દેવળિયા સફારી પાર્કઃ વેલકમ ટુ ધ લેન્ડ ઓફ લાયન

સિંહ દર્શન એટલે સાસણ અને સાસણ એટલે સિંહ દર્શન એવી વ્યાખ્યા વચ્ચે સાસણથી દસેક કિલોમીટર દૂર સિંહોનું નાનકડું સામ્રાજ્ય છેઃ દેવળિયા સફારી પાર્ક! નામ પ્રમાણે આ સફારી પાર્ક છે, માટે તેનુ બાંધકામ માનવસર્જીત છે પણ સિંહો અને જંગલ તો કુદરત-સર્જીત જ છે!  

 

બહારનું દૃશ્ય સરળતાથી જોઈ શકાય એવી મોટી બારી અને મર્યાદિત સંખ્યામાં બેઠક ધરાવતા બસમાં અમે સવાર થયા. ઉબડ-ખાબડ થતી બસ જરાક આગળ ચાલી ત્યાં જુરાસિક પાર્કમાં પ્રવેશતી વખતે ડો.એલન ગ્રાન્ટ અને તેની ટીમ (1993માં આવેલી જુરાસિક સિરઝની પહેલી ફિલ્મ) જે દરવાજામાંથી અંદર પ્રવેશે એવો એક દરવાજો આવ્યો. ખાસ્સો ઊંચો, મજબૂત, કદાવર દરવાજો વટાવી અંદર પ્રવેશ્યાં. જંગલ શરૃ થયું.

બારીમાંથી બહાર બધુ આસાનીથી દેખાઈ શકે એટલા માટે જ તેનું કદ મોટું રખાયુ હતું. તો પણ પ્રવાસીઓ ડોકા તાણવા લાગ્યા. પણ બહાર હજુ કંઈ એવું બધુ જોવા જેવુ આવ્યું ન હતું. જરાક વાર બસ આગળ ચાલી ત્યાં ફરી બ્રેક લાગી. ખરા અર્થમાં જુરાસિક પાર્ક હોય એમ બીજો કદાવર દરવાજો આવ્યો. એ વટાવ્યા પછી જુરાસિક નહીં પણ લાયન પાર્કમાં અમારો પ્રવેશ થયો.


જરૃરી માહિતી આ સાઈટ પર ઉપલબ્ધ છે.

અમિતાભને જાહેરખબરમાં જોયા પછી સાસણ પહોંચીને વન-વિભાગની સફરમાં સિંહના દર્શન ન થાય તો સન્ની દેઓલની ફિલ્મ માર-ધાડ વગર પતી ગઈ હોય એવી લાગણી થાય! એવુ ન થાય એ માટે ‘દેવળિયા સફારી પાર્ક’ જવુ રહ્યું. જૂનાગઢથી સાસણ જતી વખતે સાસણ પાંચ-સાત કિલોમીટર દૂર હોય ત્યાં જમણી બાજુએ રસ્તો ફંટાય અને દેવળિયા સફારી પાર્ક એવુ બોર્ડ મારેલુ નજરે પડે. એ રસ્તે આગળ વધો એટલે થોડી વારમાં જ વધુ ગાઢ જંગલનો ભેટો થાય.

બન્ને બાજુ જંગલ અને વચ્ચે આ રસ્તો કોતરાયો છે. માટે રસ્તા કાંઠે હરણ અને એવા બીજા નાના-મોટા સજીવોના દર્શન તો બહુ સરળતાથી થવા માંડે. વળી કાળક્રમે અહીંના આ તૃણાહારી જીવો નિર્ભય બન્યા છે એટલે કોઈ ભટભટિયુ (મોટર સાઈકલ) નીકળે કે મોટુ વાહન, હરણને તેનો ડર લાગતો નથી. એ રસ્તાને કાંઠે ઉભા હોય ત્યાંથી ડરીને અંદર જતા રહેતા પણ નથી. આ રસ્તો ગીરના બીજા બધા રસ્તાની માફક સાંજ પડયે બંધ કરી દેવામાં આવે છે.

આ રસ્તો દેવળિયા નથી જતો.. પણ દેવળિયા જતો રસ્તો આવો જ છે. જંગલ વચ્ચે જાણે ડામરનો લીટો તાણ્યો હોય એવો.

