દુબઈ : ભાગ 1 – સિટિ ઓફ સુપરલેટિવ્સ!

ગુજરાતી પ્રવાસીઓ માટે દુબઈ બીજા ઘર જેવું છે. કોઈને કોઈક તો સગા અથવા સગાના સગા ત્યાં રહેતા જ હોય. દુબઈ ફરવા દુનિયાભરના પ્રવાસીઓ આવે છે અને એમાં ગુજરાતીઓનો ફાળો બહુ મોટો છે. મધ્ય-પૂર્વના રણમાંથી આંધીની માફક પ્રગટ થઈને દુબઈ દુનિયાભરમાં છવાઈ ગયું છે. પ્રવાસીઓ માટે ત્યાં શું શું છે?

વાદળોની પેલે પાર વસેલું નગર દુબઈ (Image – Dubai Tourism)

ગુજરાતથી કોઈને દક્ષિણ ભારતમાં આવેલા તિરૃવનંથપુરમ્ જવું હોય તો વિમાનમાર્ગે સહેજેય પાંચ-છ કલાક નીકળી જાય. એ રીતે કોઈને ભારતના પૂર્વ છેડે આસામ પહોંચવુ હોય તો પણ સાત-આઠ કલાક સમજી લેવાના. બીજી તરફ અમદાવાદથી દુબઈ જવું હોય તો ગણીને સાડા ત્રણ કલાક થાય છે. ગુજરાતના પ્રવાસીઓ માટે દુબઈ અનેક રીતે અનુકૂળ બન્યું છે. માટે દર વર્ષે ત્યાં ફરવાં જનારાં લોકોની સંખ્યા વધતી જ જાય છે. વળી ગુજરાતીઓની ત્યાં વસતી પણ બહુ મોટી છે. એટલે દક્ષિણ ભારતના પ્રવાસે જતી વખતે ભાષાનું બંધન નડવાનો ડર હોય તો ઉત્તર-પૂર્વની રખડપટ્ટીમાં કદાચ ભાવતું ભોજન મળશે કે કેમ એ શંકા થાય. દૂબઈમાં તો આપણે જોઈએ એ બધુ જ મળશે એવી પણ લોકોને ખાતરી હોય છે.

ગુજરાતીઓને દુબઈ ઘર જેવું જ લાગે કેમ કે દિવાળી જેવા તહેવારો ત્યાં ભવ્ય રીતે ઉજવાય છે. (Image – Dubai Tourism)

જ્યાં ચોવીસેય કલાક રણની રેતી જ ઊડતી રહે છે, એ દુબઈએ છેલ્લા ત્રણ-ચાર દાયકામાં જે પ્રગતિ કરી છે એ અકલ્પનિય છે. મધ્યયુગમાં મધ્ય-પૂર્વ એશિયાના રણમાં ઘણા રજવાડાં પથરાયેલાં હતા અને એમાં દુબઈ જેવા દરિયાકાંઠે માછીમારી કરતા ગામની તો કોઈ વિસાત પણ ન હતી. પણ કાંઠે વસેલું ગામ હોવાથી અહીં જહાજોની આવ-જા ચાલતી રહેતી હતી. નાના-નાના કબિલાઓનું રાજ હતું. અલ મક્તુમ નામનો પરિવાર જરા મોટો, શક્તિશાળી અને આગળપડતો હતો. લગભગ 800 સભ્યસમુહ ધરાવતા પરિવારે 1833માં દુબઈનો કબજો લઈને ત્યાં ‘અલ મક્તુમ સત્તા’ સ્થાપી. એ સાથે દુબઈના ભાગ્ય આડે ખડકાયેલા રેતીના ઢગલા દૂર થવાની પણ શરૃઆત થઈ. દુબઈના કાંઠે પર્લ (મોતી)ની ઉપજ થતી હતી. મોતીની પેદાશ કુદરતી હતી. એટલે તેના પર જ આધારિત રહેવાને બદલે મક્તુમ શાસકોએ દુબઈનો બંદર તરીકે વિકાસ કરવાની શરૃઆત કરી. ભારતથી આરબ રાષ્ટ્રો તરફ જતાં જહાજોના માર્ગમાં આ દુબઈનો જળ-કાંઠો આવતો હતો. એટલે બંદર તરીકે વિકાસની પૂરતી તકો હતી. મક્તુમ પરિવારના એક પછી એક શાસકો દુબઈની નાનકડી અમિરાત (રજવાડાં)ની ગાદીએ આવતા ગયા અને પોતાની સૂઝ-સમજ પ્રમાણે વેપાર-વિકાસ વિસ્તારતા ગયા. 20મી સદીના આરંભે અતી મહત્ત્વનો નિર્ણય લઈને દુબઈને ફ્રી-પોર્ટ જાહેર કરાયું. એટલે આસપાસના બંદરોમાં થતો ટ્રાફિક દુબઈ તરફ વળવા લાગ્યો. બંદર તરીકેની ઓળખ જળવાઈ રહે એ માટે કાંઠે કમર્શિયલ બાંધકામો ઉભા કરી દેવાયા અને વાંકા-ચૂંકા દરિયાકાંઠાને સમતળ કરી આકર્ષક બનાવાયો. ત્યાં વસતી પાંખી હતી, માટે ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ જેવા રાષ્ટ્રોમાંથી મોટી સંખ્યામાં કામદારોને બોલાવાયા.

