
1969માં ‘ધ ગોડફાધર’ નવલકથા પ્રગટ થઈ તેના બે વર્ષમાં 90 લાખથી વધારે નકલો વેચાઈ હતી. હવે એ કથા ગુજરાતીમાં ઉપલબ્ધ છે.
ગોડફાધર- મારિયો પુઝો
અનુવાદ – સૌરભ શાહ
પ્રકાશક – આર. આર. શેઠ, અમદાવાદ (079-25506573)
કિંમત – 275 (2013 પ્રથમ આવૃત્તિની)
પાનાં – 360

અમેરિકન લેખક મારીયો પૂઝોએ લખેલી અન્ડરવર્લ્ડની કથા ગોડફાધર જગવિખ્યાત નવલકથા છે. અન્ડરવર્લ્ડની દુનિયા કેવી હોય, તેનું કામકાજ કેમ ચાલતું હોય, અંડરવર્લ્ડ એટલે શું, ઇટાલીના સીસિલી ટાપુ પરથી અમેરિકામાં આયાત થયેલી માફિયા-પ્રથા વગેરેનું વિગતવાર અને અતિ રસપ્રદ રીતે વર્ણન આ નવલકથામાં છે. તેના પરથી બનેલી 3 ફિલ્મ પણ હોલિવૂડમાં સુપરસ્ટારનું સ્થાન ભોગવે છે.
ગોડફાધરની આ કથાનો હવે સદભાગ્યે ગુજરાતીમાં અનુવાદ ઉપલબ્ધ થયો છે. જગતના ઘણા ઉત્તમોત્તમ અનુવાદો ગુજરાતી ભાષામાં પ્રગટ કરનારા આર.આર.શેઠે આ કથા ગુજરાતીમાં પ્રકાશિત કરી છે. અનુવાદનું કામ લેખક સૌરભ શાહે કર્યું છે, જેમની પોતાની આગવી અને પ્રભાવશાળી લેખન શૈલી છે. અનુવાદની એ ભવ્યતા આ પુસ્તક માં ઠેર ઠેર દેખાય છે. મૂળ કથા બેશક રસપ્રદ હશે, પરંતુ તેનો અનુવાદ અતી રસપ્રદ છે તેની કોઈ ના કહી શકે એમ નથી.
પુસ્તક મૂળભૂત રીતે અન્ડરવર્લ્ડનું રામાયણ અને મહાભારત બન્ને છે. એ પુસ્તકના અહીં કેટલાક અંશો રજૂ કર્યા છે, જેના પરથી પુસ્તકમાં શું છે, કેવું છે, તેનો અંદાજ મળી રહેશે.

- આપણને બેવકૂફ બનાવવામાં આવ્યા છે. થોડી ખામોશી બાદ અને નિર્ણય કરી નાખ્યો. આ નિશ્ચય બદલ જે કિંમત ભરપાઈ કરવી પડે તે, હવે એને કોઈ ડર નહોતો. તેણે પત્નીને કહ્યું, આપણે ઇન્સાફ માટે ડોન કોર્લીઓનના શરણે જઈશું.
- જ્હોનીને અત્યારે એક જ વ્યક્તિની જરૂર હતી – પોતાના ગોડફાધર કોર્લીઓનની.
- પણ દુશ્મન દેશમાંથી પકડાઈને આવેલા યુદ્ધ કેદીને કાયદેસર અમેરિકન નાગરિક બનાવવાનો પરવાનો અપાવવાનું ગજું આ દુનિયામાં કોઈનો નહોતું -સિવાય કે એક માણસનું. ગોડફાધર ડોન કોર્લીઓન.
- ડોન કરતાંય જો તમે એમને ‘ગોડફાધર’ના વધારે આદરભર્યા, વધારે લાગણીભર્યા નામે બોલાવો તો સોનામાં સુગંધ ભળવાની.
- બીજા વિશ્વયુદ્ધનાં બ્યુગલ વાગતાંની સાથે જ માઈકલે નક્કી કર્યું હતું તે મારે દેશ વતી લડવા જવું છે. અમેરિકાની મરીન કોરમાં એ ભરતી થઈ ગયો. બાપાએ ઘસીને ના પાડી હતી છતાં ધરાર એ લશ્કરમાં ગયો. ડોન પોતાને જ સરકાર માનતા, પોતાના સિવાયની કોઈ અમેરિકન સરકાર માટે દીકરો લડીને ખુવાર થઈ જાય એ ડોનને બિલકુલ મંજૂર નહોતું.
