ભાગ-3ની લિન્ક
દુબઈના શાસકોએ રેતીનો ઉપયોગ કરીને પ્રવાસના સ્થળો વિકસાવ્યા છે, તો બીજી તરફ બોલિવૂડ જેવી વિવિધ થિમ પર પાર્ક તૈયાર કર્યાં છે. મનોરંજક સ્થળોનો સરવાળો તો છેક 100થી વધુ થાય છે.
એકથી એક ચડિયાતા થિમ પાર્ક
દુબઈ આખુ શહેર પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને જ વિકસાવાયું છે. એટલે અહીં એક ડઝન કરતાં વિવિધ થિમ પાર્ક છે. દરેક થિમ પાર્કમાં અનોખી દુનિયા ઉભી કરી દેવાઈ છે. જેમ કે ‘આઈએમજી વર્લ્ડ ઓફ એડવેન્ચર પાર્ક’માં ડાઈનાસોરનું રાજ છે. ફૂટબોલના 28 મેદાન જેવડાં પાર્કમાં ડાયનાસોરના વિવિધ પૂતળાં, કાર્ટૂન અને સુપર હિરો કેરેક્ટરના કટ આઉટ્સ ઉપરાંત વિવિધ 20 પ્રકારની થ્રીલ રાઈડ્સ છે. એમાં જોકે સૌથી મોટું આકર્ષણ દુબઈની સૌથી ઝડપી રોલર કોસ્ટર રાઈડ છે. એ રાઈડ 2.5 સેકન્ડમાં જ તેમાં બેઠેલા પ્રવાસીઓને 100 કિલોમીટરનની ઝડપે પ્રવાસ કરાવે છે.
‘મોશનગેટ દૂબઈ’ નામનો પાર્ક વિવિધ હોલિવૂડ એક્શન ફિલ્મો પર આધારિત 40 રાઈડ્સ ધરાવે છે. હોટેલ ટ્રાન્સિલ્વેનિયા, ઝોમ્બિલેન્ડ, ધ ગ્રીન હોર્નેટ, સ્મર્ફ્સ, ફુંક ફૂ પાંડા, ડ્રેગન.. વગેરે રાઈડ્સ પ્રવાસીઓનો દુબઈ સુધીનો ધક્કો વસૂલ કરાવી દે છે. અહીં પ્રવેશેલા પ્રવાસીઓને જાણે એવું લાગે કે હોલિવૂડના ભવ્યાતિભવ્ય સ્ટુડિયોના સેટ પર આવી પહોંચ્યા છીએ. હોલિવૂડને સમર્પિત પાર્ક છે, તો બોલિવૂડ થોડું પાછળ રહે? એ માટે ‘બોલિવૂડ પાર્ક’માં જવું પડે. અહીંની 16 રાઈડ્સ બોલિવૂડની ફિલ્મો ડોન, શોલે, ક્રિશ, લગાન, દબંગ વગેરે પરથી તૈયાર કરાઈ છે. એ સિવાય પાંચ અલગ અલગ સ્ટેજ પર બોલિવૂડ ફિલ્મો આધારિત 20 લાઈવ શો સતત ચાલતા રહે છે.
‘લેગોલેન્ડ દુબઈ’માં રાઈડ્સ ઉપરાંત લેગોના બનેલા 15 હજારથી વધુ મોડેલ્સ છે. એમાં એક મોડેલ બુર્જ ખલિફાનું છે. બુર્જ ખલિફા સૌથી ઊંચુ મકાન છે, તો અહીં આવેલું મોડેલ દુનિયામાં સૌથી ઊંચુ બનેલું લેગો મોડેલ છે, જેની ઊંચાઈ 17 મિટર છે. ‘વાઈલ્ડ વાડી વોટરપાર્ક’ આરબ જગતની સફર કરાવે છે. એક્વાવેન્ચર પાર્કમાં ઈજિપ્તના પિરામિડોની યાદ અપાવે એવી વોટર રાઈડ્સ છે.
તમે રણના દેશમાં છો, એ વાત સાવ ભુલાવી દેતો એક પાર્ક છે, ‘સ્કી રિસોર્ટ’. નામ પ્રમાણે જ બરફમાં રમાતી સ્કિઈંગની રમત અહીં રમાય છે. રમત માટે બરફ જોઈએ અને બરફ માટે શૂન્યથી નીચું તાપમાન જોઈએ. આ પાર્કમાં એ બધી જ વ્યવસ્થા કૃત્રિમ રીતે ઉભી કરાઈ છે! ખૂલ્લા વાતાવરણમાં જ થઈ શકે એવી રમત માટે અહીં કદાવર ઈનડોર સ્ટેડિયમ તૈયાર કરાયું છે. 22,500 ચોરસ મિટરમાં ફેલાયેલા પાર્કનું તાપમાન સતત -2 ડીગ્રી જાળવી રાખવામાં આવે છે. સ્કિઈંગનો સૌથી લાંબો ટ્રેક 400 મિટરનો છે અને એ 60 મિટરની ઊંચાએઈથી સડસડાટ નીચે લઈ આવે છે. એવડી રાઈડ્સ સમાઈ શકે એટલા માટે પાર્કની છત 85 મિટર ઊંચી રખાઈ છે. આ બર્ફિલી ભૂમિ પર દક્ષિણ ધ્રુવ પર જોવા મળતાં પેગ્વિન પણ લાવીને રખાયા છે.
ડેઝર્ટ સફારી
રણમાં જવાનું આમ તો કોઈને ગમે નહીં. પણ દુબઈના સત્તાધિશોએ રણને રંજનમાં ફેરવી નાખ્યું છે. અહીં રણમાં વિવિધ પ્રકારની સાહસિક રમતો અને સફારી યોજાય છે. દુબઈમાં અનેક ટ્રાવેલ કંપનીઓ રણ દર્શન કરાવતી સફારીનું આયોજન કરે છે.
મોટે ભાગે સવારથી સાંજ સુધીની સફરમાં રણમાં ચાલી શકતી ખાસ પ્રકારની એસયુવી, કેમલ રાઈડ, ભોજન, સંગીત વગેરેનો સમાવેશ થાય છે. આરબ દેશોમાં ફેલાયેલા બેદુઈન લોકો રણમાં તંબુ બાંધીને રહેતા હતા. હજુ પણ રહે છે. એ તંબુનો અનુભવ પ્રવાસીઓએ એકાદ બેદુઈન કેમ્પની ટિકિટ લઈને કરી શકે છે. રાત પડ્યે એ તંબુઓ રોશનીથી ઝળહળી ઉઠે, રૃહાની આરબ ગીત-સંગીત રજૂ થાય. નીચે રેતીનો સમંદર તો વળી ઉપર સામાન્ય રીતે જોવા ન મળતું હોય એવુ ખૂલ્લું આકાશ ઝંબુળાતું જોવા મળે.
રણમાં ગાડી ચલાવવી ખાસ્સી અઘરી છે. કેટલી અઘરી એ ત્યાં સફર કર્યા વગર સમજી ન શકાય. કેમ કે નીચે પોચી રેતી હોય અને ચો-તરફ પણ રેતી જ ફેલાયેલી હોય એવા નક્કર ટેકાનો અભાવ ધરાવતા ભુપૃષ્ઠ પર ત્યાંના બાહોશ ડ્રાઈવરો જ ગાડી ચલાવી શકે. ડ્રાઈવરને સલામ જ કરવી પડે કેમ કે જે રેતીના ઢગલા (સેન્ડ ડ્યુન) પર આપણને ચાલીને જવાની હિંમત ન થાય તેના પર એ ગાડી ચડાવે, પ્રવાસીઓનો જીવ અધ્ધર કરી મુકે અને પછી સલામતીપૂર્વક ઉતારે પણ ખરાં. પ્રવાસીઓ રણમાં ચાલી શકે એવી બાઈકની સફર કરી શકે છે અને સાયકલિંગ પણ કરી શકે છે. કોઈને રેતીના ઢાળ પર લસરવાનું મન થાય તો બરફની લસરપટ્ટીની માફક અહીં ‘સેન્ડબોર્ડિંગ’ પણ થાય છે.
દુબઈનો અસલ વિસ્તાર : અલ ફહિદી
આજનું દુબઈ તો સ્કાયક્રેપર અને ભવ્ય બાંધકામોથી જગતભરમાં ખ્યાત થયું છે. પરંતુ તેના મૂળ બાંધકામો કેવા હતા? એ જોવા-જાણવા અલ ફહિદી વિસ્તારમાં જવું પડે. ભૂખરી દીવાલ, સાંકડી ગલીઓ, ઉપરના ભાગે ફીટ થયેલા લાકડા, દીવાલ પર ગાર-માટીનું લીંપણ, પાણી માટેના પાળા બાંધેલા કુવા, રસ્તા પર ફીટ થયેલી પથ્થરની જાજમ, ખૂણે ખૂણે ઉભા કરાયેલા વોચ ટાવર, આખા વિસ્તાર ફરતે કોટનું બાંધકામ.. જોઈને અલિફલૈલા કે અલાદીનના યુગમાં પહોંચી ગયાનું લાગે.
આ બાંધકામો પરંપરાગત રીતે કરાયા છે, એટલે તેમાં પથ્થર, ટીકવૂડ, જિપ્સમ, ખજૂરીનું લાકડું, ચંદનનું લાકડું.. વગેરેનો વપરાશ થાય છે. ફહિદી ફોર્ટ 1787માં બંધાયેલો છે અને આજની તારીખે એ દુબઈનું સૌથી જૂનું બાંધકામ છે. ફહિદી વિસ્તારમાં કુલ 60 બાંધકામ છે, જે દુબઈ માટે ધરોહર જેવા છે. ઈતિહાસ જાણવો હોય એમના માટે અહીં મ્યુઝિયમ છે, શોપિંગ માટે સુવેનિયર શોપ્સ પણ છે.
