સતાધાર : ભૂતના રે ધૂમાડે વે’લા આવજો… !

સોરઠમાં વિસાવદર પાસે આવેલી સતાધારની જગ્યા અજાણી નથી. આપા ગીગાનું એ મથક હતું અને હવે તો મોટું ધર્મસ્થાન બની ગયું છે. ધર્મમાં રસ ન હોય તો પણ જંગલમાં આવેલી હોવાથી આ જગ્યાએ જવાનું પ્રવાસીઓને આકર્ષણ રહે છે. અહીંના આકર્ષણનું એક કેન્દ્ર ત્યાંનો ભૂતવડલો પણ છે…

બસ આ વડલો એ જ ભૂતનું નિવાસસ્થાન છે!

ભૂત હોય કે ન હોય એ અલગ માન્યતા અને ચર્ચાનો વિષય છે. એ અંગે દરેકની પોતાની માન્યતા હોવાની. પરંતુ જે લોકો એમ માને છે કે ભૂત છે, એમના માટે આ સ્થળ રસપ્રદ છે. જે લોકો નથી માનતા એમના માટે પણ બેશક જગ્યા રસપ્રદ છે. ભૂત હંમેશા ખરાબ જ હોય એવી વ્યાપક માન્યતા વચ્ચે સતના આધાર જેવી આ જગ્યા સતાધારમાં ભૂતબાપાની સવાર-સાંજ આરતી ઉતરે છે. ભૂતબાપા અહીં કેમ વસ્યા તેની લાંબી કથા છે અને દરેક વ્યક્તિ પોતાની રીતે એ રજૂ કરી શકે છે. પણ કોઈને જાણવામાં રસ હોય તો મંદિર મેનેજમેન્ટને જ એ અંગે પૂછવું જોઈએ.

સતાધારની જગ્યા, પાડાપીરના પરચા, સાધુ-સંતોના ચમત્કાર એ ખાસ અજાણ્યા નથી. પરંતુ આ ભૂતબાપા જરા અનોખા છે. અહીં એક વડલો આવેલો છે, જેમાં ભૂતબાપા રહેતા હોવાની માન્યતા છે. અહીંથી કથા પ્રમાણે જગ્યામાં ચોવીસે કલાક ચાલતા અન્નક્ષેત્ર અને દાન-ધર્મની પ્રવૃત્તિ માટે જરૃરી ધન-ધાન ખૂટે નહીં એ જોવાનું કામ આ ભૂતબાપા કરે છે.

આ ભૂતબાપાની ખરી મજા લેવી હોય તો સવાર-સાંજની આરતી સમયે જવું રહ્યું. એ વખતે એક અર્ધ્ય ભૂતબાપાને પણ અર્પણ કરવામાં આવે છે. આરતી ચાલતી હોય એટલો સમય ભૂતવડલા વિસ્તારને બંધ કરી દેવામાં આવે છે. કેમ કે માન્યતા પ્રમાણે ભૂતબાપા એ વખતે ત્યાં હાજર હોય છે. કેટલાક લોકોએ પોતે ભૂતબાપાને જોયા હોવાનો પણ દાવો કરે છે, પરંતુ એમાં તથ્ય છે કે નહીં એ વાત પરથી જ ખબર પડી જાય.

ભૂતમાં શ્રદ્ધા હોય તો આ રહ્યું થાનક…

સામાન્ય રીતે ભૂતથી દૂર ભાગવાનું હોય, જ્યારે અહીં લોકો માનતા ઉતારવા આવે છે. આરતી સિવાયના સમયે લોકો પોતપોતાની રીતે માનતા પૂરી કરવા વડલા પાસે આવે છે અને નક્કી થયેલા થાનક પર શ્રીફળ વગેરે અર્પણ કરે છે.

વિજ્ઞાન-ટેકનોલોજીમાં ઘણા આગળ રહેલા પશ્ચિમના દેશોમાં ભૂત-પ્રેતની વ્યાપક માન્યતા છે અને સાથે સાથે ત્યાં સંશોધનો પણ થાય છે. અહીં જોકે ભૂત એ સંશોધનનો નહીં, શ્રદ્ધાનો વિષય છે અને રોજ ધૂપના ધૂમાડે (મૂળ પંક્તિ – ધૂપના રે ધૂમાડે વે’લા આવજો..) હાજર રહે છે.

મંદિર આગળ ચોગાનમાં ખાણી-પીણીની પૂરતી સગવડ છે.

મંદિરના આંગણમાં પાડાપીરની પૂજા થાય છે. તેની કથા ત્યાં લખેલી છે. પશુ-પક્ષીની પણ સમાધિ હોય એવી ખાનદાનીની કથા સોરઠમાં શક્ય છે. ભૂતકાળમાં આ મંદિર સાધુ-સંતોના વિવાદ માટે ચર્ચાસ્પદ પણ બન્યું હતુ. હવે મામલો શાંત છે. ભગવા કપડાં પહેર્યા પછી પણ બધાથી જગ્યાનો મોહ છૂટી ન શકે એ પણ વાસ્તવિકતા છે.

પાડાપીરની જય હો…

મૂળ તો બે-સવા બે સદી પહેલા ગીગા ભગતે સ્થાપેલી આ જગ્યામાં રક્તપિતિઆ, કોઢિઆ, સમાજે તિરસ્કૃત કરેલા લોકોને આશરો આપવામાં આવતો હતો.  આજે પણ જગ્યાના બારણા ચોવીસે કલાક ખુલ્લા હોય છે અને ખાવા-પીવા-રહેવાની બધી સગવડ અહીં છે.

પાછળ કૂંડ, નદી વગેરે છે.. જરા દૂર ચાલીએ તો જંગલ છે, પણ ત્યાં જવાની છૂટ નથી. પ્રકૃત્તિ ખુંદવાની ઈચ્છા હોય એવા પ્રવાસીઓ પણ અહીં આવતા રહે છે. જૂનાગઢ, વિસાવદર થઈને સતાધાર જઈ શકાય છે. અહીં નજીકમાં રેલવે સ્ટેશન પણ છે, જ્યાં લોકલ ટ્રેન ઉભી રહે છે. વધુ માહિતી માટે આ રહી એ સ્થળની સત્તાવાર સાઈટ http://www.satadhar.com

waeaknzw

Gujarati Travel writer.