Hang Son Doong : જગતની સૌથી મોટી ગુફાની સાહસભરી સફર

son-doong-cave

જૂલે વર્નની બહુ જાણીતી સાહસ-વિજ્ઞાન કથા છે, જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ. એ વાર્તામાં ધરતીના પેટાળમાં જતા સાહસિકોની રસપ્રદ કથા છે. ધરતીના કેન્દ્રમાં જવું વૈજ્ઞાનિક રીતે તો શક્ય નથી. પરંતુ પેટાળની સફર કરાવતી ગુફાઓમાં અચૂક જઈ શકાય છે. ભારતમાં આવી કેટલીક ગુફાઓ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં છે. જોકે જગતની સૌથી મોટી આવી કુદરતી ગુફા વિએટનામમાં છે.

ગુફાના જંગી કદનો ખ્યાલ આ તસવીરોમાંથી મળે છે

હવે પ્રવાસીઓ માટે આ ગુફા ખુલ્લી મુકાઈ ગઈ છે. એકાંતની શોધ હોય કે પછી નવું સાહસ કરવાની ઈચ્છા હોય કે પછી અણદીઠેલી ભોમ જોવી હોય.. એ બધા પ્રવાસીઓ દુનિયાભરમાંથી અહીં ઠલવાતા રહે છે.

સોન ડૂંગ કેવનો અર્થ થાય પર્વતમાં નદીની ગુફા. આ ગુફા અન્ડગ્રાઉન્ડ નદીને કારણે સર્જાઈ છે અને તેને બે પ્રવેશદ્વાર છે. ગુફામાં છત પર પથ્થરના આકાર લટકતા હોય તો વળી જમીન પરથી પણ પથ્થરના મીનારા ઉભા થયા હોય છે. આ ગુફામાં એક મીનારો સવા બસ્સો ફીટ ઊંચો છે. ગુફામાં ઉભો થયેલો પથ્થરનો સૌથી મોટો ટાવર છે. આ ગુફા તો ધરતી પર કરોડો વર્ષથી અસ્તિત્વ ધરાવે છે, પણ તેની જાણકારી પ્રથમવાર ૨૦૦૯માં મળી હતી. એ પછી સરકારે ગુફાને ઠીકઠાક કરી, પ્રવાસીઓ માટે સુવિધાઓ વિકસાવી ૨૦૧૩માં ખુલ્લી મુકી. ત્યારથી અંધારી ભૂમિમાં અજવાળાં શોધવાના શોખીન સાહસિકો અહીં આવતા રહે છે.

ગુફાની આંતરીક રચનાની સમજણ આપતું ગ્રાફિક

ગુફા પાંચ કિલોમીટર લાંબી, ૬૬૦ ફીટ ઊંચી અને ૪૯૦ ફીટ પહોળી છે. એટલે જમીન નીચે કદાવર ખંડ તૈયાર કર્યો હોય એવો ભવ્ય તેનો દેખાવ છે. સામાન્ય રીતે ગુફામાં પ્રવેશતી વખતે માથુ અથડાય નહીં એ રીતે નીચે ઝુકાવવું પડતું હોય છે. આ ગુફામાં તો તેની છત જોવા માથુ સતત ઊંચુ રાખવું પડે છે.

પ્રવાસીઓ માટે માહિતી

  • આ ગુફાનો પ્રવાસ એક દિવસમાં શક્ય નથી. એડવેન્ચર ટ્રાવેલ કંપનીઓ ચાર દિવસથી માંડીને પંદર દિવસ સુધીની સફર યોજે છે.
  • આ ગુફાની સફર માટે એકમાત્ર ટ્રાવેલ એજન્સી Oxalis Adventureને વિએટનામ સરકારે માન્ય કરી છે. માટે તેની મદદથી જ પ્રવાસ કરી શકાય છે.
  • આ ગુફા Phong Nha-Ke Bang National Park નેશનલ પાર્કનો ભાગ છે.
  • આ ગુફા ૩૦ લાખ વર્ષ જૂની છે. ભુસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો આ ગુફા પ્રમાણમાં નવી છે.
  • સામાન્ય રીતે પ્રવાસનો ખર્ચ ૩૦૦૦ ડોલર થાય છે.  તેમાં ગુફાની સફર પહેલા અને પછીની વ્યવસ્થા, ગુફામાં રહેણાંક, ગાઈડ, નેશનલ પાર્ક ફી, સલામતી માટેના સાધનો વગેરેનો સમાવેશ થાય છે.
  • આસપાસ નેશનલ પાર્ક હોવાથી જંગલ સફારી, હાઈકિંગ, ટ્રેકિંગ, વન ભ્રમણ વગેરે વિકલ્પો પણ ઉપલબ્ધ છે.
  • આ ગુફાની મુલાકાત આખુ વર્ષ લઈ શકાય છે. પરંતુ ચોમાસામાં ભારે વરસાદ હોવાથી પ્રવાસીઓ ટાળતા હોય છે.       

  • જે પ્રવાસીઓ શારીરિક રીતે ફીટ હોય, નિયમિત કસરત કરતા હોય, હાઈકિંગ-ટ્રેકિંગ કરતાં હોય એ જ આ સફરમાં ભાગ લે એ ઈચ્છનીય છે.
  • ૧૮થી ૭૫ વર્ષના પ્રવાસીઓ જ ભાગ લઈ શકશે.
  • ગુફાનો પ્રવાસ જોખમી અને અઘરો છે. માટે ટુર કંપની દ્વારા અનેક પ્રકારના સેફ્ટી સાધનો સાથે લેવામાં આવે છે, જરૃર મુજબ પ્રવાસીઓને પહેરાવવામાં આવે છે.
  • ગુફાની સફર દરમિયાન બધુ મળીને પ્રવાસીઓએ ૨૫ કિલોમીટરની સફર કરવાની થાય છે, જેમાં જંગલ સફર, ગુફા પ્રવાસ વગેરે આવી જાય છે.
  • સફર દરમિયાન ગુફામાં ઊંડે ઉતરવું, ઊંચે ચડવું, ખડકો પાર કરવા વગેરે પડાવ આવશે. અલબત્ત સાથે ગાઈડ હશે એટલે પ્રવાસીઓને ખાસ કોઈ મુશ્કેલી નહીં પડે.
  • ગુફાની સફર દરમિયાન મોબાઈલ જેવા કમ્યુનિકેશન સાધનો ચાલશે નહીં. ઈમર્જન્સી માટે ટુર એજન્ટ સાથે સેટેલાઈટ ફોન રાખે છે.
  • રોજ મર્યાદિત સંખ્યામાં જ પ્રવાસીઓને ગુફામાં પ્રવેશ અપાય છે. માટે એડવાન્સમાં આયોજન કરવું પડશે.

આવી ગુફામાં એક દિવસમાં તો ફરી રહેવું મુશ્કેલ છે. તો પણ એક દિવસના પ્રવાસમાં ઉપરછલ્લી ઝલક મેળવી શકાય છે. બાકી પ્રવાસીઓ તો અઠવાડિયું અંદર રોકાવવા આવે છે. અંદર જ તંબુ તાણી રાતવાસો કરી શકાય એવી સગવડ છે. ગુફા તથા આસપાસના વન વિસ્તારને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યો છે. માટે  તેનું ઐતિહાસિક મહત્વ પણ છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *