જૂલે વર્નનું સર્જન : બલૂનમાં બેસીને આફ્રિકાની હવાઈ સફર

આ કથા જુલ્સ વર્ને લખેલી સૌ પ્રથમ વિજ્ઞાન-સાહસ કથા છે. ૧૮૬૩માં લખાયેલી ફાઈવ વીક ઈન અ બલૂનનો ગુજરાતી અનુવાદ બલૂન પ્રવાસ નામે થયો છે. એવા સમયની વાત છે, જ્યારે બલૂન નવી નવાઈના હતા અને આફ્રિકામાં તો કોઈએ બલૂન જોયાં જ ન હતાં. ત્યારે ડોક્ટર ફરગ્યુસન બલૂન લઈને આફ્રિકા ઉપરથી પસાર થવાનો કપરો પ્રવાસ આદરે છે.

બલૂન પ્રવાસ (ફાઈવ વીક ઈન અ બલૂન)
પ્રકાશક –હરિહર પુસ્તકાલય, સુરત
કિંમત -૩૬ (૧૯૯૧ની બીજી આવૃત્તિની)
પાનાં- ૨૩૬

જુલ્સ વર્નના ચાહકો જાણતા હશે, કે તેમની વાર્તાઓ મોટે ભાગે અણદીઠેલી ભોમ ખેડવાની સાહસ કથા હોય છે અને એમાં વિજ્ઞાનના સિદ્ધાંતો કામે લગાડ્યા હોય. આ કથા પણ કંઈક એવી જ છે. જ્યારે બલૂનિંગ વિદ્યા વિકસી રહી હતી ત્યારે જુલ્સ વર્ને આ કથા લખી. જુલ્સ વર્ન તો ફ્રાન્સના હતા, પણ કથાના હિરો ઈંગલેન્ડના સંશોધક ડોક્ટર સેમ્યુઅલ ફરગ્યુસન છે. તેઓ પોતાના એક મિત્ર ડિક કેનેડી અને નોકર જોન સાથે આફ્રિકા ખંડના પૂર્વ છેડે આવેલા ઝાંઝીબારથી લઈને પશ્ચિમે આવેલા સેનેગલ સુધીનો પ્રવાસ કરે છે.

બલૂન કઈ રીતે ગરમ હવા દ્વારા ઊંચું-નીચું કરવું તેના સિદ્ધાંતો ફરગ્યુસન જાણે છે. વળી અગાઉ તેઓ નાની-મોટી સાહસયાત્રા કરી ચૂક્યા છે. વર્નની વાર્તમાં ઘણી જગ્યાએ આવતા ભારતમાં પણ ફરગ્યુસને કામ કર્યું છે. પ્રવાસની જાહેરાત થઈ એટલે વિરોધ થયો, તો કોઈએ વળી સમર્થન પણ આપ્યું.

ગુજરાતી ભાષામાં ૧૯૬૫માં પ્રગટ થયેલો અનુવાદ ભીમભાઈ દેસાઈએ કર્યો છે. વિક્ટોરિયા નામ ધરાવતા બલૂન માટે ગુજરાતી નામ ગગનગોળો વાપર્યું છે. તો તેના મુસાફરોને બલૂન-બહાદુરો તરીકે ઓળખાવ્યા છે. શરૃઆતના પાંચેક પ્રકરણો કદાચ કંટાળાજનક લાગે, પણ પછી સફર શરૃ થઈ જાય એટલે મજા આવે એવુ વર્ણન અને ઘટનાક્રમો છે. પુસ્તકમાં કેટલાક ચિત્રો પણ છે. શરૃઆતમાં પ્રવાસનો નકશો છે, પણ એ જરા ખોટો છે. આખા પુસ્તકમાં શું છે, તેનો આછો-પાતળો ખ્યાલ મળી રહે એટલા માટે કેટલાક વાક્યો-પેરેગ્રાફ અહીં રજૂ કર્યા છે.

