દિવાળી પર ગિરનાર જવા માટે હજારો લોકો ઉમટી પડશે. દિવાળી પછી જ ગિરનારની લીલી પરિક્રમા હોવાથી એ દિવસોમાં સખત ભીડ રહેતી હોય છે. રોપ-વે દ્વારા ગિરનાર જવા માંગતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. ઉષા બ્રેકોએ રોપ-વેની ક્ષમતાને અપગ્રેડ કરી દીધી છે. ગિરનાર પર રોપ-વે દ્વારા દર કલાકે 800 મુસાફરોને લઈ જઈ શકાય છે. તેની સામે હવે 1000 મુસાફરો દર કલાકે રોપ-વે દ્વારા ઉપર-ચીને આવન-જાવન કરી શકશે. તેના કારણે ભીડથી થોડી રાહત મળશે. એ ઉપરાંત રોપ-વે અવિરતપણ કામ કરતો રહે એટલા માટે તેનું મેન્ટેનન્સ પણ કરી નાખવામાં આવ્યું છે. ગયા વર્ષે દિવાળીના તહેવારો દરમ્યાન 15 દિવસમાં આશરે 90 હજાર લોકોએ ગિરનાર રોપવેનો લાભ લીધો હતો. કોવિડ- મહામારીની સ્થિતિ વિતી જવાને કારણે શ્રધ્ધાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં હવે વધારો થશે. રોપવેનો ઉપયોગ કરનારની સંખ્યા આ વર્ષે 1 લાખનો આંક વટાવી જાય તેવી અપેક્ષા છે.
ઉષા બ્રેકોના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ દિપક કપલીશ,જણાવે છે કે “અમે 6 કેબિનનો ઉમેરો કરીને રોપવે સિસ્ટમમાં કેબિનની કુલ સંખ્યા 31 કરી છે. આના પરિણામે રોપવેની વહન ક્ષમતા દર કલાકે 800થી વધીને 1000 થઈ છે. વધારેલી 25 ટકા ક્ષમતાના કારણે દિવાળીના તહેવારોમાં પ્રતિક્ષાનો સમય ઓછો થશે. અમે રોપવેના અપર સ્ટેશનની નજીક બેઠક ક્ષમતામાં વધારો કર્યો છે, જેના કારણે શ્રધ્ધાળુઓ વ્યૂઈંગ પોઈન્ટથી આસપાસના કુદરતી સૌંદર્યની મજા સરળતાથી માણી શકશે.”
અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તા.24 ઓક્ટોબર, 2020ના રોજ ગિરનાર રોપવેનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગને દિવાળીના તહેવારોમાં બરાબર બે વર્ષ પૂરાં થયા છે. અગાઉ ગિરનાર ચઢવા માટે 6 થી 7 કલાકનો સમય લાગતો હતો, હવે માત્ર 7 થી 8 મિનિટ જ લાગે છે. આ સુવિધાને કારણે શ્રધ્ધાળુઓ ઝડપથી અને સુગમ રીતે ગિરનાર પર જઈ શકે છે. અત્યાર સુધીમાં 13 લાખથી વધુ શ્રધ્ધાળુઓએ ગિરનારો રોપવે સર્વિસનો લાભ લીધો છે. રોપવે સર્વિસ સવારના 7 થી સાંજના 5 સુધી કાર્યરત રહેશે.
ઉષા બ્રેકોએ ખાસ દિવાળીના તહેવારો માટે ઓનલાઈન ટિકીટ બુકીંગ ખૂલ્લુ મૂક્યું છે. શ્રધ્ધાળુઓ અને પ્રવાસીઓ તેમની ટિકટQR કોડ સ્કેન કરીને અથવા www.udankhatola.com ઉપર ઓનલાઈન બુક કરાવી શકે છે.વધુમાં, આ સુવિધાને કારણે પ્રવાસીઓ અગાઉથી તેમની જૂનાગઢની મુલાકાત અંગે આયોજન કરી શકશે. ભવનાથ પાર્કિંગ પાસે અમે બુકીંગ કાઉન્ટર શરૂ કર્યું છે. ત્યાં શ્રધ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉપલબ્ધ ટાઈમ સ્લોટસ મુજબ ટિકીટ બુક કરાવી શકશે.