ભાગ-2ની લિન્ક
દુબઈનું સૌથી મોટું આકર્ષણ બેશક બુર્જ ખલિફા છે. એ સિવાયના આકર્ષણોની કંઈ કમી નથી. જેમ કે…
દુબઈ ફાઉન્ટેન
દુબઈ મોલના પ્રાંગણમાં જ ભવ્ય ફૂવારો આવેલો છે, જે ‘દુબઈ ફાઉન્ટેન’ તરીકે જાણીતો છે. સંગીતના તાલે ઝૂમતુ, ઉછળતું, નીચે ખાબકતું અને ફરી જળમાં સમાઈ જતું પાણી દુબઈ ફાઉન્ટેનમાં જોવા મળે. સંગીત રજૂ થાય એ સાથે પાણી પણ ફૂવારા સ્વરૃપે ઉછળે એવો, સંગીતબદ્ધ કરેલો આ દુનિયાનો સૌથી મોટો ફૂવારો છે. પાણીમાં વિવિધ આકાર રચાય તો વળી ક્યાંક પાણીની સેર નૃત્ય કરતી હોય એવા હિલોળા પણ લે. ક્યાંક વળી ફૂવારો પડદાં જેવુ સ્વરૃપ ધારણ કરે તો ક્યાંક હવાઈ કિલ્લાની રચના કરે.
રોજ દિવસમાં 1થી 2.30 દરમિયાન અને રોજ સાંજે 6થી 11 વાગ્યા સુધી દર 30 મિનિટે ફૂવારો શરૃ થતો રહે છે. 30 મિનિટનો એક એવા લગભગ 13 શો રોજના થાય છે. સાંજ પડ્યે ફૂવારો ચમકી ઉઠ એટલા માટે 6600 લાઈટ્સ અને લાઈટને કલરફૂલ દેખાડવા માટે 50 કલર પ્રોજેક્ટરનો વપરાશ થાય છે. આ ફૂવારો 902 ફીટ લંબાઈની સેર સર્જે છે, તો વળી પાણી 500 ફીટ (50 માળના મકાન જેટલે) સુધી ઊંચે જાય છે. ફૂવારાની સેર ઊછળે ત્યારે કોઈ પણ સમયે એમાં 83,000 લીટર પાણી હવામાં ઉછળતું હોય છે. જો આસપાસના બાંધકામ ન નડે તો સૌથી ઊંચી પાણીની સેર 30 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય!
પાણીને ઊંચે ચડાવવા માટે હાઈ પાવર વોટર જેટ અને શૂટર્સ ફિટ કરી રખાયા છે. વોટર રોબોટ છે, જે પાણીને ડાન્સ કરાવતા રહે છે. હવે તો અહીં ફ્લોટિંગ પ્લેટફોર્મ પણ બનાવાયું છે. મુલાકાતીઓ એ પ્લેટફોર્મ પર સવાર થઈ ફૂવારાની 9 મિટર સુધી નજીક જઈ શકે છે.
દુબઈ ફ્રેમ
દુબઈમાં દુનિયાની સૌથી ઊંચી ફોટો ફ્રેમ બનાવાઈ છે. સૌથી ઊંચી એટલે કેટલી? 150 મિટર ઊંચી, 93 મિટર પહોળી! આવડી મોટી ફ્રેમમાં કોનો ફોટો રાખ્યો હશે? દુબઈનો! હકીકતે આ ફ્રેમ એ સિમેન્ટ-કોન્ક્રિટનું તોતિંગ સ્ટ્રક્ચર છે, જેની વચ્ચેનો ભાગ ખાલી છે. એટલે કે તેમાં કોઈનો ફોટો નથી, પરંતુ બાંધકામની એક તરફ જૂનું દુબઈ છે, બીજી તરફ નવું દુબઈ છે. પ્રવાસીઓ ગમે તે તરફથી જૂએ, તેમને દુબઈ દેખાય. જોકે દુબઈનાં બન્ને સ્વરૃપ જોવા હોય તો પ્રવાસીઓએ 93 મિટર ઊંચાઈએ આવેલા કાચના પ્લેટફોર્મ સુધી જવું પડે. પ્રવાસીઓ ટિકિટ લઈને નીચેથી ઊપર ઝડપી એલિવેટર વડે માત્ર 75 સેકન્ડમાં પહોંચી શકે છે. ભવ્ય ફ્રેમના બાંધકામમાં 9,900 ઘન મિટર કોન્ક્રિટ, 2,000 ટન સ્ટીલનો વપરાશ થયો છે. જોકે પહેલી નજરે આખી ફ્રેમ કાચની હોય એવુ જ લાગે અને એવુ લાગે એટલા માટે તેમાં 2900 ચોરસ મિટર કાચનું જડતર કરી લેવાયું છે. રાતના અંધકારમાં કાચમાં રહેલી લાઈટો આખી ફ્રેમને ઝળાંહળાં કરે છે. રજવાડી દેખાવ જળવાઈ રહે એટલા માટે ફ્રેમનો બાહરી ભાગ ગોલ્ડન કલરથી રંગાયો છે.
ઉપર આસમાની સુલતાની જોઈ લીધા પછી ફ્રેમના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા મ્યુઝિયમમાં પ્રવાસીઓ દુબઈનો ઇતિહાસ જાણી-સમજી શકે છે. સાથે સાથે ત્યાં દુબઈના ભવિષ્યને રજૂ કરતી ગેલેરી પણ છે. જેમાં વિશાળ સ્ક્રીન પર ભવિષ્યના દુબઈમાં કઈ રીતે ફ્લાઈટંગ ટેક્સીઓ રમઝટ બોલાવતી હશે, કેવાં મકાન હશે, કેવા રસ્તાં હશે.. વગેરેની કલ્પના પ્રવાસીઓને અચંબિત કર્યા વગર રહેતી નથી. પ્રવાસીઓની ભીડ ન થાય એટલા માટે દર કલાકે 200 ટિકિટ જ મંજૂર કરવામાં આવે છે. તેની ટિકિટ સત્તાવાર વેબસાઈટ https://www.dubaiframe.ae/en પરથી ખરીદી શકાય છે.
પામ જુમૈરાહ
દુબઈ પાસે જમીન મર્યાદિત છે. ત્યાંના શાસકોએ ભવિષ્યની જરૃરિયાતને પહોંચી વળવા માટે દરિયા કાંઠે પૂરાણ શરૂ કરી એક પછી એક બાંધકામ ખડકી દીધા. એટલેથી પણ વાત પૂરી ન થઈ એટલે કદાવર કૃત્રિમ ટાપુ બનાવી નાખ્યો. એ ટાપુ આજે ‘પામ જુમૈરાહ’ તરીકે ઓળખાય છે. હકીકતે એ તેના આકાર પરથી અપાયેલું નામ છે. ઉપરથી જોતાં ખબર પડે કે ટાપુ રણના કલ્પનૃક્ષ ખજૂરી અને તેની બન્ને તરફ લચેલા પાંદડા આકારનો છે. સાવ પાંદડા આકારનો નથી, પરંતુ પાંદડા પરથી પ્રેરિત ડિઝાઈન છે. જુમૈરાહ એ જ્યાં ટાપુ બનાવાયો એ કાંઠા વિસ્તારનું નામ છે.
