
અમેરિકા કોને ન જવું હોય? કોઈને ભણવા, કોઈને નોકરી કરવા, કોઈને ફરવા.. પણ મુંબઈના બાન્દ્રા કુર્લામાં આવેલી અમેરિકાની વિઝા ઓફિસ અનેક લોકોના વિઝા રિજેક્ટ કરીને કોલંબસ બનતા અટકાવે છે. અમેરિકા જવાની ઈચ્છા થાય તો સૌથી પહેલું કામ વિઝા માર્ગદર્શન અંગેનું આ પુસ્તક વાંચવાનું કરવા જેવુ છે..

પુસ્તકની વાત કરતાં પહેલા મારો અનુભવ.
સપ્ટેમ્બર 2018માં અમેરિકા જવાનું હતુ. વિઝા ઈન્ટર્વ્યુ માટે મુંબઈના બાન્દ્રા કુર્લા વિસ્તારમાં આવેલી અમેરિકાની એમ્બેસીમાં પહોંચ્યો. અમેરિકાથી આમંત્રણ હતુ અને ત્યાંથી જ યજમાને નક્કી કરેલી વિઝા એજન્સીએ અમારા ફોર્મ વગેરે ભર્યા હતા. મારા જેવડી જ ઉંમરના વિઝા ઓફિસરે બે-ચાર સવાલ કર્યા અને પછી કહી દીધું કે તમને વિઝા નહીં મળે.

હું ધોયેલા મૂળા જેવા મોઢા સાથે હોટેલના રૃમ પર આવીને સુઈ ગયો. પછી તપાસ કરી તો ખબર પડી કે વિઝાની કેટેગરી ખોટી હતી, જે મારો નહીં ફોર્મ ભરનાર એજન્સીનો દોષ હતો. ભૂલ સુધારી લઈ ફરી એપ્લાય કર્યું, એ વખતે વિઝા મળી ગયો. વિઝામાં મળેલી નિષ્ફળતા અને તેમાંથી શું શીખવા મળ્યું એ અનુભવ મેં વિગતવાર મારા પુસ્તક ‘રખડે એ રાજા’માં લખ્યો છે, માટે અહીં વાત પૂરી કરી પુસ્તક પર આવીએ.

અમેરિકા જનારા અનેક લોકોના વિઝા રિજેક્ટ થતા હોય છે. અમેરિકાનું વિઝા ધોરણ સૌથી કડક છે. એ કડકાઈમાંથી પાસ કેમ થવું તેનું માર્ગદર્શન ગુજરાતી એડવોકેટ રમેશ રાવલે પોતાના પુસ્તક ‘અમેરિકાના વિઝિટર વિઝા : સવાલ-જવાબ’માં આપ્યુ છે.

રમેશભાઈ સાથે મારે દાયકા કરતા વધુ જૂનો પરિચય છે. 2008માં દિવ્ય ભાસ્કરમાં હતો ત્યારે બુધવારની પૂર્તિ કળશમાં ગરવા ગુજરાતી નામે એક કોલમ ચાલતી હતી. એ કોલમમાં દર અઠવાડિયે પરદેશમાં ગુજરાતનું નામ રોશન કરનારા ગુજરાતીનો પ્રોફાઈલ કરવામાં આવતો હતો. એવા પ્રોફાઈલ માટે એક દિવસ રમેશ રાવલને મળવાનું થયું. રમેશ રાવલ વૃદ્ધ અને ગરીબ લોકોને વિનામૂલ્યે માર્ગદર્શન આપતા હતા માટે કોલમ માટે તેમની પસંદગી કરી હતી.
વિઝા અંગેનું માર્ગદર્શન આપનારા, વિઝા એજન્ટ વગેરે દ્વારા છેતરપિંડી થાય એવા અનેક કિસ્સા બનતા રહે છે. એટલે રમેશ રાવલને મળતા પહેલા મનમાં હતું કે આ ક્યા પ્રકારના એજન્ટ હશે?

ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલા એમના બંગલે ગયો અને પછી જાણ્યુ કે એ કોઈ પ્રકારના એજન્ટ નથી. માર્ગદર્શક છે. તમારે અમેરિકા જવું હોય અને એ માટે કોઈ એજન્ટને મળો તો એ અઢળક રૃપિયા વિઝા ફી અને કન્સલ્ટિંગના નામે લઈ લે. પછી વિઝા મળે તો મળે (કેમ કે વિઝા મળે એવી ખાતરી ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ આપી શકે એમ નથી. વિઝા અધિકારીને ગમે તેનો વિઝા રિજેક્ટ કરવાની અમર્યાદિત સત્તા છે).

રમેશ રાવલનો કિસ્સો સાવ અલગ છે. એક તો હું મળ્યો ત્યારે એ 75 વર્ષ પાર કરી ચૂક્યા હતા. અમદાવાદમાં બંગલો છે, તેનાથી અનેકગણો મોટો બંગલો એમની પાસે ન્યુજર્સીમાં છે. પૈસા કમાવવાની કોઈ જરૃર નથી, કેમ કે વર્ષો સુધી અમેરિકાની કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરી ચૂક્યા છે. એટલે કે અમેરિકાના સર્ટિફાઈડ વકીલ છે. બીજા બધા જ વિઝા એજન્ટો કરતાં એટલે રમેશ રાવલ અમેરિકાના વિઝાના કાયદાની જાણકારીમાં ક્યાંય આગળ છે.
વિઝા અને પ્રવાસ વિશે ઘણા પુસ્તકો લખી ચૂકેલા એક એડવોકેટ માત્ર મળવાના-સલાહ આપવાના દસ હજાર રૃપિયા લે છે. એ પછી વિઝા માટે આગળ વધવુ હોય તો અમુક લાખ તૈયાર રાખવા પડે એ અલગ. તેની સામે રમેશ રાવલ કોઈ પણ જાતના ચાર્જ વગર માર્ગદર્શન આપતા હતા. અગાઉ કહ્યું એમ અમેરિકા અને દુનિયાના અન્ય દેશોના કાયદા વિશે એમની પાસે જાણકારી છે એવી ભાગ્યે જ કોઈ બીજા પાસે છે. જો કોઈ કહે તો વિઝા ફોર્મ ભરી આપે અને ફોર્મના પૈસા લે (કેમ કે એ પૈસા અમેરિકા લે છે).

દિવ્ય ભાસ્કરમાં દૂરંદેશી મેગેઝિન એડિટર મનિષ મહેતાએ તેમની કોલમ શરૃ કરી. દર અઠવાડિયે અઢળક પત્રો આવે, રમેશ રાવલ એમના જવાબ આપે. એ રીતે અનેક લોકોના વિઝા પ્રશ્નો ઉકલતા થયા. કેટલાક લોકોએ સવાલ-જવાબના કટિંગ ભેગા કરીને પોતાની વિઝા એજન્સી શરૃ કરી દીધી. એવા એક એજન્ટે તો ઉદ્ઘાટાન રમેશ રાવલ પાસે જ કરાવ્યું હતુ.

રમેશ રાવલનો મૂળ ઉદ્દેશ લોકોનો ખોટો ખર્ચ અટકે, વિઝાના નામે લે-ભાગુ એજન્ટો પૈસા ન પડાવી લે, વિઝા અંગે ગેરમાર્ગે ન દોરે એ જોવાનો છે. માટે એ વિઝા માટે જોઈએ એ મદદ કરવા તૈયાર છે. વિનામૂલ્યે મળતા માર્ગદર્શનની ઘણી વખત કિંમત નથી હોતી, માટે હવે રમેશભાઈએ મામુલી કન્સલ્ટિંગ ફી લેવાની શરૃ કરી છે, જેનો ઉપયોગ એ બેશક ચેરિટીમાં કરે છે.

એમણે લખેલા વિઝા અંગેના સવાલ અને તેના સરળ જવાબનું સંકલન આ પુસ્તકમાં થયું છે. પુસ્તક 3 ભાગમાં છે. એક ભાગમાં દોઢસોથી વધુ સવાલ અને જવાબ છે. બીજા ભાગમાં રમેશ રાવલ પાસેથી માર્ગદર્શન લીધા પછી વિઝા મળ્યા હોય એ લોકોને કેવા સવાલ કર્યા.. એ પ્રશ્નપત્રો રજૂ કર્યા છે. પરીક્ષા પહેલા પ્રેક્ટિસ માટે પ્રશ્નપત્ર હોય એવા જ. ત્રીજા ભાગમાં વિઝા માટેના સામાન્ય સૂચનો છે.

આ પુસ્તક વાંચીને વિઝા મળી જશે? ના, એવી ગેરંટી કોઈ આપી ન શકે. જે કોઈ એવી ગેરંટી આપે એ ઉલ્લુ બનાવે છે એમ સમજી લેવું. પરંતુ પુસ્તક વાંચ્યા પછી અમેરિકાના વિઝા માટે કઈ રીતે સાચા રસ્તે ચાલવું અને ખોટો ખર્ચ થતો અટકાવવો એ જરૃર સમજી શકાશે. અમેરિકાની વિઝા ફી 11 હજાર જેટલી છે. ભારતમાં ઘણા સામાન્ય પરિવારની આવક પણ એટલી નથી હોતી. માટે અમેરિકા જવા થનગનતા સૌ કોઈએ ખર્ચ કરતા પહેલા આ પુસ્તકનાં પાનાં ફેરવી લેવા જોઈએ…
ખૂબ સરળ, સુંદર શૈલીમાં ઉપયોગી જાણકારી
“અમેરિકા જવું છે,વિઝા માં પાસ થવું છે!તો વાંચો,,,”