  • બલૂનનું કદ ખૂબ મોટું ન થાય તેની ડોક્ટરે ખાસ કાળજી રાખવાની હતી. એ માટે હવા કરતાં સાડા ચૌદગણો ઓછો ભારે હાઈડ્રોજન ગેસ તેમાં ભરવાનો હતો. ડોક્ટરે પાકી ગણતરી કરી હતી કે ઓછામાં ઓછું ચાર હજાર રતલ (એટલે ૨ હજાર કિલોગ્રામ) વજન તો સાથે લઈ જ જવું જોઈએ.
  • પાણી ભર્યું અને પંદરેક ટોપલીમાં બસોક રતલ જેટલી માટી પણ ભરી દીધી. કદાચ બલૂનને ઝડપથી ઊંચે લઈ જવું પડે તો ય વાંધો નહીં આવે. આ બંને વસ્તુ ફગાવી દેવાય અને બોજો ઓછો થઈ જાય. વળી પાઈનો ખરચ ન થાય.
  • ધરતી પર ગમે તેટલું ચાલો પણ થાકો નહીં. પણ ગગનમાં પાંચ દિવસ ઉડો તો અકળાઈ જાવ. માણસ ધરતી પરનો જીવ છે. તેને ધરતી પર જેવો આનંદ ઉપજે તેવો ગગનમાં ઉડતા આવતો નથી.
  • આકાશેથી ઊતરી પડેલા ગગનગોળાને તેમણે દેવોનું વિમાન માની લીધું હતું. એ વિમાનને મોકલી આપવા માટે તેઓ ઈષ્ટદેવનો આભાર માનતા હતા.
  • ક્ષિતિજ પર ચંદ્રમા ઉપસી રહ્યા હતા. એ જ સાચા ચંદ્રનારાયણ. હબસીઓએ તે જોયા એટલે રીસે ભરાયા. ચંદ્ર એક જ હોય. બે હોય જ નહિ. પોતે ગગનગોળાને ચંદ્ર ધારતા હતા. પણ તે કેવળ બનાવટ છે એ હવે હબસીઓને સમજાઈ ગયું. આ કોઈ બનાવટી માણસો છે એ જાણી ગયા. ચંદ્રપુત્રો નથી. (એ પછી પ્રવાસીઓએ ત્યાંથી ભાગવું ભારે થયું હતું.)
  • રાત તો બધે પડે છે. પરંતુ આફ્રિકા જેવી ભેંકાર રાતની તો જોડ જ નથી.
  • આવતીકાલે નાઈલ નદીનું મૂળ શોધી કાઢવાનો યશ આપણે લઈશું. આજ સુધીમાં કોઈએ નથી કર્યું એ આપણે કરી બતાવીશું. નવો ઈતિહાસ રચીશું.
  • હવે આવે છે અણખેડી ભોમકા. હજુ સુધી કોઈએ પગ નથી મુક્યો એવી ધરતી.
  • અરે ઓ! એ ફૂલ નથી, માથાં છે માથાં! ઝાડ પરનું ફળ તોડવું અને માથું ઉડાવી દેવું એ એમને સરખું છે. લડતાં લડતાં કાપી નાખેલા માથાં તેઓ આમ લટકાવી દે છે. ભારતના લોકો વિજયની ખુશાલીમાં નાળિયેર લટકાવે છે તો આ લોકો માથાં લટકાવે છે!
  • કેનેડી ચોમેર નજર ફેરવવા લાગ્યો. અચાનક તેને કાળી છાયા દેખાઈ. અરે હા, એ તો ધીમે ધીમે ચાલે છે. લપાય છે. બહાર આવે છે. કેનેડીએ આંખો ચોળી.
  • મારી વીરો! ૫૪ કલાકની સફર કરી શકીએ એટલું પાણી આપણી પાસે છે. ઉપરાંત અંધકારમાં પાણીવાળો પ્રદેશ જો ચાલી જશે તો મુઆ જ સમજજો.
  • ભઠ્ઠી માટે રાખેલું પાણી ખલાસ થયું. ભઠ્ઠી બંધ પડી. ઊંચે ઊડતો ગગનગોળો ધીમે ધીમ ઉતરવા લાગ્યો. ધરતી પર બેસી ગયો.
  • અંધારું થયું. અચાનક તેની પાછળ કોઈ કૂદી પડ્યું. બે માણસોએ તેને જકડી લીધો. જોને છટકવા બાથોડિયાં માર્યા, પણ વ્યર્થ…
  • અમે નીચે સહી કરનારા સહર્ષ જાહેર કરીએ છીએ કે નીચે દર્શાવેલી તારીખે, ગગનગોળાનાં-બલૂલનાં દોરડાં પકડીને ડોક્ટર ફરગ્યુસન અને તેના બંને વીર સાથીઓ રીચાર્ડ કેનેડી તથા જોસેફ વિલ્સનને સેનેગાલના પશ્ચિમ કિનારે ઊતરતાં પ્રત્યક્ષ નિહાળ્યા છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *