‘ગુજરાત લિટરેચર ફેસ્ટીવલે’ આઠ સિઝન પુરી કરી લીધી છે અને હવે ‘જીએલએફ’ તરીકેનું ટૂંકુ નામ તેની ઓળખ બની ચૂક્યું છે. બીજી ઓળખ મિત્રોનાં મેળાવડા તરીકેની છે. ત્રીજી… ચોથી.. એવી ઘણી, સૌની પોતપોતાની જીએલએફ અંગેની ઓળખ છે. મારે મારી ઓળખની વાત કરવી છે.
કનૈયાલાલ મુનશીની નવલકથાની એમના કાળમાં ટીકા બહુ ટીકા થતી હતી. મુનશીએ એ ટીકાની ખાસ પરવા કર્યા વગર લખ્યા કર્યું. આજે ગુજરાતી નવલકથા લેખનના પાયાના પથ્થરો ગણવાના થાય તો એક પથ્થર તરીકે મુનશીનું નામ અચૂક લેવામાં આવે. મુનશીએ કહ્યું હતું, ‘નવલકથામાં કળાની બીજી ઘણી કસોટીઓ હશે-પણ મારી તો એક જ શરત છે : તેમાં રસ પડવો જોઈએ. વાંચતા રસ ન પડે તો, બીજો ગમે તે ગુણ હોય, હું એને નવલકથા ન કહું.’
એ મુનશીએ પહેલી નવલકથા 1913માં આપી હતી, ‘વેરની વસૂલાત’. એ ઘટનાના બરાબર 100 વર્ષ પછી ગુજરાત સાહિત્ય ઉત્સવ-જીએલએફની 2013માં શરૃઆત થઈ. શબ્દો પકડી રાખીએ તો પહેલો સવાલ થાય કે આમાં સાહિત્ય ક્યાં છે? અથવા છે તો કેટલું છે? આ અને આવા ઘણા સવાલ કેટલેક અંશે મને પણ પણ થાય છે.
જીએલએફમાં સાહિત્ય ઓછું છે, સિનેમા, સંગીત, સંસ્કૃતિ, નાટક.. વગેરેનું પ્રમાણ નોંધપાત્ર છે. સાથે સાથે ‘આ સેશન શા માટે રાખ્યું હશે?’ અથવા ‘આ સેશનમાં આ ભાઈ-બહેન ક્યા અધિકારથી સ્ટેજ પર બેઠા છે?’ આ સવાલો આજે થાય છે અને સદાકાળ થતા રહેશે. આયોજકો અમુક વિષયો ચૂકી જાય, અમુક વિષયમાં તેના નિષ્ણાતને બદલે કોઈ ભળતા-સળતાં જ આવી જાય એવુ પણ બન્યું છે, બનતું રહેશે. પરંતુ મુનશીએ જે નવલકથા વિશે કહ્યું એ અહીં લાગુ પડે છે કે એમાં રસ પડવો જોઈએ. મને તો પડે છે.
આઠમાંથી 6 જીએલએફમાં પ્રેક્ષક તરીકે હાજર રહીને, કોઈ પ્રવાહમાં તણાયા વગર આખી વાતને બહારથી જોયા પછી મને એવુ લાગે છે કે આ પ્રોગ્રામે ગુજરાતી સાહિત્ય (અને સાહિત્ય વર્તુળની બહારના અનેક વિષયો) અંગે ચર્ચાની એક તક આપી છે, ટીકા કરવાની કે વખાણ કરવાની એક સ્થિતિ તો ઉભી કરી જ છે. એટલે પ્રથમ પુસ્તક સર્જનાર નવોદીતો અહીં જોવા મળે તો વળી વાળ ઘોળા થયા હોય એવા પીઢ સાહિત્યકારો પણ જોવા મળે છે. અનેક લેખકોને પોતાનું પ્રથમ પુસ્તક આ પ્લેટફોર્મ પર વિમોચન કરવાની તક મળી છે. બાકી નવા લેખક માટે (પહેલા તો પુસ્તક લખવું અને લખી લીધું હોય તો તેનું) વિમોચન કરવું એ આર્થિક રીતે બહુ મોંઘી પ્રક્રિયા છે.
જીએલએફ સામે હજાર વાંધા હશે એ લોકો પણ તેમાં આવવાનું પસંદ કરે છે. એક-બે વખત તો ‘મને જીએલએફ સામે વાંધો છે’, ‘મને જીએલએફમાં બોલવું છે’ એવા સેશન પણ રાખ્યા હતા. અંગત ગમા-અણગમાને બાજુ પર રાખીને સાહિત્ય, ગુજરાતી લેખનના હિતમાં જોઈ શકાય તો કદાચ લાગે કે જીએલએફની ગાડી ટીકા-ટીપ્પણના પથ્થરમારા વચ્ચે પણ આગળ વધી રહી છે. વધુમાં બીજા શહેરોમાં પણ જીએલએફ જેવા કાર્યક્રમો યોજાતા થયા એ પણ સરવાળે તો લાભકારક જ છે.
આજની પેઢી નથી વાંચતી એવુ તો હરગિઝ નથી. બાકી તો હરકિશન મહેતા કે અશ્વિની ભટ્ટની હજાર-બારસો પાનામાં ફેલાયેલી, લાખો શબ્દોમાં લખાયેલી નવલકથાની સતત નવી નવી આવૃત્તિઓ છપાય જ નહીં! એટલે લેખન નવી પેઢી સુધી પહોંચાડવા માટે નહીં તો પણ લેખન-સર્જનની ચર્ચા માટે જીએલએફ જેવુ મંચ હોય તો એમાં કશુમં ખોટુંય નથી.
2019ના જીએલએફમાં વિશાલ ભારદ્વાજે કહ્યું કે (બહુમતીવાદના આ યુગમાં) બેક્ટેરિયા મારવાની દવા (સમાજને-સરકારને-બહુમતીને આકરી લાગે એવી વાત ફિલ્મ દ્વારા કહેવી) અઘરી છે. પરંતુ એ વાત બરફીમાં ભેળવીને (સમાજને-સરકારને-બહુમતી લોકોને ગમે એ રીતે કહેવી) આપતા આપણે (ખાસ તો ફિલ્મ સર્જકોએ પરંતુ એ સિવાયના તમામ પ્રકારના સર્જકોએ પણ) શીખવુ જોઈશે.
જીએલએફ એ જ છે. એકલા સાહિત્યની વાત કરીશું તો કોને ગમશે? પરંતુ સાહિત્યના નામે મેળાવડો ઉભો કરી જાત-જાતની વાતો કરવામાં આવે અને એમાં થોડું સાહિત્ય પણ હોય તો કદાચ નવી પેઢીને રસ પડશે. બે પાંચ-લોકો વાંચતા થશે. એટલું થાય એટલે ઘણુંય! મુનશીએ નવલકથા લખવાની શરૃઆત કરી પછી ગુજરાતી નવલકથાની ભાષાનું ઘડતર થવાની શરૃઆત થઈ એમ કહેવાય છે. જીએલએફ દ્વારા પણ અનેક નવી શરૃઆતો થઈ છે.
‘દરેક વાચક વાંચતો વાંચતો એક અથવા બીજી તરેહની આલોચના તો કર્યે જ જતો હોય છે; અને ન કરતો હોય તો તેનો વાંચન-વ્યવસાય ઉપકારક પણ શો છે!’ દરેક વાચકને પોતે વાંચે એ પુસ્તક-લેખ વિશે પોતાને ગમે એ વખાણ-ટીકા કહેવાનો હક્ક છે એવા મતલબનું આ (સનાતન સત્ય) વિધાન મેઘાણીએ 1945માં લખ્યું હતું. જીએલએફ કે બીજા કોઈ પણ કાર્યક્રમને એ લાગું પડે જ છે. જીએલએફમાં આવનારો દરેક વ્યક્તિ-ભાવક-ચાહક-વાચક પોતાની રીતે ટીકા-વખાણ ન કરે તો આવવાનો અર્થ શો! એટલે જીએલએફની ટીકા-ટીપ્પણ તો થતાં જ રહેવા જોઈએ.
જીએલએફ એ ગુજરાતી સાહિત્ય માટે બધું જ નથી, પરંતુ ઘણુ બધુ તો છે, એમ મને લાગે છે. બાકી જીએલએફથી ગુજરાતી સાહિત્યને કેટલો લાભ થયો, લાભ થયો કે નુકસાન થયું.. એ બધા મૂલ્યાંકનો તો ઇતિહાસ એના યોગ્ય સમયે કરશે.
Excellent sie