ગુજરાતનું સૌથી ઊંચું ગામ ક્યુ? એવો સવાલ ભુગોળમાં ભણાવાતો નથી અને જનરલ નોલેજની ચોપડીયુંમાં જણાવાતો નથી. પણ જો એ સવાલનો જવાબ શોધવો હોય તો ડાંગ જિલ્લામાં મહારાષ્ટ્રની સરહદ પર આવેલા ગામ ડોન જવું પડે. આહવાથી ત્રીસેક કિલોમીટર છેટે આવેલું ગામ અનેક રીતે અનોખું છે.
ડોન અંદાજે હજારેક મિટર ઊંચુ છે. એટલુ ઊંચુ હોવા છતાં વળી ફરતું ટેકરીઓથી ઘેરાયેલું છે. જાણે જ્વાળામુખી ટોચે કોઈ બખોલ કરીને એમાં ગામ ગોઠવ્યું હોય એવો દેખાવ સર્જાય છે. સાપુતારા પણ એમ તો હજાર મિટર એટલે કે એક કિલોમીટર ઊંચુ છે, પણ તેની ઓળખ ગામ કરતાં હીલ સ્ટેશન તરીકેની વધારે છે. એટલે હાલ તો ગુજરાતનું સૌથી ઊંચુ ગામ ડોનને ગણી શકાય એમ છે. જોકે ડોનની ઊંચાઈના સત્તાવાર આંકડા સરકાર જાહેર કરે તો કદાચ ઊંચ-નીચનો ભેદ પામી શકાય. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાને અડીને આવેલા આ ગામે પહોંચ્યા પછી એવુ લાગે કે જાણે આસમાને પહોંચી ગયા. બાકીનું ગુજરાત સ્વાભાવિક રીતે જ તેનાથી નીચું છે.
ટેકરીઓ વચ્ચે વિખરાયેલી વસાહતો
આદિવાસીઓની વસતી, ડાંગ જેવો પછાત જિલ્લો, જંગલ વિસ્તાર, પહાડી ઊંચાઈ.. એ બધાના સમન્વયને કારણે ડોન કોઈ સામાન્ય પ્રકારનું પછાત ગામ હશે એવું માની લેવાનું મન થાય. પણ ત્યાં પહોંચ્યા પછી અમારી બધી માન્યતા ખોટી પડી. પહેલી વાત તો એ કે છેવાડે છે એટલે ડોન નાનકડું ગામ નથી. બહુ મોટું પણ નથી, પણ અઢી હજારની વસતી જેવડું છે.
દક્ષિણ ગુજરાતની પરંપરા પ્રમાણે ગામ વિવિધ સાત ફળિયામાં વહેંચાયેલુ છે. એટલે સામાન્ય રીતે ગુજરાતના ગામો હોય એમ મુખ્ય રસ્તાની બન્ને બાજુ વસેલું ગામ નથી. ફળિયા અલગ અલગ અને થોડા દૂર છે. વચ્ચે નાની-મોટી ટેકરીઓ પણ ખરી. એક જ જગ્યાએથી આખુ ગામ જોઈ શકાય એવી સ્થિતિ નથી. ફળિયું, એકાદ ટેકરી, ફરી ફળીયું.. એ રીતે વિખરાયેલું ગામ છે.
આદિવાસી અને ભીલ વસતી ધરાવતા આ વિસ્તારના ગામો, રહેણી-કરણી, રીત-રીવાજ.. વગેરે આખા ગુજરાત કરતાં થોડા અલગ છે. આદિવાસી ગામો સૌરાષ્ટ્રની જેમ મળતાવડા કે ઉત્તર ગુજરાતની જેમ બોલકા નથી હોતા. એટલે અહીં પણ ગામના પાદરમાં કોઈ ડાયરો જામેલો જોવા મળે કે એક સવાલ પુછો ત્યાં સાત ઉત્તર મળે એવું શક્ય નથી.
સૌંદર્યવાન ચોમાસું
ડોનનું મહત્ત્વ ખાસ તો ચોમાસા વખતે વધી જાય છે. ચોમસામાં ડોનના છેવાડે એક ધોધ પડવો શરૃ થાય છે. પહાડીમાંથી કામચલાઉ ધારા વહી નીકળે છે. એ ધોધને કારણે ડોનની લોકપ્રિયતામાં છેલ્લા થોડાક વર્ષથી જબ્બર ઉછાળો આવ્યો છે. સાપુતારા કરતા કંઈક અલગ જોવા સફર કરવા ઈચ્છતા લોકો ડોન તરફ નીકળી પડે છે. જોકે ચોમાસું તો ઠીક પણ ઉનાળામાં જ્યારે આખુ ગુજરાત ૪૦-૪૫ ડીગ્રીએ તપતું હોય ત્યારે અહીં તાપમાન ૩૦-૩૫ કરતા ઉપર જતું નથી. એટલે ઉનાળામાં અહીં સુધી આવનાર સફરીઓ નિરાશ થતાં નથી.
આદર્શ જાહેર થયા વગરનું આદર્શ ગામ
ગામને આદર્શ કે ગોકુળિયું ગામ જાહેર નથી કરાયું પણ ગામમાં હોવી જોઈએ એવી બધી સુવિધા છે. સૌથી પહેલાં તો છેક સુધી જવાનો રસ્તો છે. ડામર રસ્તો. પહાડી વળાંકો ધરાવતા એ રસ્તાની એક તરફ ભેખડ અને બીજી તરફ ખીણ હોવાથી ડ્રાઈવિંગ સાવધાનીપૂર્ક કરવું પડે. રસ્તાની એક તરફ રેલિંગ ફીટ થયેલી છે, એટલે રસ્તો સાવ અસાલમત પણ નથી. તેજ પવન સતત ફૂંકાતો રહે છે અને ક્યાંક ક્યાંક પથ્થરો ઉપરથી વરસી પડે એવી પણ શક્યતા ખરી. જોકે સફર વખતે દૂર દેખાતા ક્ષીતિજના રમ્ય દૃશ્યોને કારણે આ પ્રકારનો ભય ખાસ હાવી થતો નથી.
ગામ સુધી વીજળી પહોંચી છે અને જે કેટલાક ઘરો બાકાત છે, ત્યાં સુર્યનારાયણની કૃપાથી સોલાર લાઈટો ચાલે છે. ચોમાસા સિવાય લાઈટના ખાસ ધાંધિયા હોતા નથી. ગામના વિવિધ ફળિયાઓ વચ્ચે મળીને પાંચ પ્રાથમિક શાળા છે, એટલે શિક્ષણ ન મળવાનો પ્રશ્ન નથી.
ગામ સમૃદ્ધ હોવાની વધુ એ નિશાની એ પણ ખરી કે મકાન મોટે ભાગે ઈંટોના બનેલા છે. બાકી તો વાંસના બનેલા મકાનો ડાંગમાં જોવા સૌ ટેવાયેલા છે. પણ જેમને ઈંટોના મકાન પોસાય નહીં એ લોકો વાંસનો આધાર લે છે. ડોનમાં જોકે મોટા ભાગના મકાનો ઈંટોના જ બનેલા છે. એટલે ભલે ગામવાસીઓના ફળિયે હાથી-ઘોડા બાંધેલા નથી, પરંતુ સામે પક્ષે લોકો દુઃખી પણ નથી.
પહાડી ખેતી
પહાડી ભુપૃષ્ઠ છતાં ખેતી જ મુખ્ય વ્યવસાય છે. સિઝન પ્રમાણે ઘઊં, નાગલી, ડાંગર, જેવી ખેતી થાય છે. કોઈક સમૃદ્ધ ખેડૂતો વળી પાણી હોય તો ચોમસા સિવાય પણ ચણા-અડદ જેવી ખેતી કરી લે છે. બાકીના લોકો ઓફ-સિઝનમાં આસપાસના સ્થળોએ કામની શોધમાં નીકળી પડે છે. રોજગારીની સમસ્યા તો જોકે આખા ડાંગમાં છે, આ ગામ તેમાં અપવાદ નથી.
આખા ડાંગમાં ખેતી માટે બળદ કરતાં પાડાનો વધારે ઉપયોગ થાય છે. કેમ કે પાડા ઘણા સસ્તા પડે છે. પાડા સાથે ખેતી કરવાનું અહીંના કૃષિકારોને ફાવી ગયું છે. બળદગાડા (એટલે કે પાડાગાડા)ના પૈડાં પરંપરાગત રીતે લાકડાના જ છે, રબ્બરના ટાયર હજુ સુધી અહીં પહોંચ્યા નથી. એટલે પંચર પડવાનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો નથી. મોટે ભાગે તો ગામવાસીઓ ખેતી જ કરે છે, પણ ભણી-ગણીને આગળ નીકળેલા લોકો નોકરી કરે છે. સામાજિક જીવન બહુ શાંત છે. લોકો વચ્ચે ખાસ વગ્રવિગ્રહ કે ઝઘડા કરવાનું કોઈ કારણ નથી. પાસપાસેના ગામો વચ્ચે જ લગ્ન-બંધનો બંધાય છે, એટલે બાહ્ય જગત સાથેનો સબંધ મર્યાદિત રહે એ સ્વાભાવિક છે.
ઓછી સુવિધા, વધુ આનંદ
આખો ડાંગ જિલ્લો સુવિધાની દૃષ્ટિએ પાછો પડે એમ છે, પણ સુખમાં આગળ છે. ગામને દુનિયાની ખાસ પરવા નથી. પોતાની મસ્તીમાં અહીંના લોકો જીવે છે. જૂની પેઢી માથે ટોપી પહેરીને પરંપરા જાળવે છે, તો નવી પેઢીના ડીલ ઉપર ચે ગવેરાના ટી-શર્ટ પણ જોવા મળી જાય છે. અંદરોઅંદર કોંકણી ભાષામાં વાતો કરતાં અહીંના લોકેને બીનજરૃરી આધુનિકતા સ્પર્શી નથી. ટીવી અને ડિશ સહિતની સુવિધા ગામ પાસે છે. હા, બધાના ઘરોમાં નથી, પણ સમૃદ્ધ રહેવાસીઓ તો ટીવી દર્શનનો આનંદ માણી શકે છે.
હોટેલ્સ, રેસ્ટોરાં, કમર્શિયલ બાંધકામો, ઊંચા એપાર્ટમેન્ટ્સ, કે પછી કારખાનાઓની ભરમાર ડાંગમાં નથી. એટલે જ અહીંની પ્રકૃતિ જેમની તેમ જળવાઈ રહી છે. જંગલનું વ્યાપક પ્રમાણે ડાંગના કોઈ પણ એક સેન્ટરેથી બીજા સેન્ટરે જતી વખતે અનુભવાયા વગર રહેતું નથી. મોટા ભાગના રસ્તા જંગલ વચ્ચેથી જ પસાર થાય છે. જંગલ ન હોય તો દૂર ટેકરીઓ તો છે જ! જંગલના વ્યાપક પ્રમાણ વચ્ચેય ડોનને જંગલના સજીવો કે જંગલખાતાની રંજાડ નથી.
વરસાદ છે, પાણી નથી!
આખા ગુજરાતમાં છે એ પાણીની તંગી અહીં પણ છે. એટલે ઉનાળામાં પીવા સિવાયનું પાણી મળવું મુશ્કેલ છે. એવી બીજી સમસ્યા વાહનવ્યહારની છે. આહવાથી અહીં રોજ એક બસ આવે છે. એ સિવાય પ્રવાસ કરવો હોય તો પછી પોતાનું વાહન અથવા ફેરા મારતી જીપગાડીઓનો સહારો લેવો પડે. જોકે ગામના ઘણા-ખરા ઘરોમાં બાઈક છે, તો કોઈક ઘરોમાં ફોર વ્હિલર પણ છે. અલબત્ત, અહીં મોટા ભાગની ગાડીઓ મહારાષ્ટ્ર પાસિંગની જોવા મળે છે. કેમ કે આહવા કરતાં તો ૩ કિલોમીટર દૂર આવેલું મહારાષ્ટ્ર નજીક પડે અને વળી ત્યાંથી ઝડપથી મોરટસાઈકલની ડિલિવરી પણ મળી રહે છે. ઈમર્જન્સી વખતે 108 અહીં આવી પહોંચે છે.
પ્રવાસીઓ માટે સુવિધાઓ છે?
અહીં પ્રવાસીઓ માટે સુવિધાના નામે મીંડું છે. ગામના પાદરમાં જઈને ઉભા રહેનારને કોઈ પાણીનું પુછનાર પણ સરળતાથી મળતું નથી. એટલે પછી ઉતારા-ઓરડાની કે મેડીના મોલની તો કલ્પના જ થઈ શકે એમ નથી. ગામમાં બે-ચાર નાની દુકાનો છે, જ્યાં બિસ્કીટ જેવી સામગ્રી મળી રહે. ચા પણ મળવી મુશ્કેલ છે. એટલે એમ કહી શકાય કે ગામનું હજું સુધી વેપારીકરણ થયું નથી.
ડોન તો ઠીક નજીકનું ગામ સાત કિલોમીટર દૂર આવેલુ ગડદ છે. ત્યાં પણ આવી કોઈ સગવડ નથી. એ બધી સુવિધાઓ આહવામાં મળે. બાકી ભુલી જવાનું. એટલે પછી પ્રવાસીઓ અહીં આવે તો ભાતું સાથે લઈને આવે અથવા હરિહરના સમયે પરત ફરી જાય. દરમિયાન ડાંગમાં સાપુતારા સિવાય ખાસ કશું જોવા જેવું નથી, એવું માનતા લોકોને પણ ડોન વિકલ્પ પૂરો પાડી શકે એમ છે. પણ કેટલીક તૈયારી કરીને જવું પડે.હવે સરકારે આ સ્થળને ગુજરાતના સાપુતારા પછી બીજા હીલ સ્ટેશન તરીકે વિકસાવવાનું નક્કી કર્યું છે. એ વિકાસ તો થાય ત્યારે ખરો પણ અત્યારે તો ગુજરાતમાં જ અનોખી ભૂમિની સફર કરવી હોય તો ડોનની ચઢાઈ કરવી રહી.