રહેણાંક મકાનો અને હોટેલ્સ-રેસ્ટોરાં એમ વિધવિધ પ્રકારના 4000થી વધારે બાંધકામો અહીં છે. દસેક હજાર કરતા વધુ લોકોનો ત્યાં વસવાટ છે. વચ્ચેનો ભાગ જેને વૃક્ષનું થડ ગણી લઈએ એ 2 કિલોમિટર લંબાઈ ધરાવે છે. જ્યારે બન્ને તરફ 17 ડાળખીઓ ફેલાવાઈ છે. ફરતે વળી ગોળાકાર કવર પહેરાવ્યું હોય એવો પાળો બંધાયો છે. સમગ્ર વિસ્તારનો વ્યાસ પાંચ કિલોમીટર છે. ગોળ આકાર અને પાંદડાનું પ્રમાણમાપ બરાબર જળવાઈ રહે એટલા માટે ઊંચેથી ડિઝાઈન સતત જોતી રહેવી પડે. પણ ઉપરથી ક્યાંથી જોઈ શકાય? સતત નજર રાખવા માટે છેવટે ખાનગી સેટેલાઈટ ભાડે લેવામાં આવ્યો હતો. આ ટાપુ કૃત્રિમ રીતે બનેલો દુનિયાનો સૌથી મોટો ટાપુ છે. તેના માટે દુબઈએ લાખો ટન રેતી આયાત કરવી પડી હતી. કુલ તો 9.4 કરોડ ઘન મિટર રેતી, 70 લાખ ટન પથ્થરનો વપરાશ થયો હતો. દરિયાથી ટાપુની સરેરાશ ઊંચાઈ 13 ફીટ છે. પહેલા રેતીનો થર, તેના પર પથ્થર, તેના પર વળી અલગ પ્રકારના પથ્થર એમ થપ્પા કરીને બાંધકામ મજબૂત કરાયું છે.
બાંધકામમાં જરા પણ કચાશ ન રહે એટલા માટે દુનિયાભરના 1200 એન્જિનિયરોને ત્યાં કામે લગાડાયા હતા. બાંધકામ વખતે 1,20,000 કારીગરો કાર્યરત હતા. એમાંથી ઘણા ટાપુ પર જ રહી શકે એવી વ્યવસ્થા કરાઈ હતી. બાકીના 40 હજાર કામદાર એવા હતા, જે મુખ્યભૂમિ પરથી રોજ 850 બસો દ્વારા આવ-જા કરતાં હતા. ટાપુ બની ગયા પછી ખબર પડી કે ભરતી-ઓટનું પાણી અંદર-બહાર થઈ શકે એવી સગવડ કરવાનું ભુલાઈ ગયું છે! માટે પછી પાછળથી ફરતા ગોળાકાર પાળામાં બે ખાંચા કરી દેવાયા. એ પછી પણ ટાપુ પરની પ્રોપર્ટી વેચવા માટે ખૂલ્લી મુકાયાના 72 કલાકમાં 4000 બાંધકામ વેચાઈ ગયા હતા!
મુખ્ય ભૂમિ પરથી આ ટાપુ પર ઓવરબ્રિજ પર ચાલતી મોનો રેલ, જમીન પર ચાલતી બસ અને અન્ય વાહનો તથા ભુગર્ભમાં બનાવેલી ટનલ એમ વિવિધ રીતે પહોંચી શકાય છે. સમુદ્રમાં 25 મિટર નીચેથી પસાર થતી ટનલ પોતે 1.4 કિલોમીટર લાંબી અને 40 મિટર પહોળી છે. જ્યારે ટાપુમાં અંદરો અંદર ફરવા માટે ઢગલાબંધ હોડીઓ પણ છે. ટાપુ જોઈ લીધા પછી પ્રવાસીઓ મોઁઘેરી યોટ કે પછી પોસાય એવા ભાવની હોડીમાં બેસી દરિયામાં ચક્કર મારી શકે છે. કોઈને ઉપરથી ટાપુ જોવો હોય તો સ્કાય ડાઈવિંગની સુવિધા પણ છે, જેના દ્વારા ઉપરથી દોઢસો કિલોમીટરની ઝડપે ટાપુ પર પડતું મુકી શકાય છે. પ્રવાસીઓ પેડલિંગ હોડી લઈને પણ દરિયામાં સફર કરી શકે છે. ટાપુ પર વિવિધ 70 રાષ્ટ્રના નાગરિકો વસે છે, કામ કરે છે, જાણે કે નાનકડા ટાપુમાં અડધી દુનિયા સમાઈ ગઈ!
એ સિવાયના દુબઈની વાત છેલ્લા અને ચોથા ભાગમાં. આ રહી તેની લિન્ક