ધોળાવીરા : ગુજરાતની ધરતી પર આવેલું સૌથી રહસ્યમય નગર

ધોળાવીરા : એ નગરનું રહસ્ય ક્યારે ઉકલશે?

કચ્છમાં રાપરથી ઉત્તરે 80 કિલોમીટર દૂર આવેલું ધોળાવીરા ગામ ત્યાં મળી આવેલી પુરાતત્ત્વીય સાઈટને કારણે જગવિખ્યાત થયું છે. દુનિયાનું પહેલું ‘સાઈનબોર્ડ’ ત્યાંથી મળ્યું છે અને તેમાં શું લખ્યું એ ઉકેલી શકાતું નથી. એવા અનેક ભેદને કારણે આ નગરને ‘ભારતના સૌથી રહસ્યમય શહેર’ની ઓળખ આપી દેવી જોઈએ..

દૂર ક્ષિતિજ પર દેખાય એ ઊંચાણવાળો વિસ્તાર એ જ ખડીર બેટ કે નહીં!

પાંચ હજાર વર્ષ પહેલાથી સરૃ કરીને 3200 વર્ષ પહેલા સુધી એટલે કે લગભગ 1700-1800 વર્ષ સુધી આ નગર ધમધમતું હતુ. 3200 વર્ષ પહેલા એ ખંડેર થયું અને ત્યારથી ખંડેર જ છે. તેના અવશેષો આજે ત્રણ શહસ્ત્રાબ્દી પછી પણ જળવાઈ રહ્યા છે એટલે એ જમાનામાં કેવું ભવ્ય નગર હશે તેનો ખ્યાલ મળે છે.

નગરની ભવ્યતાનો આછો-પાતળો ખ્યાલ આ આયોજનમાંથી મળે છે. આ તસવીર ત્યાં સંગ્રહાલયમાં લગાવેલી છે.

હું બે વખત ધોળાવીરા જઈ આવ્યો છું અને દરેક વખતે એ શહેર (એટલે કે ખંડેર) મને વધુ રહસ્યમય લાગ્યું છે. જેમ કે ભાગ્યે જ પ્રવાસીઓના ધ્યાનમાં આવે એવું એ નગરનું સ્મશાન છે. જ્યાં મૃતકોની કઈ રીતે અંતિમવિધિ કરવામાં આવતી હતી એ ઉકેલી શકાતું નથી. કેમ કે હાડકાં પણ મળ્યાં છે અને અગ્નિદાહના પૂરાવા પણ મળ્યાં છે.

ધોળવીરામાં પોણા બે હાજાર વર્ષના નંદનવન યુગ દરમિયાન કોઈ એક નહીં પણ અનેક સંસ્કૃતિના લોકો રહ્યાં છે. એક પછી એક છ-સાત પ્રજાતિ શા માટે અહીં રહી હશે, શા માટે એક જ પ્રજાતિના લોકો ટકી નહીં શક્યા હોય, શા માટે બીજી પ્રજાતિએ અહીં આવવું પડ્યું હશે, આવનારા કોણ હશે, ક્યાંથી આવ્યા હશે.. એવા તો અઢળક સવાલો છે, જેના પૂરા જવાબ મળતાં નથી.

કચ્છમાં પ્રવાસન પ્રગતિ થયા પછી ધોળાવીરાના ભાગ્યનો પડદો ખૂલ્યો છે, બાકી તો રડ્યા ખડ્યા રખડપટ્ટી શોખીનો સિવાય ત્યાં કોઈ જતું ન હતું. હજુ પણ ઓછા પ્રવાસીઓ ત્યાં જાય છે, કેમ કે પથ્થરનો ઢગલો જોવામાં બધાને રસ નથી પડતો.

ગામના રહેવાસી ચમનભાઈ તથા અન્ય સાથીદારોએ અમને માહિતી આપી જે ઘણી રસપ્રદ હતી. મોટાભાગના પ્રવાસી એવી કોઈ માહિતીની માથાકૂટમાં પડતાં નથી. માટે ધોળાવીરાના ભેદ-ભરમમાં ઊંડા ઉતરી શકતા નથી.

રસ ન પડવાનું એક કારણ જાણકારી પ્રત્યે સેવાતુ દુર્લક્ષ છે. ત્યાં ગાઈડની સગવડ છે, ગાઈડ ન મળે તો પણ ધોળાવીરા ગામના કોઈ જુવાનને પૂછો તો નગર વિશે ચકાચૌંધ કરી દેતી માહિતી રજૂ કરે. પરંતુ મોટા ભાગના લોકો ત્યાં એમ જ આંટો મારીને નીકળી જાય છે. ત્યાં પુરાતત્ત્વખાતાનું સંગ્રહાલય છે તેની મુલાકાત લેવામાં આવે તો ત્યાં પણ માહિતીના બોર્ડ લગાડ્યા છે. એ વાંચવામાં કોઈને રસ પડતો નથી એટલે ધોળાવીરાની રહસ્યમય ધૂળને ઓળખી પણ શકાતું નથી.

આ સપાટ મેદાન એ દુનિયાનું પહેલું (કે પછી ભારતનું) ઓપન એર થિએટર છે કે બીજું કંઈ?

ભારતનું તો ઠીક પણ દુનિયાનું સૌથી પહેલું ઓપન થિએટર ધોળાવીરમાં હતુ. સાઈટની ઉત્તર દિશાએ આવેલું વિશાળ ખાલી મેદાન હકીકતે ચાર-પાંચ હજાર વર્ષ પહેલાનું થિએટર છે, જ્યાં મનોરંજન કાર્યક્રમો અને રોમન થિએટરોની માફક વિવિધ પ્રકારની દોડ યોજાતી હશે. આખા નગરમાં એ એક જ સાઈટ સૌથી મોટી અને સપાટ છે, છેડે સ્ટેજ જેવુ બાંધકામ છે, જે તેના થિએટર હોવાના પૂરાવા આપે છે.