અહીંથી જવાય માત્ર રણ તરફ (Image – Dubai Tourism)

1950ના દાયકામાં તત્કાલીન શેખ રશીદ બિન સઈદે કાંઠે જમા થતો કાંપ દૂર કરવાનો તોતીંગ પ્રોજેક્ટ હાથ ધર્યો. દુબઈ તો ઠીક આસપાસના રજવાડાંઓમાં પણ કોઈ સુલતાને આવુ સાહસ કર્યું ન હતું. બ્રિટિશરોની અહીં સત્તા ન હતી, પરંતુ તેઓ વાલી તરીકે હાજર હતા. દુબઈના બંદરને સંરક્ષણ આપવું, વિદેશનીતિની સમજણ  આપવી, અમિરાત વચ્ચે અંદરોઅંદર વિખવાદ થાય તો ઉકેલવા વગેરે કામગીરી બ્રિટિશ કારભારી કરતા હતા.

કાર્ગો જહાજોની અવર-જવર વધી એટલે દુબઈ ધમધમવા લાગ્યું. એમાં વળી 1966માં ‘આધુનિક યુગનું સોનુ’ ગણાતુ પેટ્રોલિયમ મળી આવ્યું. દુબઈના શાસકોએ પેટ્રોલિયમના જોરે વિકાસ કરવાની શરૃઆત કરી દીધી. રણમાં બીજું કંઈ હતું નહીં. ન હોય તો શું થયું? ઉભું તો કરી શકાય ને! મક્તુમ પરિવારે નક્કી કર્યું કે પશ્ચિમના દેશો પાસે જે કંઈ આકર્ષણ છે એમાંથી જે પણ કૃત્રિમ રીતે ઉભું થઈ શકે એ દુબઈમાં કરી દેવું. દુબઈનો ઓઈલ જથ્થો બહુ વર્ષ ચાલે એવો હતો નહીં. માટે ખનિજતેલ ખલાસ થાય ત્યાં સુધીમાં બીજા વિકલ્પો ઉભા કરવા દુબઈ માટે ફરજિયાત હતા. વિકાસપથ પર અડચણ ન આવે એટલે આસપાસની ઠકરાત (એમિરેટ્સ) ભેગી થઈ અને 1971માં ‘યુનાઈટેડ આરબ એમિરેટ્સ (યુએઈ)’ની સ્થાપના કરી દીધી. આ એમિરેટ્સમાં દુબઈ ઉપરાંત અબુ ધાબી, શારજાહ, અજમાન, રસ-અલ-ખૈમહ, ફુજૈરાહ અને ઉમ-અલ-ક્વાઈનનો સમાવેશ થાય છે. સૌથી વધુ વસતી જોકે દુબઈ પાસે જ છે. અબુધાબી અને શારજાહે પણ પોતપોતાની રીતે નામ કાઢ્યું છે.