- કારણ કે સામેવાળો માણસ ગમે એટલો સામાન્ય હોય, સાધારણ હોય, પણ જો આંખો ખુલ્લી રાખીને જીવતો હશે તો એની જિંદગી દરમિયાન એક તક એવી આવવાની જ્યારે સૌથી શક્તિશાળી માણસ સામે પણ બદલો લઈ શકવાનો.
- શરૂઆતની જિંદગીના કડવા અનુભવો પછી ડોન જાણતા હતા કે કોઈની પાસે મદદ માંગવા જવા માટે કેટલી હિંમત ભેગી કરવી પડે છે.
- ખૂનખરાબા ની બાબતમાં લુકા બ્રાઝીની ખ્યાતિ બેજોડ હતી. ડોન કોર્લીઓન માટેની એની વફાદારીની ગાથાઓ ગવાતી. ડોનના વિશાળ સામ્રાજ્યનો એ એક મજબૂત સ્તંભ હતો. એના જેવા માણસો ભગવાન હવે ઘડે જ છે ક્યાં?
- આખી દુનિયામાં લુકા બ્રાઝી જ એવો આદમી હતો જેને જોઇને ડોનને પણ પરસેવો વળી જતો.

- ડોને આગળ ચલાવ્યું, એક વાત તું બરાબર સમજી લે, આ દુનિયામાં જે કંઈ છે તે દોસ્તી જ છે. તમારી આ ટેલેન્ટ-ફેલેન્ટ કરતાં વધારે તાકાત છે દોસ્તીમાં. મોટા મોટા દેશોની સરકાર કરતાં પણ આ પાવરફુલ ચીજ દોસ્તી છે. સમજને દોસ્તી પરિવાર જેટલી જ પાવરફૂલ ચીજ છે.
- હેગનના જર્મન-આયરિશ ચહેરા પર અહોભાવની ઇટાલિયન લાગણી પ્રગટી.
- બહુ જ પ્રેમથી. પેલાના કપાળ પર પિસ્તોલ અડાડીને ડોને સમજાવ્યું કે એક મિનિટમાં તારા દસ્તખત અથવા તારું ભેજું -બેમાંથી એક આ ડોક્યુમેન્ટ પર હશે.
- દોસ્તી કોને કહેવાય એની ખબર સ્ત્રીઓ કરતાં પુરુષોને વધારે હોવાની.
- નર્સે એની સામે અપલક નજરે જોઈને ખુલ્લું આમંત્રણ આપ્યું. જહોનીએ ભવિષ્યમાં કામ લાગે એવી છોકરીઓની યાદીમાં મનોમન આ ચહેરાનો ઉમેરો કરી દીધો અને બીજાઓની સાથે દર્દીના રૂમમાં પ્રવેશ્યો.
- સો માણસો પોતાની ગનથી જેટલી લૂંટ ચલાવી શકે એના કરતાં એક વકીલ પોતાની બ્રીફકેસથી વધારે રકમ લૂંટી શકે.
- એક કિસ્સામાં હેગને ડોનને સતત આઠ કલાક સુધી કોઈની સાથે મંત્રણાના ટેબલ પર જોયા હતા. સામેથી આવતા અપમાનોને ગળીને ડોને એક નામચીન અને પોતાને બહુ પાવરફુલ માનતા માણસને સમજાવવાની ઘણી કોશિશ કરી હતી.
- સેકસની બાબતમાં ડોનની આબરૂ સીધા ને સટ આદમીની હતી.
- મેં સાંભળ્યું છે, ડોન કોર્લીઓન, બૂટપોલિશ કરનારાઓના ગજવામાં જેમ પરચૂરણનો ઢગલો હોય એટલા જજસાહેબોને તમે ખિસ્સામાં લઈને ફરો છો..
- એ તાત્કાલિક પામી ગયો હતો કે આ કામ સોલ્તોઝોનું છે. પણ ડોન જેવા પાવરફુલ માણસને ઉડાવવાનું જોખમ લેવાનું સોલ્તોઝો એકલાનું ગજું નથી.
- બહારથી કોઈને ખ્યાલ ન આવે કે કોઈ ભવ્યતા કે આડંબર વિનાનો આ કોમ્પલેક્ષ વાસ્તવમાં અભેદ્ય કિલ્લા જેવો હતો.
- પણ જેની પાસે ધન છે એ નિર્ધન કરતાં વધારે લાલચું હોય છે.

- અને હવે જ્યારે ડોન જીવે છે એવી ખબર પડી ગઈ છે ત્યારે એના જેવા મજબૂત માણસની પણ હવા ટાઈટ થઈ ગઈ હશે. ગધેડાની પછવાડે કીડીઓ ઘૂસી જાય અને જે રીતે એ કૂદાકૂદ કરે એમ જ એ મનમાં છટપટાતો હશે.
- અહીં તેણે પોતાનો પાયાનો સિદ્ધાંત વાપર્યો: આજે નહિ અને કાલે, ભવિષ્યમાં ગમે ત્યારે કંઈક એવું બન્યું ને મારા જ કોઈ સાથીએ સ્વાર્થ ખાતર મારી વિરુદ્ધ જુબાની આપવાનું નક્કી કર્યું તો શું થાય?
- છછુંદરર જેવા મોઢાવાળા પોલીએ બારીકાઈથી કલેમેન્ઝાનો ચહેરો તપાસ્યો, શંકાની કોઇ એંધાણી મળે છે કે કેમ.
- પરોઢ થતાં પહેલાં એ ક્યારે પથારી ભેગો થતો નહીં એટલે સવારના ચાર વાગ્યાની મિટિંગનું સૂચન બીજા કોઈને લાગે એટલું અજુગતું નહોતું.
- તેસીયોએ પોતાના શબ્દો કોઈને વાગે નહીં એ રીતે હસીને કહ્યું, ‘એ તો સ્કૂલની મેચમાં રમતા ખેલાડીને વર્લ્ડ કપની સિરીઝમાં મોકલવા જેવું થશે’.
- મેકલ્સ્કી કડક સ્વભાવનો હતો. એને એનું પોતાનું ઈમાન હતું. દુકાનદારો ગમે ત્યાં ગંદવાડ નાખીને કે ગમે તે જગ્યાએ ગાડી પાર્ક કરીને કાયદાનું છડેચોક ઉલ્લંઘન કરતા હોય એ માટે હપ્તો ઉઘરાવવા એ ક્યારેય પોતાના દીકરાનો ઉપયોગ નહોતો કરતો. એ કામ એ જાતે પોતે કરતો.
- કોર્લીઓન દેશના ટોચના માફિયા સરદારોમાંનો એક હતો અને એક જમાનામાં અલ કપોનની જેટલી પોલિટિકલ વગ હતી એના કરતાં ક્યાંય વધારે વગ આ ગેન્ગસ્ટરની હતી. જે કોઈ એની સુપારી લે તે દેશનું ભલું જ કરવાનો.
- ગનમાંથી ગોળી છૂટે ત્યારે ધડાકાનો મોટો અવાજ થાય એવુ સેટિંગ રાખવાનું હતું. આજુબાજુ ઊભેલા માણસો ધમાચકડી જોઈને કોઈનું ભલું કરી નાખવાની હોંશમાં વચ્ચે ન પડે એ જરૃરી હતું.
- ઇટલી દેશના સીસિલિ પરગણાના કોર્લીઓન નામના એક નાનકડા પછાત ગામમાં રહેતો. એના બાપને ગામના ગુંડાઓએ મારી નાખ્યો. પછી એને પણ પતાવી દેવા ગુમનામ માણસો ગામમાં આવ્યા હતા. માએ દીકરાને પરિવારના મિત્રોને ત્યાં રહેવા અમેરિકા મોકલી દીધો. નવી ભૂમિમા આવીને વિત્તો એન્દોલિનીએ વતનના સંભારણા તરીકે પોતાની અટક બદલીને કોર્લીઓન કરી નાખી. વિત્તો કોર્લીઓન. ડોને જિંદગીમાં બહુ ઓછા નિર્ણયો લાગણીમાં તણાઈને લીધા હતા, અટક બદલવાનો નિર્ણય આમાંનો એક હતો.
- આ વિસ્તારમાં રહેતા મોટાભાગના માણસો પોતે જ માથાભારે હતા એટલે ફેનુચીને ભાગ્યે કોઈ ખંડણી આપતું.
- આ માણસ લાગે છે એટલો ખતરનાક નથી, નવટાંક પીને પાશેરની ધમાલ કરે છે.
- ૧૯૧૯ના જમાનામાં વાહન ચલાવનારા ડ્રાઇવરની ભારે કમી હતી.
- જે આદમી પોલીસનો ખબરી હોય એને પોતાના કરતા મોટા ગુંડાઓ જોડે કનેક્શન ન હોય શકે. અને જે પોતાના પરના હુમલાનો બદલો લેવાને બદલે થોડીઘણી રકમ લઈને પોતે વેચાઈ જાય એ મોટો ગેંગસ્ટાર પણ ન હોઈ શકે.
- ‘હું એને સમજાવી લઈશ’. વિત્તો કોર્લીઓને કહ્યું. આગામી વર્ષોમાં એના આ શબ્દો મશહૂર થઈ જવાના હતા. એની સાથે વાટાઘાટ કરનારાઓ આ શબ્દો સાંભળીને જાણી જતા કે આ છેલ્લી ચેતવણી છે. એ ડોન બન્યો તે પછી તેના હરીફોને કહેતો કે ‘આપણે સાથે બેસીને સમજી લઈએ’ ત્યારે સામેવાળો પામી જતો કે ખૂન ખરાબા કે મર્ડર વિના સમાધાન કરી લેવાની આખરી તક છે.
- એનો સોળ વર્ષનો દીકરો પગારનું પરબીડિયું આખેઆખું માના હાથમાં મૂકી દેતો, જૂના જમાનાના આદર્શ કુટુંબ જોવા મળતું એમ.
- એ મૂળ ઈટાલીના ઉત્તર વિસ્તારનો રહેવાસી હતો, ભણેલોગણેલો હતો. દક્ષિણના સીસિલી અને નેપલ્સ પ્રદેશમાંથી આવતા અભણ, જાહીલ, ગંવાર ઇટાલિયનો માટે એને તિરસ્કાર હતો.
- બીજા અનેક બુદ્ધિશાળી બિઝનેસનોની જેમ એ પણ માનતો થઈ ગયો હતો કે બિઝનેસમાં સ્પર્ધાને કારણે બહુ બગાડ થાય છે. ઇજારાશાહી હોય તો ખર્ચો બચી જાય. એ હંમેશા પોતાની મોનોપોલી સ્થાપવાની કોશિશમાં રહેતો.
- અને હવે જ્યારે ડોને ધંધાની મુસીબતો આટોપી લીધી હતી ત્યારે એના પોતાના જ ઘરમાં હોળી સળગી. સેન્ટિનો કોર્લીઓન ઉર્ફે સની 16 વર્ષની ઉંમરે છ ફીટ ઊંચો અને પહોળા ખંભા ધરાવતો સલૂણો કામણગારો સાંઢ થઈ ગયો હતો.
- ડોન માનતા કે દુશ્મનો તમારા દુર્ગુણોના વધારે આંકે તો સારું અને મિત્રો તમારા સદગુણો અને ઓછા આંકે તો સારું.
- પણ એ જમાનામાં ન્યૂ યોર્કના અંડરવર્લ્ડમાં વૈકુંઠ નાનું ને વૈષ્ણવો જાતા હતા.

- ઈતિહાસના બીજા અનેક મહાન શાસકો અને મહારથીઓની જેમ ડોને નક્કી કરી નાખ્યું કે શાસન કરનારાઓની સંખ્યા મર્યાદિત નહીં થાય ત્યાં સુધી શાંતિ અને વ્યવસ્થા સ્થપાય તે નામૂમકિન છે.
- ડોનની પાસે એવા ડોક્ટરો હતા જે આ યુવાનોને સલાહ આપતા કે લશ્કરી ભરતી વખતે શારીરિક તપાસ પહેલા કઇ દવાઓ લેવી જેથી તેઓ રિજેક્ટ થઈ જાય.
- એમના કપાળ ઉપર વિદ્વાનને છાજે એવી કરચલીઓ પડી.
- એ ઘરમાંથી નીકળીને કાર પાસે આવ્યો. કાર પર ટ્રાફિક પોલીસે ૧૫ ડોલરનો દંડ ભરવાની ગ્રીન પાર્કિંગ ટિકિટ લગાડેલી હતી. એણે ટિકિટ ગાડીના ગ્લવ બોક્સમાં બીજી અને ટિકિટોની થપ્પી સાથે મૂકી દીધી. આજે એને આવી ફાલતુ વાતોથી કોઈ ટેન્શન થવાનું નહોતું. એનો મૂડ સારો હતો. કોર્લીઓન ખાનદાનની વંઠેલી વંતરી પર જ્યારે જ્યારે સાફ કરતો ત્યારે તેનું દિલ ખુશ થઇ જતું.
- ડોન કોર્લીઓન જેવાની દીકરીને સીધી કરી નાખવાની જેનામાં હિંમત હોય તે માણસ પ્રાતઃસ્મરણીય અને પૂજનીય હોય એવો અહોભાવ કાર્લો એ બંનેની આંખોમાં જોતો અમે ખુશ થઇ જતો.
- ગુસ્સાથી ફાટ ફાટ થતા સનીની ગાળો વજનદાર હતી કે એના મુક્કા એ નક્કી કરવું મુશ્કેલ હતું.
- આ ગુંડાઓ કાનુનની ચૂંગાલમાંથી છુટવા માટે બીજાઓને જે ફી આપે છે તે પોલીસે પોતે જ કેમ ન લેવી? એમને તો વધારે જરૃર છે.
- પણ સામાન્ય રીતે પોલીસની નીતિમત્તા કહે છે કે રિશ્વતના બે પ્રકાર છે – સ્વીકારવા જેવી લાંચ, બીજી નકારવા જેવી લાંચ.
- ટોમ હેગનમાં ભરપૂર કાબેલિયત હતી પણ એ યુદ્ધ સમયનો સેનાપતિ નહોતો, એ સીસિલિયન નહોતો.
- દુખ અને ભય અને આપત્તિ ક્યારેય મોત જેવા કાયમી નથી હોતા, એને અનુભવ પરથી ખબર હતી.
- પણ સમયનું વહેણ ફરે છે ત્યારે ઉપકાર એમાં પહેલો તણાઈ જાય છે.
- ક્લેમેન્ઝાએ સ્ટ્રેચરને એમ્બાલિંગ રૃમમાં લઈ જવાનો ઇશારો કર્યો અને ત્યાં જ અંધારિયા યાર્ડમાંથી બીજા એક માણસનો આકાર ઓફિસના ઓરડામાંથી પ્રગટ થયો. એ આકાર ડોલ કોર્લીઓનનો હતો.
- આમેય ઘરની સ્ત્રીઓનાં બધાં દુખદર્દમાં ક્યાં આ પુરુષો સહભાગી હોય છે.
- એ લોકોનું એક જ સૂત્ર હતું, હું મરું પણ તને રાંડ કરું.

- કોર્લીઓન પાસે ન્યૂ યોર્કના બધા જજ હોય તો એમણે આપણા બધાની સાથે એમની વગ વહેંચવી જોઈએ અથવા કમસે કમ એમની વગ વાપરી શકીએ એવી વ્યવસ્થા ગોઠવી આપવી જોઈએ. આવી સેવાઓ આપવા બદલ એ આપણને જરૃર બિલ મોકલી શકે છે, આપણે કંઈ કમ્યુનિસ્ટ થોડા છીએ કે બધું મફતમાં પડાવી લઈએ.
- સ્ત્રીઓ અને બાળકો બેદરકાર રહે તે ચાલે, પુરુષોથી ન રહેવાય.
- માઈકલને પાછળથી ખબર પડી કે ગરીબીમાં સબડતા આ કોર્લીઓન ગામમાં દુનિયાના કોઈ પણ સ્થળ કરતા વધારે મર્ડર થતાં હતાં.
- માફિયા શબ્દનો મૂળ અર્થ થતો હતો-શરણનું સ્થાન. માફિયા એટલે, એક જમાનામાં આશ્રયદાતા. એ પછી આ શબ્દનો અર્થ સહેજ બદલાયો.
- માઈકલ હસ્યો, મા અને પોલીસવાળા, એક બાબતમાં બેઉ સરખા. બંને ખરાબમાં ખરાબ વાત પહેલા ધારી લેવાનાં.
- તું ચડ્ડીમાં મૂતરી પડતો એ જમાનાથી હું મર્ડર કરતો આવ્યો છું, સમજ્યો?
- માઈકલ કોર્લીઓન ખાનદાનનો એક મિડિયોકર વારસદાર હતો જેનાથી બહુ ડરવાની જરૃર ન હતી.
- ફ્રેબિઝિયો, માઈકલે તને યાદ આપી છે. એણે દુકાનદારની ખોપડીથી ચાર આંગળ દૂર નાળચું ધરીને ટ્રિગર દબાવી.
- સિત્તેર વર્ષનો ફિલિપ તતાલ્યા એના જન્મ સમયના પોષાકમાં પલંગ પર ઊભો હતો, નીચે એક જુવાન હુસ્ન પરી હતી.
- પછીના વરસમાં રાજકીય વગ વાપરીને કોર્લીઓન ફેમિલિ અમેરિકાના અન્ડરવર્લ્ડનું સૌથી પાવરફૂલ ફેમિલિ બની ગયું.