
DIU-દીવમાં જોવા જેવા ઘણા સ્થળો છે અને બે-ત્રણ દિવસ તો સહેજેય પસાર થઈ જાય એટલું વૈવિધ્ય પણ છે. હવે દીવ જવાનું થાય તો કદાચ આ સ્થળો જોવામાં રસ પડશે..
વિશ્વા જે. મોડાસિયા

દીવમાં કુદરતની કરામત ડગલે ને પગલે જોવા મળે છે. તે ઉપરાંત દીવનુ મુખ્ય આકર્ષણ હોકા ટ્રિ છે જેને ત્યાના સ્થાનિકો રાવણ તાડીના નામે ઓળખે છે. મૂળ ઉત્તર આફ્રિકા તથા અરેબિયન ક્ષેત્રમાં ઉગતા તથા ડમ પામ નામે ઓળખાતા આ વૃક્ષો ભારતમાં ફક્ત દીવમાં જ જોવા મળતા હોવાનું અહીંના લોકો કહે છે. આ વૃક્ષના ફળ લાલ કલરના હોય છે તથા તેનો ઉપયોગ સ્થાનિક પીણું તાડી બનાવવામાં થાય છે.

તે ઉપરાંત પર્યટકોનુ મુખ્ય આકર્ષણ દીવના દરિયા કિનારે વસેલો દીવ ફોર્ટ છે. આ ફોર્ટની ત્રણે બાજુ દરિયો આવેલો છે જેથી તમે ફોર્ટ પરથી દરિયાની મજા લઈ શકો છો. આ ફોર્ટ ગુજરાતમાં આવેલી ખંભાતની ખાડીના મુખના કિનારા ઉપર વસેલો છે. આ આ ફોર્ટમાં વર્ષો જૂની તોપ, ચર્ચમાં વપરાતો ૧૭૨૦ની સાલમાં બનેલો ઘંટ વગેરે વસ્તુ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

ફોટોગ્રાફીનો શોખ હોય તો દીવથી ૩ કિલોમિટર દૂર આવેલી નાયડા કેવ સૌથી ઉત્તમ સ્થળ છે. આ કેવ-ગુફા કુદરતની કરામતનો આદર્શ નમૂનો છે. પીળા ,કેસરી જેવા અલગ-અલગ કલરના પથ્થરોની બનેલી આ ગુફા સૂર્યોદય તથા સૂર્યાસ્ત સમયે ફોટોગ્રાફી કરવા માટે સૌથી ઉત્તમ સ્થળ છે. આ ગુફાને ભુલભુલામણી ગુફાનું નામ આપવામાં આવ્યું છે કારણ કે જો તમને રસ્તો યાદ ના હોય તો તમે ગુફામાં ગોળ ગોળ ફરતા રહેશો.

દરિયા કિનારે આવેલું ગંગેશ્વર મહાદેવ મંદિર પૈરાણિક રીતે મહાભારત સાથે જોડાયેલ છે. એવું માનવામાં આવે છે કે પાંડવોના બાર વર્ષના વનવાસના સમયે તેમણે અહીંયા પાંચ શિવલિંગની સ્થાપના કરીને ભગવાન શિવની આરાધના કરી હતી. આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિર દરિયાની અંદર બનેલી ગુફામાં સ્થાપિત થયેલું છે તથા દરિયાનું પાણી સતત શિવલિંગ ઉપર જળ અભિષેક કરતું રહે છે અને દરિયાઈ ભરતી સમયે આખું મંદિર પાણીની અંદર ગરકાવ થઈ જાય છે. મનની શાંતિ જોઈતી હોય તો આ મંદિરની એક વખત મુલાકાત જરૂર લેવી જોઈએ.

તે ઉપરાંત અહિયાં સેન્ટ પોલ ચર્ચ, સેન્ટ થોમસ ચર્ચ વગેરે ખૂબસૂરત ચર્ચો પણ જોવા મળે છે. સેન્ટ પોલ ચર્ચનું બાંધકામ ગોવામાં આવેલા ચર્ચને મળતું આવે છે. સુંદર કોતરણીથી બનેલું આ ચર્ચ ખુબ જ શાંતિ પ્રદાન કરતું સ્થળ છે.

દીવથી ૨૨ કિલોમીટર દુર આવેલ નાગવા બીચ ઉપર તમે સ્પીડ બોટ, સ્કુબા ડાઈવિંગ, બનાના બુટ જેવી અનેક રાઇડની મજા લઈ શકો છો. તે ઉપરાંત આ ખૂબ જ ખૂબસૂરત દરિયાકિનારો હોવાથી ત્યાં તમે શાંતિથી બેસીને સનબાથ પણ લઈ શકો છો. ઘોઘલા બીચ ચક્રતીર્થ બીચ, જાલંધર બીચ, ગોમતી માતા બીચ તથા સિમ્બર બીચ જેવા દરિયા કિનારા પણ જોવાલાયક છે.

દીવથી છ કિલોમીટર દૂર આવેલ સી શેલ (સમુદ્રી છીપલાં) મ્યુઝિક પર્યટકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. આ મ્યુઝિયમ કેપ્ટન ફલબેરી નામના દરિયા ખેડૂતોએ દરિયાના અલગ અલગ વિસ્તાર માંથી સી શેલ ભેગા કરીને બનાવેલું છે. આ મ્યુઝીયમમાં અલગ-અલગ સી શેલના નમુના મૂકવામાં આવ્યા છે જેને પર્યટકો મેગ્નનીફાઈ લેન્સની મદદથી પણ જોઈ શકે છે તથા તેની ઉપર અભ્યાસ કરી શકે છે. ઉપરાંત બાળકોને મજા આવે તેવું ડાયનોસોર મ્યુઝિયમ પણ બનાવવામાં આવેલું છે જેમા અલગ-અલગ ડાયનોસોરના પૂતળાં બનાવીને મૂકવામાં આવ્યા છે. સેન્ટ પોલ ચર્ચમાં આવેલું દીવ મ્યુઝિયમ પણ પોર્ટુગીઝના સમયના ચિત્રો તથા કારીગરી નું દર્શન કરાવે છે.

તમામ તસવીરો – http://diutourismgov.in/ પરથી.