ગાલાપાગોસ : ઉત્ક્રાંતિના અજાયબ ટાપુઓની પ્રવાસકથા

ગુજરાતી વિજ્ઞાન લેખનમાં અમર સ્થાન ધરાવતા વિજયગુપ્ત મૌર્ય આપણને આ કથા દ્વારા ઉત્ક્રાંતિ અને ચાર્લ્સ ડાર્વિનથી પ્રખ્યાત થયેલા ગાલાપાગોસ ટાપુની જ્ઞાન-સફરે લઈ જાય છે..

પ્રકાશક – અશોક પ્રકાશન મંદિર
પાનાં – ૨૦૬
કિંમત –  ૨૭

પ્રકૃતિ વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિન ૧૮૩૧થી લઈને ૧૮૩૬ સુધી વિશ્વ પ્રવાસ કર્યો અને એ દરમિયાન તેઓ ગાલાપાગોસ (ગાલાપાગોસ શબ્દ સ્પેનિશ ભાષાનો છે, તેનો અર્થ કદાવર કાચબા એવો થાય) ટાપુ પર રોકાયા હતા. અહીંના સજીવો જોઈને જ તેમને ઉત્ક્રાંતિનો સિદ્ધાંત સમજાયો. ઉત્ક્રાંતિ એટલે શું? એટલે કે ધરતી પર રહેતા સૌ કોઈ જીવો રાતોરાત પ્રગટ નથી થયા, પરંતુ સમય પ્રમાણે તેમના શરીર, રહેણી-કરણી બદલ્યાં છે એટલે કે ઉત્ક્રાંતિ પામ્યા છે. ડાર્વિને સફર પૂરી કર્યા પછી કેટલાક વર્ષ સુધી અભ્યાસ-મંથન કર્યું અને ૧૮૫૮માં સિદ્ધાંત રજૂ કર્યો. વિજ્ઞાન જગતમાં એ કથા જાણીતી છે, માટે એ કથા લંબાવ્યા વગર આ પુસ્તકની કથામાં આવીએ.

વિજયગુપ્ત મૌર્યએ ગાલાપાગોસની સફરે જતી કલ્પના કથા લખી છે. કથા કાલ્પનિક છે, પરંતુ તેમાં રજૂ થતું વિજ્ઞાન અને ગાલાપાગોસનું વર્ણન વાસ્તવિક નથી. એ અંગે સ્પષ્ટતા કરતાં પ્રસ્તાવનામાં વિજયગુપ્ત મૌર્યએ લખ્યું છે : ‘આપણા સમાજમાંથી ગાલાપાગોસના ટાપુઓની આ અજાયબીઓ જોવા કોઈ ગયા હશે? અને નજીકના ભવિષ્યમાં ભાગ્યે જ કોઈ જનાર હશે. તેના વિશે મેં જે જાણ્યુ અને તેમની રંગીન ફિલ્મ જોવા મળી, ત્યારે મને લાગ્યુ કે, કંઈ નહી તો આજની નવી પ્રજાએ આ બધું જાણવુ જરૃરી છે. તે હેતુથી આ પુસ્તક લખ્યું છે. આ પુસ્તક ભૂગોળનું અને પ્રાણીઓનું શુષ્ક પ્રકારનું પાઠ્ય-પુસ્તક બની ન જાય તે માટે સાહસિકોની પ્રવાસકથા તરીકે લખ્યું છે.’

પુસ્તક ૧૯૮૮માં પ્રગટ થયું હતુ, એટલે એ પછી ગાલાપાગોસની સફરે ગુજરાતમાંથી અમુક પ્રવાસીઓ ગયા હોય એવુ શક્ય છે. વધુમાં એ ટાપુ વિશે આજે તો અઢળક જાણકારી આસાનીથી મળી શકે એમ છે. પરંતુ આજે આ પુસ્તક આસાનીથી મળતું નથી. એટલે ગાલાપાગોસ જવાનું થાય ત્યારની વાત ત્યારે, હાલ તો પુસ્તકની આરપાર નીકળીએ..

  • તે વખતે અમે સાન ફ્રાન્સિસ્કોમાં ભણતા હતા. અમે એટલે હું, ગિજુ અને જીતુ.
  • ડો. વર્ગીસે તેમના શામળા મુખમાંથી મોતી જેવા સુંદર દાંત બતાવતુ સ્મિત વેરીને કહ્યું, ભલે હું મારા સાથીઓને તમારી ભલામણ કરી જોઈશ.
  • વળી, ગાલાપાગોસ અને દ.અમિરકાની ધરતીનું બંધારણ જુદાં પ્રકારનું છે. તેનો અર્થ એ કે, ગાલાપાગોસ ટાપુઓ દક્ષિણ અમેરિકાથી સ્વતંત્ર રીતે ઉત્પન્ન થયેલ છે અને ત્યાં જીવસૃષ્ટિ તથા વન્સપતિસૃષ્ટિ સ્વતંત્ર રીતે ઉત્પન્ન થઈને ઉત્ક્રાંતિ પામી છે.
  • અહીં જંગલી પેરુ (જામફળ) પણ થાય છે. અને સૂરજમુખી ફૂલના છોડને બદલે ઝાડ થાય છે!
  • ટાપુઓ પરથી ઇન્કા સંસ્કૃતિના કાળનાં માટી-કામના વાસણોનો ભંગાર મળી આવેલ છે. તે બતાવે છે યુરોપી શોધકો અમેરિકન ખંડો પર પહોંચ્યા તે પહેલા પેરુમાં ખીલેલી વિસ્મયકારક ઇન્કા સંસ્કૃતિના લોકોએ આ ટાપુ શોધ્યા હતા અને ત્યાં વસ્યા પણ હતા.
  • સૌથી હિન હિંસક પ્રાણી માણસ છે એમ તમને નથી લાગતું?
  • પાંચમે દિવસે અમે વિષૃવવૃત ઓળંગ્યો અને થોડી વાર પછી ક્ષિતિજ પર આલ્બામાર્લ અથવા ઈસ ઈસાબેલા નામના સૌથી મોટા ટાપુના ઊંચા ડુંગરો દૂરથી ઝાંખા દેખાવા લાગ્યા.
  • કાળા અગ્નિકૃત ખડકો અને પથ્થરો સાથે માદાઓ અને બચ્ચાં એવાં ભળી ગયાં હતાં કે તેઓ હલનચલન ન કરે ત્યાં સુધી નજરે પડે નહીં. બચ્ચાં રમૂજી લાગતાં હતા. આ ઉપરાંત તેઓ એટલી બધી દુર્ગંધ ફેલાવતા હતાં કે પાસે જઈને થાબડવાનું મન ન થાય.
  • અમે જોયું કે બે માદાઓ સામસામી આવી ગઈ અને લડી પડી. આ કલહથી ચિંતાતુર બનેલો પતિ તરત ધસી આવ્યયો અને તેમની વચ્ચે પડ્યો.
  • આજના અભ્યાસ દરમિયાન દરિયાઈ નર સિંહોએ મારા મન પર ઘેરી છાપ પાડી હતી. તે મહિના સુધી કશું ખાધાપીધા વિના પત્નીઓની અને બાળકોની અનન્ય પ્રેમથી સેવા બજાવે છે. અને તેમાં થાક કે ભૂખની પણ કશી પરવા કરતા નથી.
  • વિષૃવવૃત પર અને સમગ્ર ઉષ્ણ-કટિબંધમાં ઉષા અને સંધ્યા ઘણી ટૂંકી હોય છે. આથી ઉષાની પહેલી ટશર ફૂટ્યા પછી સૂર્યોદય થતાં વાર લાગતી નથી.
  • કરોડો વર્ષથી કાચબો પોતાના આગવા સ્વરૃપે ટકી રહ્યો છે અને દીર્ઘાયુ ભોગવે છે તેનું કારણ તેમનું આ બખ્તર છે.
  • અમે કાંઠે ઉતર્યાં ત્યાં ઇક્વાદોરના મૂળ વતનીઓ ગધેડા લઈને અમારું સ્વાગત કરવા આવ્યા હતા.
ડાર્વિને ગાલાપાગોસની મુલાકાત લીધી હશે એ વખતનું કલ્પનાચિત્ર
  • પ્રોફેસર વિન્સેન્ટ આશ્ચર્ય પામી બોલી ઉઠ્યા, અજબ વાત છે. હજારો કિલોમીટર દૂરના ખંડમાંથી આ અળશિયાં અહીં કેવી રીતે આવ્યાં હશે! તેમાં પણ વળી બે જાતિ છે!
  • એજ વખતે એક તૂતી ઊડીને આવી અને તેની ડોક પર બેસીને તેનાં નસરકોરામાંથી તથા ડોક પરના ભીંગડામાંથી કશુંક વીણવા લાગી. કાચબાને તે ગમ્યું. અમે સમજી ગયા કે તૂતી તેનાં ભીંગડા અને નસરકોરામાંથી પરોપજીવી જીવાત વીણી લઈને ખાઈ જાય છે.
  • ડાર્વિને પોતાની નોંધપોથીમાં લખ્યું છે કે આ કાચબા અહીં ક્યાંથી આવ્યા એ એક અજાયબી છે.
  • ડો.બેકે લખ્યું છે કે કાચબી ઇંડા મૂકે ત્યારથી બચ્ચું એક ફૂટનું થાય ત્યાં સુધી અહીં જંગલી કૂતરાં તેમનો શિકાર કરતા હતા. આથી ૧૦,૦૦૦ ઈંડા કે બચ્ચામાંથી ભાગ્યે જ એક ઊછરી આવતું હતું.
  • પોર્ટરનું લખાણ મને યાદ છે. ૧૯૧૩માં પોર્ટરના માણસોએ એક દિવસમાં ૧૪ ટન કાચબા એકઠા કર્યાં હતાં.
  • અમારા ગુજરાતના સમુદ્રકાંઠે પણ આવુ બને છે!
  • આ સરડા (કાચિંડા) કદાવર નથી, છતાં ચીની ડ્રેગનની યાદ આપે છે, તેના માથા પરના બખ્તર જેવા ભીંગડાં, ડોકથી આખી પીઠ સુધી કરવતના દાંતા જેવા કઠોર દાંતાવાળી ઝાલરની હારમાળા, જાડુ પૂંછડું, મોં ખોલે તો કાળા માથામાં અંદરથી રાતું મો અને આખા શરીરની અળખામણી, કદરૃપી આકૃતિ એ બધું જોઈએ તો તેમના તરફ નફરત થાય, બીક પણ લાગે.
  • જ્યારે તેઓ ચારો ચરી પેટ ભરીને પાછા આવવા લાગ્યા ત્યારે દરેક સરડો પોતાની જગ્યાએ જ આવીને બેસી જતો હતો. તે જીભ વડે જગ્યા ચાટીને તેની ગંધ વડે જાણી લેતો હતો કે તેની એ જ જગ્યા છે.
  • સરડા હજી માણસ જેટલા સુધર્યા નથી, આથી એકબીજાને મારી નાખતા શિખ્યા નથી!
  • મોટા ભાગનાં પક્ષીના બચ્ચાં કદરૃપાં હોય છે. ઈંડામાંથી નીકળે ત્યારે માંસના લોચા જેવાં જ હોય છે.
  • આફ્રિકાનો મસાઈ યોદ્ધો મહેમાન કે મિત્રનું સ્વાગત કરવા ધરતીમાં પોતાનો ભાલો ખૂંપાવી દે છે જેનો અર્થ એ થાય છે કે આ ભાલો મહેમાન સામે વાપરવાનો નથી.
  • બોટમાં મોકલ્યા પછી ડો.વર્ગીસે થેલીનું મોં ખોલી જોયું તો જણાયુ કે બે સરડા ઓછા હતા અને સાપ હોવો જોઈએ તે કરતાં વધુ જાડો હતો. શું બન્યું હશે તે જાણવા ગુનાશોધક ડિટેક્ટિવની જરૃર ન હતી.
  • હજી સુધી કોઈ શોધકો આ પહાડ પર ચડ્યા નથી અને આપણે ત્યાં શું જોઈશું તેની કલ્પના થઈ શકતી નથી.
  • કવિ મિલ્ટને વર્ણન કરેલી નરકની જ્વાળાઓ શું આકાશનો ઘુમ્મટ ફાટીને ફાટી નીકળી છે?
  • ત્યાં સુધીમાં એવી ગરમી લાગે છે કે જહાજના પાટિયા વચ્ચેના સાંધામાં જે ડામર ભરેલ છે તે પીગળીને ટપકવા લાગે છે.
  • માનવસમાજ કરતાં સરડાનો સમાજ નીતિમત્તાનું ઊંચુ ધોરણ ધરાવે છે. તેઓ માત્ર પોતાના રાજ્યના અને રાણીના રક્ષણ માટે લડે છે. પણ પડોશીનું રાજ્ય કે તેની રાણીઓ પડાવી લેવા માટે આક્રમણ કરતા નથી.
  • નાનપણમાં સૌરાષ્ટ્રમાં અમારા ગામના પાદરમાં પુષ્કળ હાથલા થોર હતા અને તેનાં પાકાં ફળ તોડીને દેવતામાં શેકાતાં હતા, જેથી ફળ ઉપરનાં કાંટા અને રૃંવાટી બળી જાય.
  • પાછળથી મારા જાણવામાં આવ્યુ કે જર્મન વિજ્ઞાની આઈબલ આઈબેસફેલ્ટ આ જ્વાળામુખી ઉપર ચઢ્યો હતો. પરંતુ તેણે શું જોયુ અને જર્મન ભાષામાં શું લખ્યું તેના વિશે અમને જાણ ન હતી.
  • સૂર્ય જરા ઊંચે ચડીને તેના કિરણો વડે ધુમ્મસને હાંકી કાઢે તેની રાહ જોતા બેઠા.
  • આ કિલ્લા સ્વરૃપ કરાડને ગાય ફોકસનું નામ આપવામાં આવ્યું છે. જેને બ્રિટિશ પાર્લામેન્ટને દારૃ વડે ફૂંકી દેવાનું કાવતરું કરવાથી ૧૬૦૬માં શિરચ્છેદની સજા કરવામાં આવી હતી.
  • તેણે અવગણેલી આ ચકલીઓએ ૧૯મી સદીમાં જગતના જીવવિજ્ઞાનીઓ અને પ્રાણીવિજ્ઞાનીઓમાં સનસનાટી ફેલાવી.
  • આ બધું જોયા પછી જીવજગત વિશેનો મારો ખ્યાલ બદલી ગયો.
  • મર્યાદિત સમયના મુલાકાતીઓ જતા રહ્યા પછી અહીં કાયમી વસવાટ કરવા માટે સૌથી પહેલાં વસાહતીઓ ચાર્લ્સ ટાપુ પર આવ્યા. તેમાં સૌથી પહેલો પેટ્રિક વોટકિન્સ નામના એક આયરિશમેન હતો. આ દુર્જનનાં દુષ્કર્મો વિશે કેપ્ટન પોર્ટરે વર્ણન આપ્યું છે.
  • આ ટાપુઓ પ્રકૃત્તિવિજ્ઞાની સિવાય બીજા કોઈ માટે સારા નથી. અહીં પેટ ભરવા માટે પણ શ્રમ કરવો પડે છે.
  • યુરોપ-અમેરિકાના ઠંડા પ્રદેશોમાં વસતા લોકોના મનમાં એવી છાપ હોય છે કે મહાસાગરના આસમાની પાણી વચ્ચે સૂર્યપ્રકાશમાં નહાતા લીલાંછમ ટાપુઓ સ્વર્ગ જેવા સુંદર, શીતળ છતાં હુંફાળા હોય છે. આવી માન્યતાથી પ્રેરાઈને જર્મનીથી દાંતનો એક ડોક્ટર ફ્રિડરિક રિટર અહીં આવ્યો. અહીં આવીને તેણે એક ખેતર બનાવ્યું. પરંતુ જે ખેતરને તેણે સ્વર્ગનો બગીચો નામ આપ્યું હતું તેણે રિટરને સ્વર્ગ પણ ન આપ્યું અને શાંતિ પણ ન આપી. માત્ર મૃત્યુએ જ તેને છૂટકારો આપ્યો. જર્મન વિજ્ઞાની આઈબલે આ સ્વર્ગના બગીચાની મુલાકાત લીધી ત્યારે અહીં ખોડા તાડના ઝાડ જ હતાં. તેમાંથી પણ કેટલાંકનાં માથા વાવાઝોડામાં કપાઈ ગયાં હતાં.
  • અમેરિકનો અહીં ઉંદર લાવ્યા હતા. તેની વસતી એટલી બધી વધી ગઈ કે માઈલો સુધી તેમણે દર ખોદીને ધરતી પોલી કરી નાખી હતી. દક્ષિણ સમૂર ટાપુના છેલ્લા રહેવાસી તરીકે ઉંદરની નોંધ થશે.
  • જે જીવસૃષ્ટિ અહીં કરોડો વર્ષ સુધી પાંગરી હતી તેનું નિકંદન કાઢી નાખવાનું પાપ અમેરિકન લશ્કરી થાણાના ફાળે જાય છે.
  • માણસ એકકોષી જીવનું કે એક જીવંત કોષનું પણ સર્જન કરી શકતો નથી, છતાં રોજ કેટલા બધા જીવ અને વનસ્પતિનો નાશ કરી રહ્યો છે!
  • પક્ષીઓના અવાજમાં વ્યંજન કરતા સ્વર વધારે હોય છે.
  • આ તૂતીઓ ડાર્વિનની ગુરુઓ છે. તેણે તેમની ૧૩ જાતિઓ પારખી હતી અને તેનું મંતવ્ય હજી પણ આપણે સ્વીકારીએ છીએ.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *