રેસ્ટોરામાં ખાણી-પીણી માટે પૈસા ચૂકવવા પડે. પરંતુ જૂનાગઢમાં એવી રેસ્ટોરાં શરૃ થઈ છે, જ્યાં પૈસા આપ્યા વગર ઓર્ડર કરી શકાય છે. કેવી રીતે?
પ્લાસ્ટીક એ જગતની મોટી સમસ્યા છે. સેંકડો વર્ષો સુધી પ્લાસ્ટીકન નષ્ટ થતું નથી માટે પર્યાવરણનું નુકસાન થતું રહે છે. આખુ જગત પ્લાસ્ટીકનો વપરાશ ઘટે એ દિશામાં કામગીરી કરે છે. હવે એવી જ નોખી કામગીરી જૂનાગઢમાં થઈ છે.
જૂનાગઢમાં પ્લાસ્ટીક કાફે/’Prakrutik Plastic Cafe શરૃ થયું છે. જેમાં પ્લાસ્ટીકનો કચરો આપીને ખાવા-પીવાની ચીજ ખરીદી શકાય છે. જેમ કે અડધો કિલોગ્રામ પ્લાસ્ટીકનો કચરો આપવામાં આવે તો એક ગ્લાસ લિંબું શરત મળે. 1 કિલોગ્રામ પ્લાસ્ટીક સામે પૌવાની એક ડિશ. પ્લાસ્ટીકનો જથ્થો જરા વધારે પડતો લાગી શકે પણ શરૃઆત છે એટલે પહેલને બિરદાવવી જ રહી.
આ યોજનાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, તેની સાબિતી એ છે કે શરૃ થયાના પહેલા જ અઠવાડિયે 160 કિલોગ્રામ પ્લાસ્ટીક ભેગું થઈ ગયું છે. લોકો પ્લાસ્ટીક જ્યાં ત્યાં ફેંકવાને બદલે ભેગું કરે, તેનો કચરો એકઠો થાય અને અહીં આપે એ મુખ્ય ઉદ્દેશ છે. પ્લાસ્ટીકના કલેક્શન બદલ લોકો ભોજન-પાણી મેળવી શકે છે. ખુદ રાજ્યપાલે આવીને તેનું ઉદઘાટન કર્યું છે. અહીં એકઠા થતાં પ્લાસ્ટીકને જ્યાં-ત્યાં ફેંકવાને બદલે સરકારી ધોરણે તેનો નિકાલ થવા રી-સાઈકલ કરવામાં આવશે. એટલે એટલું પ્લાસ્ટીક જ્યાં-ત્યાં ફરતું ઓછું થશે.
આ કાફે પ્રાકૃતિક છે, એટલે કામગીરી પ્લાસ્ટીક પુરતી મર્યાદિત નથી. અહીં માટીના બનેલા વાસણો, ઓર્ગેનિક ખેત પેદાશો વગેરેની ખરીદી કરી શકાય છે. મહિલા સ્વ-સહાય જૂથ જ આ કાફેનું સંચાલન કરે છે એ પણ વળી નોંધપાત્ર બાબત છે.
પ્લાસ્ટીક ન હોય તો પૈસાથી પણ વિવિધ ચીજ-વસ્તુઓ ખરીદી શકાય છે. સ્વીગી-ઝોમેટો જેવા પ્લેટફોર્મ પર પણ ફૂડ ઓર્ડર કરી શકાય છે.
સરનામું : પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફે, જૂની જનાના હોસ્પિટલ, આઝાદ ચોક, જૂનાગઢ