ધરતીના પડ પર એવી મહિલાઓ થઈ ગઈ છે અને આજે પણ છે, જેમણે અકલ્પનિય લાગે એવા જોખમી પ્રવાસો ખેડીને નામો અમર કર્યા છે. એમાંથી કેટલીક લેડી ટ્રાવેલર્સને ઓળખીએ..
નેલી બ્લાયઃ અરાઉન્ડ ધ વર્લ્ડ ઈન ૭૨ ડેય્ઝ
‘વ્હોટ ગર્લ્સ આર ગૂડ ફોર..’ એવા હેડિંગ સાથે ૧૮૮૫ના જાન્યુઆરી માસમાં અમેરિકન અખબાર ‘ધ પિસ્ટબર્ગ ડિસ્પેચ’માં લેખ છપાયો હતો. મહિલાઓ ઘરકામ સિવાય શા કામની એવુ તેમાં લખાણ હતું. એ વાંચીને ૨૧ વર્ષની નેલીનો જીવ ઉકળી ઉઠયો અને તેણે અખબારના તંત્રીને પત્ર લખી મહિલાઓ ઘરકામ સિવાય ઘણું કરી શકે એવી દલીલ રજુ કરી. પત્રથી પ્રભાવિત થઈને તંત્રીએ નેલીને લેખ લખવાનું આમંત્રણ આપ્યુ અને નેલી એ પડકાર પાર પાડી બતાવ્યો. નેલીને અખબારમાં જ નોકરી મળી ગઈ!
થોડા વર્ષો પછી નેલી ન્યુયોર્ક આવી અને ત્યાં તેને જોસેફ પુલિત્ઝરના અખબાર ‘ધ ન્યુયોર્ક વર્લ્ડ’માં નોકરી મળી. સરકારી કૌભાંડો, સમાજમાં ચાલતા દુરાચારો વગેરે વિરૃદ્ધ આધાર-પૂરાવા સાથે લખવાને કારણે નેલી ‘ઈન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ (સંશોધનાત્મક પત્રકારત્વ)’ની ઓળખ બની ચૂકી હતી. ૧૮૭૩માં જ જુલ્સ વર્નની વિજ્ઞાનકથા ‘અરાઉન્ડ ધ વર્લ્ડ ઈન એઈટી ડેય્ઝ’ આવી હતી. નેલીએ પોતાના તંત્રી સમક્ષ રજૂઆત કરી કે હું વર્નની ગણતરી કરતાં પણ ઓછા દિવસમાં પૃથ્વીની પરિક્રમા કરી શકુ એમ છું. તમે મોકલશો?
અગાઉ કોઈ મહિલાએ આવો વિક્રમી પ્રવાસ કર્યો ન હતો. એટલે ડર હતો અને તક પણ હતી. કોઈ હા પાડે કે નહીં તેની રાહ વગર જ નેલી ૧૮૮૯ની ૧૪મી નવેમ્બરે (આજે યુવતીઓ ખભે ભરાવીને ફેરવે છે, એવડી) નાની બે બેગ લઈને નીકળી પડી. અત્યંત જરૃરી હોય એવો જ સામાન સાથે લીધો હતો. ન્યુયોર્કથી જહાજમાં ચડીને ઈંગ્લેન્ડ પહોંચી. પ્રવાસ દરમિયાન મહત્ત્વની નોંધો એ અખબારને તાર કરી દેતી હતી, જ્યારે વિગતવાર લેખ પોસ્ટ દ્વારા મોકલતી હતી. એટલે ન્યુયોર્ક વર્લ્ડ માટે તેનો પ્રવાસ લાભદાયી સાબિત થઈ રહ્યો હતો. ઈંગ્લેન્ડથી ફ્રાન્સ આવી અને ફ્રાન્સમાં નેલી એક મહાનુભાવને મળવા પહોંચી. અહીં મહાનુભાવને તેણે કહ્યું કે હું ૮૦ દિવસથી ઓછા સમયમાં પૃથ્વી ફરવા નીકળી છું. શું એ શક્ય છે? તેને જવાબ મળ્યો, હા કેમ નહીં! બિલકુલ શક્ય છે. એ વાતે નેલીને પ્રોત્સાહન આપ્યું. એ મહાનુભાવ એટલે જુલ્સ વર્ન પોતે!
વર્નના પ્રોત્સાહન પછી નેલી યુરોપથી મધ્ય એશિયા, મધ્ય એશિયાથી શ્રીલંકા, હોંગકોંગ, જાપાન અને છેવટે ફરી અમેરિકા પહોંચી. સાન ફ્રાન્સિસકોથી ટ્રેનમાં બેઠેલી નેલી ૧૮૯૦ની ૨૫મી જાન્યુઆરીએ ન્યુયોર્ક પહોંચી ત્યારે ૭૨ દિવસ, ૬ કલાક, ૧૧ મિનિટ અને ૧૪ સેકન્ડ થઈ હતી. નેલીએ કલાકે સરેરાશ ૪૬.૨૦ કિલોમીટરની ઝડપે પૃથ્વીનો પ્રવાસ કર્યો હતો. નેલી સેલિબ્રિટી બની ગઈ અને તેના નામના પ્લે કાર્ડ, બોર્ડ ગેમ, વગેરે ચીજો બજારમાં મળતી થઈ.
૧૮૯૬ સુધી લેખન-પત્રકારત્વમાં સક્રિય રહ્યા પછી નેલીએ પોતાનાથી ત્રણ ગણી મોટી ઉંમરના ઊદ્યોગપતિ રોબર્ટ સીમેન સાથે લગ્ન કરી લીધા. રોબર્ટના દૂધના કેન બનાવાના કારખાનામાં સક્રિય થયેલી નેલીના નામે કેનની ડિઝાઈનની એક પેટન્ટ પણ નોંધાઈ છે. રોબર્ટના મોત પછી એ કંપની બહુ ચાલી નહી એટલે નેલી ફરી પત્રકારત્વમાં સક્રિય થઈ. ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધ શરૃ થઈ ગયુ હતું. યુદ્ધ મોરચે જઈને તેણે અહેવાલ લખવાની શરૃઆત કરી એટલે ૧૯૨૨માં ન્યુમોનિયાથી મોત થયુ ત્યાં સુધીમાં અમેરિકાની પ્રથમ યુદ્ધ પત્રકાર તરીકેનો વિક્રમ પણ તેના નામે લખાઈ ગયો હતો.
જગતગામિની જીન બારે
ફ્રેન્ચ એડમિરલ અને પ્રવાસી લુઈસ એન્તોઈન ૧૭૬૯માં ફ્રાન્સ તરફથી જળમાર્ગે ધરતીની પરકમ્મા કરવા નીકળ્યા. જહાજ ‘લા બોડિઅસ’માં કુલ ૩૦૦ પ્રવાસીઓ હતાં. નૌકાઅધિકારીઓ-ભુગોળજ્ઞાતાઓ-સંશોધકો એ પ્રકારના પ્રવાસીઓ.. એક પ્રવાસીનું નામ હતું જીન. જીનનું કામ વનસ્પતી-વેલાના અભ્યાસનું હતું. પ્રવાસ દરમિયાન જહાજ જ્યાં રોકાય ત્યાં ક્યા પ્રકારની વનસ્પતિસૃષ્ટી છે, તેનો અભ્યાસ જીન કરતાં હતાં. વનસ્પતિઓ અંગે જગતનું જ્ઞાન આજેય મર્યાદિત છે, એટલે ત્યારે તો સાવ નજીવુ હતું. પ્રવાસ પહેલાં ફ્રેન્ચ સરાકારે અગાઉ જાહેરાત કરીને વિશ્વ પ્રવાસે નીકળેલા જહાજી કાફલા માટે જીનની વનસ્પતિશાસ્ત્રીની નિમણૂક કરી હતી. અને ભરતી કરતી વખતે ફ્રેન્ચ અધિકારીઓને ખબર ન હતી કે તેઓ પુરુષ માનીને જે જીનની ભરતી કરી રહ્યાં છે એ જીન હકીકતે સ્ત્રી છે!
એ વખતે ફ્રેન્ચ નૌકા કાફલામાં સ્ત્રીઓને સ્થાન ન હતું. માટે જીન જહાજ પર પહેલેથી નક્કી થયેલા વનસ્પતિશાસ્ત્રી ફિલિબર્ટ સાથે સાંઠગાંઠ કરી પોતાને પુરુષ વેશમાં લઈ જવા સમજાવી લીધા હતાં.
