શિન્ઝુકુનો અમુક વિસ્તાર સાંજના 6 સુધી મોટર-વાહન માટે બંધ રખાતો હતો. લોકો ત્યાં આરામથી ટહેલી શકે, મજા કરી શકે. પ્રવાસી પણ રસ્તા વચ્ચે ખુરશી ઢાળીને બેઠા બેઠા ચા-પાણી પણ કરતાં હતા. સાંજે અમે ત્યાંથી નીકળ્યા ત્યાં રસ્તા ખુલી ગયા હતા. નાટક ભજવાતું હોય ત્યારે સ્ટેજ પર અચાનક નવું દૃશ્ય આવે એમ થોડી વાર વાહનમુક્ત ખાલી હતા એ રસ્તા હવે વાહનયુક્ત થઈ ચૂક્યા હતા. અમદાવાદમાં પણ ભદ્ર વિસ્તારમાં વાહન-બંધી છે એવુ જ કંઈક. દરેક શહેરમાં એવી વ્યવસ્થા નાના-મોટા અંશે હોય છે. અલબત્ત, ક્યારેક જૂનવાણી બાંધકામની જાળવણી માટે વાહન તેનાથી દૂર રાખવામાં આવે છે. અહીં લોકો શિન્ઝુકુ વિસ્તારને માણી શકે એટલા માટે આ સગવડ આપવામાં આવે છે. સાંજ પડ્યે સગવડ સંકોરાઈ ગઈ, વાહનો વહેતા થયા. અમે પણ ફૂટપાથનો રસ્તો પકડ્યો. અમારો આગામી મુકામ ‘નટરાજ ઈન્ડિયન રેસ્ટારાં’ હતો.
ટોકિયોમાં (અને જાપાનમાં પણ) અમારી એ છેલ્લી રાત હતી. સવારે તો રવાના થવાનું હતુ. માટે ઈન્ડિયન ભોજન મળે એવી ગોઠવણ કરવામાં આવી હતી. એ લોકો સમજી ગયા હતા કે આ પ્રવાસીઓને જો ભારતીય ભોજન મળશે તો ભારે મજા આવશે. વળી જાપાનના અંતરિળાય વિસ્તારમાં પસંદગીનું ભોજન ન મળી શકે, પરંતુ ટોકિયોમાં એવી કોઈ અગવડ ન હતી. અહીં તો જે જોઈએ એ મળે. મળે જ ને! એ શહેર જગતના પાંચ સુપર-પાવર શહેરોમાં સ્થાન ધરાવે છે.
નટરાજમાં પહોંચીને મેનું જોયું તો ભારે આકર્ષક લાગ્યું કેમ કે આપણે ત્યાં પણ રેસ્ટોરાં નથી આવતી એવી ફૂલકાં રોટલીનીય સગવડ હતી. અહીં આપણે ત્યાં તો પંજાબી રોટીને જ આપણી રોટી તરીકે લોકોએ સ્વિકારી લીધી છે અને એમાં ફૂલકાં ખાવાનું ભૂલી પણ ગયા છે. જમવા ટાઈમે અમારા બે ભાગ પડી ગયા હતાં. એક જૂથ શુશી વગેરે જાપાની પોપ્યુલર ડિશિઝ ખાવા માંગતુ હતુ. તેની રેસ્ટોરાં ચોથા માળે હતી, અમારી પાંચમા માળે. ઈન્ડિયન ભોજન પસંદ કરનારા મારી સાથે ફુકુશિમા અને કાઓરી બન્ને હતા. બાકીના જાપાની રેસ્ટોરામાં ગયા.
ટેબલ પર 3 જણા ગોઠવાયા, મેનુ તપાસ્યું. કાઓરીએ દિલ્હી ખાતે ‘જાપાન ટુરિઝમ’ની ઓફિસમાં 3 વર્ષ કામ કર્યું છે. તેને ઈન્ડિયન મસાલા-ટેસ્ટ વિશે થોડી જાણકારી હતી. જાપાની લોકો જરા પણ તીખું, તમતમતું, મસાલેદાર ખાતા નથી. બીજી તરફ મારે તો એવા ખોરાકની જ જરૃર હતી. બન્ને પક્ષનો મેળ જળવાઈ રહે એ રીતે મેનુ પસંદ કર્યું. શાકને એ લોકો ‘કરી’ તરીકે ઓળખતા હતા. મેં કહ્યું જે નામ આપો એ.. સ્વાદ આવવો જોઈએ. જાપાની લોકો તીખું નથી ખાતા પણ ક્યારેક ખાવાનું મન થાય તો? એ માટે સરસ વિકલ્પ મેનુમાં લખ્યો હતો. જરા તીખુ, વધારે તીખું, અતી વધારે તીખું… એ પ્રમાણે એક-બે-ત્રણ મરચાંનો સિમ્બોલ દોરેલો હતો. ત્રણ મરચાં પસંદ કરો એટલે વધુ તીખું આવે. અલબત્ત, વધુ તીખું એ લોકોની વ્યાખ્યા મુજબ, આપણને કદાચ બહુ તીખું ન પણ લાગે. શાક (એટલે કરી) પસંદ કર્યા પછી કેટલાં મરચાં (એટલે કેટલી તીખાશ) જોઈએ છે એ કહેવાનું. એક પણ મરચું ન નંખાવો તો જાપાની સ્વાદ પ્રમાણેનું ભોજન આવે.
એ લોકો તીખું ન ખાઈ શકે એટલે એક સબ્જીમાં બે મરચાં અને એકમાં એક મરચું પસંદ કર્યું. એટલે કે જરા તીખાશ અને જરા વધારે તીખાશ સાથે આવે તો વાંધો ન હતો. તીખાશ એ જાપાની ભોજનનો ભાગ નથી, એમના માટે એક્સ્ટ્રા છે. માટે તીખાશના દરેક ગ્રેડ સાથે 100 યેન વધતા જતા હતા. આપણે ત્યાં ટોપિંગના એકસ્ટ્રા ચૂકવીએ એ રીતે. કાળજીપૂર્વક બગડે નહીં અને વધે પણ નહીં એવુ ભોજન પસંદ કર્યું અને બરાબર દબાવીને ખાધું પણ ખરા.
હકીકતે એ રેસ્ટોરાં જાપાની સર્વોત્તમ વેજિટેરિયન રેસ્ટોરાં પૈકીની એક છે. પોતાના ખેતરમાં જ શાકભાજી પેદા કરે છે અને રસોડામાં તેનો ઉપયોગ કરે છે. એ રેસ્ટોરામાં ઘણા જાપાની લોકો જમવા આવતા હતા. એ દરેક જાપાની તો કંઈ ભારતીય કલ્ચરથી વાકેફ ન હોય ને.. જેમ આપણે મેક્સિકન ટાકો ખાઈ છીએ પણ એ કેવા સંજોગોમાં ખવાય એની જાણકારી ક્યાં હોય છે? એટલે મેનુમાં જાપાની પ્રજાના જ્ઞાનાર્થે વિગત લખી હતી કે ‘પનીર’ એટલે શું? એવી રીતે બીજી (એમના માટે) અજાણી ચીજોના પણ વર્ણન હતા. દરેક પાનાં નીચે વાનગીમાં કઈ વસ્તુ ઉમેરાય છે, તેની ચિત્રાત્મક માહિતી પણ હતી. જેથી આપણે કંઈ ન ખાતા હોય એ પદાર્થ અંદર આવી ન જાય એનો ખ્યાલ રહે. એ રસપ્રદ રેસ્ટોરામાં ભોજન પતાવી અમે ફરી હોટેલ તરફ ઉપડ્યા.
ત્યાં વળી મેં એક વિશિષ્ય સેરેમનીનું આયોજન જાપાની ટૂકડી માટે વિચારી રાખ્યું હતું.