જૂનાગઢ રાષ્ટ્ર નથી ને રાજ્ય પણ નથી, જિલ્લો છે એ પણ બે-ત્રણ દિશાએથી કપાયેલો. પણ જો રાષ્ટ્ર હોત તો ત્યાં મળતો કાવો/Girnari kavo રાષ્ટ્રીય પીણું જાહેર થયું હોત.
જૂનાગઢનો ગિરનાર તળેટી-ભવનાથ વિસ્તાર ત્રણ દિશાએ શિખરોથી ઘેરાયેલો છે. એટલે ત્યાં જૂનાગઢ શહેર કરતાં તાપમાન હંમેશા ચાર-છ ડીગ્રી ઓછું જ હોય. જૂનાગઢના કાળવાચોક વિસ્તારમાં ભલે ગરમી થતી હોય પણ ચાર-પાંચ કિલોમીટર દૂર ભવનાથ પહોંચતા જ ઠંડી લાગે એમ પણ બને.
સામે ભવનાથમાં ઠંડી ઉડાડવાનો રામબાણ ઈલાજ પણ હાજર છે. ઈલાજનું નામ છે કાવો. શહેરી વિસ્તારમાં તો આવા કાવા ડિટોક્સિંગ ડ્રિંક્સ-ટી તરીકે જાણીતા છે. આકર્ષક પેકિંગમાં આવે અને વળી કોઈ સ્ટાર તેનો પ્રચાર કરે. એટલે લોકોને એ ડ્રિંક્સ મહત્વના લાગે. પણ જેમ ગિરનાર ઉંમરમાં હિમાલયનો દાદો છે, એમ ભવનાથમાં મળતો કાવો બધા પ્રકારની ગ્રીન ટી કે પછી કાવા-ઉકાળાનો દાદો છે.
કેટલાક જૂનાગઢવાસીઓને એવી ટેવ ખરી કે રાત પડ્યે થાક ઉતારવા ભવનાથ જઈને બેસે. સોનરખ નદીના કાંઠે બંધાયેલા રસ્તની પાળી પર બેસવું એ અનોખો અનુભવ છે. અનોખો અનુભવ તો થતાં થાય પણ ત્યાં ઠંડીનો તુરંત અનુભવ થાય. એ ઉડાડવા માટે ત્યાં મળતો કાવો ઉત્તમોત્તમ પીણું છે. કોરોનાકાળમાં વિવિધ આયુર્વેદિક પીણાંનું મહત્વ વધ્યું, પણ જૂનાગઢમાં તો વર્ષોથી કાવો શીરમોર સ્થાન ભોગવે છે.
અમદાવાદના વૈશ્ણોદેવી સર્કલ પાસે જે રીતે મકાઇ વેચનારાઓની લાઈન હોય એમ ભવનાથ વિસ્તાર શરૃ થાય, ત્યાં રસ્તાના બન્ને કાંઠે કાવાની લારીઓ જોવા મળે. ગમે તે જગ્યાએ જઈને કાવો પી શકાય. આદુ, લીંબુ, મસાલા-સામગ્રી નાખેલા કાવાનો કપ પૂરો થાય એ પહેલા જ ઠંડી શરીરથી દૂર ભાગશે એ નક્કી વાત છે.
વિવિધ ઔષધિ મેળવીને બનાવેલા કાવાના પેકિંગ પણ ત્યાં હવે તો તૈયાર મળે છે. એ ઘરે લાવીને ગમે ત્યારે પી શકાય. આ કાવો શરદી, ઉધરસ, કફ, પાચન, રોગપ્રતિકારક શક્તિ, વગેરેમાં લાભકારક છે. અલબત્ત, એ માટે નિયમિત સેવન કરવું પડે. નિયમિત તો થાય કે ન થાય, જૂનાગઢ જવાનું થાય તો ભવનાથમાં એકાદ વખત કાવો ટ્રાય કરવો.