જીન માટે એ સફર આસાન ન હતી. પોતાની છાતી છૂપાવવા માટે તેણે પુરુષના વસ્ત્રો એકદમ ટાઈટ કરીને પહેરવા પડતાં હતાં. કેબિન બહાર કામ વગર નીકળતી નહીં અને ફિલિબર્ટ સિવાય બીજા ખલાસીઓ સાથે કામ વગર વાત કરતા ન હતાં. ચસોચસ પહેરેલા વસ્ત્રોને કારણે તેેને શ્વાસ લેવાનીય તકલીફ થતી, પણ સહન કર્યા સિવાય છૂટકો ન હતો. પોતાની સલામતી માટે સાથે ભરેલી ગન રાખીને જ એ બહાર નીકળતાં. જોકે તેમની એ ચાલબાજી લાંબી ચાલી ન હતી. રસ્તામાં જ ખલાસીઓને ખબર પડી કઈ હતી કે જીન એ પુરુષ નથી મહિલા છે. એ વખતે મધદરિયે તો તેમને ઉતારી મૂકી શકાય એમ હતાં નહીં. પરંતુ ફ્રેન્ચ તાબાનું મોરેશિયસ આવ્યુ ત્યારે ફિલિબર્ટ અને જીન અહીં ઉતરી ગયા. કેટલોક સમય ત્યાં રહ્યાં પછી દેશમાં વાતાવરણ શાંત પડયુ ત્યારે જીન બીજા જહાસમાં બેસી ૧૭૭૪માં ફ્રાન્સ પહોંચ્યા. ત્યારે જીન બારે જગતના પ્રથમ મહિલા બન્યાં હતાં, જેમણે કોઈ પણ માર્ગે પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય! અલબત્ત, જીનને આવકારવા બંદર પર કોઈ હાજર ન હતું અને તેમની સિદ્ધિની ફ્રાન્સમાં ખાસ નોંધ પણ લેવાઈ ન હતી. મોડે મોડે સરકારે તેમના માટે પેન્શન જેવી સગવડે કરી આપી તેમની બાકીની જીંદગીમાં થોડી સરળતા આણી.
જીનના કામને કારણે તેમને ભુલી શકાય એમ ન હતાં. જગતના વનસ્પતિ ઇતિહાસમાં તેમનું પ્રદાન બહુ મહત્ત્વનું છે. તેમણે ઓળખેલા ઘણા છોડ-વેલા આજે લોકોના બગીચાઓ શોભાવે છે. એવા એક છોડનું નામ બોગનવેલ!
મીરાંબાઈઃ ધર્મ એ જ યાત્રા
મીરાંબાઈને કૃષ્ણ ભક્તિના કવિયત્રી તરીકે તો સૌ કોઈ ઓળખે છે, પણ મીરાંબાઈ પ્રવાસી પણ હતાં. ૧૬મી સદીમાં થઈ ગયેલા મીરાબાંઈ વિશે માહિતી ઓછી અને માન્યતા વધારે છે. એ વખતની સત્તાવાર નોંધો મળતી નથી એટલે અનેક કલ્પનાકથાઓથી મીરાંબાઈ વિંટળાઈ ચૂક્યા છે.
કવિ નિરંજન ભગતે મીરાંબાઈની જીવનકથામાં કરેલી નોંધ પ્રમાણે મીરાંબાઈ આખુ પશ્ચિમ ભારત ફર્યા હતાં. મૂળ તેઓ રાજસ્થાનના મેરતા પ્રદેશના ખરકીના કુંવરી હતાં. માતા-પિતા ગુમાવી ચૂકેલા મીરાંબાઈ વિષ્ણુભક્ત દાદા દુદાજી પાસે ઉછર્યા હતાં. ત્યારથી જ તેમને કૃષ્ણમાં રસ હતો. દાદાએ તેમને રાજકુંવરીને શોભે એ રીતે સંગીત-નૃત્ય-ગીત-કવિતા-તલવારબાજી-ઘોડેસવારી વગેરે કળાઓમાં નિપુણ બનાવ્યાં હતાં.
મીંરાબાઈ લગ્ન કરવા ઈચ્છતા ન હતાં. પરંતુ રાજપૂતો બાબર સામે એક થાય એ માટે રાજપુતોમાં આંતરીક સબંધો સ્થાપવા લગ્ન-સબંધો જોડવા જરૃરી હતાં. એ વખતે લગ્ન જીવન ન ભોગવવાની શરતે મીરાંએ પાણીગ્રહણ કર્યુ. તેમના પતિ ભોજરાજનું અવસાન થયા પછી રાજ મહેલમાં રહેવુ તેમના માટે કપરું હતું. માટે તેઓ કૃષ્ણના પગલે ચાલી નીકળ્યા. સૌથી પહેલા વ્રજ (ગોકુળ-મથુરા-વૃંદાવન) ગયાં. ત્યાં ભક્તિને નામે ચાલતો દંભ જોઈને વળી કૃષ્ણની શોધમાં આગળ નીકળ્યા. મથુરાથી કૃષ્ણ ક્યાં ગયાં હતાં? દ્વારિકા. મીરાં પણ દ્વારિકા આવ્યા.
દ્વારિકામાંય ઈશ્વરનો વેપાર ચાલતો જોઈ આગળ વધી દક્ષિણ ભારતના વિવિધ પ્રદેશોમાં ફર્યા. એ દરમિયાન તેમને મેવાડમાંથી તેડું આવ્યુ. એટલે તેઓ મેવાડ જવા તૈયાર થયા. થોડો સમય બાંધોગઢ રહ્યાં. ત્યાંથી ફરતાં ફરતાં અંબરગઢ પહોંચ્યા જ્યાં ભગવાનજીનું રાજ હતું. અહીં મીરાંને ઘણી શાંતિ મળી અને મધ્યકાલિન યુગના માંધાતાઓ પણ મળ્યાં. તુલસીદાસ, અકબર, બીરબલ.. વગેરે સાથે મીરાંબાઈની મુલાકાત થઈ. અને ૬૪ વર્ષની વયે અહીં જ તેમણે દેહત્યાગ કર્યો.
આજીવન યાત્રા કરનારા મીરાંબાઈ ક્યાં ક્યાં ફર્યા હતાં એ કુતૂહલનો વિષય છે. એટલે જ મેરીએલન વર્ડ જેવી મહિલા પ્રવાસ લેખીકાઓ આજે પણ મીરાં જ્યાં જ્યાં ફરી હતી ત્યાં ત્યાં ફરીને મીરાંની ભક્તિના રંગોથી તરબોળ થતાં રહે છે. જો મીરાંબાઈએ એક જ સ્થળે રહીને પદો રચ્યાં હોત તો કદાચ આજે સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારતમાં જાણીતા છે, એટલા ન પણ હોત.
ઈસાબેલા બર્ડઃ રોયલ સોસાયટીના રોયલ પ્રવાસી
૧૮૩૧માં જન્મેલી ઈસાબેલાને ટયુમરનું ઓપરેશન કરાવવુ પડયુ હતું. ઓપરેશન સો ટકા સફળ ન થયું એટલે ઈસાબેલાને ડિપ્રેશન અને અનિદ્રા જેવા રોગો રહ્યાં. ડોક્ટરે એ વખતે તેમને સલાહ આપી કે ઘર છોડીને બહાર ફરવાનું રાખો તો તમારી આ માંદગીમાં રાહત થશે. ઈસાબેલાના પિતા પણ એ વાતે સહમત થયા અને ઈસાબેલાને પગ મોકળો કરવા માટે ૧૦૦ પાઉન્ડ આપ્યાં.
શરૃઆતમાં ઈસાએ વતન ઈંગ્લેન્ડની આસપાસ આવેલા દેશોના નાનાં-નાનાં પ્રવાસો કર્યાં. ૧૮૭૨માં ઈસાબેલા હવાઈ ટાપુ પહોંચ્યા. અહીં આવેલા જ્વાળામુખી પર્વતો ઘણા પ્રખ્યાત છે. ઈસાબેલાએ ઘોડે સવારી શીખીને એ શિખર સર કર્યા અને તેના વિશે લેખો પણ લખ્યા. ૬ મહિના હવાઈમાં રહ્યા પછી અમેરિકા આવ્યા અને અમેરિકાનો પશ્ચિમ કાંઠો ઘોડા પર બેસીને ખૂંદી વળ્યાં. એ વખતે અમેરિકામાં લૂંટારાઓનો ત્રાસ રહેતો. એ લૂંટારાઓ સાથે પણ બાથ ભીડી. એ પછી જાપાન અને જાપાનથીય સંતોષ ન થયો એટલે જાપાનથી દક્ષિણ-પશ્ચિમે આવેલા એક મોટા દેશ તરફ આવ્યા. એ દેશ આપણો ભારત!
તિબેટના રસ્તે ભારતમાં પ્રવેશેલા ઈસાબેલાએ ઉત્તર ભારતનો પ્રવાસ કર્યો. તેમના પ્રવાસોથી પ્રભાવિત થઈ ઈંગ્લેન્ડમાંથી તેમને ઘણી મદદ મળી હતી. એ મદદનો ઉપયોગ કરી ઈસાબેલાએ અમૃતસર અને શ્રીનગરમાં દવાખાનાઓ પણ તૈયાર કરાવડાવ્યાં. ભારતનો પ્રવાસ તેમના માટે કઠણ સાબિત થયો. એક દિવસ નદી પસાર કરતી વખતે ઘોડા પરથી પડયાં અને તેમને કેટલાક મણકા ભાંગી ગયા. પરંતુ ઘરમાં બેઠા બેઠા બીમાર પડવા કરતાં બહાર ફરતા રહેવામાં ભાંગ-તૂટ થાય એ તેમને મંજૂર હતી.
સાજા થયા પછી આગળ વધી વાયા ઈરાનથી ફરી ઈંગ્લેન્ડ પહોંચ્યા. ઈંગ્લેન્ડમાં તેઓ બહુ પ્રચલિત થયાં હતાં. પોતે જોયેલી-જાણેલી દુનિયા વિશે તેમણે પ્રવચનો કર્યા અને લખ્યું પણ ખરાં. એ કામથી પ્રભાવિત થઈ બ્રિટનની જગવિખ્યાત ‘રોયલ જ્યોગ્રાફિક સોસાયટી’એ તેમને માનદ સભ્ય બનાવ્યાં. ૧૮૫૦માં સ્થપાયેલી સોસાયટીના તેઓ પહેલાં મહિલા સભ્ય હતાં.
૪૪ વર્ષે સેલિબ્રિટી બનેલા ઈસાબેલા ૧૯૦૪મા ચીનના પ્રવાસે ફરી એક વખત જવાનું વિચારી રહ્યાં હતાં, પણ ત્યાં સુધી જીવી શક્યાં નહીં.
આકાશીપરી સમાન્થા ક્રિસ્ટોફરેટી
સમાન્થાએ ૨૦૧૫ની ૧૧મી જુને ધરતી પર આવી ‘સોયુઝ’ યાનમાંથી બહાર પગ મૂક્યો ત્યારે તે અવકાશમાં ૧૯૯દિવસ, ૧૬કલાક, ૪૨ મિનિટ રહેનારી યાત્રી બની ચૂકી હતી. ‘ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન’માં અવકાશી કામગીરી માટે જતાં અવકાશયાત્રીઓમાં અનેક મહિલાઓ જઈ ચૂકી છે. પરંતુ એમાં સૌથી લાંબો પ્રવાસ કરવાનો વિક્રમ ઈટાલીની સમાન્થાએ નોંધાવ્યો છે. ૨૦૦ દિવસ જો કે સમાન્થાએ એક જ સફરમાં પુરા નથી કર્યા. તેના વિવિધ અવકાશ પ્રવાસો મળીને અવકાશમાં રહેવાનો કુલ સમય ૨૦૦ દિવસ થાય છે.
સમાન્થાપહેલાં રેકોર્ડ ગુજરાતીગર્લ સુનિતા વિલિયમ્સના નામે હતો. અવકાશયાત્રામાં જોડાતા પહેલાં ૩૮વર્ષની સમાન્થા ઈટાલીયન એરફોર્સની પાઈલટ હતી. લાંબો સમય રહેવા ઉપરાંત પ્રથમ ઇટાલીયન અવકાશ પ્રવાસી સહિતના ઘણા વિક્રમો તેણે પોતાના નામે નોંધાવ્યા છે. અડધી સદી પહેલા આકાશમાં પહોંચેલા રશિયન અવકાશયાત્રી વેલેન્તિના ત્રેસ્કોવાનો વારસો સમાન્થા જેવી ઘણી મહિલા અવકાશપરીઓ જાળવી રહી છે.
***
પેકેજ ટુરમાં જવું, નિશ્ચિત કરેલા ધર્મસ્થાનોએ માથુ નમાવવુ, થ્રી-ડે, ફોર નાઈટનું પેકેજ પુરું કરવું.. એટલા માત્રથી પ્રવાસ નથી થઈ જતો. પોતે પણ કંઈક શીખે અને પોતાની સફર સમાજ માટેય ઉપયોગી થાય એ ખરાં પ્રવાસી ગણવા રહ્યાં. એટલે અહીં વાત કરી એ બધા પહેલી નજરે સંઘમાં જોડાયેલા પ્રવાસીઓ જેવા ન લાગે છતાં, પણ મહાન મહિલા મુસાફરોની યાદી થાય તો તેમના નામો પ્રથમ દસમાં મૂકવા રહ્યાં.