બુર્જ ખલિફા (Image – burjkhalifa.ae)

1990માં દુબઈની ધૂરા મુક્તમ બિન રશીદે સંભાળી. એમના મનમાં દુબઈના વિકાસ માટે અનેક સપનાંઓ હતાં અને સપનાં સાકાર કરવાની સૂઝ-બૂઝ પણ હતી. માટે દુબઈનો ચોતરફા વિકાસ શરૃ કર્યો. સૌથી પહેલા પ્રવાસીઓ આવે એટલે એરપોર્ટ તૈયાર કર્યું. પ્રવાસીઓ ટકી રહે એટલે મનોરંજનના વિકલ્પો ઉભા કરી દીધા. પ્રવાસીઓ ખરીદી કરીને રાજી થાય એટલા માટે એરપોર્ટ પર શોપિંગને કર-મુક્ત (ડ્યુટી ફ્રી)કરી દીધું. પ્રવાસીઓ દુબઈમાં શોપિંગ કરી શકે એટલા માટે 1996માં દુબઈ શોપિંગ ફેસ્ટિવલની શરૃઆત કરવામાં આવી. જે હવે દર વર્ષે યોજાય છે. એવી જ રીતે દુબઈએ પોતાને ત્યાં ઘોડાની રેસનો વર્લ્ડકપ પણ એ જ વર્ષે આરંભી દીધો. પ્રવાસીઓ આવવા લાગ્યા, સંપત્તિ વધવા લાગી એટલે પછી ભવ્યતાની શરૃઆત થઈ. લીંબુની ફાડ ઉભી રાખી હોય એવા આકારની હોટેલ ‘બુર્જ અલ આરબ’ 1999માં દુબઈમાં ખુલ્લી મુકાઈ. એ વખતે એ દુનિયાની એકમાત્ર સેવન સ્ટાર હોટેલ હતી. એક તરફ પરંપરા જાળવાઈ રહી હતી, બીજી તરફ ઈન્ટરનેટ સહિતની આધુનિક સુવિધાઓ દુબઈમાં પ્રવેશી ચૂકી હતી. માટે દુનિયાના કોઈપણ ખૂણેથી પ્રવાસી દુબઈ આવે, કંઈકને કંઈક તો તેને મળી જ રહે.

દુરથી દુબઈ રળિયામણું (Image – Dubai Tourism)

અત્યારે રશીદના પુત્ર હમદાન બિન મોહમદ દુબઈની ઘૂરા સંભાળી ભવિષ્યના આયોજનો કરી રહ્યાં છે. દુબઈ પાસે દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ બુર્જ ખલિફા છે, સૌથી મોટો કૃત્રિમ ટાપુ પામ જુમૈરાહ છે, જગતનું નંબર વન એરપોર્ટ છે. બાંધકામ તો એટલી મોટી માત્રામાં કર્યું કે 2006માં આખા જગતમાં જેટલી ક્રેન હતી તેની 25 ટકા ક્રેન એકલા દુબઈમાં હતી. કેમ કે સર્વત્ર રોડ-રસ્તા-ટાપુ-ટનલ-બિલ્ડિંગ બંધાતું જ રહેતું હતું. વૈભવશાળી જીવનનું પણ દુબઈ પર્યાય બન્યું છે. સમૃદ્ધિ કેટલી હોય તેનું ઉદાહરણ રસ્તા પર પોલીસ 11 કરોડથી વધુની કિંમત ધરાવતી અને 400 કિલોમીટરની ઝડપે દોડી શકતી ‘બુગાટી વેરોન’ લઈને નીકળે તેના પરથી જ સમજી શકાય.

રણમાં બલૂન સફારી (Image – Dubai Tourism)

આ બધી શ્રેષ્ઠતાઓને કારણે દુબઈને ‘સિટિ ઓફ સુપરલેટિવ’ ઉપનામ મળ્યું છે. દુબઈની વસતી 27 લાખ છે, પણ વર્ષે પ્રવાસી આવે એનો આંકડો 1.6 કરોડ થાય છે. એ પ્રવાસીઓમાં આપણે શામેલ થઈએ તો દુબઈમાં શું શું જોવા-માણવા-અનુભવવા જેવું છે?

એ બીજા ભાગમાં જોઈએ..

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *