે.
- કમનસીબે ફાનસનો કાચ તૂટેલો નીકળ્યો. દુકાનદારની ભલાઈ અને પ્રમાણિકતા પર ભરોસો રાખી હું રાતે બે માઈલ ચાલીને એ બદલવા ગયો, પણ એણે એ બદલી ન આપ્યો. લેતાં પહેલાં જોઈને ન લેવા બદલ યોગ્ય સજા થઈ એમ માનીને હું થાક્યોપાક્યો પાછો ફર્યો. એમાં વળી એટલું સારું હતું કે એ કાચ નીચેના ભાગમાં તૂટેલો હતો, એટલે ત્યાં કાગળનો ટુકડો ભરાવી આખા પ્રવાસ દરમિયાન અમે ચલાવ્યું.
- ચટ્ટી (નાની ઓરડી અથવા ધર્મશાળા અથવા રોકાવાની જગ્યા) પાસે જ એક આંધળો ભાઈ મળ્યો. એકલો જ હતો. બદરીનારાયણની જાત્રા કરી પાછો જઈ રહ્યો હતો. ધન્ય પ્રભુ! બીજું તો શું કહું?
- અમારા મજૂર, બીજા મજૂર, ઝંપાનવાળાઓ, ચટ્ટીના દુકાનદાર- બધા જ પહાડી લોકો અમારો સ્ટવ જોવા ભેગા થઈ ગયા. લાકડાં વિના રસોઈ થતી જોઈએ એમની નવાઈનો પાર ના રહ્યો.
- સાંજે સંગમ પર જઈ ત્યાંની શોભા જોઈ. નિસર્ગની આ અમુલખ લીલાનું વર્ણન માનવી શબ્દોમાં થઈ શકે એમ નથી. એક બાજુથી અલકનંદા શાંત, સભર વહેતી આવે, અને ભાગીરથીના ઘોર નિનાદ કરી ધસી જતા પ્રવાહમાં ભળી જાય. નિસર્ગના આ અલૌકિક સૌંદર્યનો શતાંશ પણ ચિત્રિત કરવામાં જેને યશ મળ્યો હોય એવો ચિત્રકાર જગતના ઇતિહાસમાં મળી આવે કે કેમ એ વિશે શંકા છે.
- ઉપરાંત જમ્નોત્રીનું સૃષ્ટિસોંદર્ય બીજાં બધાં ક્ષેત્રો કરતાં અનેરું અને અત્યંત પ્રેક્ષણીય છે. ત્યાંના ગરમ પાણીના કુંડ એ એની વિશેષતા છે.
- અમારો સ્ટવ આ પહાડી પ્રદેશમાં ભારે મદદ કરતો, એ વાચકોને યાદ હશે જ. પહાડી લોકોના જડ મગજને જીતવાનું અદભુત જાદુ એ વિચિત્ર વસ્તુમાં હતું.
- આ પ્રદેશના કોઈપણ માણસને ફલાણી જગ્યા કેટલી દૂર છે, એમ પૂછવું સાવ નિરર્થક હતું, કારણ, આ લોકોની ગણતરીમાં એક માઈલ અને અગિયાર માઈલમાં ઝાઝો ફેર હતો જ નહિ!
- અંધારુ થયું જંગલ પણ ગીચ હતું. જેમ જેમ નીચે ઊતરતા ગયા, તેમ તેમ જંગલ વધારે ઘાટું થતું લાગ્યું. રસ્તો દેખાતો નહોતો. અંતર જણાય એવું કોઈજ સાધન હતું નહિ. એવા અંધારામાં લગભગ અડધો-પોણો કલાક ચાલ્યાં જ કર્યું, છતાં ગામનું કે માણસનું નામનિશાન સરખું મળે નહિ!
- યમુનાનાં લીલાં-ભૂરાં જળ એવાં નિર્મળ કે હાથનાં સ્પર્શથી પણ મલિન થશે કે શું એવું લાગે.
- આટલે દૂર આ પહાડી પ્રદેશમાં ફાટેલા કપડાં સાંધવા માટે સોય કે દોરો મળવો અશક્ય જ.
- અને બહુ જ નવાઈની વાત એ કે પહાડના અંદરના ભાગમાં ભારે ગડમથલ ચાલતી હોય એવો વિલક્ષણ ઘોંઘાટ સંભળાય છે. એટલા ધૂમધડાકા ને કોલાહલ એક સરખાં ચાલ્યા કરે કે માણસ ગભરાઈ જ જાય! જાણે અંદર સો-પચાસ એંજિન ચાલ્યા કરતા હોય અને વચ્ચે વચ્ચે વરાળ છોડતા હોય એવો આભાસ થાય!
- અહીંની (એટલે જમ્નોત્રીની) શાસ્ત્રોક્ત સ્નાન વિધિ એવી છે કે પ્રથમ પેલા ઠંડા હિમ પાણીમાં ડુબકી મારી પછી ઉષ્ણકુંડમાં સ્નાન કરવાનું હોય, પણ ખાસ્સું ગરમ પાણી સામે પડ્યું હોય પછી કેટલાંક ઠંડા પાણીમાં નહાવાની તસ્દી ન પણ લે!
- અહીં (જમ્નોત્રીમાં) રાંધવાનો ઉપાય બહુ મજાનો છે. ટુવાલમાં કે પંચિયામાં ચોખા, બટેટા-જે ખાવું હોય એની પોટલી બાંધી ઉકળતા પાણીના કુંડમાં પધરાવી દેવી. થોડી વાર રહી અંદરનું ભાથું ચડી જાય એટલે પોટલી ઉપર તરે, એ કાઢી ખોલી, ભાત અને બટેટાં ખાઈ લેવાનાં! (પાણી એટલું ગરમ હોય માટે).
- આ આખા પર્વતના ચઢાણ અને ઢોળાવ મળી ૧૪થી ૧૫ માઈલ છે. એટલામાં કશે પાણી પણ મળતું નથી. પછી ગામ, દુકાન કે ખાવાની ચીજ-વસ્તુની વાત જ ક્યાં?
- ગંગોત્રીમાં રહી સ્ન વિના કેમ રહેવાય? આ વિચારથી અને ગંગોત્રીસ્નાનની લાલચથી અમે રોજ સ્નાન તો જાણે કરતા, પણ કપડાં ઉતારી ગંગામાં એક ડુબકી મારી ક્ષણવારમાં બહાર આવી જઈએ તોપણ ઠંડીથી શરીર બ્હેર મારી જતું. ત્રણ-ચાર મિનિટ તો શરીરમાં જીવ છે કે નહિ એ પણ ખબર ના પડે!
- આ પ્રદેશમાં ચડાણ કે ઊંડાણ એ શબ્દો સાથે એંજિનિયરો કે સર્વેયરોનો બાંધેલા રસ્તાને કોઈ નિસ્બત હોતી નથી. સીધા પહાડ પર ઝાડનાં મૂળિયાં પકડીને ચડી જવાનું અથવા ઊતરવાનું હોય!
- આ પહાડી પ્રદેશ (ગંગોત્રી-કેદારના રસ્તે)માં ‘વિલાયતી’ કહેવાય એવી બે જ વસ્તુ માંડ આવતી. એક તો ઘાસલેટ અને બીજી દીવાસળી. અમારો આ અસલી પહાડી બ્રાહ્મણ આ વસ્તુઓને અડ્યો પણ નહોતો! ‘અત્યાર સુધી મારી જિંગદીમાં મેં એ વસ્તુનો સ્પર્શ સરખો કર્યો નથી’, એમ એણે અભિમાનથી છાતી ઠોકીને કહ્યું!
- અહીં ચોરી, લબાડી, ખુશામત વગેરે સુધારા સાથે જોડાયેલા દુર્ગુણો નામ માત્ર હતા નહિ. અહીંના લોકો સાદા-સીધા, દેવ જેવા પવિત્ર અને શિવ જેવા ભોળા છે! (ગંગોત્રી-કેદારના રસ્તે)
- જમ્નોત્રી અને ગંગોત્રીના જંગલી પ્રદેશમાંથી કેદાર-બદરીના સુધરેલા મુલકમાં આવતાં જ સ્વર્ગમાંથી નર્કમાં ફેંકાઈ ગયા જેટલો તફાવત યાત્રીઓ અનુભવે છે. (કારણ કે છેતરપીંડી, લાલચવૃત્તિ વગેરે શરૃ થઈ જાય.)
- અહીંના (કેદારનાથ) બધા ઘરો બંધાવતી વખતે બહારનો પવન અંદર ના આવે એવી ખબરદારી રાખવામાં આવી છે. બારણાંમાંની નાની તિરાડ પણ કાગળની લુગદી અથવા છાણથી લીંપીને બંધ કરવામાં આવે છે.