કેનાલ-બિચ
ઓલ્ડ ક્રીક કહેવાતી ખાડી અને સમુદ્ર સુધી જોડાણ ધરાવતી 3.2 કિલોમીટર લાંબી કેનાલ દુબઈમાં બનાવાઈ છે. એ કેનાલની બન્ને તરફ તોતિંગ મકાનો, હોટેલ્સ, બિઝનેસ પાર્ક જેવા બાંધકામ આવેલા છે. કેનાલ પોતે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, કેમ કે સાંજ પડ્યે ત્યાં જળધોધને વિવિધ રંગના પ્રકાશ દ્વારા ભભકદાર બનાવાય છે. પ્રવાસીઓ હોડી દ્વારા કેનાલની સફર કરી શકે છે.
દુબઈનો દરિયાકાંઠો માયામી જેવા સુંદર બિચમાં ફેરવાઈ ચૂક્યો છે. શહેરી ભાગદોડમાંથી જરા બ્રેક લેવાનું મન થાય એ પ્રવાસીઓ કાઈટ બિચ, જુમૈરાહ બિચ, લા મેર બિચ, બ્લેક પેલેસ બિચ.. જેવા કોઈ સ્થળે જઈને જળનો આનંદ લઈ શકે છે. કાઈટ બિચ તો તેના કાઈટ સર્ફિંગ માટે જ જાણીતો છે. સર્ફ બોર્ડ પર ઉભા રહીને પતંગની મદદથી જળતરંગો પર સફર કરી શકાય છે.
દુબઈમાં આવા મનોરંજક સ્થળોની સંખ્યા તો એક સદી વટાવે એટલી થાય છે. ઉપર વર્ણવ્યા એ સિવાય દરિયાકાંઠે મેન્ગ્રૂવ્સના જમાવડા વચ્ચે ઉભી થયેલી ‘રાસ અલ ખોર વાઈલ્ડલાઈફ સેન્ચુરી’, 2000 બેઠક સાથેનું થિએટર ધરાવતુ ‘દુબઈ ઓપેરા’, 10 કરોડથી વધારે ફૂલ ધરાવતો 2000 ચોરસ મિટરમાં ફેલાયેલો ‘દુબઈ મિરેકલ ગાર્ડન’, 15 હજારથી વધુ પગંતિયાની વસાહતવાળો ‘બટરફ્લાય પાર્ક’, શહેર પૂરું થાય સમુદ્ર શરૃ થાય ત્યાં આવેલી ‘દુબઈ ક્રીક’ નામની ખાડી, ‘ઈબ્ન બતુતા મોલ’, દુબઈના ગ્રામ્ય જીવવની ઝાંખી કરાવતું અને રિનોવેટ-રિકન્સ્ટ્રક્ટ થયેલું ‘હત્તા હેરિટેજ વિલેજ’, એ ગામ પાસે જ આવેલી ગ્રાન્ડ કેન્યનની મિનિ આવૃત્તિ જેવી પથ્થરિયા રચના અને તેની વચ્ચે આવેલો કુદરતી સ્વીમિંગ પૂલ, દુનિયાના દેશોનો નકશો બનાવ્યો હોય એવો ‘વર્લ્ડ આઈલેન્ડ’, આઈબેક્સ જેવા પ્રાણી અને રણના શિકારી પક્ષીની વસતી ધરાવતું ‘દુબઈ ડેઝર્ટ કન્ઝર્વેશન રિઝર્વ’, દુનિયાની સૌથી મોટી મસ્જીદોમાં સ્થાન ધરાવતી ‘ગ્રાન્ડ મોસ્ક’, મરી-મસાલાની ખરીદી માટે સ્પાઈસ માર્કેટ, 380થી વધારે જ્વેલરી શોપ ધરાવતું દુબઈનું ગોલ્ડ માર્કેટ… જેવા તો અનેક સ્થળો દુબઈ પાસે છે, જે દુનિયાભરના પ્રવાસીઓને ત્યાં ખેંચી લાવે છે.
જોવાની વાત એ છે કે હજુ અડધી-પોણી સદી પહેલા રણના એ રેતાળ પ્રદેશ તરફ નજર કરવા કોઈ તૈયાર ન હતું. આજે ત્યાંથી દુનિયાની નજર હટી શકે એમ નથી. કંઈ ન હોય ત્યાં બધુ જ કેમ સર્જી શકાય, શૂન્યમાંથી સર્જન કોને કહેવાય તેનું દુબઈથી મોટું ઉદાહરણ મળવું મુશ્કેલ છે.