બ્રિટિનના ગ્રેહામ હ્યુજીસે એક પણ વખત હવાઈ જહાજમાં બેસ્યા વગર દુનિયાના તમામ ૨૦૧ દેશોની સફર ખેડી બતાવી. રોજના દસ પાઉન્ડના ખર્ચના બજેટ સાથે તેણે આ રોમાંચક સફર પુરી કરવામાં ૧૪૨૬ દિવસ લગાડયા હતા.
‘જાન્યુઆરી ૧, ૨૦૦૯.
એ દિવસે મે મારી સફરનો આરંભ કર્યો. હું દક્ષિણ અમેરિકા ખંડના દેશ આર્જેન્ટિનાના પાટનગર બ્યુએનોસ એરિસમાં હતો. મારે ત્યાંથી પડોશી દેશ ઉરુગ્વેના કોલોનીઆ ખાતે પહોંચવાનું હતું. એરિસ અને કોલોનિઆ વચ્ચે માત્ર દરિયાની ખાડી જ છે, એટલે મેં ફેરીબોટની સવારી પસંદ કરી હતી. થોડા કલાકો પછી જ હું એક દેશમાંથી બીજા દેશમાં પહોંચી ગયો. સરહદો ઓળંગવાની મારી મેરેથોન યાત્રાની એ શરૃઆત હતી…’
બ્રિટિશ સાહસિક ગ્રેહામ હ્યુજીસે ૧૪૨૬ દિવસમાં દુનિયાના ૨૦૧ દેશોની મુલાકાત લઈ ગિનેસ બૂક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. અહીં જે વર્ણન આપ્યું એ ગ્રેહામના પ્રવાસના આરંભનું છે. ૨૦૦૯માં પ્રવાસ શરૃ કર્યો ત્યારે ગ્રેહામને કુલ ૨૦૦ દેશોની મુલાકાત લેવાની હતી. પણ ગ્રેહામની સફર ચાલુ હતી એ વખતે જ જુલાઈ ૨૦૧૧માં દક્ષિણ સુદાન નામે નવો દેશ પેદા થયો. પરિણામે પ્રવાસમાં થોડો ફેરફાર કરી ગ્રેહામ યુગાન્ડાની સરહદેથી દક્ષિણ સુદાનમાં પ્રવેશ્યો. દક્ષિણ સુદાનના પાટનગર જુબામાં જઈ પાસપોર્ટ પર સિક્કો મરાવ્યો એ દિવસ ૨૬મી નવેમ્બરનો હતો. એ સિક્કા સાથે જ ગ્રેહામ હવાઈ જહાજમાં સફર કર્યા વગર આખી દુનિયા ઘૂમનારો જગતનો એકમાત્ર વ્યક્તિ બની ગયો.
જુલે વર્નથી પ્રેરણા મળી
ગ્રેહામ નાનો હતો ત્યારે તેના પિતા તેને અસાધારણ સ્થળોએ ફરવા લઈ જતાં. જુલ્સ વર્ને લખેલી ‘એરાઉન્ડ ધ વર્લ્ડ ઈન ૮૦ ડેય્ઝ’ પરથી બનેલી સિરિયલ પણ નાનપણમાં ગ્રેહામે જોયેલી. ત્યારથી તેનો વિચાર આખી દુનિયા ઘૂમવાનો હતો. એ વિચાર વર્ષો સુધી તેના મગજમાં ઘૂમતો રહ્યોં. દરમિયાન ઈંગ્લેન્ડના લિવરપૂલમાં જન્મેલો મોટો થયેલો ગ્રેહામ કામે વળગ્યો, ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવતો અને મ્યુઝિક આલ્બમમાં કામ કરતો. આખરે ૨૦૦૮માં ગ્રેહામે નક્કી કર્યું કે દુનિયા ફરવી છે, એવી વાતો કરવાથી કશું નહીં વળે. પ્રવાસ આરંભવો જ પડશે.
પ્રવાસ માટે મનમાં ગાંઠ વાળી લીધા પછી એ સૌથી પહેલો ‘નેશનલ જ્યોગ્રાફિક એડવેન્ચર ચેનલ’ના એક ઉપરી અધિકારી પાસે ગયો અને પોતાનો આઇડિયા સમજાવ્યો. અધિકારીને પ્રોજેક્ટમાં રસ પડયો એટલે તેની સફરનું શૂટિંગ કરી તેના આધારે ટેલિવિજન કાર્યક્રમ બનાવવાનું પણ નક્કી થયું. ગ્રેહામે ૮ મહિના સુધી તૈયારી કરી. દવા-દારૃ સહિતની જરૃરી સામગ્રી ભેગી કરી. પ્રવાસ કેટલો લાંબો ચાલે એની ખબર ન હતી માટે આકસ્મિક સંજોગોને પહોંચી વળવાની પણ માનસિક તૈયારી કરી. આખી દુનિયા ફરવું એ પહેલેથી નક્કી હતું, પણ પ્રવાસ સાથે જો કોઈ ઉદ્દેશ ભળે તો પ્રવાસને પુરતી પ્રસિદ્ધી અને મહત્ત્વ મળે. એટલે ગ્રેહામે પ્રવાસ દરમિયાન પૈસા એકઠા કરી સંયુક્ત રાષ્ટ્રસંઘની પીવાના પાણી માટે કામ કરતી વોટર એઈડ નામની સંસ્થાને આપવાનું જાહેર કર્યુ.
પ્રવાસના નિયમો કેવા હતા?
પોતે આવો રેકોર્ડ નોંધાવા જઈ રહ્યો છે, તેની ગિનેસ બૂકને પણ જાણ કરી. પ્રવાસમાં ક્યાંય હવાઈ મુસાફરી ન કરવી એ પહેલેથી જ નક્કી હતું. માટે ગિનેસના અધિકારીઓએ ગ્રેહામને એ સિવાયના નિયમો સમજાવ્યા, કે જો ભાઈ, તારે પ્રવાસમાં ક્યાંય પણ તારે કોઈ વાહન ચલાવવાનું નથી. એ રીતે પ્રાઈવેટ વાહન ભાડે કરી લાંબી મુસાફરી પણ કરવાની નથી. સરકારી અને જાહેર પરિવનના સાધનોનો જ મહત્તમ ઉપયોગ કરવાનો છે. એ શરત સાથે ૨૦૦૯ની પહેલી જાન્યુઆરીએ ગ્રેહામે પ્રવાસ આરંભ્યો…
ગ્રેહામ પહેલા રેકોર્ડ કોના નામે હતો?
આખી દુનિયા ઘૂમવા નીકળેલો ગ્રેહામ પહેલો ન હતો. પુરાણોમાં ફંફોસીએ તો શંકરપુત્ર કાર્તિકેયે પૃથ્વીની પ્રદક્ષિણા કરી હતી અને ઇતિહાસમાં ફર્ડિનાન્ડ મેંગેલન પૃથ્વીની પહેલી પરિક્રમા કરનાર સાહસિક તરીકે નોંધાયેલો છે. એ પછી પણ અનેક સાહસિકોએ પૃથ્વીના સાતેય ખંડો પગતળે કર્યા છે. પણ કંઈક નવતર રીતે પ્રવાસ કરે તો જ દુનિયા નોંધ લે. એટલે ગ્રેહામે અગાઉ કોઈએ ન કર્યું હોય એવું જોખમ ઉપાડયું. દુનિયાના ૧૯૪ દેશો તો ભારતીય મૂળના અને હાલ દુબઈ રહેતા કાશી સામાદાર ક્યારના ફરી ચુક્યા છે. કાશીએ પોતાની યાત્રા ૨૦૦૨માં શરૃ કરી ૬ વર્ષ, દસ મહિના અને સાત દિવસ બાદ ૨૦૦૮માં પુરી કરી હતી. પણ એમની રખડપટ્ટીમાં ઘણી હવાઈયાત્રાઓ શામેલ હતી. કાશીના પ્રવાસનો કુલ ખર્ચ ત્યારે ૩.૫ લાખ પાઉન્ડ થયો હતો. તેમણે હોલેન્ડથી શરૃ કરી કોસોવોમાં પ્રવાસ પુર્ણ કર્યો હતો.
પૂર્વસૂરીઓના વિક્રમો નજર સામે રાખી ગ્રેહામે પ્રવાસ કરવાનો હતો. આવા પ્રવાસમાં કોઈ દેશમાં અનિવાર્ય ન હોય ત્યાં સુધી લાંબુ રોકાવાનું કોઈ કારણ હોતું નથી. જે-તે દેશમાં પગ મુક્યો ન મુક્યો ત્યાં તો રવાના થવાનું હોય છે. મૂળ તો જે દેશમાં પ્રવેશો એ દેશનો સિક્કો પાસપોર્ટ પર લાગવો જોઈએ. બસ એટલું થાય એટલે યાત્રા પુરી. ત્યાંથી બીજા દેશમાં, ત્યાં વળી સિક્કો મરાવી ત્રીજા દેશમાં.. યાત્રા શરૃ કર્યાના પહેલા બે સપ્તાહમાં જ ૧૨ દેશોનો પ્રવાસ કરી લીધો. એ વખતે ગ્રેહામને એમ થયું કે વિશ્વ આખુ રખડવું તો સાવ સહેલું છે! જોકે જેમ પ્રવાસ આગળ વધતો ગયો એમ એમ ગ્રેહામની મુશ્કેલીઓ વધતી ગઈ.
હોડીમાં કાણુ પડ્યું, પ્રવાસ આગળ કેમ ચલાવવો?
આફ્રિકાના કાંઠે એટલાન્ટિક મહાસાગરમાં કેપ વર્દે નામનો ટાપુ દેશ આવેલો છે. ત્યાં સુધી પહોંચવા કોઈ હોડી મળે નહીં, કેમ કે મોટા ભાગે તો પ્લેન દ્વારા જ આવ-જા થતી હોય. માંડ માંડ કરીને હોડીનો મેળ કરી ગ્રેહામે કેપ તરફની યાત્રા આરંભી. રસ્તામાં હોડીમાં કાણુ પડી ગયું તો પણ સાંધા કરીને ચાર દિવસે કેપ વર્દેના કાંઠે પહોંચ્યા. ત્યારે તેમને હાશકારો થયો પણ એ હાશકારો લાંબો ચાલી શક્યો નહીં. કેપ વર્દે સરકારે ગ્રેહામની ધરપકડ કરી અને એક અઠવાડિયુ જેલમાં રાખ્યો, કેમ કે એ ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ્યો હતો!
બધી તપાસના અંતે ખબર પડી કે ગ્રેહામ કોઈ રીતે આપણા દેશને હાની પહોંચાડે એમ નથી ત્યારે જ તેને મુક્ત કરાયો. પ્રવાસમાં આવી તો ઘણી જેલયાત્રાઓ તેને ભોગવવી પડી. કોંગોમાં તેને જાસૂસ માની છ દિવસ સુધી જેલમાં પુરી રખાયો. ક્યુબા, કેમરોન વગેરે દેશોમાં પણ સળિયા ગણવા પડયા. રશિયામાં વળી પોલીસે તેની કાનુન ભંગ માટે અટકાયત કરી હતી.
રોજ ૧૦ પાઉન્ડથી વધારે ખર્ચ નહીં
પ્રવાસ દરમિયાન નેશનલ જ્યોગ્રાફિક ચેનલ પર આઠ અઠવાડિયા સુધી તેનો ‘ગ્રેહામ્સ વર્લ્ડ’ નામે કાર્યક્રમ આવતો રહેતો. એ શૂટિંગ માટેની ટીમ પોતાની રીતે અલગ પ્રવાસ કરતી હતી. ગ્રેહામે તો પ્રવાસ આરંભતી વખતે જ નક્કી કરેલું કે રોજના સરેરાશ ૧૦ પાઉન્ડ એટલે કે ૮૯૦ રૃપિયા કરતાં વધારે ખર્ચ થવો ન જોઈએ. એ રીતે તેનો ૧૪૨૬ દિવસનો પ્રવાસ તો ૧૪૨૬૦ પાઉન્ડ એટલે કે ૧૨,૭૦,૦૦૦ રૃપિયામાં પુરો કર્યો છે. જોકે તેનો પ્રવાસ સાવ પુરો નથી થયો. આ આંકડો દક્ષિણ સુદાનના પાટનગર સુધીની યાત્રાનો છે.દક્ષિણ સુદાનમાં પ્રવેશીને સત્તાવાર રીતે ગ્રેહામે આખા જગતની હવાઈ જહાજની સફર વગર યાત્રા કરી લીધી છે. હવે એ સુદાનથી પોતાના વતન બ્રિટનના લિવરપૂલમાં જઈ રહ્યો છે. એમાં પણ હવાઈયાત્રા તો નથી જ કરવાની..
રખડપટ્ટીના આરંભ વખતે દક્ષિણ સુદાન ગ્રેહામના લિસ્ટમાં ન હતું કેમ કે એ દેશનું અસ્તિત્વ જ ન હતું. આયોજન પ્રમાણે ન્યૂઝિલેન્ડમાં જઈ પ્રવાસની પૂર્ણાહુતી કરવાની હતી. આખો આફ્રિકા ખંડ તો ગ્રેહામે પ્રવાસના આરંભિક તબક્કામાં જ પતાવી દીધો હતો. પણ દરમિયાન પ્રવાસ વખતે જ જુલાઈ ૨૦૧૧માં દક્ષિણ સુદાન નામના નવા દેશના જન્મના ખબર મળ્યાં. એટલે હવે એનો પણ પ્રવાસ કર્યે જ છુટકો એમ માની ગ્રેહામે ત્યાં પણ પગ મુક્યો.
અણધારી આફત
પ્રવાસ દરમિયાન એક અણધારી આફત આવી પડેલી. બન્યું એવું કે બ્રિટનમાં રહેતી ગ્રેહામની ૩૯ વર્ષની બહેનનું કેન્સરથી મોત થયું. ત્યાં તો તત્કાળ પહોંચવુ જ પડે. એ વખતે ગ્રેહામ ઓસ્ટ્રેલિયા હતો. ત્યાંથી તે પ્લેનમાં તત્કાળ બ્રિટન આવ્યો, પોતાની બહેનના અંતિમ દર્શન કર્યાં અને ફરી જ્યાં હતો ત્યાં જ ઓસ્ટ્રેલિયામાં પહોંચી, પ્રવાસ આગળ ધપાવ્યો. પરિણામે તેનો હવાઈ જહાજના ઉપયોગ વગર દુનિયા ફરવાનો વિક્રમ અકબંધ રહ્યો.
૧,૪૨૬ દિવસમાં ગ્રેહામે ભારતના હાથી જોયા છે, પાલાઉની જેલી ફીશ સાથે સ્વિમિંગ કર્યું છે, સોમાલિયાના ચાંચિયાઓ સાથે પણ દિવસ પસાર કર્યો છે, બોલિવિયાના ડેથ રોડ પર પ્રવાસ કર્યો છે, કેરેબિયન ટાપુના દરિયાકાંઠા પર પગલાં પાડયા છે, પાપુઆ ન્યુગીની આદિવાસીઓ સાથે ડાન્સ કર્યો છે અને બોર્નિયોના જંગલમાં દુર્લભ વાનર પ્રજાતિ ઓરાંગ ઉટાનના પણ દર્શન કર્યાં છે. અફઘાનિસ્તા, ઈરાક અને ઉત્તર કોરિયા જેવા સળગતા દેશોમાં પણ ગ્રેહામે પહોંચવામાં સફળતા મેળવી છે. એ દરમિયાન ક્યાંક ચાલીને તો ક્યાંક ફેરી બોટમાં તો ક્યાંક, ખટારમાં તો ક્યાંક ટ્રેનમાં તો ક્યાંક તૂટેલી હોડીમાં સફર કરવી પડી છે!
રોજનો સરેરાશ પોણા બસ્સો કિલોમીટરનો પ્રવાસ
સંયુક્ત રાષ્ટ્રસંઘના ચોપડે ૧૯ દેશો નોંધાયેલા છે. એ ઉપરાંત રાષ્ટ્રસંઘના સભ્ય ન હોય એવા તાઈવાન, વેટિકન સિટી, વેસ્ટર્ન સહારા અને યુનાઈટેડ કિંગડમના ખંડિયા ચાર દેશોની ગ્રેહામે મુલાકાત લીધી છે. યાત્રામાં ગ્રેહામે ૨,૫૦,૦૦૦ કરતાં વધારે કિલોમીટરનો એટલેકે ૧૪૨૬ દિવસમાં રોજનો સરેરાશ પોણા બસ્સો કિલોમીટરનો પ્રવાસ કર્યોછે. યુરોપના ૫૦ દેશોનો પ્રવાસ માત્ર ૨૦ દિવસમાં ફરી શકાયા કેમ કે મોટા ભાગના દેશો રેલવે દ્વારા એક-બીજાથી જોડાયેલા છે. એ રીતે અમેરિકા અને આફ્રિકાની યાત્રા પણ ખાસ વાંધાજનક ન રહી. સફર શરૃ કર્યાના એક વર્ષમાં તો ગ્રેહામે ૧૩૩ દેશોના સિક્કા પોતાના પાસપોર્ટ પર મરાવી લીધા હતા અને હવે માત્ર ૬૭ દેશો જ બાકી રહ્યાં હતાં. પણ એ પછી ક્રમશઃ પ્રવાસમાં અડચણ વધતી ગઈ અને ગ્રેહામની ગતિ ઘટતી ગઈ.
એશિયાના દેશોના વિઝાના નિયમોએ ગ્રેહામનો ઘણો સમય બગાડયો. જેમ કે કુવૈત અને સાઉદીયા આમ તો એક પુલથી જોડાયેલા છે, પણ કુવૈતમાં પહોંચેલા ગ્રેહામને સાઉદીના વિઝા મળતાં ૫૦ દિવસ થયા હતાં. તો વળી દુબઈમાંથી ભારત-પાકિસ્તાન આવતું જહાજ શોધવામાં ચાર અઠવાડિયા સુધી રાહ જોવી પડી હતી. દુબઈમાં જોકે ગ્રેહામને અગાઉના રેકોર્ડ હોલ્ડર કાશીની મહેમાનગતિનો લાભ મળ્યો હતો. તો વળી ઈસ્ટ તિમોરમાં રાષ્ટ્રપતિએ અને તુવાલુમાં વડા પ્રધાને તેને આવકાર્યો હતો. તો વળી ક્યાંક કોઈક દેશોમાં પગ મુકવામાં પણ મુશ્કેલી પડી હતી. સૌથી મોટી સમસ્યા દૂર દૂર ફેલાયેલા ટાપુ દેશોમાં પહોંચવામાં થઈ. ટાપુ અત્યંત નાના હોય પણ એકાદ મોટા દેશથી હજારો કિલોમીટર દૂર હોય. ત્યાં પ્લેનની મદદ વગર પહોંચવુ હોય તો દિવસો સુધી કોઈ જહાજ કે હોડી મળે તેની રાહ જોવી જ પડે. આપણે જેને વેસ્ટ ઈન્ડિઝ તરીકે ઓળખીએ છીએ એ કેરેબિયન ટાપુઓ બે અઠવાડિયામાં ફરાઈ જશે એવી ગ્રેહામની ધારણા હતી પણ હકીકતે ત્યાં ૨ મહિના પસાર થઈ ગયા.
આખી યાત્રા પછી ગ્રેહામે કહ્યું કે મારે એક જ વાત સાબિત કરવી હતી કે જે જોવા લાયક સ્થળો દેખાય છે, એ ઉપરાંતની પણ દુનિયા છે. હું એ સાબિત કરવામાં સફળ થયો છું, એટલે હવે નવું કોઈ સાહસ આરંભુ ત્યાં સુધી આરામ..