‘ડિફેન્સ કોરસપોન્ડન્ટ કોર્સ’ના એક મહિનાની સફર દરમિયાન નૌકાદળ, વાયુદળ, ભૂમિદળ અને સંરક્ષણ મંત્રાલયની મુલકાતના અંતે શું મળ્યું?
ભારતનું સંરક્ષણ મંત્રાલય દર વર્ષે ‘ડિફેન્સ કોરસપોન્ડન્ટ કોર્સ (DCC)’ નામનો એક, એક મહિનાનો અભ્યાસક્રમ યોજે છે. નામ પ્રમાણે આ અભ્યાસક્રમ પત્રકારો (કોરસપોન્ડન્સ) માટે છે. દેશભરમાંથી 35 વર્ષથી નીચેની વયના ત્રિસેક જેટલા પત્રકારો દર વર્ષે પસંદ કરી તેને સેનાની ત્રણેય પાંખ અને ચોથું સંરક્ષણ મંત્રાલય એ ચારેય વિભાગનો અતિ નજીકથી પરિચય કરાવે છે.
આ વખતના 32 પત્રકારોની ટીમમાં ગુજરાતમાંથી ચાર પસંદ થયા હતા અને એમાં એક હું પણ હતો (બીજા ત્રણ મિત્રો 1. અર્પણ કાયદાવાલા – ઝી 24 કલાક, નંદન દવે – ફોટોગ્રાફર પીટીઆઈ, દીપક મકવાણા – જીટીપીએલ). આ કોર્સનો મુળ ઉદ્દેશ સંરક્ષણ વિશે લખનારા પત્રકારો સંરક્ષણના વિવિધ પાસાંને સારી રીતે જાણી શકે અને તેથી ભવિષ્યમાં સારી રીતે લખી શકે એવો છે. પત્રકારત્વના વિવિધ વિષયમાં સંરક્ષણ થોડો અલગ વિષય છે કેમ કે તેમાં માહિતી હોય તો પણ દર વખતે લખવાની નથી હોતી. સરકારના બીજા બધા વિભાગ એવું ઈચ્છતા હોય કે પત્રકારો તેમની સિદ્ધિ વિશે લખે.. જ્યારે સંરક્ષણ મંત્રાલય એવુ ઈચ્છે કે ભાઈ તમે અમારી સિદ્ધિ વિશે ન લખતા. મૂળ વાત એટલી કે ક્યારે લખવું, કેટલું લખવું, શું લખવું, શું ન લખવું.. વગેરે જેવી અનેક સમજણ મળી રહે એટલા માટે આ કોર્સ અતી ઉપયોગી છે. આખા કોર્સનો અનુભવ અકલ્પનિય અને શબ્દોમાં વર્ણવી ન શકાય એવો રહ્યો. વળી આ કોર્સ પછી પણ અમારે તેની ઘણી સંવેદનશિલ વિગતો જાહેર કરવાની નથી. એવી વિગતો જાહેર કર્યાં વગર કોર્સનો પરિચય..
- કોર્સ ચાર ભાગમાં વહેંચાયેલો હતો, નૌકાદળ, હવાઈદળ, ભૂમિદળ અને સંરક્ષણ મંત્રાલય. મુંબઈથી 25મી ઓગસ્ટે અમારી સફર શરૃ થઈ. અહીં 31મી સુધી અમે નૌકાદળના વિવિધ વિષયો સમજ્યા. આખા અભ્યાસક્રમાં થિયરી અને પ્રેક્ટિકલ એવા બે ભાગ હતા. એટલે કે ક્લાસરૃમમાં માહિતી અપાતી હતી, જરૃર પડ્યે સમજાવટ માટે બહાર પણ ફેરવાતા હતા. જેમ કે દરિયામાં ભારતના યુદ્ધ જહાજો કઈ રીતે કામ કરે એ સમજાવ્યા પછી આખો દિવસ મિસાઈલસજ્જ ફિર્ગેટ ‘આઈએનએસ બ્રહ્મપુત્ર’ પર દરિયાઈ સફર અને વિવિધ ડેમોન્સ્ટ્રેશન કરતાં કરતાં પસાર કર્યો. એ રીતે સબમરિન વિશે સમજાવટ પછી સબમરિનની મુલાકાત પણ લીધી. સબરમિનનો બોઈલર રૃમ 45થી 50 ડીગ્રી તાપમાને સળગતો હોય. ત્યાં પણ અમે પહોંચ્યા.. કેમ કે ત્યાં પણ સબમરિનરો તો કામ કરે જ છે.
- સમુદ્રમાં બે જહાજો પાસપાસે આવે, એકબીજા પાસેથી સામાન કે માણસોની હેરાફેરી કઈ રીતે કરે, સમુદ્રમાં શંકાસ્પદ જહાજની તલાશી કેમ લેવાય, જહાજને સબમરિનની હાજરીનો પત્તો કેમ લાગે, જહાજ સમુદ્રના બારામાંથી કઈ રીતે બહાર નીકળે, કઈ રીતે પરત આવે, યુદ્ધ જહાજની જિંદગી કેવી હોય, સ્પેશિયલ કમાન્ડો કઈ રીતે કામ કરે.. વગેરે માહિતી પ્રેક્ટિકલ રીતે મળી.
- મુંબઈનું નૌકાદળ 1735માં સ્થપાયેલું છે. એ ઐતિહાસિક છે, કેમ કે બ્રિટિશરોએ અનેક યુદ્ધો અહીં બનેલા જહાજો પર ઉભા રહીને લડ્યા હતા. ત્યાં હમણાં જ નવું ડ્રાય ડોક બન્યું. તાલુકા મથક જેટલા માણસોને સમાવતું નેવલ ડોક યાર્ડ કઈ રીતે કામ કરે?
- વિવિધ વિષયના વ્યાખ્યાનો હતા. જેમ કે.. સમુદ્રી ચાંચીયા સામે લડત, દક્ષિણ આફ્રિકાના કાંઠાથી લઈને છેક ઓસ્ટ્રેલિયા સુધી ભારતીય નૌકાદળ એકમાત્ર એવી ફોર્સ છે, જે હિન્દ મહાસાગરનું અને તેમાંથી વર્ષે પસાર થતા સવા લાખ જેટલા આખા જગતના વ્યાપારી જહાજોનું સંરક્ષણ કરે છે. કઈ રીતે કરે છે?, દરિયાઈ ભૂગોળનો અભ્યાસ, નકશા તૈયાર કરવા, આપણી સરહદ બહાર થતી પ્રવૃત્તિ પર નજર રાખવી, સબમરિન વોરફેર, મેરિટાઈમ ઇતિહાસ, આખા દેશના કાંઠે થતી તમામ પ્રવૃત્તિ પર નજર અને તેનું એક સ્થળે સંકલન, કોસ્ટ ગાર્ડ, નૌકાદળની કામગીરી ક્યાં અલગ પડે, ક્યાં ભેગી થાય?, કુદરતી-કૃત્રિમ આફત વખતે નૌકાદળની મદદ, નૌકાદળના જહાજો વિવિધ દેશોની મુલાકાત લે તેની પાછળની કૂટનિતિ અને આવા તો બીજા ઘણા વિષય જાણ્યા-સમજ્યા.
- નૌકાદળ પછીની સફર ચંદીગઢ-અંબાલાની હતી. એરફોર્સનું ટ્રાન્સપોર્ટ બેઝ ચંદીગઢમાં છે. ફાઈટર વિમાનો વિશે આપણને વધુ માહિતી હોય, પરંતુ ટ્રન્સપોર્ટ વિમાનો એટલા જ મહત્ત્વના છે. સિઆચેન જેવી 20 હજાર ફીટની ઊંચાઈ પર આવેલી પોસ્ટ પર ટ્રાન્સપોર્ટ વિમાનો-હેલિકોપ્ટર જ રોજ રોજ સામાન પહોંચાડે છે.
- ચંદીગઢથી 50 કિલોમીટર દૂર અંબાલામાં એરફોર્સના ફાઈટર વિમાનોનું મથક આવેલું છે. અહીં જેગુઆર અને મિગ-21 બાયસન જેવા વિમાનોની સ્કવોડ્રનો રખાઈ છે.
- એરફોર્સનું કામ વધારે પડતું મશીનો સાથેનું છે. દરેક મશીનોમાં સેંકડો-હજારો અને ક્યારેક લાખો વાયરિંગ-ઈલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ, મિકેનિલકલ કનેક્શનો હોય છે. એમાંથી એકાદમાં ગરબડ સરજાય તો અકસ્માત થાય. અકસ્માત થાય ત્યારે આપણને સવાલ થતો હોય કે કેમ થતાં હશે.. તેના જવાબો ત્યાં મળ્યા. બીજા ઘણા બધા જવાબો પણ મળ્યા.
- એરફોર્સ પછી પહોંચ્યો કાફલો જમ્મુ. કલમ 370 પછી જમ્મુ જવાનું થયું એટલે મનમાં ઘણી શંકા-સવાલો હતા. અમે બસમાં જઈ રહ્યાં હતા. ક્યારે કાશ્મીરમાં પ્રવેશ્યા અને ક્યારે જમ્મુના પાદરમાં પહોંચી ગયા તેની ખાસ ખબર ન પડી. જમ્મુમાં બેશક સુરક્ષાકર્મીઓનો જમાવડો છે, પરંતુ સ્થિતિ સામાન્ય છે. સામાન્ય છે એટલે અમને રોજ સાંજે કોર્સમાંથી પર આવ્યા પછી (જો સમય વધે તો) ગામમાં આમ-તેમ રખડવાની છૂટ હતી.
- જમ્મુ પાસે નગરોટા નામના ગામે આર્મીની 16મી કોરનું હેડક્વાટર છે. આ કોર હેઠળ જ આપણને સમાચારોમાં નિયમિત વાંચવા-જોવા મળે છે એ રજૌરી, પૂંચ, અખનુર, નૌશેરાની લાઈન ઓફ કન્ટ્રોલ આવે છે. અઠવાડિયાના રોકાણ દરમિયાન લાઈન ઓફ કન્ટ્રોલની મુલાકાત લીધી, સિઝ ફાયર વાયોલેશન કોને કહેવાય એ સમજ્યા અને તેનો ન થવા જેવો (પણ યાદગાર) અનુભવ પણ થયો.
- ચારેક કિલોગ્રામ વજનનું બૂલેટ પ્રૂફ જેકેટ, એક-સવા કિલોગ્રામનો બૂલેટપ્રૂફ ટોપો પહેરીને સંવેદનશિલ વિસ્તારોમાં ફર્યાં, પેટ્રોલિંગ કર્યું, રાતે પણ પેટ્રોલિંગ કર્યું અને સૈનિકો કેવી કઠણ જિંદગી ગુજારે છે, તેનો જાતઅનુભવ લીધો.
- જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સૈન્યદળ ડબલ રોલ ભજવે છે. એક સરહદનું સંરક્ષણ, બીજો રોલ સિવિલ એડમિનિસ્ટ્રેશન જેવો છે. અનેક સરહદી વિસ્તારો એવા છે, જ્યાં સ્કૂલ-દવાખાના વગેરે પ્રાથમિક સુવિધા પહોંચી શકતી નથી. પરંતુ આર્મી એ કામ બખૂબી કરે છે. આર્મીની અફલાતૂન સ્કૂલો ચાલે છે, જેમાં દૂર દરાજના બાળકો ભણવા આવે છે. એમના માટે હોસ્ટેલ વગેરે સગવડ છે અને પછી એ બાળકો દેશભરમાં નામ પણ કાઢે છે. એ રીતે જરૃર પડ્યે મેડિકલ સુવિધા માટે આર્મી પળવારમાં હેલિકોપ્ટર ઉતારીને એર એમ્બ્યુલન્સ જેવી સેવા પુરી પાડે છે. જો આર્મી ન હોય તો સરહદી વિસ્તારમાં કોઈ સરકાર આ સુવિધાઓ પહોંચાડી ન શકે કેમ કે 70 વર્ષમાં તો પહોંચી શકી નથી.
- ટેન્ક રાઈડ, ફાયરિંગ, જમીનમાં છૂપાયેલી સુરંગ શોધવી.. વગેરે કામગીરી પણ કરાવી
- છેલ્લો ભાગ દિલ્હીમાં સાઉથ બ્લોક કહેવાતા રજવાડી બિલ્ડીંગમાં કામ કરતાં સંરક્ષણ મંત્રાલયની સમજણનો હતો. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ કઈ રીતે કામ કરે.. કેટલા વિભાગ.. ક્યો નિર્ણય કોણ લે.. વગેરેની સમજણ આપી. રાજનાથ સિંહને સમય હતો એટલે અમને મળ્યાં પણ ખરાં.
- કોર્સનો મૂળ ઉદ્દેશ લશ્કરની ત્રણેય પાંખો વિશેની સમજણ વિકસાવવાનો હતો. એ ઉદ્દેશ મારા કિસ્સામાં તો 100 ટકા પૂર્ણ થયો છે. સમજણ તો વિકસી પરંતુ આર્મડ ફોર્સિસ વિશે વિચારવાની દિશા પણ સદંતર બદલાઈ ગઈ છે.
- આખો કોર્સ પૂર્ણ કર્યા પછી ત્રણ વાત સમજાઈ છે. 1. આપણે બધા ત્રમેય સેના દ્વારા વેલ પ્રોટેક્ટેડ એટલે કે બરાબર સુરક્ષિત છીએ. 2. કોઈ કોર્પોરેટ કંપની કે કોઈ સરકારી વિભાગમાં લશ્કરની ત્રમેય પાંખ જેટલું શિસ્ત, પ્રોફેશનાલિજમ, નમ્રતા, પ્રતિબદ્ધતા અને પોતાના કામમાં નિપૂણતા.. જોવા મળે એવું અશક્ય છે. 3.ત્રણેય પાંખો પાસે અસાધારણ અને આપણે કલ્પના ન કરી શકીએ એવી ટેકનોલોજી છે, જે સરહદો સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
અમારી સફરની માહિતી આપતી વધુ કેટલીક લિન્ક્સ
ભૈ વાહ,
આ તો બરાબર પરંતુ અનુકૂળતાએ વધુ વિગતો અપેક્ષિત છે
Superb.