નગરના દરવાજા બેશક આસાનીથી ખોલી ન શકાય એવા હતા.

બાહુબલી ફિલ્મ હોય કે રાણી લક્ષ્મીબાઈની કથા હોય.. દરેકમાં ગઢના દરવાજા અને તેના ખાસ પ્રકારના લોક સિસ્ટમનું મહત્ત્વ છે. ધોળાવીરાને ચાર દરવાજા હતા અને તેની તાળા-બંધી પ્રથા વિશિષ્ટ હતી. તેના પૂરાવારૃપે ત્યાં ગોળાકાર પથ્થરો હજુ પણ પડ્યા છે. બહારથી કોઈ આક્રમણખોર આવે તો પણ ધોળાવીરાના રહેવાસીઓની પરવાનગી વગર અંદર પ્રવેશી શકે નહીં.

આ ઢોળાવ હકીકતે નગરનું રક્ષણ કરતી બાહ્ય દીવાલ તો નથી ને…

ધોળાવીરા વિશે સતત સંશોધકો કંઈકને કંઈક ખાંખાખોળા કરતાં રહે છે. જેમ કે ગોવા સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીના સંશોધકો એવા તારણ પર આવ્યા છે કે ધોળાવીરાનો નાશ ત્સુનામીના કારણે થયો હોવો જોઈએ. હોઈ શકે! કેમ કે ધોળાવીરા એ વખતે બંદર હતું અને આજે પણ ચોમાસામાં તો ફરતું પાણી ભરાઈ જાય છે.

ધોળાવીરા નગર ફરતે બનેલા કોટની દીવાલ 18 મીટર (60 ફીટ) જેટલી જાડી હતી. આ જાડાઈ અકલ્પનિય લાગે પરંતુ તેના અવશેષો ત્યાં મોજૂદ છે એટલે ન માનવાનું કોઈ કારણ નથી. માત્ર દરિયાના પાણીમાં જ જોવા મળે એવા કણો ધોળાવીરાના પેટાળમાંથી મળ્યા છે, માટે કદાચ એ નગર પર પાણી ફરી વળ્યું હોય એમ બની શકે.

સંગ્રહાલયમાં માહિતીનો સંગ્રહ છે, પણ એ સંગ્રહ ઉલેચવા કોણ જાય?

ધોળાવીરામાં ખોદકામ દરમિયાન શું મળ્યું તેની વિગતવાર માહિતી ત્યાં સંગ્રહાલયમાં રાખી છે. અમને ધોળાવીરા વિશે રસપ્રદ માહિતી ગામના યુવાન ચમનભાઈ (9638242959)એ આપી હતી. કોઈને જાણકારીમાં રસ હોય તો એનો સંપર્ક કરવા જેવો છે. એ એક પછી એક સરપ્રાઈઝ વિગતો આપશે. હમણાં સુધી ત્યાં એ સત્તાવાર ગાઈડ હતા અને થોડી રોજી-રોટી કમાઈ લેતાં હતા. હવે સરકારે તેમની સેવા લેવાનું બંધ કરી દીધું છે. પણ બહારના પ્રવાસીઓ તો લઈ જ શકે છે.

ધોળાવીરમાંથી ઘણા અવશેષો મળ્યાં પરંતુ હાથી-ઘોડા-ઊંટ જેવા પશુઓના કોઈ અવશેષ મળ્યાં નથી. તેનો શું મતલબ? ધોળાવીરાવાસી આ પ્રાણીઓ વગર રહ્યાં હતા? તો પછી એ મુસાફરી કઈ રીતે કરતાં હશે..

પાણીનું ટીપેટીપું બચાવવાની ત્યાં યોજના હતી. વહી જતું પાણી છેવટે હોજમાં એકઠું થતું હતુ. એક હોજ ભરાઈ જાય તો વળી બીજા હોજમાં જતું રહે..

બીજું રહસ્ય એ કે આખા નગરના અવશેષમાંથી ક્યાંય કોઈ પ્રકારનું ધર્મસ્થળ મળ્યું નથી. એટલે પછી એ પણ સવાલ છે કે ધોળાવીરાવાસી ક્યો ધર્મ પાળતા હશે? આવા અનેક રહસ્ય ઉકેલવાના બાકી છે, એ માટે જરૃર છે કોઈક દેશી ઈન્ડિયાના જોન્સની.

સંશોધકોએ તૈયાર કરેલો ધોળાવીરાનો નકશો.

બાકી તો સરકારને આ સ્થળની જાળવણીમાં ખાસ રસ નથી. એટલે જ તો થોડા સમય પહેલા જ્યાં મશીન ચલાવી જ ન શકાય એવી ધોળાવીરાની ધરતી પર જેસીબી ફરી વળ્યું હતુ અને અનેક મિટર લાંબું ખોદકામ કરવામાં આવ્યુ હતુ.

ઈતિહાસ પ્રત્યેનો એ આપણો પ્રેમ કે બીજુ કંઈ..


ધોળાવીરાના ગામવાસીઓ મળીને રિસોર્ટ ચલાવે છે. ત્યાં રહેવા માટેનો એ એકમાત્ર વિકલ્પ છે. એકમાત્ર છે, એટલે જેવી મળે એવી સુવિધાથી ચલાવી લેવું પડે. આ રહી લિન્ક http://www.dholaviratourismresort.com/

https://rakhdeteraja.com/white-desert-near-dholavira/

waeaknzw

Gujarati Travel writer.