જંગલની લિલોતરી વચ્ચે કાળો લીટો તાણ્યો હોય એવો દૂર દૂર સુધી દેખાતો સીધો રસ્તો કપાતો જતો હોય ત્યાં જ આવી પહોંચે દેવળિયા સફારી પાર્ક. શાળામાં ઊંચ-નીચનો ભેદ મિટાવવા ડ્રેસકોડ હોય એમ અહીં પણ બધા પ્રવાસીઓ સરખા જ છે. દરેકે લાઈનમાં ઉભા રહીને ટિકિટ લેવાની અને વારો આવે એટલે વન-વિભાગની ખાસ પ્રકારે ડિઝાઈન કરેલી બસમાં બેસીને પાર્કની સફરે ઉપડવાનું. અહીં વ્યક્તિદીઠ દોઢસો રૃપિયા જેવી મામુલી ટિકિટ છે અને કેમેરો કે એવો સામાન હોય તો એનો વળી લધુતાગ્રંથીનો અનુભવ કરાવે એવો ચાર્જ છે. એ ચૂકવીને બસમાં ગોઠવાઈ જવાનું. અમે એવી જ બસમાં ગોઠવાયા હતા.

બે ભીમકાય દરવાજા વટાવીને અમારી બસ અંદર પ્રવેશી. હવે રસ્તો થોડો સપાટ હતો એટલે બસે ગતી પકડી. બસમાં રહેલા ડ્રાઈવર કમ ગાઈડે દરવાજો પહેલેથી જ બંધ કરી દીધો હતો અને પ્રવાસીઓએ નીચે નથી ઉતરવાનું એવી ખાસ સૂચના આપી હતી. કોઇ ધરાર ઉતરે તો પછી તેનું સ્થાન સિંહ-સિંહણના પેટમાં પણ હોઈ શકે..

બસ આગળ ચાલી ત્યાં બુમો સંભળાઈ –  એ દેખાય.. એ દેખાય.. દેખાયુ પણ એ હરણનું ટોળું હતું. ડ્રાઈવર-ગાઈડે તેની પ્રાથમિક માહિતી આપી, કોઈએ સવાલ કર્યો તો તેનો પણ જવાબ આપ્યો. આ જંગલમાં નાના-મોટા ઘણા રસ્તા આમ-તેમ ફંટાય છે અને દરેક રસ્તાને જંગલને શોભે એવુ નામ આપી દેવાયું છે. જેમ કે નીલગાય રોડ, ચિંકારા રોડ, વાઈલ્ડ બોર રોડ.. બસ આગળ ચાલી, ફરી બ્રેક મારી ફરી દેખાય છે.. દેખાય છે…ના કોલાહલ વચ્ચે નીલગાય, બીજા નિર્દોષ સજીવ જોવા મળ્યાં. પણ અમને બધાને રસ વનરાજાના દીદારમાં હતો.

બસ આગળ ચાલી. બધા ભાર દઈને પોતાની સીટ પર બેઠા. ફરી ઉભી રહી પરંતુ કોઈએ દેખાય દેખાયની બુમો ન પાડી. કેમ કે કંઈ દેખાયુ નહું. ખરેખર જોવાનું ત્યાં જ હતુ. ડ્રાઈવરે આંગળી ચીંધીને કહ્યું જુઓ પેલા વડલા નીચે પાટડા બેઠા.. પાટડામાં બધાને ક્યાંથી સમજાય! એટલે સમજાવ્યું કે જુવાનીમાં પ્રવેશી રહેલા સિંહ પાટડા કહેવાય. બધાની આંખો ત્યાં સ્થિર થઈ. પાટડાનું કદ મોટું ન હોય તેમ સિંહ માટે આઈકોનિક ગણાતી કેશવાળી પણ ન હોય.

દેવળિયા પહોંચતા પહેલા પણ રસ્તાના કાંઠે હરણ જોવા મળી જાય છેે.

સફારી પાર્કમાં સિંહ દર્શનનો સમય એવો રાખવામાં આવ્યો હોય કે ત્યારે વનરાજા મોટે ભાગે આરામ ફરમાવતા હોય. એટલે કોઈ વૃક્ષ નીચે કે પછી ઢૂવામાં છૂપાઈને બેઠા હોય. પ્રવાસીઓને તેને કારણે જ સિંહ સરળતાથી જોવા મળે. પાટડા પણ આરામની મુદ્રામાં લાંબા-ટૂંકા થઈને પડ્યા હતા.

જો સાથે બચ્ચાંઓ હોય તો એ ગેલ-ગમ્મત કરતાં હોય છે. પ્રવાસીઓના કોલાહલનો તેને કોઈ ફરક પડતો નથી. ઉલટાના કેટલાક સિંહો તો ભલુ હોય તો બસની નજીક આવે અને કમરે ખંજવાળ આવતી હોય તો એ કમર બસ સાથે ઘસીને જતાં પણ રહે! હોર્સ-પાવરથી ચાલતી બસ એ વખતે લાયન-પાવરથી હલબલવા માંડે. એવા દાખલા પણ નોંધાયા છે.

 

દરેક સફરમાં કેટલાક લોકો એવા હોય જ જે સતત એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યા કરે કે મને બધી જાણકારી છે. અમારી બસમાં પણ એવા ‘ગૂગલસ્વરૃપ’ ભાઈઓ હતા. તેમણે કહ્યું કે આ સિંહ તો પાળેલા હોય એવા ઢીલા-ઢફ છે. સિંહની પૂંછડીના વાળ જેટલીય માહિતી ન હોય એવા લોકો નિયમિત રીતે આવા સર્ટિફિકેટ આપતા હોય છે. પણ ડ્રાઈવરે એ ભાઈને સમજાવ્યું કે તમારો હાથ-ડોકું અંદર રાખો કેમ કે 30 ફીટ દૂર બેઠેલા એ ઢીલા સિંહને તમારા સુધી પહોંચવામાં 2 સેકન્ડ પણ નહીં લાગે. અને પહોંચશે તો પછી ખબર પડશે કે ઢીલું કોણ છે? એ સૂચનાથી ગૂગલસ્વરૃપ ભાઈ સિવાય સૌ કોઈને મજા આવી અને ગૂગલસ્વરૃપનું નેટ કનેક્શન કપાઈ ગયું હોય એમ તેમની માહિતી ગંગા અટકી પડી. પ્રવાસીઓને શાંતિ થઈ.

સફારી પાર્ક છે, એટલે કે આખો વિસ્તાર પેક કરેલો છે. ગીરના કેટલાક સિંહોને અહીં લાવીને રખાય છે. એમના માટે પૂરતો શિકાર પણ છે. એટલે જંગલમાં કંઈ ખૂટતું નથી. બસનો એક-દોઢ કલાક પ્રવાસ ચાલે એમાં ઝરખ સિવાય (કેમ કે એ નિશાચર છે) બધા પ્રાણી જોવા મળી જાય. અહીં માનવભક્ષી દીપડાને પણ કેદ કરી રાખવામાં આવ્યા છે. એ તેમની સજા છે.

મેં ઘણી વખત સિંહ જોયા છે, જોતો રહું છું. પણ તોય દેવળિયા સફારી પાર્કનો અનુભવ અલગ છે અને એ કરવા જેવો પણ છે. હવે તો દેવળિયાની માફક ગીરના પૂર્વ વિસ્તારના પ્રવાસીઓને સાસણ સુધી લાંબુ ન થવું પડે એટલા માટે ધારી પાસે આંબરડી ખાતે બીજો સફારી પાર્ક બનાવી દેવાયો છે.

પ્રવાસ માટે ઉપયોગી માહિતી…

  • બુધવાર સિવાય પાર્ક ખુલ્લો હોય છે અને સવારે ત્રણેક કલાક તથા બાપોરે ત્રણેક કલાક સિંહ દર્શન કરાવાય છે. સાંજના પાંચ થાય ત્યાં સુધીમાં સફારી આટોપી લેવાય છે. હવે બૂકિંગ ઓનલાઈન થઈ શકે છે.
  • જૂનાગઢ પહોંચ્યા પછી અડધા દિવસનો સમય હોય તો પણ દેવળિયા ફરીને આવી શકાય એમ છે. પોતાની ગાડી હોય તો પ્રવાસ ઉત્તમ બની રહેશે.
  • સાસણમાં મોંઘા ભાવની જિપ્સીમાં નથી ફરી શકતા એવા મધ્યમવર્ગના અને ઘણે અંશે સ્થાનિક પ્રવાસીઓ આ પાર્ક રાઈડ પસંદ કરે છે. કરવી પણ જોઈએ કેમ કે તેમાં સિંહ દર્શન ગેરન્ટેડ છે. દેવળિયા જોકે એકાંતપ્રિય કહી શકાય એવુ પ્રવાસન ધામ નથી, પણ લોકપ્રિય ખુબ જ છે. એક દિવસના 3 હજાર પ્રવાસીઓ પાર્ક જોવા આવ્યાના દાખલા પણ નોંધાયા છે. અલબત્ત એ ભીડ તહેવારમાં હોય, સામાન્ય દિવસોમાં એટલો બધો મહેરામણ હોતો નથી.
  • વધુ વિગત માટે આ રહી સત્તાવાર સાઈટની લિન્ક http://girlion.in/DevaliyaSafariParkDetails.aspx

waeaknzw

Gujarati Travel writer.