સ્વીગી-ઝોમેટોમાંથી એક સમયે એક જ રેસ્ટોરાંમાંથી ઓર્ડર કરી શકાય છે. ઈટશ્યોરમાં આ મર્યાદા દૂર થઈ છે. એકથી વધુ રેસ્ટોરાંમાં એકસાથે ઓર્ડર કરી શકાય છે.
બાળકોને પિઝા ખાવા હોય, મોટેરાંઓને ચણા-પુરી ને વળી મહિલાઓને મન્ચુરિયન જેવી આઈટેમ ઓર્ડર કરવી હોય તો ઝોમેટે-સ્વીગીમાં થોડી મુશ્કેલી થાય. કેમ કે ત્રણેય વાનગીઓની રેસ્ટોરાં અલગ-અલગ હોય છે. માટે બધુ એક સાથે મંગાવી શકાતું નથી અને અલગ અલગ ઓર્ડર કરીએ તો મોંઘુ પડે.
એ સમસ્યાનો ઉકેલ લાવતું નવું ઓનલાઈન ફૂડ ઓર્ડર પ્લેટફોર્મ હવે શરૃ થઈ ચૂક્યું છે, જેનું નામ છે EatSure. ઈટસ્યોરની જાહેરખબરો અત્યારે સર્વત્ર જોવા મળી રહી છે. તેનો મુખ્ય પ્લસ પોઈન્ટ એ છે કે એકથી વધુ રેસ્ટોરાંમાંથી ફૂડ ઓર્ડર કરી શકાય છે. એ વાતનો જ પ્રચાર કરાઈ રહ્યો છે.
Swiggy-Zomatoના કારણે ભારતમાં ભોજન-ક્રાંતિ આવી છે. આખા દેશની ફૂડ જરૃરિયાત પહોંચી વળવા માર્કેટમાં આવી ઘણી ફૂડ એપ્સની જરૃરિયાત છે. Rebel Foods નામની કંપનીએ આ પ્લેટફોર્મ શરૃ કર્યું છે. બધી રેસ્ટોરાંમાંથી ઓર્ડર કરી શકાય એટલા માટે કંપનીએ પોતાની કેમ્પેઈન પણ #FoodcourtOnAnApp ચલાવી છે.
દેશમાં ઘણી સર્વિસ ઓનલાઈન થઈ ચૂકી છે. પરંતુ તેમાં રહેલી ખામીઓ ઉકેલી શકાય તો નવી સર્વિસ શરૃ થાય. ઈટસ્યોર એવી જ સર્વિસ છે. ઘરમાં રહેલા સૌ કોઈને અલગ અલગ રેસ્ટોરાંમાંથી કંઈક મંગાવવું હોય તો આ વિકલ્પ અત્યારે સરળતા કરી આપે છે. એક વખત ઓર્ડર કર્યા પછી ડિલિવરી બોય એક રેસ્ટોરાંમાંથી ફૂડ ઉપાડશે અને બીજી રેસ્ટોરાંમાં જશે. ત્યાંથી પણ પણ ફૂડ પિક-અપ કરીને છેવટે ડિલિવરી એડ્રેસ સુધી પહોંચાડશે. તેના કારણે ઓર્ડરને જરા સમય લાગશે. અમુક વાનગીઓ ઠંડી પડી જાય એવી પણ શક્યતા છે. પરંતુ કોઈ લાભ સામે કોઈ ગેરલાભ તો હોવાનો જ.